Jay D Dixit

Inspirational Thriller

4.9  

Jay D Dixit

Inspirational Thriller

ખરચી

ખરચી

3 mins
606


સાડા છ થઇ ગયા હતા, સહુ હાથ-મોં ધોઈને જઈ રહ્યાં હતા. પણ, વસંત ત્યાનો ત્યાં જ બેઠો હતો હજી. એને હજી પણ આશા હતી કે મુકાદમ બોલાવશે અને વધારાની ખરચી એને આપશે. બધા પોતપોતાના ટીફીનો લઈને ચાલવા લાગ્યા અને થોડા જ સમયમાં સાઈટ ખાલી થઇ ગઈ. હવે ત્યાં હતા સિમેન્ટની ગુણોનો ઢગલો, રેતી, કપચી, મુકાદમ અને સાહેબોની માટે કેબીન અને નાકે બેઠેલો વસંત...જોકે મુકાદમે સવારથી જ વસંતને આ બાબતે નકારો ભણી દીધો હતો. પણ, દીકરીના જન્મદિવસે ખાલી હાથ જવું એને ગમતું નહોતું. થોડીવાર થઈને મુકાદમ બહાર આવ્યો. ફરી વસંતે માંગણી કરી, અને ફરી મુકાદમે એને ટાળી દીધો.


વસંત બહુ જુનો કડિયો હતો. એટલે મુકાદમ એની દરેક વાત માનતો. અને એટલે જ એના પર જરાય ગુસ્સો કર્યા વગર મુકદમે એને સમજાવ્યો કે ખરચી માટે બે જ દિવસ બાકી છે અને એની પાસે પણ પુરતા પૈસા નથી એટલે એ વસંતને કોઈ પણ રીતે હાલ મદદ કરી શકે એમ નથી. મુકાદમ પણ વસંતનું પડી ગયેલું મોં જોઇને દુઃખી તો થયો હતો પણ ... વસંત મન પર ભાર રાખીને ચાલી નીકળ્યો. ઘર તરફ જતા બે બસો એણે બદલવાની હતી. એક બસ બદલ્યા પછી, બીજી બસમાં એ બેઠો. હજી એના મનમાં એની દીકરીનો ચહેરો અને પોતાનો ખાલી હાથ જ દેખાતા હતા. એ સખત ચિંતામાં હતો. છતાં એ કંઈ પણ કરી શકે એમ નહોતો. એના કાને વારંવાર પોતાની પત્ની ચંપાના શબ્દો કાને વાગતા હતા. ચંપા સવારે જ બોલી હતી, "કંઈ નહીં તો એક નાનું સરખું રમકડું લેતો આવજે, પણ ગુડ્ડી માટે ખાલી હાથે ન આવતો." અને હવે ખાલી હાથે જવાનું નક્કી હતું.


એ અધવચ્ચે ઉતારી પડ્યો બસમાંથી અને રસ્તાના કિનારે થોડી વખત ઉભો રહ્યો. પછી આમતેમ જોયું અને કિનારે પાર્ક થયેલી કાર પાસે જઈને ભીખ માટે હાથ લંબાવ્યો, કારના કાચ બંધ હતા, કાળા હતા એટલે વસંતને કંઈ દેખાતું નહોતું. પહેલી વખત એ કોઈ સામે હાથ લંબાવી રહ્યો હતો કદાચ. કારણકે એની ભીખ માંગવાની ઘટનામાં વેદનામાં, સ્વાભિમાનનું ખૂન થયાની શરમ વધારે હતી. પહેલા પ્રયત્ને કોઈ ઉત્તર એ કાચ પાછળથી મળ્યો નહીં. એણે આમતેમ જોઇને ફરી વખત પ્રયત્ન કર્યો. કાચ ખુલ્યો, અને બોલી ઉઠ્યો...

"શેઠ"

અને તરત જ એ ત્યાંથી ભાગ્યો. આ એ જ બિલ્ડર હતો, જેની સાઈટ પર આજકાલ એ કામ કરતો હતો.

"ઉભો રહે... કેમ ભાગે છે?" કારમાંથી બહાર આવીને પેલા શેઠે અવાજ કર્યો. વસંત ચાલતો જ રહ્યો, શેઠે ફરી કડકાઈ બુમ મારી..

"ઉભો રહે...નહીં તો મુકાદામને કહી દઈશ." વસંત અટકી ગયો.

"આમ આવ." વસંત ફર્યો નહીં.

"આમ આવ નહીંતર.."


વસંત ફર્યો અને ઝડપભેર આવીને શેઠને હાથ જોડ્યા,

"શેઠ ખબર નહોતી કે તમે છો. મુકાદામને કે કોઈને કહેતા નહીં કે હું ભીખ માંગતો હતો. મને કંઈ નથી જોઈતું, માફ કરી દો, જવા દો."

"તું સાઈટ પર જ કામ કરે છે ને? શું નામ?"

"વસંત, સાહેબ પણ કોઈને કહેતા નહીં."

"ભીખ કેમ માંગતો હતો?"


વસંતની જીભ અચકાતી અચકાતી હાલવા લાગી, એણે એની દીકરી, એનો જન્મદિવસ, ચંપા, મુકાદમ અને ખરચી બધાની વાત કરી. શેઠે એને કારમાં બેસાડ્યો, કાર રમકડાની એક મોટી દુકાને ગઈ અને ત્યાંથી શેઠે એણે બે રમકડા અપાવ્યા, અને કીધું,

"એક મારા તરફથી તારી ગુડ્ડીને આપજે અને એક તારા તરફથી. અને આ તારા તરફથી છે એ રમકડાના ૧૦૦ રૂપિયા તારી બીજી વખતની ખરચીમાંથી મુકાદમ કાપી લેશે. ઓકે? મફત તને પોસાશે નહિ અને તું મફત લે એવું હું ઈચ્છતો પણ નથી. જા.. મજા કર."

વસંત ખુશી ખુશી પોતાના ઘરે ચાલ્યો ગયો. ગુડ્ડી ખુશ, ચંપા ખુશ. મજાથી ઉજવાયો જન્મદિવસ. એ રાતે એ ચંપાને આખી વાત કહેતા કહેતા બોલ્યો,

"ઈશ્વર છે ચંપા, ઈશ્વર છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational