mariyam dhupli

Drama Tragedy Action

4  

mariyam dhupli

Drama Tragedy Action

માહિતી

માહિતી

5 mins
238


જયારે એને અદાલત લાવવામાં આવ્યો ત્યારે એની પરિસ્થિતિ સામાન્ય તો ન હતી. નિર્દયી સત્તાસ્થાપકોએ કરેલા શારીરિક અને માનસિક અત્યાચારના પુરાવાઓ એના શરીરના દરેક અંગો પોકારી પોકારીને આપી રહ્યા હતા. શું સહન ન કર્યું હતું એણે ? ભૂખ, અનિંદ્રા, માર, સજાઓ, યાતનાઓ, અપશબ્દો......પણ એ દરેક અન્યાય ફક્ત એના શરીરને સ્પર્શી શક્યો હતો. એની આત્મા સુધી પહોંચી શકવાની ના એની લાયકાત હતી, ન એની હેસિયત. એ વાતની સાક્ષી એના ચહેરા ઉપરના સ્મિત અને ગર્વમાં સ્પષ્ટ મળી રહી હતી. 

અદાલતમાં હાજર લોકોની નજર એના ઉપર સ્થિર હતી. સત્તા સ્થાપકો એને જાણે એક જીવતું જાગતું ઉદાહરણ બનાવી અદાલતમાં રજૂ કરી રહ્યા હતા. કે જેથી દેશની યુવા પેઢી સુધી એ માહિતી પરોક્ષ રીતે પસાર કરી શકે કે એમની સામે બળવો પોકારનાર દરેક અવાજને આમજ કચડી નાખવામાં આવશે. તેથી સતર્ક રહો. મર્યાદામાં રહો. હુકમનું પાલન કરો અને એક પણ શબ્દ કે પ્રતિકાર મનમાં ઊઠે તો એને મનમાંજ દફન કરી દો. 

પણ એનું હૈયું કબ્રસ્તાન ન હતું. એનું હૈયું તો એક યુદ્ધનું મેદાન હતું. જેમાં અન્યાયનું માથું કચડી નાખવાની તૈયારીઓ જોરશોરથી થઈ રહી હતી. એની એ સતત જાગતી આંખોમાં એકજ સ્વપ્ન હતું.

આઝાદ દેશ. 

સ્વતંત્ર ભારત.

એક એવું રાષ્ટ્ર જ્યાં યુવાનોને પોતાના સ્વપ્નો જોવાનો અને એ સ્વપ્નોને સાકાર કરવાનો સંપૂર્ણ અધિકાર મળે. એક એવું રાષ્ટ્ર જ્યાં યુવાન આંખો દેશના વિકાસ માટેનો મોકળો માર્ગ નિહાળી શકે અને અન્ય દેશવાસીઓ માટે પણ પથદર્શક બની શકે. જેનો યુવાન બેડીઓમાં બંધાયેલો ન હોય. અંધકારમાં ગોંધાયેલો ન હોય. એની બુદ્ધિમત્તા અને ચપળતા દ્વારા એ દેશને સફળતાનાં શિખરો તરફ પહોંચાડવા પળેપળ તત્પર હોય. એ તત્પરતા એની રાત્રિની ઊંઘ ઉડાવી નાખે. રાષ્ટ્રની પ્રગતિ જ એની પ્રગતિ હોય. રાષ્ટ્રનો વિકાસ જ એનો વિકાસ હોય. એના પથમાં આવનાર દરેક પથ્થર એ હાથમાં હાથ મેળવી દૂર કરી શકે. એની નજર ફક્ત અને ફક્ત દેશહિત ઉપર સ્થિર હોય. એવા ઉચ્ચ ધ્યેય અને એવા ઉચ્ચ હેતુ સેવનારો યુવા એક સ્વતંત્ર આબોહવામાં જ ઉછરી શકે.

એ માટે ગુલામીની લાદવામાં આવેલી બેડીઓ પીગાળવીજ રહી. બહેરા કાનોને સંભળાવવા માટે ધમાકા કરવાજ પડે. એણે કરેલા ધમાકાથી સત્તા સ્થાપકો કેવા હાલી ગયા હતા ? એમના ધુંવાપુવા હાવભાવોની એ મનોમન મજા માણી રહ્યો હતો. 

પણ એટલા ધમાકા શું પૂરતા હતા ?

 નહીં. બિલકુલ નહીં. હજી એવા ઘણા ધમાકાઓ કરવાના હતા. જીવ હાથ ઉપર રાખી. પણ હવે અન્ય ધમાકાઓ કઈ રીતે થશે ? સત્તાધીશોએ એને જેલની અંધકારભરી દીવાલો વચ્ચે ગોંધી રાખ્યો હતો. ને હવે કદી એને બહાર જવાની તક મળે ન મળે ! એના મનમાંથી અવાજ ઉઠ્યો. 

'આજ એક તક છે. કંઈક કહેવાની. માહિતી પહોંચાડવાની. એ માહિતી જો બહાર રાહ જોઈ રહેલા હજાર યુવાન હૈયાઓ સુધી પહોંચાડી શકાય તો....પણ કઈ રીતે ?'

અહીં આમ અદાલતમાં ઊભા ઊભા..... 

અચાનક એની આંખોમાં ચળકાટ વ્યાપી ગયો. હોઠનું સ્મિત વધુ વેધક વિસ્તરી ગયું. પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવાનો સુવર્ણ અવસર એની આંખો સામે પ્રતિબિંબિત થયો કે એક ક્ષણ વેડફ્યા વિના એ અવસર ઝડપાઈ ગયો. ફક્ત સામે ઊભી વ્યક્તિને ઉશ્કેરવાની હતી અને એણે ઉશ્કેરી. 

"શું મને બૉમ્બ બનાવતા નથી આવડતો ?"

એ ઉશ્કેરણી પૂરતી હતી. અદાલતમાં સામે ઊભા એ ગદ્દારે સત્તાધીશોને એમની જોડે હોવાની ખાતરી અપાવવા બૉમ્બ બનાવવા માટે વપરાતી દરેક સામગ્રીની યાદી કડકડાટ રજૂ કરી દીધી. હાજર દરેક દેશી પત્રકારોએ એ યાદી ફટાફટ નોંધી સત્તાધીશોનાં સચેત થવા પહેલા ત્યાંથી ચાલતી પકડી. 

હવે એ માહિતી દેશના ખૂણેખૂણે પ્રસરી રહેશે એ વિચારેજ એની આત્મા રાહતનો દમ ભરી રહી. એ માહિતી સામે છેડે પહોંચાડ્યાનો સંતોષ અવર્ણનીય હતો. વિફરેલા સત્તાધીશો હવે એની અને એના શરીરની શી હાલત કરશે એ સારી પેઠે જાણતો હતો. ઘરે રાહ જોઈ રહેલા માતાપિતા પાસે ફરી ઘરે કદી પરત ફરવાનો અવકાશ પણ ન મળશે. એના મૃત્યુને એક ડરામણું ઉદાહરણ બનાવવામાં આવશે. એના યુવાન હૃદયને હજી દુનિયા જોવાનો અવસર ન આપવામાં આવશે. ગામ, ઘર, મિત્રો.....બધુંજ પાછળ છૂટી જશે. પણ એની નજરમાં એ વાતનો કોઈ રંજ ન હતો. એનું લક્ષ્ય મનમાં પાણી જેવું પારદર્શક હતું.

આવનારી પેઢી માટેનું આઝાદ ભારત. 

" ઈન્કલાબ ઝિંદાબાદ "

જેલ માટે રવાના થઈ રહેલી ગાડીમાં ગોઠવાતા યુવા ભગતસિંહનાં શબ્દો સામે તરફનાં ટોળા તરફ ઝીલાયાં અને એ શબ્દોનો પડઘો ટોળાની ગૂંજ બની સત્તાધીશોનાં કાનને બહેર મારી ગયો. 

વર્ષો પછી............

આઝાદ ભારતનાં આઝાદ શહેરનાં એક આઝાદ મકાનમાં અર્ધી રાત્રીએ ડાઈનિંગ ટેબલ ઉપરથી લાંબા કલાકો રાહ જોઈ થાકેલું જમણ આખરે ફ્રિજમાં સરકી ગયું. ખભા ઉપર પડેલા આશ્વાસનસભર હાથ જોડે આંખમાંથી પીડાની ધાર છૂટી નીકળી. થોડા સમય પહેલા ઘરમાં થયેલો કંકાશ હજી પણ કાળજાને વેધી રહ્યો હતો. પતિ અને યુવાન દીકરા વચ્ચે થયેલી બોલાચાલી અને એમાંથી પડઘાયેલા અપશબ્દો અને અપમાન મનમાં તીર જેમ ભોંકાઈ રહ્યા હતા. એક પ્રશ્ન જ તો પૂછ્યો હતો. 

" રોજને રોજ કેમ આટલું મોડું ? અર્ધી રાત્રીએ ઘરે પરત થવાય ? "

બંધ શયનખંડનાં અંધકારભર્યા વાતાવરણમાં અર્ધી રાત્રીએ ઘરે પરત થયેલું યૌવન પથારી ઉપર બહાર થી આવેલા પોશાકમાંજ પડ્યું હતું. એ યુવા આંખો અત્યંત વિહ્વળ હતી. શરીરમાં અનેરી બેચેની હતી. મન અતિ તત્પર હતું. આખા ઓરડામાં ફક્ત એક મોબાઈલની સ્ક્રીન ઉપરથી પ્રકાશનો સ્ત્રોત વહી રહ્યો હતો. એ સ્ક્રીનનાં પ્રકાશમાં ચહેરા ઉપરની ચિંતા અને તાણ પરોક્ષ ઝીલાઈ રહ્યા હતા. હાથ અને પગની આંગળીઓ હતાશા અને તણાવમાં નિષ્ક્રિય હલનચલન કરી રહી હતી. મોબાઈલ ઉપર નજર એ રીતે જડાઈ હતી જાણે એ મોબાઈલ ઉપર આવનારી માહિતી એને જીવતદાન આપવાની હતી. 

આખરે મોબાઈલ વાઈબ્રેટ થયો. એ નિર્જીવ શરીરમાં જાણે પ્રાણ આવ્યા હોય એમ અતિ ઝડપે પથારી ઉપર બેસી પડ્યું. સ્ક્રીન ઉપર આવેલો મેસેજ નિહાળી આંખોમાં અનેરી તૃપ્તિ છવાઈ ગઈ. 

માહિતી મળી ગઈ હતી. 

એ માહિતી ખૂબજ મહત્વની હતી. ફક્ત એજ નહીં એની સમાન આયુ ધરાવતા અન્ય મિત્રો પણ એ માહિતીની પળ પળ રાહ જોઈ રહ્યા હતા. એણે સમય વેડફ્યો નહીં. તરતજ પોતાની ફરજ નિભાવી. એ માહિતીને ગ્રુપ ઉપર ફોરવર્ડ કરી નાખી. હા, કોર્ડવર્ડમાં જ વળી !

ધીમે રહી અવાજ કર્યા વિના એણે અલમારી ખોલી. એક ક્ષણ મનોમંથન ચાલ્યું. બીજીજ ક્ષણે પિતાજીએ જન્મ દિવસ ઉપર ભેટ ધરેલી અતિ કિંમતી કાંડા ઘડિયાળ હાથ ઉપર ચઢાવી અને ધ્યેયબદ્ધ શરીર ચોર ડગલે શયનખંડની બહાર નીકળી આવ્યું. 

માતાપિતાનાં ઓરડાનો દરવાજો બંધ હતો. દીકરા જોડે થયેલા શબ્દયુદ્ધ બાદ થાકીહારીને બંને શરીર નિંદ્રાધીન થઈ ચૂક્યા હતા. પિતાનાં નસકોરા ઓરડાનાં બહાર સુધી સંભળાઈ રહ્યા હતા. મુખ્ય દરવાજા ઉપર પિતા તાળું લટકાવી ગયા હતા. અને ચોક્કસ ચાવી ટેવ પ્રમાણે તકિયા નીચે રાખી હશે. 

ગણતરી માંડતું યુવા શરીર ફરીથી અવાજહીન ડગલાં જોડે પોતાના શયનખંડમાં પ્રવેશ્યું. બળવાખોર મન ધીરજ ગુમાવી બેઠું હતું. શયનખંડની બારીમાંથી એની નજર બે માળ નીચે ઉતરતા પાઈપ ઉપર પડી. કેદમાંથી આઝાદ થવા જોખમ તો ખેડવુંજ રહ્યું. 

' નો પેઈન. નો ગેઈન. ' 

મનને દ્રઢ કરી એણે બારી બહારનાં પાઈપ ઉપર જીવનાં જોખમે ઉતરાણ શરૂ કર્યું. 

થોડા સમયમાં મળેલી માહિતીનાં સરનામે એ પહોંચી ગયો. કાંડા ઘડિયાળ હાથમાંથી કાઢી અન્ય હાથમાં સોંપી દીધી. એ હાથમાંથી મેળવેલ પાવડરને એણે પ્રેમથી ચૂમી લીધો. માહિતી મેળવેલ અન્ય મિત્રો પણ એજ સ્થળે ભેગા મળ્યા. બધાએ પોતપોતાના સોદા પતાવ્યા. અર્ધી રાત્રીએ જંગલ જેવા ગાઢ અંધકાર ભર્યા વિસ્તારમાં એ યુવાન શરીરો એકજોડે દમ ભરી દુનિયાથી દૂર પોતાના જૂદાજ ગ્રહ ઉપર મુક્ત ભમી રહ્યા હતા. એજ સમયે દેશમાં જૂદા જૂદા સ્થળે, જૂદી જૂદી ઈમારતોમાં સ્થાપિત સળિયાઓ ઉપર સ્વતંત્રતા દિવસની પૂર્વતૈયારી રૂપે એકદિવસ અગાઉથી સજ્જ કરી રખાયેલા ત્રિરંગા સૂર્યોદયની રાહ જોઈ રહ્યા હતા. 


Rate this content
Log in

Similar gujarati story from Drama