mariyam dhupli

Drama Tragedy Inspirational

4  

mariyam dhupli

Drama Tragedy Inspirational

લિવ મી અલોન - ૩

લિવ મી અલોન - ૩

7 mins
378


ઓફિસની દીવાલ પર સજ્જ મોટી ઘડિયાળ ઉપર ક્યારની નજર કામ વચ્ચેથી આજે પહેલીવાર ચૂપચાપથી ડોકિયું કરી જતી હતી. જેવા બંને કાંટાએ મધ્યાહનનો નિર્દેશ કર્યો જ કે રેસમાં ઉતરેલા ખેલાડી માફક એ ટિફિન ઊંચકી કેન્ટીન એરિયા તરફ ધસી ગયો. આંખો સામે હજી બધી જ બેઠકો ખાલી નિહાળી જાણે જાત પર ગર્વ થઈ આવ્યો હોય એમ એણે ખૂણાની સૌથી અંતિમ સીટ પર નિરાંતે બેઠક જમાવી દીધી. ધીરે ધીરે માનવીઓનું ટોળું કેન્ટીનમાં પ્રવેશવા માંડ્યું. એ સાથે કેન્ટીનમાં હમણાં સુધી વ્યાપેલો સન્નાટો જુદા જુદા પ્રકારના અવાજો, જુદી જુદી વાર્તાલાપો, જુદી જુદી ચર્ચા વિચારણાઓના સ્પર્શ થકી ધીમે ધીમે વધુ ને વધુ ઘોંઘાટમાં પરિવર્તન પામવા લાગ્યો.

ટિફિનના ખાનાઓ ટેબલ પર વિખરાઈ ગયા. એ જ અતિ ભારે સુગંધ નાકમાં ફરી પ્રવેશી. આંખોમાં અકળામણ રેલાઈ ઊઠી. અન્ય કોઈ વિકલ્પ ન હોય એમ નાછૂટકે એણે ટિફિનમાં આવેલી રોટલીના કટકા જોડે થોડું શાક લીધું. મોઢા નજીક પહોંચેલો કોળિયો એક ક્ષણ માટે આગળ વધતો અટકી ગયો. કોઈ મોટું પરાક્રમ કરવા મનને તત્પર કરતો હોય એવા હાવભાવો જોડે એણે ઝડપથી કોળિયો મોઢાના ઊંડાણોમાં ધકેલી દીધો. એ સાથે જ ઉધરસનો એક મોટો પ્રહાર થયો. આંખોમાં પાણીની સુનામી છલકાઈ પડી. હેમખેમ જાતને સંભાળી જ કે એક પરિચિત અવાજ કાનમાં અથડાયો. 

" અરે, શાહ સાહેબ, આપ અહીં છો ? હું તમને ઓફિસમાં શોધતો હતો. આજે સમયસર કેન્ટીનમાં પહોંચી ગયા ? વાહ, શું વાત છે ? સરસ, સરસ. પહેલે પેટ પૂજા, બાદમેં કામ દુજા. "

હિન્દીની કહેવત ગુજરાતી ભાષા વચ્ચે ટાંકી સામે બેઠા સહકાર્યકરની મરજી જાણ્યા વિના જ સિનિયર પ્રભાશંકરે એની પડખે વટથી બેઠક જમાવી દીધી. બધી જ મહેનત પર ઠંડુ પાણી રેડાઈ ગયું હોય એ રીતે એક ત્રાંસી નજર સહકાર્યકરને રહેંસી રહી. 

" જોઈએ આજે લોટરી લાગી કે નહીં ? "

કોઈ વાહિયાત લવારો સાંભળનાર માણસ ત્રાસી જાય એ રીતે એક ઊંડો શ્વાસ ભરતા એણે પડખે ચાલી રહેલ નાટક સામે મૌન રહેવાને જ પ્રાધાન્ય આપ્યું. પરંતુ પડખેની ક્રિયા પ્રતિક્રિયાથી તદ્દન અજાણ પોતાના વિશ્વમાં રચ્યાપચ્યા પ્રભાશંકરે એક પછી એક પોતાના ટિફિનના ખાના એ રીતે ખોલવા માંડ્યા જાણે કોઈ બાળક કોયડા ઉકેલવાની રમત કરી રહ્યું હોય. 

" અરે વાહ, લોટરી જ લોટરી. ભીંડાનું શાક, વઘારેલી ખીચડી, રસાવાળા બટેટા ને રૂમાલી રોટલી. મોજ પડી ગઈ, ભાઈ. " 

પડખે ખોલવામાં આવેલા ટિફિનમાંથી પ્રસરી રહેલી સુવાસથી જાણે જીવ રૂંધાઈ રહ્યો હોય એમ એના શ્વાસ અંદરોઅંદર ગરમ થવા લાગ્યા. પોતાના ટીફીનમાંથી બીજો કોળિયો બળજબરીએ ઉઠાવતા ફરી એક ત્રાંસી વેધક નજર એ રીતે પડખે ગઈ જાણે એ નજરથી પડખે ગોઠવાયેલી વ્યક્તિને દૂર ધકેલી દેવાનો નિષ્ફ્ળ, અકળામણભર્યો પ્રયાસ થયો હોય. બીજા કોળિયા જોડે ફરી ખાંસીનો ઉભરો ઉઠ્યો. પરંતુ એ જાહેર ન થાય એ માટે સચેત પ્રયાસ થયો. આમ છતાં એ પ્રયાસ પડખેની નજરથી છુપાઈ શક્યો નહીં. 

" લગ્ન નથી કર્યા ? તો કરી લો ને, સાહેબ. આ જુઓ. લગ્ન વિશે ગમે તેટલા જોક્સ બનાવો. પણ જીવન તો સહેલું થાય એ સો ટકા. સંકોચ ન કરો, સાહેબ."

અંતિમ વારની સ્પષ્ટ મનાઈ છતાં ફરી એકવાર સામે આવેલું ટિફિન નિહાળતા જ ચહેરાનો રંગ બદલાઈ ગયો અને એક કડક હાથ આડ બની પારકા જમણની દિશામાં આગળ આવી ગયો. ઇન્સ્લ્ટપ્રુફ પ્રભાશંકરને એનાથી ઝાઝો ફેર પડ્યો નહીં. પોતાનું ટિફિન ફરી પોતાની તરફ ખેંચી લેતા એણે વાતને બિન્ધાસ્તપણે અન્ય પાટે ચઢાવી મૂકી. 

" તમે તાદાત્મ્ય એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખ્યું છે ને ? "

જાણે દુશમન દેશે અણુબોમ્બ ફેંક્યો હોય એમ હાથમાંનો કોળિયો ટિફિનમાં પટકી અર્ધી હેરત અને અર્ધા તિરસ્કારના ભાવો જોડે પડખેના ચહેરાને સીધેસીધો તાકવામાં આવ્યો. એ ભાવોની અપેક્ષા જ રાખી હતી એ પ્રમાણે નિરાંતે કોળિયો મોઢામાં મૂકી ચાવવાની ક્રિયા જોડે મોઢામાંથી નીકળેલો અવાજ વધુ ઘૃણા ઉપજાવવા લાગ્યો.

" કોન્ટેક્ટ સાહેબ, કોન્ટેક્ટ. " સહકાર્યકર અંગે ખાનગી બાતમી લઈ આવવાથી અર્ધું શેર લોહી ચઢી ગયું હોય એમ એક આંખ મસ્તીમાં પલકારી બીજો કોળિયો લેવા ધ્યાન વ્યસ્ત થયું અને ખાનગી માહિતીનો પુરવઠો ક્યાંથી હાથ લાગ્યો એની માહિતી વિસ્તૃત થઈ. " મારી બહેનના દીકરાનો એક ભાઈબંધ ત્યાં જ તાદાત્મ્ય એપાર્ટમેન્ટમાં રહે છે. તમને કંઈ પણ કામ હોય તો..."

પડખેનું ટિફિન અર્ધા વાક્ય વચ્ચે જ અતિ વેગે સમેટાઈ ગયું અને જોતજોતામાં તો એકતરફી વાતનો સેતુ અધવચ્ચેથી જ કાપી સહકાર્યકર કેન્ટીનની ભીંત વટાવી બહાર નીકળી ગયો. પાછળ તરફથી અચંભિત આંખો થોડી ક્ષણો માટે એ દ્રશ્ય ઉપર ખુલ્લા રહી ગયેલા મોઢા જોડે સ્થિર થઈ અને પછી ફરીથી જમણની પ્રક્રિયા શાંત ચિત્ત જોડે આરંભી દેવામાં આવી.

લગભગ ભરેલું ટિફિન ફરી ઓફિસના ટેબલની આડમાં હડસેલાઈ ગયું. ટેબલ પર રાહ જોઈ રહેલ ફાઈલ અને દસ્તાવેજોમાં એક જોરદાર ભૂસકો લાગ્યો. ખાલી ટેબલ ખુરશીઓ વચ્ચે એકમાત્ર કાર્યકરને લન્ચબ્રેકના સમયમાં પણ કામમાં ઓતપ્રોત નિહાળી રહેલ વૃદ્ધ પટાવાળાની આંખો જાણે કોઈ ભૂતને નિહાળી રહી હોય એવી હેરતથી ભરપૂર હતી. 

સાંજે ઓફિસેથી ઘરે પરત છોડવા આવી રહેલી ટેક્ષી હજી લાલ સિગ્નલની લગોલગ પહોંચે એ પહેલા જ પાછળ તરફની સીટ પરથી બારીનો કાચ ચુસ્ત ઉપર ચઢાવી દેવામાં આવ્યો. જેટલી વાર માટે સિગ્નલ લાલ રંગનું રહ્યું નાના બાળપંજા એ બંધ બારીના કાચ પર ટકોરા પાડતા થાકી ગયા. પરંતુ બીજી બારી તરફ ફેરવી લીધેલી નજર જોડે પાછળની સીટ પરનું હિટલર સમું વ્યક્તિત્વ ટસથી મસ ન જ થયું. બેકમીરરમાંથી હળવી ઘૃણા જોડે એ દ્રશ્ય તાકી રહેલા ટેક્ષી ડ્રાઈવરે સિગ્નલ લીલા રંગમાં ફેરવાતા જ થોડા સિક્કાઓ બાળકના હાથમાં થમાવી દીધા અને ટેક્ષી સિગ્નલ વટાવી ગઈ. 

*

" તમને કયા માળ પર જવું છે ? "

" વીસમાં માળે."

" પણ આ ઇમારતમાં તો દસ જ માળ છે. "

" તો કોઈ વાંધો નહીં. હું બે ફેરા લઈ... "

તાદાત્મ્ય એપાર્ટમેન્ટમાં રહેતી કેટલીક મનોરંજન પ્રિય સ્ત્રીઓ વડે એપાર્ટમેન્ટની લિફ્ટ નજીક ઇન્સ્ટા માટે તૈયાર થઈ રહેલી રિલનું વ્યંગાત્મક શૂટિંગ મોબાઈલમાં સમાપ્ત થવાની તૈયારીમાં જ હતું કે યાંત્રિક માનવી જેવી ગતિ જોડે ઓફિસ બેગ કડક પકડ જોડે થામી ધસી આવેલો ટટ્ટાર ગર્દનવાળો માનવી રિલનું શૂટિંગ જાણે દેખાયું જ ન હોય તેમ સ્ત્રીઓ વચ્ચેથી માર્ગ કાઢતો લિફ્ટમાં પ્રવેશી ગયો. કોઈ પ્રતિક્રિયાને અવકાશ મળે એ પહેલા જ પાંચમા માળ માટેનું બટન શીઘ્ર દબાવી દેવામાં આવ્યું અને લિફ્ટ તરત જ ઉપરની દિશામાં ગતિ કરી ગઈ. 

મહેનત પર પાણી ફેરવી ગયેલા શિષ્ટચાર વગરના માનવી પર સ્ત્રીઓનો શાબ્દિક રોષ તૂટી પડ્યો.

" ખરો માણસ છે, યાર ? "

" આવું તે કોઈ કરતું હોય ? "

" જવા દો ને. પેલે દિવસે મહેન્દ્ર જોડે કેવું કર્યું હતું ? મારા હર્ષનો દડો લઈ લીધો એ જુદો અને પરત કર્યો પણ નહીં. "

" બિચારા નલિની બેનને હતું કે એક પડોશી ગયા તો નવા આવશે. બીમાર પતિ જોડે કોઈનો પડખે સંગાથ હોય તો હિંમત રહે. પણ આ તો વાત જ કરતો નથી. મોઢે બારણાં અફાળે છે. બોલો ! "

" ન કોઈ મળવા આવે છે, ન કોઈને મળવા જાય છે. "

" રવિવારે પણ ફ્લેટમાં જ ભરાયેલો રહે છે. "

" મારા અનુજનો એક મિત્ર છે. એનો મામા એની જ ઓફિસમાં કામ કરે છે. ત્યાં પણ કોઈની જોડે સરખી રીતે વાત કરતો નથી."

'' મુંબઈથી આવ્યો છે ને ? આ મહાનગરીવાળા જાજા ભળે નહીં. "

'' ભલે નહીં ભળે. પણ શું અન્યનું માનસન્માન પણ ન જાળવે ? "

" એના કરતા પૃથ્વી છોડી અન્ય જ ગ્રહ પર જતા રહેવાનું. "

" મને તો સાયકો લાગે છે. "

" મેં તો એમને અને બાળકોને પણ કહી દીધું છે કે એનાથી દૂર જ રહે. એવા લોકોને બહુ ભાવ આપવાનો નહીં. "

'' સાચી જ વાત છે. "

ગ્રાઉન્ડ ફ્લોર પર વહેંચાઈ રહેલા વિચારોથી અજાણ લિફ્ટ પાંચમા માળે આવી અટકી. લિફ્ટનો દરવાજો ખુલતા જ બે સ્ત્રીઓ વચ્ચે થઈ રહેલી છાનીમાની વાતો પર શીઘ્ર પૂર્ણવિરામ લાગ્યું. નલિનીબેને અન્ય સ્ત્રીને આંખો વડે ઈશારો કર્યો અને ડરીને પોતાના ફ્લેટનું બારણું અત્યંત ઉતાવળ જોડે વાસી દીધું. ફ્લેટ પાસે ઊભી અન્ય સ્ત્રીને નિહાળી જ ન હોય એમ સવારથી સૂના, મૌન પડેલા ફ્લેટના બારણામાં ચાવી ફેરવવામાં આવી. અન્ય સ્ત્રી થોડા ખચકાટ જોડે આગળ વધી. 

" સાહેબ, અહીં તમારા પહેલા જે લોકો ફ્લેટમાં રહેતા હતા હું એમના માટે કામ કરતી હતી. વાસણ, કપડાં, સાફસફાઈ... બધું જ કરી લઉં છું. જો તમારી ઈચ્છા હોય તો..."

વાક્ય પૂરું થાય એ પહેલા જ ફ્લેટનું બારણું ખુલ્યું અને તરત જ અફળાઈને અંદર તરફથી બંધ થઈ ગયું. 

બહાર ઊભી સ્ત્રી ચોંકી ઊઠી. થૂંક ગળા નીચે સરક્યું. થયેલા અપમાનનું કોઈ સાક્ષી ન હતું એની ખાતરી કરતી નજર આમથી તેમ ફરી. નિરાશ ડગલાં ધીમે ધીમે લિફ્ટની દિશામાં ઉપડ્યા. લિફ્ટ ખુલી જ કે પાછળ તરફથી એક ફ્લેટનો દરવાજો ખુલ્યો. નલિનીબેનને નિહાળવાની આશમાં સ્ત્રીનું શરીર ઝડપથી પાછળ વળ્યું. 

પરંતુ નલિનીબેનના ફ્લેટનું બારણું તો હજી ચુસ્ત બંધ હતું. બીજા ફ્લેટનું બારણું નામનું જ ખુલ્લું હતું. એમાંથી ઝાંખી રહેલી બે કડક આંખો નિહાળી હૈયું થોડું ધ્રૂજ્યું. 

" કેન યુ કુક ? "

સામે તરફથી પડઘાયેલા ત્રણ શબ્દોમાં આર્મી ઓફિસર જેવી કડકાઈ હતી. પરંતુ એ શબ્દોનો અર્થ સમજાયો ન હતો. જીભ મૌન રહી અને શરીર પૂતળા જેવું સ્થિર.

" રાંધતા આવડે છે ? " ભાષાંતર પામેલા ત્રણ શબ્દોમાં અંગ્રેજીવાળા વાક્ય કરતા બમણી કડકાઈ હતી. 

" જી હા, રસોઈ પણ કરી લઈશ. " માતૃભાષા સારો મનગમતો પ્રતિસાદ લઈ આવી હતી એ વાતની ખુશી એ પાતળા, નબળા શરીરમાં નખશીખ પડઘાઈ. 

" કાલે આવી જજો. ''

ખપ પૂરતા ત્રણ શબ્દો બારણામાંથી બહાર નીકળ્યા અને તરત જ બારણું અફળાતું અંદર તરફથી ખેંચી લેવામાં આવ્યું. 

બહાર ઊભી સ્ત્રીનું શરીર ફરી એકવાર અણધાર્યા શોકથી ચોંકી ઊઠ્યું. 

ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Drama