Rekha Patel

Romance

3  

Rekha Patel

Romance

મિલન

મિલન

3 mins
129


કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું નભ પણ એક ઉદાસી લઈને બેઠું હતું. પાણી ભરેલાં વાદળોની વચ્ચે અસ્તાચળે જતાં સૂરજનાં આછા કિરણો ઝબકી જતાં હતાં. રાહ જોતી વનિતા પણ આ ઉદાસીની પળને માણતી પોતાનાં પિયુની રાહ જોતી હતી. 

વનિતા અને વરૂણ એક જ ડાળના કિલ્લોલ કરતાં બે પંખીઓ હતાં. તેમની ઉડાન ઊંચા આસમાન સુધી હતી. પ્રણયનાં કેફમાં હાથમાં હાથ નાખીને પ્રકૃતિને ખોળે ફરી રહ્યાં હતાં. બે હાથ ફેલાવીને વનિતા ઊભી હતી અને વરૂણ મૌનનો સાગર બની આંખોમાં ગુલાબી સપનાઓ ભરી વનિતાની બાંહોમાં ક્યારેય છૂટા ન પડીએ એવાં આશય સાથે બંને એકબીજાની બાંહોમાં સમાઈ ગયાં. 

શબ્દોને વિરામ આપી આંખોની ભાષા બોલતી હતી. પ્રકૃતિ પણ સાથ પુરાવતી હતી. નભનાં વાદળો પણ ઘડીકમાં છાયો ને ઘડીકમાં તડકો કરતાં પ્રેમીઓને વરસાદમાં ભીંજવી દીધાં. સારીયે કાયનાત તેમનાં મિલનની સાક્ષી બનીને મહેકી ઊઠી. વાદીઓમાં પ્રેમની ગુંજ સંભળાતી હતી. શ્વાસોશ્વાસનાં લય પણ એકબીજામાં ગૂંથાઈ ગયાં. ફરી મળીશું એવાં વાયદા સાથે છૂટા પડ્યાં એ સાથે જ ધોધમાર વરસાદ વરસી પડ્યો. 

જવાનાં રસ્તા તેમનાં દિલમાં મળતાં હતાં. વનિતાને બસસ્ટેન્ડ પર ઉતારી મિલનનાં કેફમાં વરૂણની બાઈક પાણીને વીંધતી પુલ પરથી જતી હતી. એક જોરદાર પાણીનું વહેણ આવ્યું અને તે બાઈક સાથે નદીમાં તણાવા લાગ્યો. બાઈક છૂટી ગઈ પણ તેને બચવા માટે કોઈ આશરો નહતો. આ વિસ્તાર સુમસામ જંગલનો હતો. અહીં કોઈ મદદ કરે એવું હતું નહીં. તે ભગવાનને ભરોસે નદીનાં વહેણમાં ઝઝૂમતો રહ્યો અને તણાતો તણાતો ક્યાંય દૂર નીકળી ગયો. 

વનિતા બસ પકડીને પોતાને ઘેર પહોંચી ગઈ. થાક ઉતારી બીજા દિવસનાં મિલનની ઘડીઓ ગણવા લાગી. તેને થયું વરસાદ બહુ હતો. પહાડી રસ્તો હોવાથી તે સહીસલામત પહોંચી ગયો હોય તો સારું એમ વિચારીને તેની ચિંતા કરવા લાગી. 

સવાર સુધી વરૂણ આવ્યો નહીં એટલે તેની શોધખોળ થવા લાગી. તેનું પ્રારબ્ધ તેને ક્યાં ખેંચી ગયું હશે ? તેનાં માતાપિતા બહુ ચિંતિત હતાં પણ શું કરે ? સમજ પડતી નહતી. તેનાં મિત્ર પાસે માહિતી મળી કે તે જંગલને રસ્તે વનિતા સાથે ફરવા ગયો હતો. તેઓ વનિતાને ઘેર આવ્યાં અને કહ્યું, " વરૂણ હજી આવ્યો નથી". આ સાંભળી વનિતા બેભાન થઈ ગઈ. તેનાં માતાપિતા એ તરફ તેને શોધવા નીકળ્યાં. નદીનાં કિનારે બાઇકને કાદવમાં ખૂંપેલી જોઈ પણ વરૂણ ન દેખાયો. કંઈ ખરાબ બની ગયું એવી આશંકા થઈ. તેઓ ત્યાંથી પાછાં આવી દિલ પર પથ્થર રાખી તેની રાહ જોવા લાગ્યાં. 

વરૂણ નદી કિનારે આવેલા એક આશ્રમ પાસે બેહોશ હાલતમાં પડ્યો હતો. એક આશ્રમવાસીએ તેને જોયો. તેઓ જલ્દી તેની પાસે આવ્યાં. તેની નાડી ધીમી ચાલતી હતી અને હૃદયના ધબકારા પણ મંદ હતાં છતાં તેને બચાવવાનાં આશયથી તેને આશ્રમમાં લાવ્યાં. ત્યાંના વૈદે સઘન સારવાર કરી તેને નવું જીવન આપ્યું. હવે તે હરતો ફરતો થઈ ગયો હતો. તેને તેનાં માતાપિતા અને વનિતાની યાદ આવી. તેઓની હાલત વિશે વિચારવા લાગ્યો. 

તેણે વૈદની આશ્રમવાસીઓ અને સંતની ઘરે જવા માટે રજા માગી. તેમણે રાજીખુશીથી રજા આપી અને તબીયતની કાળજી રાખવાનું કહ્યું. 

પ્રારબ્ધ વશ વરૂણ જ્યાંથી જૂદો પડ્યો ત્યાં આવ્યો. તેને આશા હતી વનિતા ત્યાં જ મળશે. એક કૃશકાય માનુની ત્યાં ઊભી હતી. વરૂણ તેને પાછળથી ઓળખી ન શક્યો. તેનું દિલ કહેતું હતું કે આ જ વનિતા છે. તે ધીરે રહીને સામે આવ્યો. આંખોમાં એક અજબ ચમક સાથે તે હોશ ખોઈ બેઠી. ધીરેધીરે તેણે આંખો ખોલી અને શબ્દ વિહિન મૌનથી વરૂણને આંખોમાં ભરી દિલમાં ઉતારી રહી. વરૂણે તેને બાંહોમાં ઝીલી વિરહી દિલ એક બની માતાપિતાને ચરણોમાં પ્રણામ કરવા પહોંચી ગયાં. 


Rate this content
Log in

Similar gujarati story from Romance