mariyam dhupli

Fantasy Inspirational

4  

mariyam dhupli

Fantasy Inspirational

લિવ મી અલોન ભાગ : ૭

લિવ મી અલોન ભાગ : ૭

5 mins
309


"વશી, આ શું બેટા ? ઉઠ તો હવે. આમ ક્યાં સુધી ઊંઘી રહીશ ?"

ભઠ્ઠી જેમ તપી રહેલા માથા ઉપર એક ઠંડા હાથનો સ્પર્શ લાગ્યો અને આખા શરીરમાં ઝણઝણી પસાર થઇ ગઈ. આંખો સામે ડોકાયેલા ચહેરાને એ હેરતથી તાકી રહ્યો. ચશ્માં પાછળથી એને તાકી રહેલી બે અનુભવી દ્રષ્ટિમાં પ્રેમ, સ્નેહ અને ફિકર એકીસાથે ડોકાઈ રહ્યા હતા. પથારી છોડવા માટે શરીરે સાથ ન આપ્યો. વિવશતા આંખોમાં પાણીનું ભેજ લઇ આવી. 

"પપ્પા, તમે ?"

સફેદ કુર્તો પહેરી સામે ઉભું વ્યક્તિત્વ અત્યંત પવિત્રતા અને સાદગીથી છલકાઈ રહ્યું હતું. 

"તું આવું કરે તો મને આવવું જ પડે ને ? આ શી હાલત કરી મૂકી છે પોતાની ? મને તારાથી આવી અપેક્ષા તો જરાયે ન હતી." 

પિતાની આંખોમાં છલકાઈ આવેલી પીડા મનને કોતરવા લાગી અને અપરાધભાવ થકી આંખોનું ભેજ પ્રવાહી થઇ વહી પડ્યું. 

"હું શું કરું, પપ્પા ? હવે હું થાકી ગયો છું. મારી શી ભૂલ હતી કે મને આ સજા મળી ? તમે પણ મને છોડીને જતા રહ્યા. સાવ એકલો થઇ ગયો છું. જીવવાનું પણ મન નથી રહ્યું." મંદ વહી રહેલા આંસુઓએ ધીરે ધીરે ધોધનું સ્વરૂપ ધારણ કરી લીધું. એ નિહાળતા સામે ઉભી ઘરડી આંખો પણ ભીંજાઈ ગઈ. 

"તમે શું કામ રડો છો, પપ્પા ?" 

ઘરડી આંખો પરથી ચશ્માં થોડી ક્ષણો માટે દૂર થયા અને હાથ વડે ભેગું થયેલું પાણી સાફ કરવાનો પ્રયાસ થયો. 

"ભૂલ મારી જ છે, બેટા. હું મારા બાળકનો યોગ્ય ઉછેર કરી ન શક્યો. એને જીવનનો અર્થ શીખવી ન શક્યો. મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા એને આવડતું જ નથી. એક કાયર બાળક પાછળ નિષ્ફ્ળ પેરેન્ટીંગ જ હોય છે."

"એવું ન કહો, પપ્પા. હું પ્રયાસ તો કરી રહ્યો છું. પણ મારા હાથમાં કશું નથી."

લાચારીનો લ્હેકો દરેક શબ્દમાં પડઘાયો.

ચશ્માં ફરીથી મક્કમતા જોડે ઘરડી આંખો પર ગોઠવાઈ ગયા. નજરમાં કડકાઈ વ્યાપી ઉઠી. 

"કોણે કહ્યું તારા હાથમાં કશું નથી ? તું ધારે એ કરી શકે છે. ઈશ્વર પણ એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરવા ઉત્સાહી હોય. તારી અંદરની ધગશને જીવતી કર. હું કશે ગયો નથી. તારી આસપાસ જ છું. બસ, તું મને ઓળખી રહ્યો નથી."

કોઈ મુશ્કેલ કોયડાને ઉકેલી રહી હોય એમ તાવથી લાલચોળ થયેલી આંખો સામે તરફના ચશ્માંને ધ્યાનથી તાકતી રહી. 

"ચાલ, હવે ઝટથી ઉઠ. હું તારા માટે કશું લાવ્યો છું."

ઘરડા ખાલી હાથ કોયડાને વધુ રહસ્યમય બનાવી રહ્યા. પોતાના ખાલી હાથને હેરતથી તાકી રહેલી યુવાન આંખો પર ઘરડી આંખો હસી પડી. 

"અહીં નથી. લાવ હાથ આપ ને આવ મારી જોડે."

ઘરડા કરચલીવાળા હાથમાં યુવાનનો આગળ વધેલો હાથ આવે એ પહેલા જ સફેદ કુરતાધારી વૃદ્ધ શરીર હવામાં અદ્રશ્ય થઇ ગયું. 

"પપ્પા..."

ગાઢ ઊંઘમાંથી જાગી પડેલું શરીર થરથર ધ્રુજી રહ્યું હતું. દવામાં હાજર ઘેનથી હજી મગજ ચક્કર ખાઈ રહ્યું હતું. વિચિત્ર સ્વપ્નની અનુભૂતિથી શરીરના દરેક રુંવાડા ભયથી ઉભા થઇ ગયા હતા. વાસ્તવિક દુનિયામાં પરત થયેલી જાત પરસેવે રેબઝેબ હતી. ખાલી પેટમાંથી ગેસના વંટોળ એટલો ઊંચો અવાજ કરી રહ્યા હતા કે બહાર સુધી એનો ધ્વનિ સ્પષ્ટ પડઘાઈ રહ્યો હતો. હજી એક સવાર અને હજી એક સંઘર્ષમય દિવસ એની રાહ જોતા પહોંચી ગયા હતા.

ધાબળો ધીરે રહી બીજી તરફ હડસેલી એણે ધ્રુજતા પગના તળિયા જમીન પર મુક્યા. ભીંતને સહારે ધીમે ધીમે શરીર જીવતી લાશ જેવું આખરે શયનખંડની બહાર નીકળ્યું. એક દિવસ પહેલાની ઉલ્ટી હજી પણ જાણે ફ્લેટની હવાની કણકણમાં ભળેલી હતી. પણ આ ફ્લેટમાં જાતને જાતે જ નર્સિંગની સુવિધા આપવાની હતી. હોમ ક્વારન્ટાઇન સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. શહેરની બધી હોસ્પિટલ ઠસોઠસ ભરાયેલી હતી. હોસ્પિટલમાં બેડ ન મળતા લોકોના જીવ રસ્તા પર જ નીકળી રહ્યા હતા. દવાઓનું બ્લેક માર્કેટિંગ થઇ રહ્યું હતું. લાશોને સળગાવવા માટે કે દફનાવવા માટે પણ કતારો લાગી હતી. આવી અરાજકતા વચ્ચે ફરિયાદ નામના શબ્દનું કશું મહત્ત્વ રહ્યું ન હતું. 

રસોડામાં ફરીથી ડાઇનિંગ ટેબલની કુરશી પર એ લાશ જેવું નિર્બળ શરીર જઈ પછડાયું. રસોડાના પ્લેટફોર્મ ઉપર ફરી નજર ફરી વળી. એ જ બિસ્કિટ, ટોસ્ટ, કોર્નફ્લેક્સ સ્મૃતિમાં તરી આવ્યા. ફરીથી જીવ ઉચાટ પામવા લાગ્યો. મેડિકલ બોક્સ ફરીથી માંડમહેનતે પાસે ખેંચાયો. સવારની દવા માટેનો ડોઝ યાંત્રિક રીતે હાથમાં ભેગો થવા માંડયો. એ જ સમયે અચાનકથી ફ્લેટની ડોરબેલ ગુંજી ઉઠી. પેલું વિચિત્ર સ્વપ્ન હજી પણ સક્રિય મગજમાં તાજું હતું. એક આંચકા જોડે હાથમાં ભેગી થયેલી ટીકડીઓ ફરી ડબ્બામાં સરી પડી. હજી પણ એ સ્વપ્ન સાતત્ય જાળવી રહ્યું હતું કે શું ? એવા શંકાના ભાવો તાવથી લાલચોળ થયેલી આંખોમાં ઘેરાઈ આવ્યા હતા. ફરીથી એક વાર ડોરબેલ ગુંજી. મુંઝવણથી ભમી રહેલા મગજને શાંત કરવા બન્ને હાથ ચહેરાના પરસેવાને સાફ કરી રહ્યા. ત્રીજીવાર ડોરબેલ ગુંજી. આ વખતે હિંમત ભેગી કરતો, ભીંતનો આશરો લેતો, ખાંસીના દયાવિહીન પ્રહારો સહન કરતો એ ફ્લેટના બારણાં નજીક પહોંચ્યો. ડોરબેલના લુકહોલમાંથી એણે એક આંખ વડે બારણાં બહારનું દ્રશ્ય જોવા પ્રયાસ કર્યો. ત્યાં કોઈ ન હતું. એના હ્ર્દયના ધબકારા ગતિ પકડવા લાગ્યા.

શું એકલા રહેતા રહેતા એને ભ્રમણાઓ થઇ રહી હતી ? ડોરબેલ ગુંજી હતી ખરી ? કે પછી લથડેલી તબિયતની અસર મગજ પર થઇ રહી હતી ? આંખ ફરીથી લુકહોલમાંથી અંદર તરફ ખેંચી લેવા પ્રયાસ કર્યો કે બારણાંની નીચે તરફ નમેલું શરીર ઉપર ઉઠ્યું અને આંખો આગળ એક ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો. અચાનકની ગતિવિધિથી એક ક્ષણ માટે મન હેબતાઈ ગયું. 

પરંતુ બીજી ક્ષણે એ ચહેરાની ઓળખ વડે મન શીઘ્ર રાહત પામ્યું.

આ ચહેરો એક રાત્રે ખાખી ડબ્બાને લાત મારી લિફ્ટ બંધ કરતા ક્ષણ ભર માટે આંખો આગળ દેખાયો હતો. પણ એ અહીં ? 

બારણું તરત જ ખુલવાનું ન હતું એ નિશ્ચિતતા સાથે લઇ ધીરે ધીરે વૃદ્ધ શરીર લિફ્ટમાં પ્રવેશી ગયું અને લિફ્ટ બંધ થઇ.

ચોરની માફક ફ્લેટનું બારણું અંદર તરફથી જરાયે અવાજ ન થાય એની સૂક્ષ્મ તકેદારી રાખતા ખોલવામાં આવ્યું. લિફ્ટ એની મંઝિલ તરફ ઉપડી ગઈ હતી. બારણાની બહાર કેટલીક મોટી કોથળીઓ હતી જેને ચુસ્ત ગાંઠ બાંધવામાં આવી હતી અને એ બધી કોથળીઓ ઉપર એક ચિઠ્ઠી સ્પષ્ટ નિહાળી શકાય એ રીતે ચોંટાડવામાં આવી હતી. 

અકળામણનો ઉભરો ફાટી પડ્યો. આંખોની કીકીઓ રીસથી ઝીણી થવા માંડી. આંખો સામે દેખાઈ રહેલું દ્રશ્ય અસહ્ય થઇ પડ્યું હોય એમ એણે બારણું નિર્બળ હાથથી પણ એટલા બળ જોડે અફાળ્યું કે આખું એપાર્ટમેન્ટ ધ્રુજી ઉઠ્યું.

ફ્લેટની અંદર ભીંતના આશરે આગળ વધી રહેલા શરીરને મનમાં છૂટી રહેલી રીસથી વેગ મળી રહ્યો હોય એમ ઝડપ કરતા ડગલાં રસોડાના ડાઇનિંગ ટેબલની કુરશી સુધી પહોંચી ગયા. દવાની ટીક્ડીઓનું ગણિત ફરી માંડવાનું હતું. કુરશી પર શરીર ફેંકી દેવામાં આવે એ પહેલા શરીર થોડું ટટ્ટાર થયું. આંખો આગળ સ્વપ્નસૃષ્ટિનું પેલું ધુમ્મ્સ ફરી ઘેરાયું અને એ વાદળો વચ્ચે સફેદ કુરતાધારી શરીર દ્રશ્યમાન થયું. આંખોના હેતભર્યા ચશ્માં પાછળથી એ બે આંખો ફરીથી જાણે બોલાઈ ગયેલો સંવાદ પુનરાવર્તિત કરી રહી હતી. 

"ચાલ, હવે ઝટથી ઉઠ. હું તારા માટે કશું લાવ્યો છું." 

ભરવામાં આવેલ એક ઊંડા શ્વાસમાં અંતરની ગડમથલ પ્રતિબિંબ પાડી રહી. થોડી ક્ષણો સુધી કશું ઊંડું મનોમંથન થયું.

કલ્પનાના વાદળો ધીમે ધીમે ઓગળી ગયા અને એમાંથી બારણાં સુધીનો માર્ગ સ્પષ્ટ દેખાવા લાગ્યો. ફરીથી એ માર્ગ લઇ ભીંતને આશરે હાંફતું શરીર બારણાં નજીક પહોંચ્યું. બારણું ખોલવામાં આવ્યું અને બધી કોથળીઓ એના પર રાહ જોઈ રહેલી ચિઠ્ઠી જોડે ફ્લેટના સન્નાટામાં પ્રવેશી.

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Fantasy