ખરેખર!
ખરેખર!
“અરે, આજે ડૉક્ટર પાસે જઈ આવી? શું કહ્યું ડૉક્ટરે?”
'કાંઈ નહીં બસ, બાળકની તબિયત સારી છે. મા અને બાળક બંને તંદુરસ્ત છે.'
સાંભળીને પુનિત ખુશ થયો. પારો પહેલી વાર મા બનવાની હતી. અરે કેમ ભૂલી ગયો, 'હું પણ પહેલીવાર બાપ બનીશ. સાલા મૈં તો બાપ બન ગયા.' કહીને ઝુમી ઉઠ્યો.
પુનિત અને પારો ખૂબ ખુશ હતાં. તેમાંય બાળકનો વિકાસ સમય અનુસાર હતો એ ખૂબ સુખદ સમાચાર હતાં. પુનિતને એક ભાઈ હતો. પાંચ વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતાં. ખબર નહીં કયા કારણસર તે બાપ બની શક્યો ન હતો. પાંચ વરસ થયા એટલે ડૉક્ટરી તપાસ અને સારવાર ચાલુ થઈ ગયા. કોઈ એંધાણી જણાતી ન હતી. તેમાં નાનો ભાઈ શુભ સમાચાર આપી રહ્યો ત્યારે પરમ ખુશ થયો. ચાલ, મારે ત્યાં નહીં પણ મારા ભાઈને ત્યાં. મન મનાવી પ્રીતિ અને પરમે ખુશી બમણી કરી. પ્રીતિ, પારોનું ખૂબ ધ્યાન રાખતી. મમ્મી કાંઈ પણ કહે તો પારોને જણાવે રહેવા દે હું કરી લઈશ. તું તબિયત સાચવજે. પારો અને પ્રીતિ વચ્ચેનો આવો પ્રેમ જોઈ સાસુમા ખુશ થતાં.
પરમ અને પુનિત એંજીનિયર થઈ પિતાની ચાલુ ફેક્ટરી સંભાળતાં. બંન્ને ભાઈઓને આખા ધંધાનો લગામ સોંપી મફતભાઈ નિવૃત્તિનું જીવન ગાળતાં. પૂછે તો સવાલના જવાબ આપવાના. આધુનિક ટેકનોલોજી દ્વારા ફેકટરીને સંગીન બનાવી હતી. માલમાં હેરાફેરી નહીં. ગ્રાહક જેવો માલ માગે તેવો બનાવી આપવાનો. પૈસામાં બાંધછોડ ન કરે તો માલ શું કામ તેમની પસંદનો ન આપે?
ચોરી ચપાટી બંને ભાઈઓને ન ખપે! ત્યાં ફોનની ઘંટડી વાગી.
'જલ્દી ઘરે આવ'.
પુનિત કહે, 'મારે જવું પડશે.'
પરમ જાણતો હતો.
'તું ચિંતા વગર જા, હું છું ને.'
પપ્પા પણ તેમની ઓફિસમાં હતાં.
પુનિત સીધો ફેક્ટરી પરથી ઘરે આવ્યો. મમ્મી, પારોને સાંત્વના આપતી હતી. તેને પેટમાં સખત દુઃખતું હતું. પળનો પણ વિલંબ કર્યા વગર પુનિતે તેને લગભગ ઉંચકીને ગાડીમાં બેસાડી હૉસ્પિટલ લઈ ગયો. ડૉક્ટર પુરંદર ખૂબ જાણીતા ગાયનેકૉલોજીસ્ટ હતાં. પારોને તપાસી. કાંઈ ખબર પડતી ન હતી. નિષ્ણાત હોવાને કારણે બોલ્યા.
'ઑપરેશન કરવું પડશે, જે પણ તકલીફ હશે તે દૂર કરીશ. પારોના બનેવી ડૉક્ટર હતાં. તેમને આ વાત યોગ્ય લાગી. સફળતા પૂર્વક ઓપરેશન કર્યું. પારોને ખૂબ નબળાઈ જણાતી હતી. લોહી ચડાવવું પડે એવી હાલત હતી. સારા નસીબે પ્રીતિના લોહીનું ગ્રુપ અને પારોનું લોહીનું ગ્રુપ 'બી +' હતું. દૂર જવું ન પડ્યું. પ્રીતિને ખૂબ સારું લાગ્યું. તે પારોને કામ આવી!
સાતમે મહિને ડૉક્ટરને શંકા ગઈ પારોના ગર્ભમાં બે બાળક પોષાઈ રહ્યા છે. બરાબર તપાસી. હા, બંન્ને જીવ ઉદરે પાંગરી રહ્યા હતાં. પારો ખૂબ મોટી પણ લાગતી. તેના પેટના હાલ જોઈને એમ થતું આ સ્ત્રી નવ મહિના ગર્ભમાં બાળક કેવી રીતે સાચવશે? પ્રભુ જ્યારે સ્ત્રીને મા બનવા ગર્ભમાં બાળક ઉછેરવાનું કાર્ય સોંપે છે ત્યારે તેને સહન કરતાં આવડી જાય છે. તે પ્રેમથી બાળકને ઉદરે પોષી, તેને યથા સમયે જન્મ આપે છે. કદાચ કોઈ બાળક વહેલું મોડું આવે તે શક્ય બની શકે!
આજે સવારથી પારોને ચેન પડતું નહીં. પુનિતને ઓફિસે જવાની મમ્મી તેમ જ પારો બંનેએ ના પાડી. પારોની હાલત ખૂબ દયનીય જણાતી હતી. બે બાળકો ઉદરમાંથી બહાર આવવા છટપટી રહ્યા હતાં. સંભાળીને ગાડીમાં બેસાડી. પુનિતે ગાડી ચલાવી. ડ્રાઈવર બેદરકારી દાખવે અને પારોને દુઃખ પહોંચે. તેનાથી પારોની હાલત જોઈ શકાતી નહીં. આરામથી પુરંદર હૉસ્પિટલમાં આવ્યા. સ્ટ્રેચર મંગાવી તેને સુવાડીને 'ડિલિવરીના' રૂમમાં લાવ્યા. તકલીફ ખૂબ પડતી હતી. ડૉક્ટરે કહ્યું બાળક અને મા બંનેનો જાન બચાવવા 'સી સિક્શન' કરીએ તો સારું. યથા સમયે બે તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો. બંન્ને દીકરીઓ રૂપ ,રંગ અને કાળા ભમ્મર વાળ લઈને આવી હતી.
પારો અને પુનિત ખુશ થયાં. ઘરમાં બધાને લક્ષમીના જન્મથી આનંદ થયો. પારો એ પુનિતને નજીક બોલાવી કાનમાં કશું કહ્યું. પુનિત રાજીના રેડ થઈ ગયો. મમ્મી અને પપ્પા આવ્યા. બંને દીકરીઓને જોઈ રાજીના રેડ થયા. રાતના પરમ અને પ્રીતિ આવ્યા. પ્રીતિ તો ગાંડી થઈ ગઈ હતી.. બેમાંથી કોને પહેલી ઉંચકવી તેની અવઢવમાં હતી. ત્યાં પરમ એકને લઈને આવ્યો. પ્રીતિના હાથમાં આપી.
"ભાભી એ તમારી,' પુનિત અને પારો બંને સાથે બોલી ઉઠ્યાં."
