N.k. Trivedi

Inspirational Others

4  

N.k. Trivedi

Inspirational Others

ખાલીપો

ખાલીપો

7 mins
340


"કેમ, તું આમ લમણે હાથ દઈને બેઠી છો ? બસ આ દિવાળી હાથ વેંત જ છેટી છે. દિવાળી તો આવવા દે આ ઘરમાં આનંદ આનંદ છવાઈ જશે"....લખુભાઈ એ પ્રભાબેનને કહ્યું.

"તમારી વાત તો સો ટકા સાચી છે. છોકરાઓ દિવાળીનું પર્વ આપણી સાથે માણવા આવે છે એટલું સારું છે. બાકી હવે ગામડામાં ક્યાં કોઈને રહેવું ગમે છે. આ છોકરાઓ એ આટલી માયા રાખી છે તો સારું છે ને. દિવાળીના પર્વ પૂરતો તો આપણો ખાલીપો દૂર થાય છે."

"હા, થોડો સમય આપણને ખાલીપો સતાવતો નથી. અને મન ભર્યું ભર્યું રહે છે. બે ભાઈઓ છે એ પણ દિવાળી પૂરતા અહીં ગામડે ભેગા થાય છે. બાકી તો ક્યાં એ બંનેને મળવાનો સમય હોય છે. બે જ ભાઈઓ છે. સંપી રહેતા હોય તો કેવું સારું. આપણા મનને પણ ટાઢક થાય. પણ એક વાત છે. બંને ભાઈઓ અહીં તો સરસ હળી મળીને રહે છે." પ્રભાબેને પોતાનો મનનો બળાપો લખુભાઈ પાસે ઠાલવ્યો.

"પ્રભા, આ જ ચિંતા મને કોરી ખાય છે. મેં બંનેને કેટલી વાર સમજાવ્યા કે દીકરાઓ અમે છીએ ત્યાં સુધી તો સંપીને રહો. પણ બંને પોતાનો તંત છોડતા નથી અને મોટાઈમાંથી હાથ કાઢતા નથી."

"આ, વખતે તમે કઈ ન બોલતા કે ન શિખામણ આપતા. ગઈ દિવાળીએ અમથી અમથી વાતમાં ઘરનું વાતાવરણ બગડી ગયું હતું. આપણે જીવીએ છીએ ત્યાં સુધી ચિંતા છે. પછી આપણે ક્યાં જોવું છે."

લખુભાઈ પાસે દસ એકર જમીન હતી. પિયત હતી એટલે ઉપજ પણ સારી આવતી હતી. લખુભાઈની ઈચ્છા દીકરાઓ અભ્યાસ કરી લે પછી ખેતીવાડી સંભાળીને પ્રોગ્રેસીવ ખેડૂત બને એવી હતી. કારણ કે ખેતી એ જ તો સર્વની જીવાદોરી છે. એમ લખુભાઈ માનતા હતા. જો બધાંજ ખેતી છોડીને બીજા કામ ધંધે લાગી જાય તો દિવસો જતા ખેતી તો નામશેષ થઈ જાય. જે લોકો પાસે ખેતી નથી એ લોકોએ તો જીવન નિર્વાહ માટે નોકરી ધંધો કરવો પડે. આ વાત લખુભાઈ એ બંને દીકરાને પણ સમજાવી હતી. ત્યારે તો બંને દીકરાએ લખુભાઈને સંતોષ થાય એવો જવાબ આપ્યો હતો.

મોટા દીકરાનો અભ્યાસ પૂરો થતાં તેણે શહેરમાં સરકારી નોકરી લઈ લીધી અને ઘરે આવીને લખુભાઈને વાત કરી. લખુભાઈ ત્યારે તો નારાજ થઈ ગયા અને નોકરી છોડીને ખેતી કરવાની વાત કરી. મોટા દીકરાએ નોકરી છોડવાની ચોખ્ખી નાં પાડી દીધી હતી. લખુભાઈ અને મોટા દીકરા વચ્ચે મોટી તકરાર થઈ ગઈ. પ્રભાબેને વચ્ચે પડીને મામલો ટાઢો પડ્યો અને મોટા દીકરાને ખાનગીમાં પૂછ્યું હતું." કે તારી આવી જિદનું કોઈ કારણ છે ? તારા બાપાની વાત સાચી છે. આવી સમૃદ્ધ ખેતી છોડીને તારે નોકરી શું કામ કરવી છે ?"

"બા, હું એક યુવતીના પ્રેમમાં છું અને મારે તેની સાથે લગ્ન કરવા છે. એ પણ ખેડૂતની દીકરી છે. તેને પણ આવી આકાશી આવકવાળી ખેતી ગમતી નથી. એ પણ મારી જેમ નોકરી કરવાની છે. અને અમે શહેરમાં જ સેટલ થવાના છીએ. બાપાને તમે આ વાત સમજાવી દે જો. બીજું અમે લગ્ન પણ સાદાઈથી કરવાના છીએ. લગ્નમાં ખોટા ખર્ચ શું કામ કરવાના. લગ્નનું નક્કી થયે હું તમને જણાવીશ તમે આવી જજો."

પ્રભાબેન મોટા દીકરાની વાત સાંભળીને શૂન્યમનસ્ક થઈ ગયા. એ વિચારી નહોતા શક્તા કે આ વિધીનો ખેલ છે કે પોતાની પરવરીશમાં ક્યાંક કચાશ રહી ગઈ છે. બીજી ચિંતા તેમને એ કોરી ખાતી હતી કે લખુભાઈને આ વાત કેવી રીતે કરવી. પણ લખુભાઈને વાત કર્યા વગર છૂટકો જ નહોતો.

એક દિવસ લખુભાઈને મુડમાં જોઈને પ્રભાબેને વાત કરવાની શરૂઆત કરી.

"સાંભળો છો ?"

"હા, બોલ તારી વાત નહીં સાંભળું તો કોની વાત સાંભળીશ."

"પણ, તમે વાત સાંભળીને ગુસ્સે તો નહીં થાવ ને ?"

"કેમ, વળી એવી તે શું વાત છે કે હું ગુસ્સે થઈ જાવ ?"

"મારે મોટા વિશે વાત કરવી છે."

"મને ખબર છે. મોટા માટે માગા પણ ઘણા આવે છે. સારું ઘર અને દીકરી જોઈને મોટાના લગ્ન આપણે જલ્દી પતાવી દેવા છે. પછી એક નાનો બાકી રહે. એનાં માટે પણ સારું ઠેકાણું મળી રહેશે."

"તમે બહુ ઉતાવળા. જરાક શાંતિ રાખીને મારી વાત તો સાંભળો." પ્રભાબેને જરા ઊંચા અવાજે કહ્યું.

લખુભાઈ વિચારમાં પડી ગયા કે પ્રભા કોઈ દિવસ નહીં ને આજે કેમ આવી વાત કરે છે. વાત કઈક ગંભીર લાગે છે. બાકી પ્રભા આટલી બેબાકળાઈથી વાત ન કરે.

"હા, બોલ તારે જે વાત કરવી હોય તે કર. હું શાંતિથી સાંભળીશ ગુસ્સે નહીં થાવ."

પ્રભાબેને ખચકાતા ખચકાતા મોટા દીકરાએ જે વાત કરી હતી એ વાત લખુભાઈને કરી.

વાત સાંભળીને લખુભાઈનું હૃદય થડકો ખાઈ ગયું. ઘડીક તો કાઈજ ન બોલ્યા. તેણે ઊભો કરેલો સપનાનો પર્વત અચાનક ધરતીકંપથી ધરાશાયી થતો લાગ્યો. છીછરા દરિયામાં બારેય વહાણ ડૂબતા લાગ્યા. અને હતપ્રદ થઈને પ્રભાબેન સામે તાકી રહ્યા. પ્રભાબેનને ચિંતા થવા લાગી.

" તમે તમારું દિલ ન દુભવતા જેવી ઉપરવાળાની ઈચ્છા. છોકરાઓ હવે મોટા થઈ ગયા છે. પોતાના નિર્ણયો જાતે લે, તો એમાં આપણે વાંધો શું કાઢવો."

"પ્રભા, પહેલાના જમાનામાં સંતાનો માં, બાપની આબરૂ, તેના સપના અને સામાજિક બંધનો વિશે વિચારતા અને ક્યારેક જરૂર પડે પોતાના સપનાઓનું પણ બલિદાન આપતા કે બાંધછોડ કરતા. અત્યારે જમાનો બદલાઈ ગયો છે. એટલે તો સંયુક્ત કુટુંબો તૂટતા ગયા અને વિભક્ત કુટુંબો થતા ગયા. આજે વિભક્ત કુટુંબોનું સ્થાન પણ સિંગલ મધર અને સિંગલ ફાધરે લીધું છે. વિભક્ત કુટુંબો પણ નથી રહ્યા. વળી લગ્નપ્રથાની જગ્યાએ લિવ ઇન રિલેશનની પ્રથા ચાલુ થઈ છે. આ સમાજ ક્યાં જઈને અટકશે એ ખબર નથી ?"

"અરે ! તમને આ બધી વાતોની ક્યાંથી ખબર ? હું તો તમને સાદા સીધા માણસ માનતી હતી. પણ તમે તો ઘણું ઊંડું વિચારી શકો છો."

"હા, પ્રભા આપણે સમાજમાં રહીએ છીએ. અને મને આ બધી વાતોની જાણ મિત્ર મંડળ, સગા સંબંધીઓ સાથેની ચર્ચામાંથી થઈ છે. ત્યારે હું એવા વિશ્વાસ અને અભિમાનમાં હતો કે મારા દીકરાઓને હજી આ રંગ લાગ્યો નથી. પણ, હું ખોટો હતો. ખોટા વહેમમાં હતો. મારા દીકરાએ મને ખોટો પાડ્યો."

"હવે જે હોય તે આપણે મોટાની ઈચ્છા પ્રમાણે કરવું પડશે. સમાજમાં બદનામી થાય એ પહેલાં વાતને સ્વીકારી લઈએ. આપણે નાં પાડશુ તો પણ મોટો તેની જિદ નહીં છોડે અને લગ્ન કરશે જ. લોકોને ખરું ખોટું સંભળાવવાનો મોકો મળશે. લખુભાઈએ પ્રભાબેનની વાત કમને સ્વીકારી લીધી."

મોટાની ઈચ્છા પ્રમાણે લગ્ન પતી ગયા અને મોટાના પગલે નાનો પણ સરકારી નોકરીએ લાગી ગયો, પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરી મોટાભાઈની જેમ શહેરમાં સ્થાયી થઈ ગયો. પ્રભાબેને નાનાને સમજાવવાની કોશિશ કરી હતી. પણ નાના એ એવું કહીને પ્રભાબેનને ચૂપ કરી દીધા કે મોટાભાઈને જો તેણે ઇચ્છયું એમ કરવા દીધું તો મને શું કામ નાં પાડો છો. આનો જવાબ પ્રભાબેન પાસે નહોતો. પણ બંને ભાઈઓ એ સાથે દિવાળી ઉજવવા ગામડે આવવાનું રાખ્યું હતું તેની પાછળ પણ કારણ હતું જે લખુભાઈ સિવાય કોઈ જાણતું નહોતું.

દિવાળી આવી બંને ભાઈઓ સહ કુટુંબ ગામડે પહોંચી ગયા. પ્રભાબેન અને લખુભાઈનું ઘર આનંદ ઉત્સાહથી ખીલી ઉઠ્યું. લખુભાઈ અને પ્રભાબેનને એમ લાગ્યું જાણે તેના ખાલીપા એ વિદાય લીધી. પણ દિવાળી પછી એ આનંદ ઊડી ગયો. ખાલીપો ગયો નહોતો ખાલી બંને ભ્રમ ઊભો થયો હતો. અને તેનો અહેસાસ પણ બંનેને જલ્દી થઈ ગયો.

એક સાંજે મોટાએ કહ્યું"બાપા તમારી હવે ઉમર થઈ. તમારાથી ખેતી થતી નથી એટલે આપણે ભાગીયું ખેતર વાવવું પડે છે. અને ઉપજ પણ હવે પહેલા જેવી આવતી નથી. ભાગીયા તેનું કરીને જ આપણને ઉપજ આપે. બીજું મારી બા ની પણ ઉમર થઈ છે. હવે તેણે કામમાંથી છુટકારો મેળવવાનો સમય થઈ ગયો છે. એટલે આપણે ગામનું મકાન અને જમીન વેચી દઈએ તમે અમારી સાથે રહેવા આવતા રહો."

 "નાના, તારો શું મત છે ?"

"બાપા મોટાભાઈની વાત સાચી છે. અમારા બે ભાઈઓ વચ્ચે તમારો રોટલો અમને ભારે નહીં પડે."

લખુભાઈએ પ્રભાબેન સામે જોયું. પ્રભાબેન તો આ વાત સાંભળીને જ ગુમસુમ થઈ ગયા હતા. એ વિચારી જ નહોતા શકતા કે દીકરાઓનાં દિવાળીપ્રેમ પાછળ આ કારણ છે. પોતે કેટલા બધા ખોટા ખ્યાલમાં જીવતા હતા એ વિચારથી દુઃખી થઈ ગયા.

લખુભાઈએ કહ્યું" દીકરાઓ તમારી વાત સો ટકા સાચી છે કે હું આ ઉંમરે ખેતી ન કરી શકું અને તમારી બા પણ હવે ઘરકામથી નિવૃત્તિના આરે ઊભી છે." આ વાતથી બંને ભાઈઓના ચહેરા પર હલકી મુસ્કાન આવી ગઈ જે લખુભાઈએ જોઈ. " તમારી ખુશી હું સમજી શકું છું પણ મારી વાત હજી પુરી નથી થઈ. દીકરાઓ તમે તો ખેતી છોડીને ભાગી ગયા પણ તમે જેને ભાગીયા, ભાગીયા કરો છોને એ જ આજે મારા સાચા દીકરા થઈને ખેતી સંભાળે છે અને ઉપજ પણ સારી આવે છે જે હું સમાજ સેવાના કામમાં વાપરું છું. તમારે ક્યાં ખેતીની આવકની જરૂર છે. બીજું તમારી બા એક પણ કામ હાથે નથી કરતી અમે વાવેલા આંબાનું ફળ મળી રહે છે. એટલે ખેતીની જમીન કે ઘર વેચવાનું થતું નથી. તમે આરામથી શહેરની જિંદગી જીવો અમારી ચિંતા ન કરતા."

લખુભાઈએ પ્રભાબેન સામે જોઈને કહ્યું, "પ્રભા મને તો દીકરાઓનો આપણી ઉપર દિવાળીનો પ્રેમ શું કામ છે એ વાતની ખબર જ હતી. ગઈ દિવાળીએ હું બે ભાઈઓ વચ્ચેની વાત સાંભળી ગયો હતો. એટલે મને ખાત્રી હતી કે આ દિવાળીએ પણ બંને દીકરા સહકુટુંબ જરૂર આવશે."

પ્રભાબેનની આંખમાં આંસુ હતા. પણ દીકરાઓને પોતાની વાત નિષ્ફળ જતા ઝગડો કરીને પાછા જતા રહ્યા હતા.

"પ્રભા, ઘરમાં ફરી ખાલીપો થઈ ગયો ?

"ના, ખાલીપો હતો એ ભરાઈ ગયો. હું ભ્રમમાં જીવતી હતી એટલે ખાલીપો લાગતો હતો. હું તમારી સાથે છું અને તમે મારી સાથે છો તો પછી ખાલીપો ક્યાં રહ્યો ?"

લખુભાઈએ સ્નેહભરી આંખે પ્રભાબેન સામે જોયું. પ્રભાબેન ઘડપણને વીસરીને દોડીને લખુભાઈની બાહુમાં સમાઈ ગયા જાણે કદી ખાલીપો હતો જ નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational