lina joshichaniyara

Drama Inspirational

4  

lina joshichaniyara

Drama Inspirational

મારો હક અને મારી ફરજ

મારો હક અને મારી ફરજ

9 mins
246


"કાવ્યા, આ શું કરી રહી છે તું ?"

"જુહી, તું જોવે તો છે કે સાઈન કરી રહી છું. આજે પણ કરવી અને કાલે પણ કરવી જ છે તો પછી આજે જ સહી કરીને અવિનાશને આપી દઉં ને જેથી કરીને બધી કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય."

"અરે પણ સહી કરતા પહેલા એકવાર વાંચી તો લે અને આ બાબતે વધુ એકવાર વિચારી લે. હું તો તને આ કાગળ ઉપર સહી કરવાની ના જ પાડું છું. કાવ્યા, આ તારો હક છે અને એ તારે લેવો જ જોઈએ."

"જુહી, કેવી વાત કરે છે તું ? એમાં વાંચવાનું અને વિચારવાનું શું હોય ? અવિનાશ મારો ભાઈ છે અને મને એની ઉપર પૂરો ભરોસો છે. આમ પણ, માતા-પિતાના ગયા પછી બધી સંપત્તિ દીકરાને મળે એમાં ખોટું શું છે ?"

"કાવ્યા, એમાં ખોટું કંઈ જ નથી. પરંતુ પિતાની સંપત્તિ ઉપર દીકરા-દીકરીનો સમાન હક થાય છે. પહેલા દીકરીઓને હક મળતો ન હતો પરંતુ આજે તો કોર્ટે આ હક દીકરીઓને આપ્યો છે. મારા મત મુજબ તો આ હક તારે લેવો જ જોઈએ. તારે આ કાગળો ઉપર સહી ન કરીને નવા પેપર્સ બનાવવા જોઈએ જેમાં તારો અને તારા ભાઈનો સમાન હિસ્સો હોય."

"જુહી, આ તું કહે છે ? તું મારી ભાભી થઈને આવી વાત કરે છે ? મને તારા અને ભાઈ ઉપર પૂરો ભરોસો છે. તમે બંને ક્યારેય મારુ અહિત નહિ કરો. મારા કરતાં પણ મમ્મી-પપ્પાને તારા ઉપર પૂરો ભરોસો હતો કે તું ક્યારેય મને દુઃખી નહિ કર. અવિનાશ તો મારો ભાઈ છે, એની સાથે તો મારો લોહીનો સંબંધ છે. એ મને પ્રેમ કરે એમાં નવાઈ નથી પણ તું મારી ભાભી થઇને મને દીકરીની જેમ પ્રેમ કરે છે. સાચે જ હું ઘણી નસીબદાર છું અને ગયા જન્મમાં મેં ઘણાં પુણ્ય કર્યા હશે કે મને તારા જેવી ભાભી અને અવિનાશ જેવો ભાઈ મળ્યો છે. આ બાબતે હું ભગવાનનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ભલે ભગવાને મારા માતા-પિતાને એમની પાસે બોલાવી લીધા હોય પરંતુ માતા-પિતા જેવા ભાઈ-ભાભી આપ્યા છે."

"કાવ્યા, હમણાં જ તે કહ્યું ને કે અમે તારું અહિત ન કરી શકીએ. તો પછી તું મારી વાત માનતી કેમ નથી ? અમે તને પ્રેમ કરીએ છીએ અને હંમેશા કરતા રહીશું. પરંતુ આ તારો હક છે અને એ તારે લેવો જ જોઈએ. તારું નહિ તો તારા બે બાળકોનો તો વિચાર કર. આજે પરિસ્થિતિ સારી છે અને ઇચ્છિએ કે આવનારા ભવિષ્યમાં પણ સારી જ રહે. પરંતુ સમય એક સરખો ચાલતો નથી. તારે તારા વર્તમાનને જોઈને નહિ પરંતુ ભવિષ્યનો વિચાર કરીને તારે નિર્ણય લેવો જોઈએ. "

"જુહી, તું મને ગમે તે કહે પણ હું નથી માનવાની."

"કાવ્યા, તારો નિર્ણય ગમે તે હોય પરંતુ મેં અને તારા ભાઈએ નવા પેપર્સ તૈયાર કરાવી લીધા છે. તને તારા હકનું મહત્વ કદાચ અત્યારે નહિ સમજાય એટલે અત્યારે અમે તને કંઈ જ જણાવશું નહિ." જુહી મનમાં બોલી.

"જુહી, ઓ જુહી, ક્યાં ખોવાઈ ગઈ ? આ લે આ પેપર્સ અને અવિનાશને આપી દેજે."

"કાવ્યા, હું તને અમારા ગામનો હમણાં જ બનેલો કિસ્સો કહેવા માંગુ છું."

ગયા વર્ષે અમારા ગામમાં મનહરકાકાનું અવસાન થયેલું. મનહરકાકા એ અમારા ગામના સૌથી પ્રતિષ્ઠિત અને ધનવાન વ્યક્તિ હતા. સ્વભાવથી તો એમની અમીરી કરતાં પણ અમીર હતા. ગરીબોને મદદરૂપ થવું એ એમના માટે એટલું જ મહત્વનું હતું જેટલું કે શ્વાસ લેવાનું. હંમેશા બધાને મદદરૂપ થનાર મનહરકાકાને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો હતા. અતિશય ધનવાન હોવાની સાથે સાથે એમના સંતાનોમાં સંસ્કાર પણ અતિશય ભર્યા હતા. ભાઈ હંમેશા બહેનોને સુખી રાખવા માટે તત્પર હોય. પછી ભાઈના લગ્ન થયા અને ભાભી આવી. બંને બહેનોના પણ લગ્ન થઇ ગયા. દરેક પોતાના સંસારમાં ડૂબી ગયા. જ્યાં સુધી બધા વ્યવહાર મનહરકાકા સાંભળતા હતા ત્યાં સુધી ભાભી પણ નણંદોનું સારું રાખતા. પછી અચાનક શું થયું કે મનહરકાકા એ બધું જ પોતાના દીકરાને આપી દીધું. બંને બહેનો એ પોતાનો હક માંગવાની કોશિશ કરી તો એમને પણ સમજાવી અને બધું જ ભાઈને આપી દેવા કહ્યું. બંને બહેનોએ પણ પોતાનો હક ન માંગ્યો.

એમને વિશ્વાસ હતો કે ભાઈ કાળી રાત્રે પણ જો જરૂર પડી તો મદદ માટે આવી જશે. ભાઈ તો જેવો હતો એવો જ સારો રહ્યો પણ પછીથી અચાનક થી ભાભી નો વ્યવહાર બદલાઈ ગયો. નાની-નાની વાતોને મોટું સ્વરૂપ આપી ઝગડા કરવા લાગી. બંને બહેનોએ ભાભીના આવા વ્યવહારથી કંટાળીને પિયર આવવાનું બંધ કરી દીધું. મનહરકાકાના અવસાનના બે દિવસ પહેલાં મારા પપ્પા એમને મળવા ગયા હતા. મારા પપ્પા એમના અકાઉન્ટન્ટ હતા એટલે પેપર્સમાં સાઈન લેવા ગયા હતા. પપ્પા પાસે મનહરકાકા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. જયારે મારા પપ્પાએ કારણ પૂછ્યું તો એમનો જવાબ સાંભળીને પપ્પા પણ આઘાત પામ્યા.

"જયેશભાઈ, મેં બહુ મોટી ભૂલ કરી નાખી. બધી સંપત્તિ એકલા દીકરાના નામે કરી એના કરતા મારા ત્રણેય સંતાનોને સરખા ભાગે આપી હોત અથવા તો બંને દીકરીઓને થોડું ઘણું આપી શક્યો હોત. તમને તો ખબર જ છે કે મારી દીકરીઓની પરિસ્થિતિ સામાન્ય છે. કાલે ઉઠીને એના છોકરાઓના લગ્ન કરશે તો નાના તરફથી એમની પાસે કંઈ જ નહિ હોય. હું આટલી મોટી સંપત્તિનો મલિક હતો છતાં પણ હું કંઈ આપી શક્યો નહિ. સંપત્તિ મળ્યા પછી વહુનું વર્તન એટલું ખરાબ થઇ ગયું કે મારી દીકરીઓ ઘરે આવતી પણ નથી. જેથી કરીને હું અને એમનો ભાઈ શાંતિથી જીવી શકીએ. હું તો મરણપથારીએ પડ્યો છું. મારી ઈચ્છા હતી કે બંને દીકરીઓને મારી યાદી રૂપે કંઈક આપતો જાઉં. પણ હવે મારી પાસે દેવા માટે કંઈ જ નથી સિવાય આશીર્વાદ."

" પણ શેઠ, તમે બધી જ સંપત્તિ દીકરાને કેમ આપી દીધી ? તમારા જેવા સુઝબુઝવાળા માણસથી આવી ભૂલ કેમ થઇ ગઈ ?"

"જયેશભાઇ, મારી વહુએ મને ધમકી આપી હતી કે જો હું બધી સંપત્તિ મારા દીકરાના નામે નહિ કરું તો એ મારા બંને પૌત્રોને મારીને પોતે પણ મરી જશે. એ સમયે હું એટલો ડરી ગયો હતો કે મેં એણે જેમ કીધું એમ જ કર્યું. તમે ઘરના જ છો એટલે બધું જાણો જ છો કે મારી વહુ કેવી માથાફરેલ છે. ભગવાન આવા દિવસો કોઈને પણ ન દેખાડે."

"કાવ્યા, હું તને એટલે જ કહું છું કે જે હક તને કાયદાકીય રીતે મળી રહ્યો છે એને લેવાય જ. આપણે સ્ત્રીઓ ભાવનાઓમાં આવીને આપણો હક જતો કરીને ભૂલ કરીએ છીએ. આપણે સમાજ પાસે દીકરા સમાન હક માંગીએ છીએ અને જયારે આપણને હક મળે છે ત્યારે દિલથી વિચારીને નિર્ણયો લઇએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ. જરૂરી નથી કે દર વખતે પૈસાની જ બાબત હોય અને આપણે હક માંગીએ. આ હક આપણને આપણા માતા-પિતા તરફથી મળેલી એમની યાદ, એમના આશીર્વાદ અને આપણી આર્થિક સલામતી રૂપે મળે છે તો એ સ્વીકારવો જ જોઈએ."

કાવ્યને પોતાની ભાભી સાથે થયેલો સંવાદ યાદ આવી ગયો અને આંખમાં આસું સાથે જુહીએ આપેલા પેપર્સને જોઈ રહી. આજે એ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં આવી ગઈ હતી. પતિનું અચાનક એક્સીડેન્ટમાં મૃત્યુ, પતિના પાર્ટનર્સે આપેલો દગો અને એમણે પચાવી પાડેલું પોતાનું ઘર અને પતિનો હિસ્સો, સાસરામાંથી પતિને ખાઈ ગઈ એવું લેબલ લગાવીને મળેલો જાકારો, બે સંતાનોનું ભરણપોષણ,પહેરેલ કપડે અવિનાશના ઘરે લીધેલો આશરો અને ભાઈ-ભાભીએ આપેલા આ પ્રોપર્ટીના પેપર્સ.

"શું વિચારે છે કાવ્યા ?"

"જુહી, અત્યારે મને તારી વાત સમજાય છે. મારો હક જતો કરીને મેં કેટલી મોટી ભૂલ કરી હતી. આ તો સારું છે કે તે અને અવિનાશે પહેલેથી જ વિચારીને આ પેપર્સ બનાવી લીધા હતા નહિ તો......"

"બસ કાવ્યા, કેટલું રડીશ ? તારા પતિની બેદરકારીનું આ પરિણામ છે નહી તો તમને એમાં પણ હક મળે. પણ જે થયું હોય એ. તારે લડવું હોય તો પણ અમે તારી સાથે જ છીએ."

"ના જુહી, મારે કોઈ સાથે લડવું નથી. એમાં હવે કંઈજ થઇ શકે એમ નથી."

"કાવ્યા, આ તારી જ સંપત્તિ છે. એમાંથી તું આરામથી ઘર પણ લઇ શકીશ અને તારો કંઈક નાનો વ્યવસાય પણ શરુ કરી શકીશ. આમ તો આ ઘર પણ તારું જ છે. તું અહીં કાયમી રહીશ તો પણ મને કે તારા ભાઈને કોઈ જ તકલીફ નથી. પરંતુ આમ કરવાથી તું ડિપેન્ડેન્ટ થઇ જઈશ. અમે ઇચ્છિએ છીએ કે તું સ્વાવલંબી બને અને જિંદગી નવેસરથી જીવવાનું ચાલુ કર. તું તારા બાળકો માટે પ્રેરણા બન. પછી તારી મરજી...."

કાવ્યાએ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો હતો. એણે નાના બુટિકથી શરુ કરી અને આજે ૫ વર્ષમાં ફેશનની દુનિયામાં ઘણું નામ કમાયું. ધીમે ધીમે બીજા નવા બિઝનેસ પણ શરુ કર્યા. બંને બાળકોને સારું શિક્ષણ અને સારી પરવરીશ આપી. 

આ બાજુ અવિનાશને બિઝનેસમાં ઘણી મોટી ખોટ ગઈ. એ ખોટ સરભર કરવામાં બધું જ વેચાઈ ગયું. બસ એક ઘર કે જેમાં એ લોકો રહેતા હતા અને એક જૂની ફેક્ટરી બસ એ જ બચ્યું હતું. હજી પણ ૬ મહિનામાં ૩૭ લાખની ખોટ પુરી કરવાની હતી. એ જો ઘર વહેંચે તો જ પુરી થાય એમ હતી.

"જુહી, અવિનાશ....ક્યાં છો તમે ?"

"અરે કાવ્યા, આવ.. આવ..આમ અચાનક ? ઠીક છે ને બધું ?"

"કંઈ ઠીક નથી અવિનાશ. તારી માથે હજી ૩૭ લાખનો કરજ છે એ વાત મને કેમ ન કરી ? મને જુહીએ કીધું કે બધો કરજો ચૂકવાઈ ગયો છે. જે જૂની એક ફેક્ટરી પડી છે એમાં નવેસરથી બધું શરુ કરીશું. આ તો મામા સાથે વાત થઇ એમણે મને વાત કરી. શું હું એટલી પરાઈ થઇ ગઈ ?"

"એવું નથી કાવ્યા. હજી ૬ મહિના છે આપણી પાસે એટલે...."

"જુહી, અવિનાશ આ પેપર્સ રાખો."

"આ શેના પેપર્સ છે ?"

"આ શહેરની બહાર મારો એક પ્લોટ છે જેની અંદાજિત કિંમત અત્યારે 70 થી 8૦ લાખ થશે. હજી કાલે જ મેં પ્રોપર્ટી દલાલ સાથે વાત કરી. આ એમનું કાર્ડ છે. તું એને ફોન કરી ને બધું સરખું સમજી લે. આ પ્લોટ મેં તારા નામે કરી દીધો છે. એને વેંચીને તારું કરજ ચૂકવી દે અને જે પૈસા વધે એમાંથી નવેસર થી બિઝનેસ ચાલુ કર."

"કેવી વાત કરે છે કાવ્યા ? અમે આ કેવી રીતે રાખી શકીએ ? તું ચિંતા ન કર કંઈક બીજો રસ્તો કાઢી લઈશુ. હજી તો આપણી પાસે સમય છે. "

"કેમ જુહી ? યાદ છે આજથી 6 વર્ષ પહેલા જયારે હું મારો હક લેવા માંગતી ન હતી તો તે મને હક વિષે કેટલું સમજાવી હતી ? તો શું દીકરીઓનો ખાલી હક જ હોય ? દીકરીઓની કોઈ ફરજ ન હોય ? તું અને અવિનાશ મારા માતા-પિતા સમાન છો. માતા-પિતા મુશ્કેલીમાં હોય તો દીકરી તરીકે મારે મારી ફરજ ન બજાવવી જોઈએ ? આપણે હંમેશા એવું કહેતા હોય છે કે દીકરી સાસરે ચાલી ગઈ છે, એ એના સંસારમાં ડૂબી ગઈ છે. પણ શું સાસરે જવાથી, પોતાના સંસારમાં ડૂબી જવાથી માતા-પિતામાટે દીકરીનું સ્થાન બદલાઈ જશે ? જયારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે માઁ એવું થોડી વિચારે છે કે ગર્ભમાં દીકરી છે તો હું એક રોટલી ઓછી ખાઈશ કે દીકરો છે તો હું એક રોટલી વધુ ખાઈશ ? જયારે ગર્ભમાં રહેલા બાળકમાં ફરક નથી કરતા તો પછી જન્મ પછી ફરક શા માટે કરવો ? માતા-પિતા ઉપર જેટલો હક દીકરાનો છે એટલો જ હક દીકરીનો પણ છે ને ? તો પછી ફરજ માં દીકરી કેમ ભુલાઈ જાય છે ? માતા-પિતાની સેવા દીકરીએ પણ કરવી જ જોઈએ ને ? જયારે હક સમાન છે તો ફરજ પણ સમાન જ હોવી જોઈએ. કેમ બરાબર ને ? આમ પણ, હું, મારા બંને બાળકો અને તમારી દીકરી રીતિ ૧ મહિના માટે યુરોપની ટુરમાં જઈએ છીએ. તો તમે આરામ થી બધું કામ કરી શકશો."

"પણ કાવ્યા, તું અમારી કરોઈ થાય એટલે અમે આ ન રાખી શકીએ અને રીતિની ટુર પણ અત્યારે તો અમને નહિ જ પરવડે."

"અવિનાશ, જુહી હું સમજી શકું છું બધું. તમે અત્યારે આ રાખી લો પછી જયારે તમારી સગવડ થાય ત્યારે મને પાછું આપી દેજો. મને તમારી કાબેલિયત અને પ્રામાણિકતા ઉપર પૂરો વિશ્વાસ છે. એટલે જ તો તમારી ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના ઘર પૈસા વિનાના ન રહે એ માટે ૩ મહિનાના પગાર સાથે એમને છુટા કર્યા. આજના જમાનામાં એવું કોણ કરે અને એ પણ પોતાની સંપત્તિ વેંચીને ? તમે ચોક્કસ સફળ થશો. કેમ કે ફક્ત તમારી મહેનત જ નહિ પણ એમની દુવાઓ પણ તમારી સાથે છે. રહી વાત રીતિની ટુરની તો શું બધી ફરજ મામા-મામી એ જ નિભાવવાની હોય ? ફઈનો કોઈ હક નહિ ભત્રીજી ઉપર ? આમ પણ હમણાં એનો જન્મદિવસ આવે છે તો મારા તરફથી આ ટુર એને ભેટ છે. હવે કંઈ પણ વધુ ચર્ચા કર્યા વિના બધું શાંતિથી પાર પાડી દો. હું રીતિને લઈ જાઉં છું કાલે અમારે ટુરમાં જવું છેને ?"

હસતી-હસતી કાવ્યા પોતાને ઘરે જવા નીકળી. જુહી અને અવિનાશ ભીની આંખે એને અને રીતિને જતા જોઈ રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama