Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Nisha Patel

Inspirational

4.6  

Nisha Patel

Inspirational

મા મળી !

મા મળી !

7 mins
397


એ દિવસે મારી ટ્રેન મોડી હતી રોજ કરતાં. સ્ટેશન પર ધાર્યાં કરતાં વધારે ભીડ જમા થઈ ગઈ હતી. બીજી ટ્રેનનાં પેસેન્જર્સ પણ ભેગાં થઈ ગયાં હતાં. મને ‘કામ પર મોડું પહોંચાશે’નો ઉચાટ થઈ રહ્યો હતો. હમણાંથી ટ્રેન ક્યાં તો મોડી આવે છે ક્યાં તો આવતી જ નથી. એટલે આજકાલ રોજ મોડું થવાં માંડ્યું છે. સમય નીકળતો જતો હતો ને મારી અધીરાઈ વધતી જતી હતી. બહુ મોડાં લગભગ બીજી ટ્રેનનાં સમયે પહેલી ટ્રેન આવી. ઓટોમેટિક ડોર ખૂલ્યાં, અંદરથી પેસેન્જર્સ ઝડપથી ઉતરવાં માંડ્યાં અને એ બધાં ઉતરી ગયાં એટલે ચઢનારાં ઉતાવળથી ચઢવાં લાગ્યાં. 

ભીડમાં કેવી રીતે હું પાછળ ધકેલાઈ ગઈ તેની મને પોતાને જ સમજ ના પડી. ટ્રેનની ઊપડવાની વ્હીસલ વાગી હતી. હું ઝડપથી ચઢવાં ગઈ. મારી સાથે સ્ટેશન પર એક માજી પણ ઊભાં હતાં, પહેરવેશ અને દેખાવ ઉપરથી તેઓ ભારતીય લાગતાં હતાં. તે ચઢતાં ચઢતાં જ ગબડી પડ્યાં. હું ખબર નહીં કેમ પણ ટ્રેનમાં ચઢી ના શકી. ઊંચો કરેલો પગ મેં પાછો ખેંચી લીધો. પેલાં માજીને હાથ આપી બેઠાં કર્યાં. ટ્રેન ઉપડી ગઈ. માજીને પાસેની બેન્ચ પર બેસાડ્યાં. મારાં પર્સમાંથી બોટલ કાઢી પાણી આપ્યું. બીજાં કોઈ દેશની વ્યક્તિ હોત તો કદાચ મેં આવી મદદ ના કરી હોત ! નકામું, ધરમ કરતાં ધાડ પડે ! આ તો અમેરિકા છે, ભાઈ ! કોણ જાણે પડનાર વ્યક્તિ ‘મેં જ એને ધક્કો માર્યો’ કહી મને જ ફસાવી દે ! પણ આ તો ભારતીય હતાં અને તે પણ માજી, એટલે મને એવી કોઈ ચિંતા નહોતી. 

“માજી, તમને વાગ્યું છે ?” 

પડી જવાને લીધે કે અશક્તિને કારણે માજી ધ્રૂજતાં હતાં. માજીએ બોલ્યાં વિના જ છોલાઈ ગયેલો ઘૂંટણ બતાવ્યો. મારી પાસે પર્સમાં હું હંમેશ ટાઈનોલ જેવી સામાન્ય તાવ કે દુખાવાની દવા, બે ત્રણ બેન્ડેજીસ, જેવું રાખતી. ગમે ત્યારે ઈમરજન્સીમાં કામ લાગે ! મેં એક બેન્ડેજ કાઢી તેમનાં પગ પર મારી આપી. વાત કરતાં ખબર પડી કે માજીનાં પતિ હજુ પંદર દિવસ પહેલાં જ ગુજરી ગયાં હતાં. માજી તેમનાં દીકરાને ઘરે બધી મરણોત્તર વિધિ કરવાં રોકાયાં હતાં. હવે બધું પતી ગયું એટલે દીકરીને ઘેર પાછાં જતાં હતાં. એમને બે દીકરા અને બે દીકરી, એમ ચાર સંતાન હતાં. ચારે ભાઈબહેન અહીં જ રહેતાં હતાં. પતિપત્ની બંને નાની દીકરીને ઘરે રહેતાં હતાં. પતિનું ટૂંકી માંદગીમાં અવસાન થઈ ગયું. એટલે તેમનાં મોટાં પુત્રે તેમને પોતાને ત્યાં બોલાવેલાં. તેમનાં સમાજની અહીં બહુ વસ્તી હતી એટલે એણે બધી વિધિ સગાંસંબંધીને બોલાવી પોતાને ત્યાં પૂરી કરી હતી. 

દરેકને ત્યાં ચાર ચાર ગાડીઓ હોવાં છતાં માજીને માટે કોઈ પાસે અડધા કલાકનો ય સમય નહોતો કે દીકરાને ઘરેથી લઈ દીકરીને ઘરે મૂકી જાય ! આથી પંચોતેરે પહોંચેલાં માજી એકલાં જ ટ્રેનમાં જવાં નીકળેલાં. ગાડીમાં જતાં જ્યાં અડધો કલાક થાય ત્યાં જવાં માટે આ માજી એક બસ અને એક ટ્રેન, એમ કરીને લગભગ બે કલાક જેટલી મુસાફરી કરવાનાં હતાં ! માજી પાસે મોબાઈલ ફોન નહોતો પણ એક નાની ડાયરીમાં તેમણે બધાં નંબર લખી રાખેલાં. મેં મારાં મોબાઈલથી ફોન કર્યો, પણ ચારમાંથી કોઈ સંતાને ફોનનો જવાબ ના આપ્યો. એટલે મેં તે બધાંને વોઈસમેસેજ પણ છોડ્યો. અડધો કલાક જેવું થવાં આવ્યું પણ કોઈનો ફોન પાછો આવ્યો નહીં. એટલે મને ચિંતા થવાં માંડી. મેં જોબ પર ફોન કરી દીધો. ‘ઈમરજન્સી થઈ છે’ કરી રજા મૂકી. આમ સ્ટેશન પર ક્યાં સુધી બેસી રહેવું તેમ વિચારી માજીને ટેકો આપી મારાં ઘરે લઈ આવી. 

આખો દિવસ રાહ જોઈ પણ ચાર ભાઈબહેનમાંથી કોઈનો ફોન ના આવ્યો કે ના તો મેં કર્યાં તે ફોન ઊપાડ્યાં. રાત થવાં આવી. મારા પતિ અને બાળકો ઓફિસ અને સ્કૂલથી પાછાં આવી ગયાં હતાં. અમે બધાં જમવાં બેઠાં. મેં માજીને પણ બેસાડ્યાં હતાં. પરંતુ એ જમી શક્યાં નહી. એમની આંખમાંથી મૌન આંસુ સરી રહ્યાં હતાં. એમને આમ ગુપચુપ રડતાં જોઈ અમારાંમાંથી પણ કોઈ જમી શક્યું નહીં. હવે શું કરવું ? બધાંને આ પ્રશ્ન સતાવી રહ્યો હતો. બાળકો ય કાંઈ નાનાં નહોતાં. દીકરો સત્તર વર્ષનો અને દીકરી વીસ વર્ષની હતી. બધું સમજતાં હતાં. અહીંનાં માહોલથી પરિચિત અમને બધાંને લાગ્યું જ કે એમનાં સંતાનોએ એમને રસ્તા પર નિરાધાર છોડી દીધાં છે. પણ એવું માજીને સ્પષ્ટ કહેવાની અમારી કોઈની હિંમત નહોતી. 

અંદરથી હું સળગી રહી હતી. આવાં કેવાં સંતાન ? બીજે દિવસે પણ મેં જોબમાં રજા લીધી. માનવતાની દ્રષ્ટીએ આ માજીને મદદ કરવી બહુ જરૂરી હતી તથા ખબર નહીં કેમ પણ મને માજી પ્રત્યે ખૂબ સહાનુભૂતિ થઈ રહી હતી. માજીનો પાસપોર્ટ વિગેરે જરૂરી કોઈ કાગળો તેમની પાસે નહોતાં. ધીરેધીરે માજીએ બધી વાત કહેવા માંડી. માજી તેમનાં પતિનાં બીજીવારનાં પત્ની હતાં. બધાં સંતાન આગલી પત્નીનાં હતાં. આગલી પત્ની બધાં બાળકો સાવ નાનાં હતાં ત્યારે જ કોઈકની સાથે જતી રહી હતી. એટલે તેમનાં પતિએ બીજાં લગ્ન આ માજી સાથે કર્યાં હતાં. પરાયાં બાળકોને પોતાનાં કરવાં તેમણે પોતાના પેટે કોઈ સંતાન થવાં દીધું નહોતું. બધાં બાળકો પણ સારી રીતે હળીમળી ગયાં હતાં. સમય જતાં સંતાનો મોટાં થયાં, એક પછી એક કરી, અમેરિકા આવી વસી ગયાં. પાછળથી તેમણે માબાપને પણ બોલાવી લીધાં. 

પણ માજીએ અહીં આવ્યાં પછી જાણે જુદો જ અનુભવ કરવાં માંડ્યો. તેમને લાગતું કે તેમને માત્ર ઘરનું કામ કરવાં અને પૌત્રપૌત્રીઓને ઉછેરવાં માટે જ આ દેશમાં બોલાવ્યાં છે. બંને દીકરાંઓ અને વહુઓ દિવસ આખો પોતપોતાનાં વ્યવસાયમાં બીઝી રહેતાં. ઘરે આવી દીકરાંઓ ટીવી જોવામાં બીઝી થઈ જતાં અને વહુઓને તો તેમની સાથે બોલવાનો જાણે બિલકુલ સમય જ નહોતો. દીકરીઓ અને જમાઈઓનો પણ વ્યવહાર કાંઈક એવો જ હતો. તેમનાં પતિ જોયાં છતાં જાણે અજાણ્યાં થતાં. ધીમેધીમે કરતાં ચારે છોકરાંઓએ ઈંડીયાની બધી મિલકતો વેચી પૈસા અંદરોઅંદર વહેંચી લીધાં. પતિને આ વાતની જાણ થઈ તો ઊંડો આઘાત લાગ્યો. પણ હવે કશું થઈ શકે તેમ નહોતું. તેઓ અંદર ને અંદર દુભાવાં લાગ્યાં અને બિમાર રહેવાં લાગ્યાં. પણ કોઈએ ખાસ દરકાર કરી નહીં. અને જેથી કરીને ટૂંકી બીમારીમાં એ ગુજરી ગયાં. હવે માજી સાવ એકલાં પડી ગયાં હતાં. છેલ્લાં લગભગ એક વર્ષથી તેઓ જે નાની દીકરીને ત્યાં રહેતાં હતાં લાગે છે કે એ દીકરીએ પણ હવે મોઢું ફેરવી લીધું છે ! 

મારાં છોકરાંઓ ગુસ્સે ભરાઈ ગયાં કહે કે, પોલીસમાં ફોન કરવો જોઈએ. પણ મને અને મારાં પતિને લાગ્યું કે તેમનાં સગાંસંબંધી, મિત્રો વિગેરેને ફોન કરી જોઈએ. પછી આગળ વિચારીએ. માજી પાસે પોતાનાં થોડાં કપડાં અને બીજી જરૂરીયાતની થોડી વસ્તુઓ હતી. એટલે થોડાં દિવસ ખાસ કોઈ વાંધો આવે તેમ નહોતો. અમે માજીની ડાયરીમાંથી બીજાં સગાંસંબંધી મિત્રોને ફોન કરી જોયો. એમાંથી એકબે જણાં તો આવીને મળી પણ ગયાં. માજીનાં સંતાનો સાથે તેઓ વાત કરશે તેવું પણ આશ્વાસન આપતાં ગયાં. પણ મને લાગતું હતું કે માજીએ હવે સંતાનોની આશા છોડી દેવી જોઈએ. માજી સમજુ અને શિક્ષિત હતાં. તેમણે પણ આ કડવી વાસ્તવિકતા થોડાં દુ:ખ સાથે ધીરેધીરે ગળી જવાનો પ્રયત્ન કરવાં માંડ્યો. થોડાં દિવસોમાં તેમનાં એક સંબંધી વાત લાવ્યાં કે માજીનાં છોકરાંઓની સગી મા હવે તેમની સાથે રહે છે. 

એ જેની સાથે જતી રહી હતી તે થોડાં જ સમયમાં તેને છોડીને જતો રહ્યો હતો. પણ ઘરે પાછાં ફરવાની તેની હિંમત ચાલી નહીં તેથી આમથી તેમ રઝળી જીવનનાં વર્ષો પૂરાં કરતી હતી. કોઈ ગરબાં કંપનીમાં ગરબાંના બહાને અમેરિકા આવી પછી ગેરકાયદેસર રોકાઈ ગઈ હતી. અને થોડાં સમય પહેલાં તેનો સંતાનો સાથે ભેટો થઈ ગયો હતો. પછી તેણે એ લોકોનાં સતત સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કર્યોં હતો. ભારતમાં રહેલી મિલકતો વેચી, પૈસા લઈ લેવાં અને પિતા અને પાલક માતા સાથેનાં દુર્વ્યવહાર, એ બધું એની જ કાનભંભેરણીનું પરિણામ હતું. હવે આ ખરેખર આધાતજનક હતું ! જેમનાં માટે પોતે વાંઝણી રહી, જેને પોતાનાં સગાં છોકરાંઓથી યે અદકાં સાચવ્યાં તેમણે જ તેની સાથે આવો વ્યવહાર કર્યો ? અને સૌથી વધુ તો તેમને એ વાતનો આઘાત લાગ્યો કે એ લોકોએ તેમને સાવ જ રસ્તે રઝળતાં કરી દીધાં હતાં ! એમને ક્યાંયનાં ના રાખ્યાં ! પતિ, ઘરબાર, પૈસોટકો… એમની પાસેથી બધું જ છીનવાઈ ગયું ! કોને દોષ દેવો એ જ એમને તો સમજ પડતી નહોતી ! કુદરત આવી પણ ક્રૂર થઈ શકે છે ?

થોડાં દિવસો ઘરમાં બધાં સાથે મસલત કરી હું અને મારાં પતિ તેમને પોલીસસ્ટેશને લઈ ગયાં. પોલીસની મદદથી માજીનાં પાસપોર્ટ વિગેરે જરૂરી ડોક્યુમેન્ટ્સ તેમનાં સંતાનો પાસેથી પાછાં મેળવ્યાં. માજીને હવે રહેવાની કોઈ જગ્યા નહોતી. ના તો અહીં, ના તો દેશમાં ! કે નહોતી તેમની પાસે જીવવાં માટે કોઈ આર્થિક સગવડ ! 

આજે એ વાતને સાતેક વર્ષ થવાં આવ્યાં છે. માજી ત્યારથી અમારી સાથે જ રહે છે. મેં અને મારાં પતિએ અમારાં માતા પિતાની છત્રછાયા વર્ષો પહેલાં જ ગુમાવી દીધેલી હતી. ઈશ્વરની કૃપાથી અમને એક માતા ફરી મળી તે અમારે જવાં દેવી ના જોઈએ, એવું અમને બંનેને લાગ્યું. લોકો બાળકો દત્તક લે છે. પણ આવાં વૃધ્ધોનું શું ? અમને લાગ્યું કે અમારે તેમને રાખી લેવાં જોઈએ. તેમને રાખ્યાં પછી થોડાં જ સમયમાં તેમને બ્રેઈન હેમરેજ થયું. મેં ત્યારથી મારી જોબ છોડી દીધી છે. હવે મને એક બહુ મોટાં પુણ્યનું કામ મળી ગયું છે. એક માની સેવાથી વધુ પુણ્યનું કામ શું હોઈ શકે !


Rate this content
Log in

More gujarati story from Nisha Patel

Similar gujarati story from Inspirational