કલશોર~સ્ટોએટ્રી
કલશોર~સ્ટોએટ્રી
કલશોર
(સ્ટોએટ્રી – કલ્પેશ પટેલ “અનંત”)
પંખી કરી કલશોર,
જુદો આજ યમુના તટે સૌ વદે.
“ઓ કાનુડા, શરણે છીએ સૌ અમે તારે,
આ કંસ–ચારુણનો ત્રાસ છે ભારે.”
વ્રજના આકાશમાં એ બપોરે
વાદળો ધીરે ધીરે ઊભરાયા હતા.
ધૂળના ધુમ્મસ વચ્ચે નાનકડા ગોપાલો ગુમસુમ બેસી રહેલા.દડો, હાસ્ય અને બાંસુરીના મધુર સ્વર હવે
માત્ર સ્મૃતિ બની ગયેલા,
કારણ કે કાનુડો અને દાઉ ભૈયા, તે મથુરા લઇ ગયેલા.
વ્રજની એ દિવસની સાંજ પણ ગાઢ હતી.
યમુના તટે કદ્દમ નીચે રાધા એકલી બેઠી હતી.કૃષ્ણ મથુરા જઈ ચૂક્યા હતા,
પણ કંસનો ખેપ રાધા ના મનના આકાશમાં
કાળા વાદળ બની ઉમટ્યો હતો.
રાધા બોલી —
“કૃષ્ણ, તું હવે દૂર છે,પણ આ ચિંતા ના વાદળો હજી મારી આંખોમાં વસે છે.
તારી બાંસુરીના સુરને કંસ સાથે શું આડું પડી ગયું?”
એ વિરહ અને ચિંતા,ધુમ્મસ બની વ્રજ ઉપર છવાયેલું.
મથુરામાં ધરા ધ્રુજતી હતી.
ચાણુર અને મર્દન મલ્લના મુક્કા અખાડાની માટી ઉખાડી
આકાશમાં ઉડાડતા હતા. અને નવા વાદળો રચાઈ રહ્યાં હતા.
અખાડા ની મધ્યમાં કૃષ્ણ અને બલરામ
નિર્ભય, પણ શાંત.કૃષ્ણના ચહેરા પર તટસ્થ હાસ્યનો ગડગડાટ, બલરામની આંખોમાં વીજળીનો કડાકો.
તેવા જ ઘેરા, કરડિયા વાદળ
માતા યશોદાના હૃદયમાં પણ ઘેરાયા.
યમુનાના બન્ને તીરે ધુમ્મસ ગણો કે મમતા ભરેલ વાદળ છવાયેલ.
આખરે મથુરાની દિશામાં જોઈ માતા યશોદા બોલી
“એ મારી મીઠડી યમુના, તારા સંતાનો પર કોઈ વિપદા ન આવો દે…હે નંદલાલ, તમે કેમ બેઠા છો? જાવ મથુરા, જાવ!”
એણે હાથ જોડ્યાં,આકાશે વીજળી ઝબકી અને એ ક્ષણે કૃષ્ણની મુષ્ટિ ઘાતથી ચારુણ ધરાશાયી,બલરામની ધોબી પછાડથી મર્દન મલ્લ નમ્યો.
કૃષ્ણ બોલ્યા “ભાઈ દાઉ, આ તો માતાની પ્રાર્થનાનો પ્રતાપ છે.”
લડાઈ પૂરી થઈ, પણ કૃષ્ણનું મન શાંત ન હતું.રાત્રે તે યમુના કિનારે આવ્યો.
આકાશમાં એ જ વાદળ ધીમેથી વહેતું —
કહેતાં કે, કાનુડા “કંસ હજી જીવિત છે…”
યમુના ઉપર ઝરમર વરસ્યો,પવનમાં કસ્તૂરીની સુગંધ ભરી.કૃષ્ણને લાગ્યું,
વાદળ તેના માથા ઉપર થંભી ગયું છે,
જાણે યમુના એ આશીર્વાદ આપતાં હોય.
તે ઘડીએ, કદમ નીચે રાધાના નયનનાં વાદળ આંસુ બની વિલીન થયા.
એ રાતે મથુરા ઉપર મન મૂકી વરસાદ વરસ્યો કોઈએ કહ્યું, “મલ્લ યુદ્ધની ધૂળ ધોઈ નાખવા વરસ્યો વરસાદ.”
પણ વ્રજ જાણતું હતું,એ યશોદાની મમતા અને રાધાના આંસુ હતા.જે વાદળ બની આખી મથુરાને ભીંજાવી ગયા.
અને કંસને મહેલના ઢોલિયે પરસેવે ભીંજવી રહ્યો હતો …
બીજી સવારે પંખીઓએ કલશોર કર્યો —
આનંદો સૌ આજ,"જોજો, હવે છે કંસનો વારો.”
