mariyam dhupli

Drama Tragedy Inspirational

4  

mariyam dhupli

Drama Tragedy Inspirational

લિવ મી અલોન - ૬

લિવ મી અલોન - ૬

6 mins
397


" વશી, તમને તો ધગધગતો તાવ છે. તમે ઊંઘી રહો. આજે ઓફિસ જવાની જરૂર નથી. હું ડોક્ટરને ઘરે જ બોલાવી લઉં છું."

યુવાન સ્ત્રીએ ચિંતા અને સ્નેહ જોડે તપી રહેલા કપાળ ઉપર હાથ ફેરવી જાણે થર્મોમીટરની ફરજ નિભાવી. 

" અરે, થોડો થાક છે, બીજું કશું નથી. આજે ઓફિસે તો જવું જ પડશે. ઘણુંબધું કામ પેન્ડિંગ પડ્યું છે. હવે દિવાળી પછીનો વર્કલોડ આવશે એ જુદો. આઈ કાન્ટ અફૉર્ટ ટુ સ્લીપ ઓલ ડે."

પથારીમાંથી આરામદાયક ધાબળો હડસેલી યુવાન પુરુષ ઊભો થવા મથ્યો. પોતાની સલાહ અનુસરવામાં ન જ આવશે એની પાક્કી ખાતરી હોય એ રીતે યુવાન સ્ત્રીએ શયનખંડનું બારણું ઝડપથી ઉઘાડી બહારના વિસ્તાર તરફ સાથ સહકારની નિશ્ચિત અપેક્ષા જોડે દોટ મૂકી દીધી. એનો ઊંચો અવાજ શયનખંડમાં પણ સ્પષ્ટ પડઘાયો. 

" મમ્મી, વશીને ધગધગતો તાવ છે. છતાં ઓફિસે જવાની જીદ્દ કરી રહ્યા છે. " 

" સાંભળ, કામના, મારી વાત તો સાંભળ..." પાછળ તરફથી એ સાથ સહકારની માંગણી ન કરવા આજીજી થાય એ પહેલા તો વૃદ્ધ સ્ત્રી હાથમાં થર્મોમીટર જોડે ઓરડામાં ધસી આવી. બંદૂકની જેમ કપાળ ઉપર મોડર્ન થર્મોમીટર તાકી દેવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં પરિણામ આંકડા સ્વરૂપે નજર આગળ મળી ગયું. 

" આ તો જુઓ. બહુ તાવ છે. સીધો ઊંઘી જા. કશે જવાની જરૂર નથી. કામના ડોક્ટરને બોલાવી રહી છે. દવાથી રાહત મળશે. હું તારા માટે સૂપ બનાવું છું. પપ્પા પાસે ખાટા ફળ પણ મંગાવું છું. ફક્ત દવાથી કશું ન થાય. સાથે પૌષ્ટિક આહાર પણ લેવો પડે તો જ શરીર સશક્ત બને. સાજો થઈ જાય ત્યારે જજે ઓફિસ. જાન છે તો જહાન છે. "

" પપ્પા, મમ્મીને સમજાવોને, પ્લીઝ. "

પાછળ આવી ઊભા રહેલા વૃદ્ધ પુરુષ તફરથી સાથ સહકાર મેળવવાની આશ પર પણ ઠંડુ પાણી ફરી વળ્યું. 

" આ વખતે હું તારી મમ્મી જોડે સો ટકા સહમત છું. યુ નીડ રેસ્ટ."

'' થોડા સંતરા, મોસંબી, લીંબુ..."

ફળોની યાદી આગળ વધતી ગઈ અને વૃદ્ધ સ્ત્રી અને પુરુષ શયનખંડમાંથી ધીમે ધીમે બહાર નીકળી ગયા. બહાર હોલ તરફથી યુવાન સ્ત્રીનો અવાજ સંભળાયો. 

" મમ્મી, ડોક્ટર બિપિનની વિઝીટ નોંધાવી દીધી છે. હું વશી માટે નાસ્તો તૈયાર કરું છું. પપ્પા, તમે પ્લીઝ પ્રીતિને સ્કૂલ બસ સુધી છોડી દેશો ? "

" ઠીક છે. "

શયન ખંડની બહાર પહેરો ભરી રહેલી આર્મી સામે હથિયાર નાખી દેવા સિવાય કોઈ વિકલ્પ ન હોય એમ અકળામણ ઠાલવતા યુવાન પુરુષે શરીર ફરી રીસ જોડે ધાબળાથી ઢાંકી લીધું. 

સ્વપ્ન અને સ્મૃતિની સીમારેખા કશે ભળી ગઈ હોય એ રીતે આંખો આગળ છવાયેલા ધુમ્મ્સમાં આખું દ્રશ્ય ધૂંધળું છતાં સાફસાફ દેખાઈ ગયું. જેમજેમ આંખોની કીકીઓ વધુ પહોળી થતી ગઈ તેમતેમ સક્રિય મગજ વધુ સચેત થતું ગયું અને ધીરેધીરે નિષ્ક્રિય મગજને અતિક્રમી ગયું. ચક્કર કાપી રહેલા પંખાની ત્રણ પાંખો હવે સ્પષ્ટ દેખાવા લાગી. નાઈટલેમ્પના અલ્પ અજવાસમાં પડદાથી તદ્દન ઘેરાયેલા શયન ખંડમાં ભીંતનો રંગ એના ખરા રંગ કરતા ઘણો જુદો દેખાઈ રહ્યો હતો. શ્વાચ્છોશ્વાસ સામાન્ય કરતા વધુ ઝડપી અનુભવાઈ રહ્યા હતા. ઓરડાનું તાપમાન હંમેશ માફક સામાન્ય જ હતું. પરંતુ શરીરનું તાપમાન તદ્દન અસામાન્ય હતું. જાણે આખું શરીર ધગધગતી આગમાં બળી રહ્યું હતું. એસી વિના ઊંઘ ન આવવાની ટેવ આજે જરાયે પોષાય એમ ન હતી. શરીરમાં પ્રસરી રહેલો ધ્રુજારો શરીરના એકેક સ્નાયુઓને કંપાવી રહ્યો હતો. હાથની આંગળીઓ અને પગના તળિયા તદ્દન બરફ સમા ટાઢા પડી ગયા હતા. શરીરની અંદરનું લોહીનું પરિભ્રમણ ઊંડા શ્વાસ જોડે હેમખેમ પાર પડી રહ્યું હતું. આટલી અશક્તિ, આટલી નિર્બળતા પહેલા આ શરીરે કદી અનુભવી ન હતી. 

એ અનુભવનો અભાવ મનમાં ડર અને શંકાના બીજ રોપી રહ્યો હોય એમ ચહેરાનું બધું તેજ શોષાય ગયું હતું. હોઠનો ગુલાબી રંગ આછા કાળા રંગમાં ફેરવાઈ ગયો હતો. શરીરનું એક એક હાડકું અસહ્ય પીડા અનુભવી રહ્યું હતું. ઉધરસના પ્રહાર વારેઘડીએ છાતીને વધુને વધુ હંફાવતાં જતા હતા. ગળામાંથી થૂંક માંડમહેનતે નીચે સરકતું હતું. અને જ્યારે એ નીચે સરકતું ત્યારે જીવલેણ બળતરાથી આખું ગળું સળવળી ઊઠતું. જીભ તો જાણે એના સ્થળે હતી જ નહીં. એની નિયત ફરજથી એ મુખ ફેરવી બેઠી હોય એમ બેસ્વાદ મોઢું ક્યારેક સુકાયેલા રણ જેવું કે તો ક્યારેક ખારા સમુદ્ર જેવું લાગી રહ્યું હતું. 

શરદીના સતત પ્રવાહ જોડે નાકનું ટેરવું લાલ ચટક થઈ ગયું હતું. એમાંથી સતત બહાર ઘસવા મથી રહેલા પ્રવાહીએ જીવવું મુશ્કેલ બનાવી મૂક્યું હતું. માથાનો દુઃખાવો એ હદે વધી ગયો હતો કે જાણે કોઈ મોટો હથોડો લઈ એની ઉપર એકધારા પ્રહાર કરી રહ્યું હોય. પરસેવાથી વારેઘડીએ ભીનાઈ ઉઠતા શરીરમાંથી વિચિત્ર દુર્ગંધ પ્રસરી રહી હતી. પરંતુ સ્નાન લેવા માટે સ્નાનઘરમાં થોડી મિનિટો ઊભા રહેવાની પણ ક્ષમતા બચી ન હતી. 

એક ઊંડો શ્વાસ લઈ એણે આંખો વધુ વિસ્તારથી પહોળી કરવાનો પ્રયાસ કર્યો. પથારી નજીકના ટેબલ પર ગોઠવવામાં આવેલી ટેબલ ક્લોકમાં એણે સમયની તપાસ કરી. આંખો પર વિશ્વાસ ન આવ્યો. સવારના અગિયાર વાગી ગયા હતા. આ સમયે તો સામાન્ય રીતે એ ... પણ હમણાં બધું અસામાન્ય હતું. એ વાતનો અહેસાસ થતા એણે ધીમે રહી આરામદાયક ધાબળાને પથારીની નીચે તરફ સરકાવ્યો. આટલો પ્રયાસ કરતા જ શરીર થાકી ગયું. રસોડા સુધી ચાલવા માટે એણે જાતને માનસિક રીતે તૈયાર કરી. ખાંસીના થઈ રહેલા પ્રહાર જોડે એણે અત્યંત ધીમા ડગલે શરીરનું સંતુલન જાળવતા શયનખંડની બહાર ડગલાં ભરવા માંડ્યા. પડુપડુ થઈ રહેલા શરીરને ભીંતના આશરે આખરે એણે શયનખંડની બહાર કાઢ્યું. 

રસોડામાં પહોંચી એણે તરત જ ડાઈનિંગ ટેબલની ખુરશી પર શરીર ફેંકી દીધું. જાણે પર્વત ચઢીને આવ્યો હોય એવો થાક ફૂલેલા શ્વાસમાં ડોકાઈ ગયો. રાત્રે બળજબરીએ મેગી ખાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અર્ધી પ્લેટ પણ માંડમાંડ જમી શક્યો હતો. અર્ધી વધેલી મેગી હજી પણ ડાઈનિંગ ટેબલ ઉપરની પ્લેટમાં પડી હતી. આખી રાત સામાન્ય તાપમાનમાં પાછળ છૂટી ગયેલી એ મેગી રસોડામાં વિચિત્ર દુર્ગન્ધ ફેલાવી રહી હતી. ટેબલ પર પડેલો મેડિકલ બોક્સ એણે મહામહેનતે પોતાની દિશામાં ખેંચી કાઢ્યો. 

ઘણી બધી ટીકડીઓ નિયત ડોઝ માટે એની રાહ જોઈ રહી હતી. એ મોટી મોટી ટીકડીઓ નિહાળતા જ મનમાં કચવાટ થવા માંડ્યો. એ સાથે ડોકટરે આપેલી સૂચના કાનમાં ફરી ગુંજી.મોટી આ એન્ટિબાયોટિક્સ ઘણી ભારે છે. એની જોડે યોગ્ય માત્રામાં પૌષ્ટિક આહાર પણ ફરજિયાત અને સમયસર લેવો પડશે. જો બેલેન્સ નહીં રાખો તો આ દવા બોડી સિસ્ટમને હેરાન કરશે અને રોગ સામેની એની પ્રતિકારશક્તિ પર પણ એની સીધી અસર થશે. આઈ રિપીટ, દવાઓ જોડે ત્રણ સમયનું યોગ્ય ભોજન, યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે અનિવાર્ય છે. "

ચહેરા પર ભેગો થયેલો પરસેવો ટીપેટીપે ગળાથી નીચે ઉતરવા માંડ્યો. એક નજર રસોડાના પ્લેટફોર્મ ઉપર ગઈ. કપબોર્ડની અંદર ફક્ત બિસ્કિટ, ટોસ્ટ અને કોર્ન ફ્લેક્સ હતા. જે ખાઈ ખાઈને જીવ ધરાઈ ગયો હતો. એણે મેડિકલ બોક્સમાંથી સવારનો ડોઝ કાઢી નાખ્યો. ગ્લાસમાં પાણી રેડ્યું અને એક પછી એક બધી જ ટીકડીઓ પાણીના ધક્કે ગળા નીચે ધકેલી દીધી. શરીરનું તાપમાન હજી વધી રહ્યું હતું. ભૂખ્યા પેટે ગળા નીચે ઉતરેલી મોટા કદની ટીકડીઓ છાતી પર હિલોળા લેવા લાગી. માથું દરદથી ભમવા માંડ્યું. એસિડિટીએ અંદરની તરફથી એક જોરદાર હુમલો કર્યો અને ઉબકાને બળજબરીએ રોકી રાખવાનો પ્રયાસ કરતો એ અફળાતો, ઠોકાતો શૌચાલયની દિશામાં ધસી ગયો. 

બધી જ દવાઓ મોટી ઉલ્ટી જોડે શૌચાલયના ખાડા ભેગી થઈ ગઈ. એ સાથે રાત્રે જમેલી મેગીના નુડલ્સ પણ બહાર નીકળી આવ્યા. અશક્ત શરીર વધુ નબળાઈમાં ગરકાવ થઈ ગયું. ધ્રુજી રહેલા હાથ વડે એણે નળમાંથી પાણી લઈ મોઢા પર છાલક મારી. ઉલ્ટીના છાંટાઓથી ભીના થયેલા કપડા જોડે એ શૌચાલયની બહાર આવી નીકળ્યો. ફ્લેટની અંદર જીવ રૂંધાવા લાગ્યો. સ્વચ્છ, તાજી હવા મેળવવા ભીંતનો ટેકો લેતો એ બાલ્કની નજીક પહોંચ્યો. કાચની સ્લાઈડિંગ ધીમે રહી એકતરફ કરી અને બાલ્કનીના ખૂણામાં ઊભી ખુરશી પર તરત જ શરીર ફેંકી દીધું. 

આંખો સામે દેખાઈ રહેલું વિશ્વ તદ્દન મૌન હતું, શાંત હતું. નીચે ગ્રાઉન્ડ ફ્લોર પરનો ગાર્ડન એરિયા જ શું, એની બહાર તરફ આવતા જતા દરેક માર્ગો નિર્જન હતા. ન કોઈ માનવી, ન કોઈ વાહનવ્યવહારનું સાધન. ન કોઈ ઘોંઘાટ, ન કોઈ શોર. એ વિશ્વ એવું જ તો હતું જેવું એને જોઈતું હતું. 

આમછતાં ચહેરા પર ન સંતોષ હતો, ન તૃપ્તિ. 

અન્ય ફ્લેટમાં શિફ્ટ થવાના થોડા દિવસો પહેલા જ કોવિદ ૧૯નું લોકડાઉન આખા ભારતમાં લાગી ગયું હતું. 

તાદાત્મ્ય એપાર્ટમેન્ટના સભ્યોના વ્હોટ્સએપ ગ્રૂપમાં એ સમયે એક જ સંદેશ પર બધાની નજર હેરતથી જડાઈ ગઈ હતી. 

" મિસ્ટર વશિષ્ઠ શાહ ઈઝ કોવીડ પોઝિટિવ. "

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama