મા ! મારે ઊડવું છે ! ભાગ-૩
મા ! મારે ઊડવું છે ! ભાગ-૩


એક વખત શિક્ષકે પણ કાલુને પૂછયું, ‘‘કાલુ, તને આગળ વધવાનો ખૂબ ઉત્સાહ છે, પણ તારી આ વિકલાંગતા એમાં બાધક બનશે એવું તને નથી લાગતું ?’’ ત્યારે કાલુ એકદમ બોલી ઊઠયો, ‘‘ના, સાહેબ, ના ! એકલવ્યની વાત તો તમે જાણો જ છો ને ? ગુરુ દ્રોણાચાર્યજીએ તેને વિદ્યા શીખવવાની ના પાડી તો તે નિરાશ ન થયો. ગુરુની મૂર્તિ બનાવીને તેની સામે જાતે વિદ્યા શીખ્યો. તે જાતે મહેનત કરીને વિદ્યા શીખી શકતો હોય, તો મારે તો તમારા જેવા પથદર્શક ગુરુ સાક્ષાત છે ! હું કેમ આગળ ન વધી શકું ? સાહેબ ! આગળ વધવા માટે મને મારી વિકલાંગતા કયારેય નડવાની નથી.’’
કાલુની વાત સાંભળીને સાહેબ અહોભાવથી તેની સામે જોઈ રહ્યા. કાલુનો ઉત્સાહ જાણે તેના મુખ ઉપર તારલો બનીને ચમકતો હતો.
આમ, રોજ કંઈ ને કંઈ શીખીને કાલુ માને સંભળાવે છે. મા પણ એ સાંભળીને રાજી થાય છે. સાથે સાથે પોતાની પરિસ્થિતિ વિશે વિચારીને ચિંતા પણ થાય છે. દીકરાને આગળ વધવું છે, પણ એમાં પોતે પહોંચી કઈ રીતે શકશે ? વળી, બધી રીતે સાજાં-નરવાં હોય તેવાં બાળકો પણ નાસીપાસ થઈ જાય છે, જ્યારે કાલુ તો વિકલાંગ છે. કઈ રીતે એનાં સપનાં સાકાર થશે !
કાલુ તો શાળાના અભ્યાસ ઉપરાંત રોજ નવું નવું શોધીને વાંચવા પણ લાગ્યો છે. શાળામાં જે વાર્તાઓ કહેવાય તે પણ બરાબર યાદ રાખે છે. એક દિવસ કાલુએ વરદરાજ નામના બાળકની વાર્તા સાંભળી. ઘરે આવ્યો ને માને ખેંચીને બેસાડી દીધી. કહે, ‘‘મા ! આજે તું કામ કરવાનું છોડીને મારી વાર્તા સાંભળ ! વાર્તા ખૂબ સારી છે.’’ માને બોલવાનો મોક્કો દીધા વિના કાલુ વાર્તા કહેવા લાગ્યો, ‘‘સાંભળ મા ! વરદરાજ નામનો એક મોટા પંડિતનો દીકરો હતો. તે આશ્રમમાં ભણવા ગયો. થોડાં વર્ષ ભણ્યો, પણ તેને કંઈ આવડે નહિ ! એટલે ગુરુજીએ તેને થોડું ખાવાનું આપીને આશ્રમમાંથી કાઢી મૂકયો. વરદરાજ તો રસ્તામાં ચાલ્યો જાય છે ! ભૂખ લાગી એટલે એક કૂવો જોઈને ત્યાં ખાવા બેઠો. જ્યારે તે કૂવામાંથી પાણી સીંચવા જાય છે ત્યારે તેના મનમાં વીજળીનો ચમકારો થયો ! તેણે જોયું કે વારંવાર માટીના ઘડા એક જ જગ્યાએ રાખવાથી પથ્થરમાં પણ ખાડો પડી ગયો છે, એક દોરી એક જ જગ્યાએ ઘસાવાથી ત્યાં પણ પથ્થરમાં ખાંચો થઈ ગયો છે. વરદરાજને થયું, આવું થાય તો હું કેમ હોશિયાર ન બની શકું ?
વરદરાજ તો ઘરે જવાના બદલે પાછો ગુરુજી પાસે ગયો અને બધી વાત કરી. પછી તે ખૂબ મહેનત કરવા લાગ્યો અને પહેલા નંબરે પાસ થવા લાગ્યો. મોટો થઈને તે એક મોટો પંડિત બની ગયો.
તો હવે તું જ કહે મા ! શું હું ઊડી ન શકું ?’’
(ક્રમશ:)