Republic Day Sale: Grab up to 40% discount on all our books, use the code “REPUBLIC40” to avail of this limited-time offer!!
Republic Day Sale: Grab up to 40% discount on all our books, use the code “REPUBLIC40” to avail of this limited-time offer!!

mariyam dhupli

Romance Inspirational

3.7  

mariyam dhupli

Romance Inspirational

ખાસ દિવસ

ખાસ દિવસ

7 mins
129


ડાઈનિંગ ટેબલ ઉપર મુકાયેલી ચાની પ્યાલીમાંથી હળવી હળવી વરાળ ઉપર તરફ ઊઠી રહી હતી. જગની અંદર નારંગી રંગનું જ્યુસ ભરવામાં આવ્યું હતું. એક તરફ બાઉલમાં ફ્રૂટ સલાડ તૈયાર હતું. બીજી તરફ પ્લેટમાં ગરમાગરમ ઉત્તપમ પીરસવામાં આવ્યું હતું. રોટી માટેના તંદૂરમાં કેટલીક ગરમ, તાજી રોટલીઓ સચકવામાં આવી હતી. માખણ અને ચીઝ જુદા જુદા ડબ્બામાં વપરાશ માટે રાહ જોઈ રહ્યા હતા. એક ખાલી પ્લેટ અને એની ઉપર એક ટીસ્યુ સજ્જ હતું. પડખેના મગમાંથી દૂધમાં તૈયાર થયેલા ઓટ્સની સુગંધ મહેકી રહી હતી. કેન્દ્રમાં ગોઠવાયેલી કાચની પારદર્શક બરણીમાંથી થોડાક બદામ, પિસ્તા અને કાજુ દ્રષ્ટિમાન થઈ રહ્યા હતા. ટેબલના એક ખૂણામાં ટિફિન ઊભું હતું.

પાછળ તરફના ઓરડામાંથી એક પુરુષ લગભગ દોડવાની ઝડપ જોડે ડાઈનિંગ ટેબલ પર ધસી આવ્યો. એના શરીર પર ઓફિસ માટેના ફોર્મલ વસ્ત્રો સજ્જ હતા.પગમાં પોલીશ કરેલા બુટ અને ગળામાં અત્યંત ચુસ્ત ટાઈ ભેરવાઈ હતી. ખૂબ જ ઉતાવળ જોડે એણે એક અધીરી નજર હાથની રિસ્ટવોચ તરફ નાખી. સમયના કાંટાઓ નિહાળી આંખો તાણથી ખેંચાઈ ગઈ. ડાઈનિંગ ટેબલ પર હાજર મધમધતી ખાદ્ય સામગ્રી એનું જરાયે ધ્યાન આકર્ષી ન શકી. ટેબલના ખૂણામાં ઉભા ટિફિન પર એણે બાજ જેવી તરાપ મારી અને રસોડામાંથી સીધો બેઠક ખંડનો માર્ગ લઈ ઘરની બહાર તરફ ધસી પડ્યો.

રસોડામાં વ્યસ્ત સ્ત્રીના કાન ઉપર એ ભાગદોડ ઝીલાયા કે એ બધું કામકાજ પડતું મૂકી રસોડાની બહાર ડાઈનિંગ ટેબલ તરફ ધસી આવી. એક કટાક્ષસભર નજર ટેબલ ઉપર સજ્જ ખાદ્ય સામગ્રી પર આવી પડી. એ હજી પણ એ જ ક્રમમાં કોઈ પણ પ્રકારનો સ્પર્શ પામ્યા વિના પોતપોતાના સ્થળે અકબંધ હતી. સ્ત્રીએ એક નિસાસો નાખતા પોતાની નજર તરત જ ઘરના મુખ્ય દ્વાર તરફ નાખી. એક ખભે ઓફિસની બેગ અને બીજા હાથમાં ટિફિન જોડે પુરુષ પોતાના મોબાઈલમાંથી આંકડાઓ દબાવવામાં વ્યસ્ત હતો. એ નજરથી અદ્રશ્ય થઈ ઉઠે એ પહેલા સ્ત્રીએ ડાઈનિંગ ટેબલ તરફથી જ અવાજ ઊંચો કર્યો,

" આજે પણ નાસ્તો છોડી જતા રહ્યા ? સાંભળો છો ? દરરોજ જેમ મોડું નહીં કરતા. સમયસર ઘરે આવતા રહેજો. "

સ્ત્રી તરફ પીઠ જોડે પુરુષે દોડતા ડગલાં સાથે એક હાથ હવામાં ઉપર તરફ ઉઠાવ્યો. એ નિયત સંકેત દ્વારા સ્ત્રીને પોતાનો સંદેશ પુરુષના કાનમાં ઝીલાઈ ગયાની સાબિતી મળી રહી. એના મોઢામાંથી એક ઊંડો ઉચ્છવાસ બહાર નીકળ્યો અને ટેબલ પર ફેલાયેલી ખાદ્ય સામગ્રીઓ જોડે શું કરવું એની મથામણ જોડે એની નજર ફરીથી ડાઈનિંગ ટેબલ પર પરત ફરી ગઈ.

ખીચોખીચ ટ્રેન વચ્ચે માથા પરનું હેન્ડલ પકડતો પુરુષ પોતાની બેગ અને ટિફિનનું સંતુલન જાળવતો આખી યાત્રા દરમિયાન એક જ મોબાઈલ નંબર વારંવાર દબાવતો રહ્યો. પરંતુ સામે તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નહીં. પુરુષના ચહેરા પર સતત તાણના ભાવો ઉપસી રહ્યા હતા. એક ખૂણાની બેઠક પર ગોઠવાયેલું શાળાએ જઈ રહેલું બાળક અપલક નજરે એ પુરુષને તાકી રહ્યું હતું. એના હાથમાં થમાયેલા ડબ્બામાંથી એ ચીઝ વેજિટેબલ સેન્ડવિચના બટકા ભરી રહ્યું હતું. પુરુષની નજર નિષ્ક્રિય પણે એ બાળક તરફ ડોકાઈ જતી હતી.પરંતુ એના હાથમાંની સેન્ડવીચ તરફ એનું ધ્યાન જરાયે ન ગયું.સ્ટેશન પર ઉતરતા જ પુરુષે પ્લેટફોર્મના બહારના માર્ગ તરફ દોડ લગાવી. વારેઘડીએ એની નજર મોબાઈલના પડદાને તાકી રહી હતી. એણે વારેઘડીએ દબાવેલા આંકડાઓ તરફથી પરત કોલ આવ્યો ન હતો. એ વાતની રીસ એના ચહેરાને ખાઈ રહી હતી. સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ક્યાંક મસાલાવાળી ચા, ક્યાંક ગરમ તળાઈ રહેલા વડા તો ક્યાંક વેચાઈ રહેલા છૂટક સ્નેક્સની મહેક પ્રસરેલી હતી. પણ એ બધી જ સુવાસ એ પુરુષના શ્વસનતંત્ર ઉપર કોઈ પણ પ્રકારની અસર ઉપજાવ્યા વિના ફરીથી પોતપોતાના ખૂણાઓમાં પરત થઈ રહી હતી.

પ્લેટફોર્મના બહાર તરફના માર્ગ ઉપર ફળોની લારી ક્રમબદ્ધ ઉભી હતી. કેળા, દ્રાક્ષ, મોસંબી, સંતરા, ચીકુ, તરોફા, તરબૂચ...જુદાજુદા ફળોની તાજી ખુશ્બુ હવામાં ભળેલી હતી. એ હવાને ચિત્તાની ઝડપે ચીરતો પુરુષ રસ્તો ઓળંગી સામે તરફના રસ્તાની જમણી બાજુએ વળી ગયો. ચારસો મીટરનું અંતર પગપાળા કાપવાનું હતું. એના બંને તરફના માર્ગ પર વિવિધ પ્રકારની હોટેલો અને જમવાના લોજ કાર્યબદ્ધ હતા. કેટલીક ફરસાણની દુકાનોમાંથી તેલમાં તળાઈ રહેલા ભજીયા, ફાફડા, જલેબી, પાતરવેલ અને મોટી મોટી થાળીમાં જમેલા તાજા ખમણ અને ઢોકળા ગ્રાહકોને દૂરથી જ લલચાવી રહ્યા હતા. પરંતુ પુરુષની નજર તો એના આગળ તરફના માર્ગ પર લક્ષયબઘ્ધ જડાયેલી હતી.

ઓફિસમાં પહોંચતા જ એ સીધો પટાવાળાની દિશામાં ધપી ગયો. હજી ઓફિસ ખાલી હતી. એ સમયથી વહેલો પહોંચનાર સૌ પ્રથમ કર્મચારી હતો. પટાવાળાએ એને નિહાળી અભિવાદન કર્યું,

'' સાહેબ, ગુડ મોર્નિંગ. આજે પણ તમે જ સૌથી પહેલા આવી પહોંચ્યા. તમારા સમયનો રેકોર્ડ કોઈ તોડી ન શકે. "

હાસ્યવ્યંગના મિજાજમાં ન હોય એમ પુરુષે તરત જ પ્રશ્ન કર્યો,

" કાકા, તમે ફોન કેમ નથી ઉપાડતા ? "

વૃદ્ધ ચહેરા પરથી વ્યંગની રેખા સંકેલાઈ ગઈ. કીકીઓ મૂંઝવણમાં આમથી તેમ ફરવા લાગી.

" સાહેબ, ફોન પાછળ ચાર્જ કરવા મૂક્યો છે એટલે અવાજ નહીં આવ્યો. "

" કોઈ વાંધો નહીં. બસ જાણવું હતું કે સાહેબ આવી ગયા ? " પુરુષની નજર પાછળ તરફની કેબીન પર ચિતાથી ડોકાઈ ગઈ. વૃદ્ધ હાથ પુરુષના ખભે સાંત્વના આપતો ટેકાઈ ગયો.

" હજી નથી આવ્યા. ચિંતા ન કરો. "

પુરુષે એક રાહતનો દમ ભર્યો અને જાત જોડે વાત કરતો હોય એમ ઉતાવળભર્યા હાવભાવો જોડે બબડ્યો,

" એટલે ટાર્ગેટ પૂરું કરવા પૂરતો સમય મળી રહેશે. "

પટાવાળાએ પોતાનો વૃદ્ધ હાથ એના ખભે થપથપાવ્યો અને પછી એ ફરીથી પોતાની ફરજ તરફ વળી ગયો.પુરુષે ખૂબ જ ઉતાવળ જોડે ખભા પરની બેગ ઉતારી પોતાની ડેસ્ક પર ગોઠવી દીધી. સાથે લાવેલું ટિફિન નીચે પગ પાસે એક તરફ મૂકી દીધું. કોઈ પણ પ્રકારની ખલેલ ન મંજુર હોય એમ મોબાઈલને સાઈલેન્ટ મોડ પર મૂકી ડ્રોવરમાં સરકાવી દીધો અને આગળ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના એ શરીર નજર સામેના ફાઈલના ઢગલા પર રીતસર તૂટી પડ્યું. ગરદન નીચે તરફ જડબેસલાક જડાઈ ગઈ. 

ઓફિસની ભીંત પર લટકાયેલી ઘડિયાળના કાંટા ઝડપભેર ફરતા ગયા. ઓફિસ થોડા સમયમાં ખીચોખીચ ભરાઈ ગઈ. બધા કર્મચારીઓ જાણે કોઈ દોડમાં ભાગ લીધો હોય એમ પોતપોતાના ટાર્ગેટ પાછળ મંડી પડ્યા હતા. પુરુષની નજર આસપાસની સૃષ્ટિથી તદ્દન અલિપ્ત હતી. ડ્રોવરમાંનો મોબાઈલ અનેકવાર ધ્રુજી પાછો મૌન ટાઢો પડી ગયો હતો. લંચ બ્રેકના સમયે પટાવાળો પુરુષના ડેસ્ક નજીકથી પસાર થયો. આસપાસની બેઠકો ખાલી હતી. પુરુષનું ટિફિન હજી પણ એના પગની નજીક જેમ આવ્યું હતું એમ જ સ્પર્શ વિના શાંત ઉભું હતું. પુરુષનું ધ્યાન સંપૂર્ણપણે ફાઈલોની વચ્ચે ચક્કર કાપી રહ્યું હતું. પટાવાળાએ પુરુષના ખભે મિત્રતાભર્યો હાથ થપથપાવ્યો અને એના ડગલાં ઓફિસની કેન્ટીનની દિશામાં ઉપડી પડ્યા. પોતાના ગ્રહ પર વ્યસ્ત પુરુષને એની કોઈ જાણ ન થઈ શકી. કેન્ટીનમાં ખૂલી ગયેલા ટિફિનોમાંથી જાતજાતની ને ભાતભાતની રોટલીઓ, ભાત અને શાકની સુવાસ મહેકી રહી હતી. એ સુવાસ પોતાની ડેસ્ક પર રોબોર્ટ જેમ કામ કરી રહેલા પુરુષ સુધી પહોંચવા અસમર્થ હતી.

થોડા સમય બાદ દરેક કર્મચારી પોતપોતાની બેઠક પર પરત ફરી ગયા હતા અને ફરીથી સ્પર્ધાનો હિસ્સો બની ઝડપથી એક પછી એક ફાઈલો ઉથલાવતા જઈ રહ્યા હતા. ભીંત પરની ઘડિયાળના કાંટા એ જ ઝડપ જોડે સૌને વધુ ઉતાવળ સાથે કામ કરવા દબાણ કરી રહ્યા હતા. 

આખરે સાંજે ઓફિસના કલાકો પૂરા થયા ત્યારે પુરુષના ચહેરા પર દિવસમા પહેલીવાર રાહતના હાવભાવો ડોકાઈ આવ્યા. આંખો સામેની ફાઈલ તરફ એ ગર્વ જોડે તાકી રહ્યો હતો. ઘરે પરત ફરવાની તૈયારી સ્વરૂપે એણે ડ્રોવરમાંથી પોતાનો મોબાઈલ નીકાળ્યો. ઘરેથી આવેલા અસંખ્ય મિસકોલ નિહાળી ફરી નજરમાં ફિકર ધસી આવી. એક નજર ભીંત પર લટકાયેલી ઘડિયાળમાં ગઈ. એ કાંટાઓ હજી પણ એ જ ઝડપે ચક્કર કાપી રહ્યા હતા. તરત જ એણે બેગમાં બધો સામાન વ્યવસ્થિત ગોઠવી બેગને ખભે ભેરવી દીધી. પગ પાસેનું ટિફિન હાથમાં આવ્યું. એનું વજન હજી પણ એટલું જ હતું જેટલું સવારે ઘરેથી નીકળતી વેળાએ હતું.

હાથમાંનો મોબાઈલ વાઈબ્રેટ થવા માંડ્યો. કોલ ઉપાડવા કરતા કોલ કરનાર વ્યક્તિ પાસે ઝડપથી પહોંચવાને પ્રાધાન્ય આપવા એનું શરીર રેલવેસ્ટેશન પર ટૂંક સમયમાં પહોંચી રહેનારી ટ્રેનની દિશામાં દોડ લગાવવા ઊપડ્યું.

" સાહેબ, આજે પણ એક પણ કોળિયો મોઢામાં મૂક્યો નહીં. આમને આમ કાર્ય કરતા રહેશો તો બીમાર થઈ જશો. "

વૃદ્ધ પટાવાળાની લાગણીને માન આપવા એના ડગલા એક ક્ષણ માટે થંભી ગયા.

" કાકા, તમે જાણો છો ને કે આજનો દિવસ કેટલો ખાસ હતો ? જો કોળિયો ખાવા રોકાયો હોત તો ટાર્ગેટ સૌથી પહેલા કઈ રીતે પૂરું કરી શક્યો હોત ? દીકરી ડોક્ટર બની રહી છે. દીકરાને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર થવું છે. પત્નીના ઘૂંટણનું ઓપરેશન પણ હવે અનિવાર્ય છે. "

વૃદ્ધ હાથ ફરી મિત્રતાનો સ્પર્શ કરાવતો ખભા પર થપથપાયો. મોબાઈલ ફરી વાઈબ્રેટ થયો અને બીજી જ ક્ષણે એનું શરીર સ્ટેશનની દિશામાં દોડી ગયું. 

ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં મહેમાનોની ચહેલપહેલ હતી. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર નજીક એના બંને બાળકો ચુસ્ત અદબવાળી એની રાહ જોતા ઉભા હતા. બંને બાળકોની આંખોમાં મૌન ફરિયાદ ડોકિયું કરી રહી હતી. 

" સોરી, સોરી, મોડું થઈ ગયું. મમ્મી ક્યાં છે ? '' એણે અધીરાઈથી અપરાધભાવ જોડે પૂછપરછ કરી. 

'' અગાસી પર છે. " દીકરાએ માહિતી આપી.

" ગુસ્સામાં છે. " દીકરીએ ટાપસી પુરાવી.

દીકરાના હાથમાં ઓફિસની બેગ અને દીકરીના હાથમાં ટિફિન થમાવી એણે દાદર લઈ અગાસી તરફ દોડ મૂકી.

મહેમાનો વચ્ચે અગાસીના એક ખૂણામાં એણે પત્નીને મૌન ઉભેલી નિહાળી. લાલ રંગની સાડી, હાથમાં બંગડીઓ અને મહેંદી, સુંદર હેરસ્ટાઈલ નિહાળતા જ પુરુષની આંખોમાં પ્રસન્નતા છવાઈ ગઈ. ટ્રેનમાં મુસાફરી કરેલા પરસેવાવાળા શરીર જોડે જ એ પત્ની પાસે પહોંચી ગયો. પતિને નિહાળતા જ પત્નીના ચહેરા ઉપર રિસામણાના ભાવો છવાઈ ગયા. પુરુષે તરત જ પોતાના બંને કાન બંને હાથ વડે પકડી લીધા. બાળકો જેવી નિર્દોષ માફી માંગવાની યુક્તિ કામે લાગી. સ્ત્રીના ચહેરા ઉપર આછું સ્મિત ફરકી ગયું. તકનો લાભ લઈ પુરુષે તરત જ નજીકના ટેબલ પરથી પાણીનો ગ્લાસ હાથમાં લઈ લીધો. સ્ત્રીએ સમય ન વેડફતા તરત જ હાથમાંની ચાળણી આકાશ તરફ ઉઠાવી એના છિદ્રોમાંથી ચન્દ્રના દર્શન કર્યા અને પછી એ ચાળણી પોતાના પતિના ચહેરા આગળ ધરી દીધી. પતિના પગ સ્પર્શી એણે એના હાથમાં થમાયેલા પાણીના ગ્લાસમાંથી એક ઘૂંટડો ભરી મનમાં ઘૂંટાઈ રહેલી ફરિયાદ શબ્દોમાં વહાવી મૂકી.

" તમને ખબર હતી ને કે આજનો દિવસ કેટલો ખાસ હતો ? સવારથી એક કોળિયો મેં મોઢામાં મૂક્યો નથી. "

એક પણ ક્ષણ આગળ વેડફ્યા વિના પુરુષે સ્ત્રીનો હાથ થામી એને નજીકની ખુરશી ઉપર બેસાડી દીધી. ટેબલ પરથી જમણની થાળી લઈ એ પડખેની ખુરશી પર ઝડપભેર ગોઠવાઈ ગયો. પોતાના હાથ વડે હેતથી એણે સ્ત્રીને જમાડવાની શરૂઆત કરી. આખા દિવસના ઉપવાસ પછી પેટમાં અન્ન પડતા જ સ્ત્રીના ચહેરા ઉપર તૃપ્તિ છવાઈ ગઈ. એ જ ક્ષણે પુરુષની પેટની આંતરડી કકળી ઊઠ જેનો સાદ એના સ્નાયુઓ અને રક્તપરિભ્રમણની દીવાલો વચ્ચે છાનોમાનો કેદ રહી ગયો.


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Romance