Prashant Subhashchandra Salunke

Drama Inspirational Others

4  

Prashant Subhashchandra Salunke

Drama Inspirational Others

કદર

કદર

7 mins
245


ધ્રુજતા હાથે સુરજે પોતાના ઘરની ઘંટી વગાડી. આજે દસ વર્ષના લાંબા અતંરાળ બાદ તે તેના ઘરે આવ્યો હતો. દરવાજો ખુલવાની રાહ જોતા તેણે ચોમેર નજર ફેરવી જોઈ. આસપાસનો માહોલ ઘણો બદલાઈ ગયો હતો. દસ વર્ષના સમયગાળામાં મોટાભાગના મકાનોની ઊંચાઈ એક માળથી વધીને બે કે ત્રણ માળની થઈ ગઈ હતી. મેદાનોની જગ્યાએ હવે મોલ સેન્ટર ખડા થયા હતા. 

“ખટ”ના અવાજે તેની તંદ્રા તોડી. તેણે જોયું તો તેના મોટા ભાભી સરલાએ દરવાજો ખોલ્યો હતો. સુરજને બારણા પાસે ઉભેલો જોતા જ તેમનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો, “તું શું કામ આવ્યો છે ? પ્રોપર્ટીમાં કોઈ ભાગ મળશે એ આશાએ આવ્યો હોઈશ તો હમણાં જ અહીંથી ચાલતી પકડ.”

સુરજ આ સાંભળી ડઘાઈ ગયો. આ અપમાન બાદ એક ક્ષણ પણ ત્યાં રોકાવું તેને પાલવે તેવું નહોતું. તે વિચારમાં જ હતો ત્યાં મોટાભાઈ દીપકે આવીને કહ્યું, “સાંભળ્યું નહીં ? ચાલ્યો જા અહીંથી.”

તેમની પાછળ પાછળ આવેલો વચેટભાઈ પ્રદીપ તાડૂક્યો, “અહીં હવે તારી કોઈ દાળ ગળવાની નથી.”

સુરજે હિંમતપૂર્વક કહ્યું “હું મારી વાત કહ્યા વગર અહીંથી ટસનો મસ નહીં થાઉં.”

પ્રદીપે ટાપશી પૂરતા કહ્યું, “તારે જે લવારા કરવા હોય તે કર પણ અમે તને ફૂટી કોડી નહીં આપીએ.”

દીપક બોલ્યો, “બેશરમ, અહીં પ્રોપર્ટીમાં ભાગ પડાવવા આવ્યો છે ? ચાલ ભાગ અહીંથી.” 

વચેટ ભાભી માલતી પણ પાછા પડે તેવા નહોતા. તેમણે હોઠ ભીસતા કહ્યું, “આ આમ નહીં માને. તેને ધક્કો મારીને અહીંથી ભગાડો.”

તેઓના કડવા વેણ સાંભળી સુરજનું હ્રદય તડપી ઊઠ્યું. પણ બીજી જ ક્ષણે તેના મનમાં વિચાર આવ્યો કે, “આ લોકો સાથે મારે શા લેવા દેવા ?”

દીપક તાડૂક્યો, “પ્રદીપ, તું આમ જુએ છે શું ? સાલાના હાડકા ખોખરા કર. દસ વર્ષ પહેલા આ નાલાયકે આપણા આબરૂના ધજાગરા કર્યા હતા. સારા ઘરના માંગાને ઠુકરાવી એક નીચી કોમની છોકરી નેહા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. હવે છેક દસ વર્ષ પછી બેટમજી પ્રોપર્ટીમાં ભાગ પડાવવા આવ્યા છે.”

માલતીભાભી તાડૂકી, “તમે આમ વાતો શું કરી રહ્યા છો. ભગાડો આ ભગોડાને અહીંથી.”

તેઓની તીખી વાણી સુરજના હ્રદયને પીંખી રહી. પરંતુ તે હિંમત હાર્યો નહીં અને મક્કમતાથી કહ્યું, “હું મારી પત્નીને લઈને આવ્યો હતો પરંતુ ત્યારે તમે આશીર્વાદ આપવાને બદલે બારણા બંધ કરી દીધા હતા.”

“આશીર્વાદ ? બેટમજી અમે ફક્ત બારણા બંધ ર્ક્યા તેનો ઉપકાર માન. બાકી તારી હરકત એવી હતી કે તને લાત મારીને ભગાડવો જોઈતો હતો.”

“તો એ દિવસની અધૂરી ઈચ્છાને આજે પૂરી કરી લો.”

“નકામી વાતો છોડી કામની વાત કર. બોલ અહિયાં શું લેવા આવ્યો છે ?”

“મા ને.”

“શું કહ્યું મા ને ?”

“હા, હું અહિયાં માને લેવા આવ્યો છું. મા વિષે મને મુંબઈમાં ઘણી વાતો સાંભળવામાં આવતી હતી. તમે માને કેવા પરેશાન કરતા હતા તેની રજેરજ માહિતી મને મળતી હતી.”

“અરે નીચ, એટલે તેં અમારી પાછળ તારા બાતમીદાર લગાડી રાખ્યા હતા ?”

“મોટાભાઈ, પાપ છાપરે ચઢીને પોકારતું હોય છે. તમારા કામ જ એવા હતા કે તેની ચર્ચા બધે થવી સામાન્ય બાબત છે. ખેર, એ બધું છોડો. તમારા પાપોની સજા તમે ભોગવશો. મને એ કહો કે મા ક્યાં છે ? હું આજે તેને તમારા જેવા રાક્ષસોની ચુંગાલમાંથી છોડાવા આવ્યો છું. હું માને મારી સાથે મુંબઈ લઈ જઈશ. મા ક્યાં છે ? બોલાવો તેને... મા ઓ મા... બહાર આવ. આ જો તારો નાનો દીકરો તને લેવા આવ્યો છે.”

“મા ઘરે નથી.”

“ઘરે નથી ? તો પછી ક્યાં ગઈ છે ?”

સુરજની વાત સાંભળીને ભાઈઓ અને ભાભીઓ અચંબો પામી ગયા. તમાશાને તેડું ન હોય. અડોશ પડોશના લોકો ઘોંઘાટ સાંભળી તેમના ઘર આગળ ભેગા થવા લાગ્યા.

“સુરજ, ખોટો તમાશો ન કરીશ.”

“તમાશો તો તમે લોકો કરી રહ્યા છો. મને કહેતા કેમ નથી કે મારી મા ક્યાં છે ?”

બંને ભાઈઓ અને ભાભીઓ મોઢું વકાસીને એકબીજા સામું જોઈ રહ્યા.

“તમે લોકો બોલતા કેમ નથી કે મા ક્યાં છે ?”

“આટલા વર્ષો બાદ તને માની યાદ આવી ?”

“આ મારા પ્રશ્નનો જવાબ નથી.”

એક પડોશી બોલ્યો, “દમયંતીબેન તો લગભગ એક વર્ષથી વૃદ્ધાશ્રમમાં છે.”

આ સાંભળી સુરજના પગ નીચેની ધરતી સરકી ગઈ, “શું કહ્યું ? આ લોકોએ માને વૃદ્ધાશ્રમમાં રાખી છે ?”

“તને માની આટલી ચિંતા હતી તો તારી સાથે મુંબઈ લઈ જવી હતી. માની જવાબદારી માથે ઊંચકીને ફરવા તે કાંઈ અમારા બંનેની જ થોડી છે.”

“મોટાભાઈ, જવાબદારીને લઈને શું રોદણા ગાઓ છો ? માએ આપણા ઉછેર માટે જે ત્યાગ આપ્યા છે ને તે બદલ તમારે તેને માથે ઊંચકીને ફરવું જોઈતું હતું.”

“તું માની આટલી જ ઈજ્જત કરતો હતો ત્યારે એ નેહા સારું માને છોડીને ભાગી કેમ ગયો ?”

મોટાભાઈને સુરજ કંઈક કહેવા જતો જ હતો ત્યાં સરલાભાભી બોલી, “હજુયે ક્યાં મોડું થયું છે ? વિઠ્ઠલભાઈ વૃદ્ધાશ્રમમાંથી તમારી બાને માથે ઉઠાવી મુંબઈ લઈ જાઓ.”

“ચાલો બધા અંદર આ ભાઈ તો લવારા કરતા જ રહેશે.” આમ કહી માલતીભાભીએ ધડામના અવાજ સાથે દરવાજો બંધ કર્યો. 

સુરજ હવે એક મિનિટ પણ ત્યાં રોકાવા માંગતો નહોતો. બહાર ઊભી રખાવેલ ટેક્સીમાં બેસતા એ બોલ્યો, “ડ્રાઈવર, વિઠ્ઠલભાઈ વૃદ્ધાશ્રમમાં ચાલો.”

ડ્રાઈવરે ટેક્સી હંકારી મૂકી. 

સુરજના કાનમાં માલતીભાભીના શબ્દો ગુંજી રહ્યા, “ભગાડો આ ભગોડાને અહીંથી. ભગોડો... ભગોડો...” મન શાંત કરવા સુરજે તેની આંખો મીંચી અને સીટ પર માથું ટેકવ્યું. એ સાથે તેના મસ્તિષ્કમાં ભૂતકાળના દ્રશ્યો ફિલ્મની પટ્ટી શા પસાર થઈ રહ્યા. 

“બા તમે નક્કી કરેલી કન્યા સાથે મારે પરણવું નથી. મને બીજી કોઈપણ સામાન્ય ઘરની છોકરી ચાલશે.”

બાએ ગુસ્સાથી કહ્યું, “સામાન્ય ઘરની એટલે કોણ પેલી નેહા ? બેટા, એ નેહાનું ભૂત તારા દિમાગમાંથી કાઢી નાખ. તારે મેં નક્કી કરેલી છોકરી સાથે જ પરણવું પડશે. ખૂબ મહેનતથી મેં તારા માટે આ રિશ્તો શોધી કાઢ્યો છે. આવી શ્રીમંત ઘરની છોકરી નસીબવાનને જ મળે છે. તેની સાથે તારા લગ્ન થયાને તો આપણે સહુ ન્યાલ થઈ જઈશું.”

સુરજે ગુસ્સામાં કહ્યું “મારે ન્યાલ થવું નથી. મારે એ શ્રીમંત ઘરની છોકરી સાથે લગ્ન કરવા નથી. તને ખબર છે એ છોકરી ડાંસ ક્લબમાં જાય છે.”

“શ્રીમંત ઘરની છોકરી ડાંસ ક્લબમાં નહીં જાય તો શું તારી એ ફટીચર નેહાડી જશે ? તને બહુ લાડકોડમાં ઉછેર્યો તેનું આ પરિણામ. તારા ભાઈઓ જોડેથી કશું સીખ. મેં જે છોકરી દેખાડી તેની સાથે મૂંગામંતર થઈને પરણી ગયા. પરિણામે આજે તેઓ લાખોના આસામી છે. તેમને દહેજમાં શું નથી મળ્યું ! ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, રાચરચીલું, વાસણો. અરે ! ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વિણાય નહીં એટલી સામગ્રી તેમના કરિયાવરમાં આવી હતી. તારી નેહાનો ફટીચર બાપો કરિયાવરમાં તને શું આપશે ? આશીર્વાદ.”

“મા, દહેજ લેવું અને આપવું પાપ છે.”

“તો આપણે ક્યાં સંત કે મહાત્મા છીએ ? બેટા, જે પાપ કરવાથી જિંદગી સુધરી જતી હોય તે કરવામાં કોઈ પાપ નથી. ચુપચાપ હું કહું છું તે છોકરી જોડે પરણી જા.”

“હું પરણીશ તો નેહા જોડે જ નહીંતર આજીવન કુંવારો રહીશ.”

“જો નેહા સાથે તેં લગ્ન કર્યા તો આ ઘરના બારણા તારા માટે હંમેશ માટે બંધ થઈ જશે.”

“જે ઘરમાં નેહાની ઈજ્જત ન હોય તે ઘરમાં હું આમ પણ રહેવા માંગતો નથી.”

“તો હમણાં જ મારા ઘરમાંથી બહાર નીકળી જા.”

સુરજ રોષભેર ઘરમાંથી બહાર નીકળી ગયો. બીજા દિવસે તેણે વૈધ મંદિરમાં નેહા સાથે વિધિસર લગ્ન કર્યા. લગ્ન બાદ જયારે તે નેહાને લઈને માના આશીર્વાદ લેવા ઘરે આવ્યો ત્યારે તેની માએ ધડામ કરતો દરવાજો બંધ કરી દીધો હતો. 

“બા, દરવાજો ખોલ. અમે ફક્ત તારા આશીર્વાદ લેવા માંગીએ છીએ.”

સુરજે વારંવાર ખખડાવવા છતાં દરવાજો ખુલ્યો નહીં ! 

નેહા આ જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

સુરજ ફરી એકવાર દરવાજો ખખડાવવા જતો જ હતો ત્યાં અંદરથી બાનો રુક્ષ સ્વર સંભળાયો, “એ ભગોડા માટે કોઈ દરવાજો ખોલતા નહીં.” 

“ભગોડા... ભગોડા...”

“સાહેબજી, વૃદ્ધાશ્રમ આવી ગયું.” ડ્રાઈવરનો અવાજ સાંભળી સુરજની તંદ્રા તૂટી. તે ટેક્સીમાંથી નીચે ઉતરતા જ ડ્રાઈવરે સામે આવેલા પાર્કિગ લોટમાં તેની ટેક્સી જઈને ઊભી કરી.

સુરજે વૃદ્ધાશ્રમનું બોર્ડ જોયું, “વિઠ્ઠલ આશ્રમ.” એ સાથે તે ઝડપથી અંદર પ્રવેશી ગયો. વૃદ્ધાશ્રમમાં ઘણું ફર્યા બાદ સુરજને એક ઝાડ નીચે આવેલા ઓટલા પર બેઠેલા દમયંતીબેન દેખાઈ આવ્યા. સુરજ તેમની પાસે ગયો અને તેમના ચરણસ્પર્શ કરતા બોલ્યો, “ચાલો બા. હું તમને લેવા આવ્યો છું.”

સુરજને જોતા જ દમયંતીબેનની આંખોમાંથી અશ્રુ વહી આવ્યા. તેઓ ધ્રુજતા સ્વરે બોલ્યા, “બેટા, મને માફ કરી દે. હું સાચા હીરાને ઓળખી ન શકી. તું નેહાને પરણ્યો એ ભૂલને મેં માફ કરી દીધી હોત તો મારી આ અવદશા ન થાત.”

સુરજ મલકાઈને બોલ્યો, “મા, નેહાને પરણવું એ મારી ભૂલ નહોતી. પરંતુ મારી જિંદગીનો સૌથી ઉત્કૃષ્ઠ નિર્ણય હતો. દહેજની લાલચમાં આવી મારા બંને ભાઈઓના લગ્ન શ્રીમંત ઘરમાં કરવાની ભૂલ તો તમે કરી બેઠા હતા. જોકે તમારી ભૂલમાંથી હું શીખ્યો હતો. લગ્ન બાદ બંને ભાભીઓના રોબ રૂઆબ અને તોછડા વર્તાવ મેં જોયા હતા. મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે હું છોકરીની પસંદગી તેની શ્રીમંતાઈ જોઈને નહીં પરંતુ તેના સંસ્કાર જોઈને કરીશ.”

“બેટા, બંને વહુઓના તોછડા વર્તાવ મને કેમ દેખાયા નહોતા ?”

“કારણ ત્યારે તમારી આંખ પર ધન દૌલતની પટ્ટી જે બંધાયેલી હતી. શ્રીમંત ઘરની એ વહુઓના કડવા વેણ પણ ત્યારે તમને મધમીઠા લાગતા હતા.”

“મા તમે લક્ષ્મીને બદલે લક્ષ્મી જેવી વહુને ઘરે લાવવાનું વિચાર્યું હોત તો આજે તમારી આવી અવદશા થઈ નહોત. તમારી ભૂલ એ હતી કે, તમે રૂપિયા આગળ સંસ્કારની ક્યારે કદર જ કરી નહીં. તને ખબર છે ? તને અહીં લેવા મને નેહાએ જ મોકલ્યો છે.” સુરજે હાથનો ટેકો આપી દમયંતીબેનને ઉઠાવતા કહ્યું, “ચાલ નેહા તારી ઘરે આતુરતાથી રાહ જુએ છે.” સુરજનો હાથ પકડી ધીમે પગલે ચાલતા દમયંતીબેન બોલ્યા, “બેટા, જીવનમાં એ વ્યક્તિ ઘણો દુઃખી થાય છે જે મારી જેમ સારા વ્યક્તિની ક્યારે કરતો જ નથી કદર.”


Rate this content
Log in

Similar gujarati story from Drama