Shobha Mistry

Abstract Tragedy Inspirational

4  

Shobha Mistry

Abstract Tragedy Inspirational

કન્યાવિદાય

કન્યાવિદાય

2 mins
331


ચૌધરી ગામિતસિંહ, એમના પત્ની રાધાદેવી તથા ઘરના સર્વે આંગણે રોપેલા માંડવામાં બેસી આતુરતાથી દિપાલીની રાહ જોઈ રહ્યાં હતાં. એણે વચન આપ્યું હતું, "બાપુ, મા, તમે ચિંતા ન કરશો. તમે બધી તૈયારી કરી રાખજો. મને ખબર છે તમને મારું કન્યાદાન કરી કન્યાવિદાય કરવાનો ખૂબ હરખ છે. બાપુ, સરહદ પર દુશ્મન દેશની આંખ મંડાયેલી રહે છે. જરા પણ આમતેમ થયાં કે એ ત્રાટકી જ પડશે. છતાં મેં રજા મંજૂર કરાવી દીધી છે. હું અને તમારા જમાઈબાપુ સમયસર આવી જઈશું."

ચૌધરી ગામિતસિંહની નજર સમક્ષ આજથી આઠ વર્ષ પહેલાંનો સમય આવી ગયો. પોતે યુધ્ધના મેદાનમાં ઘાયલ થયા અને ડાબા પગને ગોઠણમાંથી કાપી નાંખવો પડ્યો હતો. કુટુંબની પરંપરાનુસાર એમના પછી એમનો દીકરો વિજય સેનામાં ભરતી થઈ ગયો અને બે વર્ષની સખત ટ્રેનિંગ પછી સરહદ પર લડવા ગયો હતો. ત્યારે પોતાની છાતી ગજગજ ફૂલી ગઈ હતી. દીકરાએ કુટુંબની પરંપરા જાળવી તેનો તેમને ગર્વ હતો પણ એ આનંદ ઝાઝો ટક્યો નહીં. યુધ્ધભૂમિ પર દુશ્મનોને મહાત આપતાં આપતાં વિજય વીરગતિને પામ્યો. 

વિજયના શહીદ થયા પછી ચૌધરી ગામિતસિંહ અને રાધાદેવી ઉદાસ રહેવા લાગ્યાં. "અમારે જો બીજો દીકરો હોત તો એને પણ દેશની સેવામાં લગાડી દીધો હોત." માતાપિતાનો આવો વલોપાત દીકરી દિપાલીથી જોવાયો નહીં. એણે નિશ્ચય કર્યો અને ગામિતસિંહને ધરપત આપી, "બાપુ, તમારે બીજો દીકરો નથી તો શું થયું ? હવે તો દીકરીઓ પણ સેનામાં ભરતી થાય છે. હું સેનામાં ભરતી થઈ દેશની સેવા કરીશ, મને રજા આપો." 

ગામિતસિંહ દેશપ્રેમી હતો છતાં બાપનું હૈયું ધરાવતો હતો. પણ દીકરીની જિદ સામે એનું કાંઈ ન ચાલ્યું. છેવટે દિપાલીએ સખત ટ્રેનિંગ લીધી અને સેનામાં ભરતી થઈ ગઈ. વિજયની જેમ જ એને પણ સરહદની રક્ષા કરવાની ફરજ મળી. દિપાલી ખુશીખુશી દેશસેવામાં લાગી ગઈ. ગામિતસિંહની ખુશીનો પાર નહોતો પણ એને દીકરીને લગ્ન કરી સાસરે વિદાય પણ કરવાની હતી. જો કે જમાઈબાપુ માનસિંહ પણ સૈન્યમાં જ હતાં એટલે વાંધો નહોતો. છેવટે વેવાઈ સાથે વાતચીત કરી એમણે તારીખ નક્કી કરી નાંખી અને એ પ્રમાણે દીકરી જમાઈને જણાવી દીધું હતું. એના જવાબમાં જ દિપાલીએ હૈયા ધરપત આપી હતી કે એ બંને સમયસર આવી પહોંચશે. 

ત્યાં તો દૂરથી સૈન્યની ગાડી આવતી દેખાય. બધાં ઉત્સાહમાં આવી ગયાં. રાધાદેવી દીકરીના ઓવારણાં લેવા માટે ઝડપથી આરતીની થાળી લઈ તૈયાર થઈ ગયાં. આંગણામાં બાંધેલા મંડપમાં ગાડી આવીને ઊભી રહી. પાછળનું બારણું ખોલી સૈનિકોએ માનભેર અંદરથી સ્ટ્રેચર ઉતાર્યું. એમાં તિરંગો ઓઢાડેલી એક લાશ હતી. સાથે જમાઈબાપુ માનસિંહ પણ ઉતર્યા. ગામિતસિંહ અને રાધાદેવી સમજી ગયાં પણ સ્વીકારી ન શક્યા કે એમણે આવી કન્યાવિદાય આપવી પડશે. એમના ચહેરા પર ગૌરવ સાથે દુઃખ પણ ઉતરી આવ્યું. છતાં એક દેશભક્તને છાજે એ રીતે એમણે એને સલામી આપી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract