mariyam dhupli

Drama Tragedy Inspirational

4  

mariyam dhupli

Drama Tragedy Inspirational

લિવ મી અલોન - ૧

લિવ મી અલોન - ૧

5 mins
414


" ઈટ્સ ઈમ્પ્રેસીવ, રિયલી ઈમ્પ્રેસીવ, મિસ્ટર વસિષ્ઠ શાહ ! આઈ મસ્ટ સે. યુ આર રીઅલી એ હાર્ડવર્કિંગ મેન. આ ઓફિસમાં જોડાવાને તમને ગણતરીના જ દિવસો થયા છે અને તમારું કામ જોઈને એવું લાગે છે જાણે કે તમને અહીં કામ કરવાને વર્ષો થઈ ગયા હોય. સૌથી વધુ હેરત કરનારી બાબત તો તમારી કામની ઝડપ છે. જે કામ કરવાને એક સામાન્ય એમ્પ્લોયીને દિવસો લાગી જાય તે તમે મને બે જ દિવસમાં કરીને આપ્યું છે. ઈટ્સ અનબિલીવેબલ. સમજ નથી પડતી, હજી શું વખાણ કરું તમારા ? સમય કરતા પહેલા જ ઓફિસે પહોંચી જાઓ છો. સૌથી પહેલા આવી સૌથી છેલ્લે ઓફિસમાંથી નીકળો છો. આરામ કરો છો ખરા ? રાત્રે ઊંઘતા પણ નથી કે શું ? આઈ ડાઉટ. તમે કોઈ યાંત્રિક માનવી તો નથી ને ? "

સેન્સ ઓફ હ્યુમર જોડે નીકળી આવેલા અટ્ટહાસ્યથી કંપનીના બોસની ઓફિસ ગુંજી ઊઠી. બોસની આરામદાયક ચેર આમથી તેમ ખુશીના હિલોળા લઈ રહી હતી. સામે ઉભેલો એમ્પ્લોયી હજી પણ પૂતળા જેમ જ ઊભો હતો. એના હોઠ પર સામે તરફથી થયેલા વ્યંગના પ્રત્યાઘાતમાં સ્મિતની આછી રેખા પણ ખેંચાઈ શકી નહીં. આંખોનો ઉજાગરો લાલ રંગથી સ્પષ્ટ છતો થઈ રહ્યો હતો. શરીર પર ચઢાવેલા વસ્ત્રો એના શરીરના હાવભાવો જેવા જ સખત ઈસ્ત્રી થયા હતા. છતાં માથાના અસ્તવ્યસ્ત વાળ જાત પ્રત્યેની બેદરકારીની ચોરીછૂપીથી ચાડી ખાઈ રહ્યા હતા. 

" થેંક્યુ સર ! " ઔપચારિકતાથી છલોછલ બે શબ્દો સિવાય બોસની અપેક્ષાઓને કશું જડ્યું નહીં. આરામખુરશી ટેબલના મધ્યમાં ખેંચી બોસની નજર ફરીથી હાથમાં સોંપવામાં આવેલ ફાઈલ અને દસ્તાવેજો પર અવિશ્વાસથી ફરવા લાગી. 

" ઈન્ક્રેડિબલ વર્ક. કીપ ઇટ અપ મિસ્ટર શાહ ! વિશિંગ યુ ઓલ ઘી બેસ્ટ ફોર યોર બ્રાઈટ ફ્યુચર ઈન અવર કંપની. તમારા પરની અપેક્ષાઓ હવે ખૂબ જ વધી ગઈ છે. આશા રાખું કે આપ નિરાશ નહીં કરશો. આ'મ રિયલી પ્રાઉડ ટુ હેવ યુ ઈન માઈ ટીમ. " ફાઈલ અને દસ્તાવેજો ટેબલ પર સંભાળીને ગોઠવી બોસે પોતાની ચશ્માની ડિઝાઈનર ફ્રેમમાંથી સામે ઊભા શરીર તરફ આશાભરી દૃષ્ટિ ફેંકી. 

" આઈ વીલ ડુ માય બેસ્ટ, સર ! " જાણે તોલમાપ કરીને જ શબ્દો બહાર કાઢવાની ટેવ હોય એમ આ વખતે પણ ખપ પૂરતા જ શબ્દો બહાર નીકળ્યા. આંખોના સપાટ ભાવો હજી એમના એમ જ હતા. સામે તરફથી થયેલી અઢળક પ્રશંસાનું શીઘ્ર પાચન થઈ ગયું હોય એમ શરીરમાં ન કોઈ ઉમળકો ઉભરાયો, ન કોઈ ઉત્તેજનાએ ડોકિયું કર્યું. ડોકું નીચે તરફ કરી એ શિસ્તબદ્ધ શરીર તરત જ કેબિનની બહાર પલાયન કરી ગયું. 

કેબિનમાં પાછળ એકલા છૂટેલા બોસના ચહેરા પર ફેલાઈ ગયેલા ભાવો સાફ નિર્દેશ કરી રહ્યા હતા કે હમણાં જ જાણે કોઈ અન્ય ગ્રહના પ્રાણી જોડે મુલાકાત થઈ હોય. 

કેબિનમાંથી બહાર નીકળતાં જ પોતાના ટેબલ પરના વર્કલોડ ઉપર તૂટી પડવા આતુર થઈ ઉઠેલું શરીર સહેજ નિરાશ થયું. અન્ય બધા જ ટેબલ ખાલી હતા. બોસની કેબિનમાં પસાર થઈ ગયેલો સમય લંચ બ્રેક ખેંચી લાવ્યો હતો. એક ઝડપી નજર હાથની કાંડા ઘડિયાળ તરફ ઊઠી અને પછી ટેબલ પડખે ગોઠવાયેલા ટિફિનના ડબ્બા ઉપર. જમવું પડશે જેવી મજબૂરી ચહેરા પરના અકળામણભર્યા હાવભાવોમાં ડોકાઈ ગઈ. ટિફિનનો ડબ્બો બળજબરીએ ઉઠાવી કમને ડગલાં કેન્ટીન એરિયા તરફ ઉપડ્યા. 

થોડા સમય પહેલાનો ઓફિસનો સન્નાટો કેન્ટીનના શોરભર્યા વાતાવરણ નીચે કચડાઈ ગયો. બંને હાથ વડે કાનને ભીંસવા માટે હાથ સહેજ તત્પર થયા જ કે પરિસ્થિતિએ જવાબદારીભર્યું વર્તન કરવા વિવશ કર્યો હોય એમ સામેના ટેબલ તરફથી કોઈ સહકર્મચારીએ બેઠક માટે જગ્યા બનાવી આપી. એ સહકર્મચારીનું મુખ નિહાળતા જ જાણે કોઈ ખૂંખાર પ્રાણીથી નાસી છૂટવાનો પ્રયાસ થતો હોય એમ વિહ્વળ ગરદન ચારે દિશાનો એક ઉતાવળીયો ફેરો લગાવી બેઠી. પરંતુ છુટકારાનો કોઈ વિકલ્પ કીકીઓમાં ઝડપાયો નહીં. બધી જ બેઠક ભરેલી હતી. એકાંતમાં જમણ કરવાનો કોઈ અવકાશ ન દેખાતા આખરે પરિસ્થિતિ સામે હથિયાર નાખવા જ પડ્યા. અકળામણ પગના અફળાતા ડગલાઓમાં છાનીમાની અનુસરી. 

" આવો શાહ સાહેબ, આવો. બેસો અહીં નિરાંતે. "

હુલામણા આવકાર થકી મનની રીસ બેવડાઈ ગઈ હોય અને શ્વાસ ભારે થઈ ગયા હોય એમ ટિફિન ટેબલ પર પટકતા વેંત ખમીસનું ઉપરનું બટન એક ઝાટકે ઢીલું કરી દેવામાં આવ્યું અને આક્રમણ સ્થળાંતરનો ભોગ બનેલી ટાઈ થોડી આગળપાછળ ખેંચાઈ. 

ઠસોઠસ ભરેલા ટેબલ ઉપર થઈ રહેલી ભાતભાતની ચર્ચાઓ કાનમાં જોરશોર અફળાવાની શરૂઆત થઈ. ગઈ કાલે રમાયેલી ભારત અને વેસ્ટઈંડીઝની મેચમાં કોણે સારું પ્રદર્શન કર્યું, કોણે નબળું પ્રદર્શન કર્યું, કયા ખેલાડીઓને લેવા જોઈતા હતા, અમ્પાયરે કેટલા ખોટા નિર્ણયો આપ્યા, વરસાદને કારણે પીચ ખરાબ ન થઈ હોત તો ભારત જ જીત્યું હોત... અંબાણીના બંને દીકરાઓમાં કોણ સાચો ઉદ્યોગપતિ, આવનારી ચૂંટણીમાં કોની જીત પાક્કી છે, અમિતાભબચ્ચન જ કોન બનેગા કરોડપતિનો લાયક સંચાલક છે, જો એ નહીં હોય તો શો ફ્લોપ જ થઈ જાય... બાળકોને સ્ક્રીન એડિક્શનથી છુટા કરવા કયા કયા રામબાણ ઈલાજો છે..વગેરે..વગેરે...

એ બધી ચર્ચાવિચારણાઓ જોડે આસપાસના દરેક ટિફિનમાંથી ઘરમાંથી આવેલી વાનગીઓની ચટાકેદાર સુવાસ ધીમે ધીમે કરતી નાકમાં પ્રવેશવા માંડી. એ સાથે જ શ્વાસ વધુ રૂંધાવા લાગ્યો હોય એમ ટિફિન ખોલી રહેલા હાથમાં ભીંસ આવી. નજર સામેના ખાનાઓમાં એનું એજ હોટેલમાંથી ઓર્ડર થયેલું જમણ હતું. મનમાં ઘુઘવાઈ રહેલ તિરસ્કાર ચહેરા પર જરાયે ન છવાય એની તકેદારી રાખતો પહેલો કોળિયો શીઘ્ર મોઢામાં ધકેલાઈ ગયો. મસાલાઓના વધુ પડતા તીખા તડકાએ જીભને બાળી નાખી. ઉધરસનો એક ફુવારો છૂટ્યો અને આંખો પાણીમાં તણાઈ ગઈ. આસપાસની ચર્ચાઓને એક કામચલાઉ વિરામ મળ્યો. રૂમાલ વડે ચહેરાની અરાજકતાને લૂછી કાઢવાનો સતર્ક પ્રયાસ કરવામાં આવ્યો. બીજી જ ક્ષણે ફરીથી ચર્ચાવિચારણાઓ પુનઃ યથાવત થઈ. પડખે તરફથી ધીમે રહી એક હાથ આગળ વધ્યો. અન્ય ટિફિનનું ખાનું પોતાની દિશામાં આગળ વધ્યું એ નિહાળતા જ સભાન હાથે પોતાનું ટિફિન તરત જ ચિત્તાની ઝડપે સમેટવાનું શરૂ કરી દીધું. ચહેરા પર કડક, અડગ મક્કમતા છવાઈ ગઈ.

" નો, થેન્ક્સ."

બંને શબ્દો એટલી સખત રીતે ઉચ્ચારવામાં આવ્યા હતા કે ફરીથી કોઈ આજીજીનો અવકાશ જ ન રહે. 

ટિફિન હાથમાં લઈ ટેબલ છોડવાનો પ્રયાસ થયો જ કે પડખેથી સહકર્મચારીએ નમ્ર સાદમાં ફરીથી વાતનો સેતુ રચવાનો પ્રયાસ કરી જોયો. 

" કાલે સાંજે ઘરે પૂજા છે. બધા જ કલીગ આવી રહ્યા છે. તમે આવશો તો સાચે જ ગમશે. એ બહાને તમને બધાનો યોગ્ય પરિચય પણ થશે અને અમને તમારો. "

એક ત્રાંસી નજરનું નફ્ફટ બાણ પડખે જઈ ભોંકાયું. 

" નો. હું ઈશ્વરમાં માનતો નથી. "

ભરેલા ટિફિન જોડે ભૂખ્યા પેટે કામ પર પરત થઈ રહેલા સહકર્મીને પાછળથી અપલક તાકી રહેલી નજરમાં વિમાસણ અને શંકા ભેગી થઈ ભ્રુકુટીઓને અચરજ જોડે ઉપર તરફ ખેંચી રહી હતી. 

એ પછીના લાંબા કલાકો કામના ટેબલ પર ગળાડૂબ વ્યસ્ત હતા. એ વ્યસ્તતાનો અનેરો નશો ચઢ્યો હોય એમ આંખ એક ક્ષણ માટે પણ આમથી તેમ વિરામ લઈ રહી ન હતી. અડખેપડખેથી આવી રહેલા અવાજો ક્યારે શમી ગયા એની જાણ પણ ન થઈ. 

" સાહેબ, ઘરે જવાનો સમય થઈ ગયો છે. "

વૃદ્ધ પટાવાળાના ધ્રુજતા અવાજે જાણે ચઢેલા નશાની બધી જ મજા ઉતારી નાખી હોય એમ હોંશમાં આવતા એ બાવરા જેવા ચહેરાએ પટાવાળાને એ રીતે ઘેલી અચરજથી જોયો કે એ વૃદ્ધ જીવ એક ક્ષણ માટે ડઘાઈ ઊઠ્યું.

" ઘર ? કેવું ઘર ? "

એક ક્ષણ બાદ આસપાસના વાતાવરણમાં પરત થતા, જાતને સંભાળતા, જાણે હેંગઓવર ઉતરયા બાદ ભાન પરત થયું હોય એમ એ એકલો એકલો બબડ્યો.

" હા, ઘર..."

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama