Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Others

4  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Others

મારા ગુરુદેવના ચરણોમાં...

મારા ગુરુદેવના ચરણોમાં...

4 mins
400


દર ગુરૂપુર્ણિમાના દિવસે હું મારા ધર્મપિતાશ્રી અને ગુરૂદેવ એવા પ. પૂ. ૧૦૦૮ ડૉ. શ્રી જ્યોતિૅનાથ નાથબાવાના આશિષ લઈ મારા શરીરને નવી ચેતના અને ઉત્સાહથી ભરી લેતો હોઉં છું.

ગુરૂજીના સાનિધ્યમાં મને મારામાં એક અનેરી સ્ફૂર્તિ અને ઉમંગનો સંચાર થયેલો જણાય છે. આજે પણ ગુરૂપૂર્ણિમા નિમિત્ત હું મારા ગુરૂજીના દર્શન કરવા ગયો હતો ત્યારે એક પ્રસંગ મારી સામે ઘડાયો જેનાથી હું આપ સહુને વાકેફ કરાવવા માંગું છું.

ગુરૂજીની પૂજા અર્ચના કરીને હું તેમના ચરણોમાં બેઠો હતો ત્યાં એક દંપતી તેમના બે બાળકો સાથે આવીને સભામાં બેઠા. આ પરિવારે મારું ખાસ ધ્યાન ખેંચ્યું હતું અને આ પાછળનું કારણ હતું તેમના સુઘડ કપડા પહેરેલા દેહ પરનો અવગઢ ભરેલો ચહેરો ! આમ તો એ પરિવાર ખાધેપીધે સુખી ઘરનું દેખાતું હતું પરંતુ તેમના ચહેરા પર શાતાનો જરા સરખો ભાવ નહોતો. તેઓ બે ઘડી બેઠા હતા તેમાં પણ એકબીજા પર ચાર વાર ખીજાયા હતા. ગુરૂજીના મંત્રોચાર પૂર્ણ થતા સૌ કોઈ પોતપોતાની આપદાઓ વિષે જણાવવા લાગ્યા. મારા ગુરૂદેવ તે સઘળાના મનને સંતોષ થાય તેવા નિરાકરણ આપી રહ્યા હતા. અંતે એ પરિવારનો મોભી દબાતા પગલે ઊભો થયો અને ધીમેથી બોલ્યો, “ગુરૂદેવ... આદેશ... આદેશ... આદેશ... હું આપ સમક્ષ મારી એક તકલીફ લઈને આવ્યો છું.”

પુરૂષ પાછળ સ્ત્રી પણ ઊભી થઈ, “ગુરૂદેવ, અમારા ઘરને અશાંતિ એવી ભરખી ગઈ છે કે કાલે રાતે આ આપઘાત કરવા નીકળી પડ્યા હતા.”

આ સાંભળી હું ચમક્યો પરંતુ ગુરૂદેવના ચહેરા પર હરહમેંશનું દિવ્ય સ્મિત યથાવત ફરકી રહ્યું.

 પુરૂષે હાથ જોડીને કહ્યું, “ગુરૂદેવ, અમારા ઘરમાં જરા સરખી શાંતિ નથી. મારા ઘરમાં કોઈ કોઈનું સાંભળતું નથી. જે તે પોતાની જ મસ્તીમાં ખોવાયેલો રહે છે. મારી આવક સારી છે પરંતુ ખબર નહીં કેમ હવે એટલી આવકમાં ઘરનો ખર્ચો પૂરો થતો નથી. દિવસેને દિવસે વધી રહેલા ખર્ચા મારા માટે માથાનો દુખાવો બની ગયા છે. મને મનમાં એમ હતું કે મારા સંતાનો ભણીગણીને કંઈક બનશે અને મારું સર્વ દુઃખ દૂર કરશે. પરંતુ ગત પરીક્ષામાં આવેલા તેમના પરિણામો જોઈ મારી સર્વ આશા પર પણ પાણી ફરી વળ્યું છે. આવી સ્થિતિમાં મારે શું કરવું તેની કોઈ ગતાગમ પડી રહી નથી. ગુરૂજી તમે જ અમને સાચો માર્ગ દેખાડી શકો છો.”

દંપતિ એકીસ્વરે બોલ્યા, “માર્ગ દેખાડો ગુરૂદેવ... કૃપા કરીને અમને માર્ગ દેખાડો...”  

મારા ગુરૂજીએ હસીને કહ્યું, “તમને એક સલાહ આપીશ તો માનશો ?”

“ગુરૂજી, તમે પૈસાની કોઈ ચિંતા કરશો નહીં. તમે કહેશો તેવા હોમહવન કરાવવા અમે તૈયાર છીએ. તમે કહેશો તો પગપાળા ચાલીને તીર્થયાત્રાએ જઈશું. તમે કહેશો એટલા દિવસના અપવાસ રાખી જપતપ કરીશું. બસ અમારા ઘરનો કંકાસ દૂર થઈ જાય તેવો કશો ઉપાય બતાવો.”

“તમારે આ કશું કરવાની જરૂર નથી. બસ એક ઉપાય અજમાવવાનો છે.”

 “શો ?”

 “અબીહાલ મોબાઈલથી દૂર થઈ જાવ.”

આવેલ પરિવારનું માથું આ સાંભળી શરમથી ઝૂકી ગયું.

મારા ગુરૂજીએ કહ્યું, “તમે આવ્યા છો ત્યારનો હું જોવું છું કે તમે ચારેયજણા મોબાઈલમાં જ વ્યસ્ત છો. મેં પોતે તમને મારી પાસે આવવાનો બે વાર ઈશારો કર્યો પરંતુ તમારું ધ્યાન મોબાઈલમાં જ હતું ! તમારા ઘરની સ્થિતિ પણ આ જ હશે. તમે બધા મોબાઈલ હાથમાં લઈને ઘરનો કોઈક ખૂણો જોઈ બેસી જતા હશો. પછી કેવો આપસમાં વાર્તાલાપ અને કેવી પરિવાર ગોષ્ટી ? આ મોબાઈલ જ છે કે જે તમારામાં વૈમનસ્ય ભાવ નિર્માણ કરી તમને એકબીજાથી દૂર કરી રહ્યો છે. મોબાઈલને ખપ પુરતો ઉપયોગ કરવાને બદલે તમે તેના આદી બની ગયા છો આજ તમારા દુઃખનું મુખ્ય કારણ છે. તમારી તકરાર, એકબીજાનું ધ્યાન ન રાખવું, ખોટા ખર્ચા આ બધા પાછળ કોઈ જવાબદાર હોય તો એ તમારો અતિપ્રિય એવો મોબાઈલ જ છે. માટે કહું છું કે અબીહાલ આ મોબાઈલના વ્યસનથી દૂર થઈ જાઓ. મારા વ્હાલાઓ તમે મોબાઈલમાંથી માથું ઊંચકશો ત્યારે જ આપસમાં વાર્તાલાપ કરી શકશો ને ? આજે આ માત્ર તમારો નહીં પરંતુ ઘરઘરનો ત્રાસ છે. આપણા મંજુબેનના ઘરમાં પણ આ જ ઉપાધિ હતી. કેમ મંજુબેન ?”

મંજુબેને ઊભા થઈને બે હાથ જોડ્યા અને કહ્યું, “આજથી છ મહિના પહેલા હું આવી જ તકરાર લઈને ગુરૂદેવ પાસે સહપરિવાર આવી હતી. તેઓએ મને પણ મોબાઈલથી દૂર રહેવાની સલાહ આપી. અમે તેમની સલાહને અનુસરતા મોબાઈલનો જરૂરિયાત પુરતો જ ઉપયોગ કરવા લાગ્યા. હવે નકામા મેસેજ વાંચવાને બદલે અમે પતિપત્ની એકબીજા સાથે વાર્તાલાપ કરવામાં સમય વીતાવીએ છીએ. મોબાઈલમાં વ્યર્થ સમય બગડતો ન હોવાથી હું મારા બાળકોનું પણ પુરતું ધ્યાન રાખી શકું છું. ગુરૂજીની સલાહ માનવાથી અમારા પરિવારનો આપસી પ્રેમ ઘણો વધી ગયો છે. હવે આપસમાં સામંજસ્ય વધી જતા અમારા વચ્ચે નાનીનાની વાતોને લઈ તકરાર પણ થતી નથી.”

 ગુરૂદેવે હસતામુખે કહ્યું, “ટેકનોલોજી વરદાન છે કે અભિશાપ તેનો આધાર તમે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર રહેલો છે.”

ગુરૂજીની વાત સાંભળી આવેલ દંપતીની આંખો ભીની થઈ ગઈ. તેઓને તેમની ભૂલ કળી જતા ગુરૂદેવની માફી માંગી અને ખપ પુરતો મોબાઈલ વાપરવાની કસમ પણ ખાધી.

ખરેખર ગુરૂપૂર્ણિમાના દિવસે એક સરસ અને યાદગાર બોધ જાણવા મળ્યો મને મારા ગુરૂદેવના ચરણોમાં.


Rate this content
Log in