Prashant Subhashchandra Salunke

Abstract Tragedy Inspirational

4.5  

Prashant Subhashchandra Salunke

Abstract Tragedy Inspirational

મારા કારણે

મારા કારણે

6 mins
413


જેલની કોટડીમાં બંધ ડ્રાઈવર રઘુને મળવા તેની પત્ની કમલી આવી હતી.

કમલીની આંખમાં અશ્રુ જોઈ રઘુને કંઈક અઘટિત બની ગયાનો અંદેશો આવી ગયો હતો.

“શું થયું કમલી ?”

જવાબમાં કમલીએ જે કાંઈ કહ્યું તે સાંભળીને રઘુ ચોંકી ઊઠયો હતો, “કમલી, આ તું શું કરી રહી છે ?” જેલના સળિયા પર ભીસ વધારતા તે આગળ બોલ્યો, “કહી દે કે આ બધું ખોટું છે.”

કમલીને ચુપચાપ ઊભેલી જોઈ રઘુ હૈયાફાટ રૂદન કરી રહ્યો. હૃદય કંપાવી દે તેવી તેના ચીખ પોકારથી જેલની દીવાલો કંપી ઊઠી અને તેની આંખમાંથી વહી રહેલ અશ્રુઓના પ્રવાહમાં જેલની ફર્શ ભીંજાઈ રહી. શબ્દોનો ઘાત શસ્ત્રોના આઘાત કરતા વસમો સાબિત થઈ રહ્યો હતો. કમલીની વાત સાંભળીને રઘુના હૃદયમાં અસહનીય પીડા થઈ રહી. તેના માટે આ આઘાત જીરવવો મુશ્કેલ હતો.

રઘુના મસ્તિષ્કમાં અસંખ્ય વિચારો ઉત્પાત મચાવી રહ્યા હતા. તેનું વ્યથિત હૃદય કમલીની વાત સ્વીકારવા તૈયાર નહોતું.

‘શું પોતે સાંભળ્યું હતું એ સાચું હતું ?’

કમલીના કથનની ખરાઈ કરી લેવા રઘુએ રૂંધાયેલા કંઠે પૂછ્યું, “કમલી શું તું સાચું કહી રહી છે ?”

કમલીએ હકારમાં માથું હલાવતા રઘુ ભોય પર ફસડાઈ પડ્યો.

“હે ભગવાન આ શું થઈ ગયું ?”

કમલીએ રૂંધાતા સ્વરે કહ્યું, “મારી વાતનો વિશ્વાસ કરો. છોટેબાબા હવે આપણી વચ્ચે નથી રહ્યા.”

કાનમાં જાણે ગરમ ગરમ સીસું રેડાયું હોય તેમ રઘુ તડપી ઊઠ્યો. વેદના અસહનીય થતા તેણે બંને કાનને બે હાથ વડે દબાવી દીધા.

“પણ આ બન્યું કેવી રીતે ?”

કમલીએ આંખમાં આવેલ અશ્રુઓને લૂછતાં કહ્યું, “આજે સવારે છોટેબાબાની કારનો એક ટ્રક સાથે અકસ્માત થતા તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.”

રઘુ આ સાંભળી પોક મૂકીને રડવા લાગ્યો. કમલી તેના સૂરમાં સૂર મેળવી રહી. બંનેના વિલાપથી જેલની દીવાલો પણ રડી રહી.

છોટેબાબા ઉર્ફ વિકાસનો બાલીશ ચહેરો રઘુની આંખ સામે આવી તેને પરેશાન કરી રહ્યો. ઊફ ! તેના હૈયામાં એક ટીસ ઉમટી. રઘુ પીડાથી છટપટી ઊઠ્યો, “પણ શેઠે છોટેબાબાને કાર ચલાવવા આપવાની શું જરૂર હતી ?”

“શેઠ છોટેબાબાને કાર આપવાની ધરાર ના પાડી હતી. પરંતુ આજકાલના છોકરાઓ એમ જીદ છોડે ખરા ? છોટેબાબાએ બે દિવસથી કશું ખાધુપીધું નહીં. આખરે શેઠને તેમની જિદ સામે નમી કારની ચાવી આપવી જ પડી.”

“શેઠે હજુ સુધી નવો ડ્રાઈવર નથી રાખ્યો ?”

“ના. આજકાલ ક્યાં સારા ડ્રાઈવર મળે જ છે ? હવે તમને જ જોઈલો ને !”

“કમલી, હવે આગળ એક શબ્દ ઉચ્ચારીશ નહીં.”

બંને જણ થોડીવાર માટે ખામોશ થઈ ગયા.

કમલી સ્વગત બબડતા બોલી, “છોટેબાબા જેવી મોત ભગવાન દુશ્મનને પણ ન આપે.”

“કેમ એક્સિડન્ટ એટલો ભયાનક હતો ?”

“ભયાનક એટલે ? અરે ! ભલભલાના હાજા ગગડાવી દે તેવો. ત્યાં હાજર લોકોના કહેવા પ્રમાણે પોલીસે છોટેબાબાની લાશ કારના પતરાને કાપી કાપીને બહાર કાઢી હતી.”

“કમલી, જે છોટેબાબાના પગને આપણે ક્યારે માટી લાગવા દીધી નહીં તેમની અંતિમ ઘડીએ આવી અવદશા ? શું આ દિવસ જોવા માટે મેં આટલો ત્યાગ કર્યો હતો ! હે ભગવાન ! આ દિવસ દેખાડવા તેં મને કેમ જીવતો રાખ્યો ? મારા છોટેબાબાની હજુ ઉંમર જ શું હતી.”

“આવતા મહીને તેમને અઠારમું પૂરું થયું હોત.”

“ઊફ ! છોટેબાબાને આ શું કબુદ્ધિ સૂઝી ?”

“છોટેબાબાની લાશને એક પોટલીમાં ઘરે લઈ આવવામાં આવી હતી. તેમના શરીરના એકપણ અંગો સાબુત બચ્યા નહોતા. શરીરના નામે.” આગળનું વાક્ય કમલી પૂરું કરી શકી નહીં. બોલતા બોલતા તેના ગળે ડૂમો બાઝી ગયો.

“બસ કર કમલી. ભગવાન ખાતર બસ કર. ઊફ ! હવે મારાથી વધુ સહન નહીં થાય. મારા છોટેબાબાની આવી હાલત.” રઘુ જેલના સળિયા પર પાગલોની જેમ માથું પછાડતા બોલી રહ્યો, “આ બધું મારે કારણે થયું છે. હું દોષી છું. હું નરાધમ પાપી છું.”

રઘુને આમ પાગલોની ભાતી માથું પછાડતા જોઈ કમલી ચીખી, “અરે ! તમે આ શું કરી રહ્યા છો ? ભગવાન ખાતર તમે શાંત થઈ જાઓ. આમાં તમારો શો દોષ ? એ તો શેઠ સાહેબે સત્તર વર્ષના બાળકના હાથમાં કારની ચાવી મૂકતાં પહેલા વિચારવું જોઈતું હતું. છોકરાનાં હાથમાં ગાડી આપવા એ કાંઈ રમકડું થોડી છે. શેઠસાહેબે છોટેબાબાને ગાડી આપવાની મનાઈ ફરમાવી હોત તો આજે તેઓ સહીસલામત હોત.”

“કમલી, જો હું જેલમાં ન હોત તો ચોક્કસપણે છોટેબાબાનો જીવ ગયો નહોત.” રઘુ લમણે હાથ દઈ નીચે બેસતા બોલ્યો, “જે કાંઈ થયું તે મારા લીધે જ થયું. બધો મારો જ દોષ છે.”

“તમને દોષ આપવાનું રહેવા દો.” કમલીએ કટાક્ષમાં કહ્યું, “તમને પોતાને ઢંગની ગાડી ચલાવતા ક્યાં આવડે છે ? તમે જેલની અંદર એક્સિડન્ટના કેસમાંજ આવ્યા છો ને. તમારી ગાડીની હડફેટમાં આવી સ્કુલે જતા બે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે. એ તો સારું થયું કે શેઠ સાહેબે સારો વકીલ રોક્યો. નહીંતર નિર્દોષ બાળકોની હત્યાના આરોપમાં તમે જિંદગીભર જેલમાં સબડ્યા હોત. કોર્ટે ભલે તમને ત્રણ વર્ષની સજા આપી હોય. પરંતુ એ ભૂલશો નહીં કે એ નિર્દોષ બાળકોના હત્યાનું પાપ હજુ તમારે શિરે જ છે. તેઓના માતાપિતાનો શ્રાપ એક દિવસે તમારી સાથે આપણા સહુને ભોગવવો જ પડશે. આ તો મારી પુણ્યાઈ કે તમે છોટેબાબા સાથે ગાડીમાં નહોતા. નહીંતર તેમની સાથે તમે પણ...”

કમલી આડું જોઈ ગઈ.

રઘુ તેની સામે મસ્તક ઝૂકાવી ઊભો રહ્યો.

કમલી આગળ બોલી, “ભૂલો નહીં કે આઘાત એવો પ્રત્યાઘાત. એક દિવસ તમારા કુકર્મોની સજા ઈશ્વર આપણને જરૂર આપશે.” 

“ના કમલી ના. તું વિચારે છે એવું કશું નહીં થાય. કારણ છોટેબાબાની મૃત્યુ સાથે જ કુદરતે તેનો ઈન્સાફ કરી દીધો છે. હે ઈશ્વર ! તેં છોટેબાબાને બદલે મને સજા કેમ આપી નહીં ?”

કમલી બોલી, “તમે આ શું બોલી રહ્યા છો ?”

“કંઈ નહીં.” રઘુ શૂન્યમનસ્કપણે આસમાનમાં જોઈ બબડી રહ્યો, “આ બધું મારા કારણે જ થયું છે.”

“તમે હવે ખુદને દોષ આપવાનું બંધ કરો.”

જેલના સંત્રીનો અવાજ સંભળાયો, “ચલો મુલાકાત કા સમય ખતમ હુઆ હૈ.”

“ભાઈ ! બસ હજુ થોડીવાર.” કમલીએ આંખમાં આવેલ અશ્રુઓ લૂછતાં લૂછતાં કહ્યું, “તમે તમારું ધ્યાન રાખજો.”

કમલીએ ત્યાંથી નીકળવા પોતાના પગ ઉપાડ્યા.

“કમલી.”

રઘુનો સ્વર સાંભળી કમલી અટકી.

“મને વચન આપ કે હું તને જે કહીશ તેની ચર્ચા તું કોઈ આગળ નહીં કરે.”

કમલીએ હકારમાં માથું હલાવી સહમતિ આપી.

“સ્કૂલે જતા બાળકોનો અકસ્માત થયો હતો તે દિવસે હું નોકરી પર ગયો જ નહોતો.”

“તમે આ શું બોલી રહ્યા છો ?”

“હા, હું તારી આગળ જુઠું બોલીને દોસ્તો સાથે બહાર ફરવા ગયો હતો. ત્યારે શેઠનો મને ફોન આવ્યો હતો. તેઓ ખૂબ ગભરાયેલા લાગતા હતા. તેઓએ મને કહ્યું કે.”

“તેઓએ તમને શું કહ્યું ?”

“તેઓએ કહ્યું કે, છોટેબાબાના ગાડીનો એકસીડન્ટ થયો છે. જેમાં સ્કૂલે જતા બે બાળકોનું મૃત્યુ થયું હતું. તેઓએ કહ્યું કે, ત્યાં જામેલા ટોળાએ કારનો નંબર પણ નોંધી લીધો હતો. જેના કારણે પોલીસ ગમે ત્યારે ઘરે આવી શકે છે.”

“પછી ?”

“પછી શેઠે તેમના ઘરે આવવા કહ્યું. હું જયારે તેમના ઘરે ગયો ત્યારે શેઠે બે હાથ જોડી મને પોલીસ આગળ જૂઠું બોલવા કહ્યું.”

“જુઠું ! કેવું જુઠું ?”

“મારે પોલીસને કહેવાનું હતું કે, ગાડી છોટેબાબા નહીં પણ હું ચલાવતો હતો. આ કામ માટે શેઠે મને પુરા દસ લાખ રૂપિયાની ઓફર કરી. વળી જેલમાંથી છૂટીને આવું ત્યારે મને બમણા પગારે નોકરી પર પાછો રાખવાનો વાયદો કર્યો. શેઠ સાહેબે એમ પણ કહ્યું કે એક્સિડન્ટના કેસમાં મને ઝાઝી જેલ નહીં થાય. સેક્શન ૩૦૪/એ કલમ હેઠળ મને ત્રણ કે ચાર વર્ષની જેલ થશે.”

“અને તમે માની ગયા ?”

રઘુએ હકારમાં માથું હલાવ્યું.

“ રૂપિયાની લાલચમાં તમે તમારું ઈમાન વેચી નાખ્યું ?”

“કમલી, આ મેં રૂપિયા માટે નહીં કર્યું.”

“તો પછી કોના માટે કર્યું ?”

“છોટેબાબા માટે.” થોડું અટકી રઘુ આગળ બોલ્યો, “જો છોટેબાબાને જેલ થઈ હોત તો તેમનું આખું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું હોત. વળી છોટેબાબાને રિમાન્ડ રૂમમાં રાખશે એ કલ્પનામાત્રથી હું ધ્રુજી ઊઠ્યો હતો.”

કમલી અશ્રુભીની આંખે રઘુની વાત સાંભળી રહી.

રઘુએ નિ:સાસો છોડતા કહ્યું, “જો તે દિવસે મેં હૃદય કઠણ કરીને શેઠ સાહેબને ના પાડી હોત તો મારી જગ્યાએ છોટેબાબા જેલમાં હોત. અને કદાચ તેમના મૃત્યુનો વસમો આઘાત આપણને સહેવો પડ્યો ન હોત.”

બંનેના ધ્રુસકાથી વાતાવરણ ગમગીન થઈ ગયું.

રઘુએ શૂન્યમનસ્કપણે આસમાન તરફ જોતા કહ્યું, “એટલે જ કહું છું કે છોટેબાબાની મૃત્યુ મારા કારણે થઈ છે. મારા કારણે.”


Rate this content
Log in

Similar gujarati story from Abstract