Kalpesh Patel

Drama Romance

4.9  

Kalpesh Patel

Drama Romance

મોકો

મોકો

4 mins
1.1K


પિયરથી પાછી આવી છું ત્યારથી સાસરે કંઈ ગોઠતું નથી. જ્યારે કારણ ખબર હોવા છતાં હોય પરિસ્થિતી હાથ બહારની હોય ત્યારે, પેલું ચણાનો કોફતો ફાટે, ને ચણો દડી જાય એવું વારે ઘડી હૈયે થતું હતું. સાસુમાં એ આ હાલતમાં પૂછ્યું, એલી ‘સુખી’ આમ ઘેલા ક્યાં કાઢે, પણ બાને શું કે'વું ?

આજે પૂરા ત્રણ દિવસ થયા. ઘરકૂકડીની જેમ ઘરમાં જ રહી છું. એને લાગી આવ્યું: ‘બળ્યો આ અવતાર.પહેલ વહેલકી દિવાળીના તહેવારના, દિવસોમાય ધણી ઘેર ના આવે તાણે આમ સાસરે દોડી આવી, બની ઠની રહેવાનો શું અર્થ ?’ સુખીની આંખો ભીની થઈ. ગળામાં ડૂમો બાઝતો હતો. કૂણા કૂણા કાંડા ઉપર ત્રણ દિવસથી કાચની નવી રંગીન બંગડીઓ પહેરી હતી. હાસ્તો, મફો દિવાળીના દિવસોમાં આવે ત્યારે પ્લાસ્ટીકની બંગડી થોડી ચાલે કંઈ ? સાસરે આવતાં પહેલાં મામાના દીકરાએ અપાવેલી બંગડી ઠઠારી હતી, પણ તેને જોવા વારુ કોણ. બહેનપણીઓ તો કહેતી’તી, ‘તારો વર તો સુરતથી આવશે એટલે ભાતભાતની સાડીઓ લાવશે. હીરા ઘસવામાં તો ઘણી કમાણી, તો મફતલાલના વટનું તો શું કહેવાનું હોય ? મૂઈ, તું તો મોડું પણ ઘણું સારું મેળવી બેઠી એમ ગણાય, શહેરી માણસના લાડ નોખા હોય,આ પહેલી દિવાળીના તહેવારમાં મજાનો “મોકો” ના મૂકતી, સહિયરોની થતી આવી થયેલી કાનફૂસી સાથે હસવાનું સાંભરી આવતાં સુખીનો જીવ ચૂંથાતો હતો.

બા કે’ છેક સાંજથી છે કે: મુખીના ખોરડે શહેરમાંથી આણેલું દિવાળીનું દારૂખાનું ફૂટતું જોવા આંગણામાં જઈને બેસ, પરંતુ બહાર નીકળાય એમ હોય તો તે જાયને ! ગામ આવવા નીકળી તે દિવસે સુખીને નાકમાં ઝીણી ફોલ્લી જેવુ હોય તેવું લાગેલું. હતી તે માલણ, પણ મફાની સાથેના સહેવાસના “મોકો” નહીં ચૂકવાની લહાણમાં તેણે આળસ કરી કંઈ ધ્યાન ના આપ્યું. હવે નાકે ચણી બોર જેવડી ગોટી થઈ અને નાક ખાસ્સું સુઝી થયું હતું તો તેનાથી, પવનમાં કેમ બહાર જવાય ?

દિવાળી હોવાથી શેરીના છોકરાં મેરાયાં લઈને પડોશના ઘરોની પડસાળો ગજવતાં હતાં – ‘આજ દિવાળી કાલ દિવાળી આજે અમારું મેર મેરાયું…’ મફત હોત તો સુખીને હરખ થયો હોત. મફતની આળી યાદમાં છોકરાઓની બૂમો તેના કાને પહોચી નહીં તેથી એ મેરાયાંમાં તેલ પૂરવા જઈ ન શકી. સાસુબાએ જઈને તેલ ઊંજી દેકારો બોલાવતી છોકરોની ટોળકીને વિદાય કરી. વીતી રાતે ઘર-પડસાળ સૂનાં પડ્યાં. વહુવારુઓ છોકરાઓ અને થોડી ઘણી ડોશીઓ તારામંડળ ને ચકરડી-ફૂલજરી -કોઠીઓની ઝાક ઝામાર મુખીના આંગણે ચાલી રહેલી આતશબાજી જોતા હતા, અને સુખીને એનાં સાસુબા બોલાવતી હતી. ‘હેંડ, વહુ બેટા.’ પણ ઉદાસ સુખી બોલી નહીં કે 'હું આવું છું – ’

બહાર દિવાળીની આતશબાજી પૂરી થઈ ગઈ અને છોકરાઓના અવાજ જંપી ગયા હતા. સુખીની આંખો ઝૂલતા હીંચોળે ક્યારે ઘેરાઈ ને ક્યારે એ જંપી ગઈ એની એને કશી ખબર ન રહી. મોડી રાતે પડખામાં કશોક ઊનો ઊનો સુંવાળો સ્પર્શ થતો હોય તે ભ્રમ થયેલો, આ મનગમતો ભ્રમ ભાંગે નહીં તે બીકે તે ભ્રમે ઘુંટાતી હતી. સમણામાં રીસની મારી એ મફતને હડસેલી રહી હોય એવુંય થયું. મનગમતો ભ્રમ સુખીને તંદ્રામાંથી ઊંડી ઊંઘમાં છેવટે ખેંચી ગયો. અને પેલી મનમાં ઘૂંટાઇ રહેલી “મફત”ની તહેવારમાં પણ ગેરહાજરીની ફરિયાદ અધવચાળે જ લટકતી રહી, ઝંપી ગઇ હતી.

બેસતા વરસના દિવાસની ટાઢી સવારના ઉજાસમાં પરાણે વહાલી લાગતી સૂતેલી સુખીને ઊઠવા, બાએ સાદ દીધો ત્યારે સુખી ઊઠી અને એ તેના દાંતે મફાએ આપાવેલ બ્રશ કરવાનું વિચારતી હતી. ત્યાં જ બાની ચા માટે બૂમ પડી. અને પાછું યાદ આવ્યું કે બા રોજ કે’તા :, તારા આ બરાસને મફા સાથે શહેરમાં જાય ત્યાં વાપરજે, અંઈ ગામડે રે તાં’હુધી દાતણ જ કર. તેથી સુખીએ કમને બ્રશ પડતું મૂકી દાતણ લીધું હતું. પણ સાલું આ બાવળિયું તો હવે બહું વાગે. ચાવો, બળ્યું તેનો કૂચો કરો અને પછી દાંતે રગડો અને પાછું મોંમાં જાણે બાવળિયાની શૂળ ફરતી હોય એવું લાગે છે. આજે ત્રીજા દિ માં અવાળા છોલાઈ ગયા ને બધું ઝઝરી ઊઠ્યું જ્યાતા સુખી કોગળા કરી રસોડે ગઈ !

વહેલી સવારમાં સપરમાં દિવસે સબરસ કહેતા, રસોડે પડોશના સવિતાબેન,સાસુમાં પાસે બળાપો કરતાં હતા, હારું ખેતીમાં અ’વે કંઈ બરકત રઈ નથી. એક પછી એક વરહ બૉ વહમાં આવે છે. ઘરનો ખરચો તો નીકળતો નથી. બે નણંદના પ્રસંગ ઉકેલતા બા અમારી તો કેડ ભાંગી ગઈ છે. પછી ઉમેરતા બોલ્યા તમારે તો દસે આંગળિયો ઘીમાં, મફો સુરતમાં નોટો છાપે અને તમો અંહી કપાસના કાલા ઉતારો. તમારે આ દિવાળી એટ્લે ખર્ચ માટેનો “ મોકો” અને બંને હાથ લાડુ. હવે તો તમે જ બા, કંઈ મદદ કરે તો જ આ દિવાળીના તહેવારના ખરચને પોંહોચાય. અમે આખરે તો મજૂરિયાં રહ્યા, અમારે વળી દિવાળી કેવી ? આમારે તો આ ખેતી, એને હેતી ગણો કે ફજેતી, આમ અમારે હોળી-દિવાળી બધું હરખું બા. સપરમાં દિવસની રાત પડે ભાખરીના બે લાડવા ને દાળભાત ખાવાનાં. ગોખલે એકાદ દીવો થાય ને છોકરાવો બે ટેટા ફોડે એટલે આમારી દિવાળી પૂરી. ખરી દિવાળી તો તમારા ઘેર જ્યાં દીકરો સુરત શહેરથી ઘેર થેલો ભરીને આવતો હોય તે ઘેર વહુ હીંચોળે ઝૂલતી હોય.

“હીંચોળે ઝૂલતી” સાંભળી સુખીના હાથમાં રહેલી રકાબી છટકી અને સબડકો લે તે પહેલા ચા જમીન ઢોળાઇ ગઈ. અચાનક બનેલી ઘટનાથી સુખી પણ દાઝતાં માંડ માંડ બચી ગઈ. એકાદ છાંટો તો ઊડ્યોય ખરો. પણ એનું ધ્યાન એમાં ન હતું. ભોય પડ્યા પછી પણ બચી ગયેલી કાચની રકાબીએ કરેલો અવાજ, એની આળા મનમાં કોઈને સુખી કરવાનો મોકો ઉપસી આવ્યો …..!

સુખી ચા પડતી મૂકીને ઓરડે ગઈ ને છ કાચની બંગડી લાવી સવિતાબેનના હાથમાં મૂકી, લો સવિતાબા તમે પણ મને શું યાદ કરશો ? બંગડીઓ પહેરો અને સપરમાં દિવસોમાં લાલા ના બાપા કને ખરક્લો કરવાનો મોકો ના ચૂકતા અને આશિષ આપજો. સવિતાબેને આભારવશ તેમનો હાથ તેમના પગે ઝૂકેલી સુખીને આશિષ આપવા લંબાવ્યો ત્યારે સુખીના નાકે થયેલી ચણી બોર જેવડી માલણ ફૂટી ગઈ હતી અને તેના લોહીથી હાથ ખરડાઈ ગયા હતા, પણ સુરતની ફાસ્ટ ચૂકી ગયેલો મફત આખરે માલગાડી પકડી આવી ચૂક્યો હોઈ, સુખી માટે સવિતા બાના બંને હાથના લાડુ બોલાયેલા શબ્દો સાચા પડી “મોકો” સાચવતા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Drama