કાતિલ કોણ ?
કાતિલ કોણ ?
સિંધુ સંસ્કૃતિની સભ્યતાને તાદૃશ કરતું તે ગામ. ગામના મકાનો, રસ્તાઓ, કોઠારો દરેકની સુવ્યવસ્થિત રચના જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા. ગામનીઆ સ્વચ્છતા અને શાંતિ નુ એકમાત્ર કારણ હતું તે ગામનાં મુખ્યા સજ્જનસિંહ. મુખ્યા ગામની દરેક સમસ્યાનો ઉકેલ ખૂબ ધૈર્ય અને સમજદારીથી લાવતા હતા અને આ સમસ્યાઓમાંથી હાર નીકળવાની સહનશીલતા તેમને મળતી તેમના પરિવારના સભ્યો પાસેથી. પરિવારના સભ્યોમાં મુખ્યાની પત્ની ઉજ્જવલાદેવી, દિકરી ચંદા, મુખ્યાના નાનાભાઈ વામનસિંહ, નાનાભાઈની પત્ની સરલાદેવી અને તેમની દીકરી તૃષલાનો સમાવેશ થતો હતો. ઘરના આજ સભ્યોની આસપાસ સમાયેલું હતું મુખ્યાનુ સંસાર. જે સુખેથી પસાર થઈ રહ્યું હતું. સમય પોતાનું ચક્ર ચલાવે છે અને તે સાથે વધુ ગાઢ થાય છે ચંદાને તૃષલા નો સંબંધ. રૂપમાં બંને બહેનો જાણે સ્વર્ગથી ઉતરેલી અપ્સરા. કમળ જેવા જેમના નૈન, ગુલાબની પાંખડી જેવા હોઠ અને હરણ સમોવડી ચાલ. બંને બહેનો જ્યારે તેમની કોમળ કેડ માં ઘડા મુકીને પાણી ભરવાનીકળતી ત્યારે ગામ આખુ તેમની સુંદરતા અને સંબંધ જોઈ ને બળી ઉઠતું. ચંદારૂપ અને ગુણ બંનેમાં સમાન જ્યારે તૃષલા નો સહેજ ગુસ્સેલ સ્વભાવ પરંતુ જ્યાં સુધી ચંદા તેના સાથે હતી ત્યાં સુધી તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તેમ ન હતું.
એકદિવસ નિત્યક્રમ મુજબ બંને બહેનો પાણી ભરવા જાય છે ત્યારે- 'અરે વાહ ચંદા તારી આ રત્નજડિત વીંટી તો ખુબ સુંદર છે' - તૃષલા એ કહ્યું.
'હાં, તે મને પિતાજી એ આપી છે'
'તે મને પહેરવા આપ ને, મારા હાથ માં તે વધુ સુંદર લાગશે'- તૃષલા હસતા હસતા બોલી
'અરે તૃષલા જે મારું છે એ તારું જ તો છે પણ આ વીંટી ને પિતાજીએ મને અત્યંત સાચવી ને રાખવા કહ્યું છે તેથી તે હું તને ન આપી શકું'-ચંદા એ સમજાવતાં કહ્યું
ચંદાના મોંથી આમના સાંભળીને તૃષલા સહેજ રોષે ભરાય, ચંદાની પુરી વાત પણ સાંભળવા ન રહી અને ગુસ્સામાં ચંદાને નદી તરફ ધક્કો મારીને તે પોતાના ઘડામાં પાણી ભરી ઘર તરફ ચાલવા લાગી. તૃષલા એટલા તે રોષમાં હતી કે પાછળ ચંદા આવે છે કે નહીં તે પણ જોવા તે ઉભી ન રહી, થોડી વારમાં ચંદા તૃષલાને થોભવાની સાદ દેતી દોડતી આવી. ગામમાં પ્રવેશતા જ આજે વાતાવરણમાં કઈક બદલાવ નો આભાસ થયો.
ગામના લોકોની નજર આજે પણ તેમના પર જ હતી પરંતુ તે નજરમાં હતા સવાલ. આ નજર કોના માટે હતી અને કેમ તેવા વિચારોના વંટોળ સાથે તેમને ઘર તરફ જતાં પોતાના પગલાંને વેગ આપ્યો. પરંતુ આ શું ઘરના દ્વાર પાસે તેમના તો જાણે પગ જ જકડાઈ ગયા. આંખો સમક્ષ જે દૃશ્ય હતું કદાચ તે ગામમાં ક્યારેય કોઈએ જોયું નહિ હોય. તે ઘટનાને વધુ દર્દનાક બનાવવામાં જાણે કુદરત પણ સાથ આપી રહી હોય તેમ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, પવનના સૂસવાટા, વિજળીના કડાકા અને નજર સમક્ષ છે સરલાદેવીનો મૃતદેહ.
હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી. કદાચ કોઈ શા માટે આવું કરે અને કેમ તેવા અનેક વિચારો દરેકના મનમાં આવ્યા પરંતુ તે માત્ર વિચાર બની ને રહી ગયા. દિવસો વીતતા જાય છે અને સમય રમી જાય છે પોતાની રમત. સરલાદેવીના મૃત્યુ ને આજે આઠ મહિના થઈ ગયા છે પરંતુ હત્યાનું રહસ્ય આજેપણ અકબંધ. મુખ્યાની પત્ની ઉજ્જવલાદેવી અંને ચંદાએ તૃષલાને ખુબ સારી રીતે સંભાળી લીધી અને જીવન ફરી એકવાર પાટે ચડી જાય છે.
'ચંદા, ભલે તૃષલા સ્વસ્થ દેખાય છે પરંતુ તારે હંમેશા તેની આસપાસ જ રહેવાનું છે એ તારી જવાબદારી છેને દિકરી ?' - ઉજ્જવલાદેવી એ કહ્યું
'હા મા' એટલું કહીને ચંદા જાણે કોઈ વિચારોમાં ખોવાઈ ગઈ.
ઉજ્જવલા દિકરીના વર્તનમાં આવેલા બદલાવને બહુ પહેલાથી ઓળખી જાય છે પરંતુ તે સમય બરાબર ન હોવાથી તે આ વિશે પછી વાત કરવાનો નિર્ણય કરે છે. નિત્યક્રમ મુજબ બંને બહેનો નદી કિનારે પાણી ભરીને ગામમાં પ્રવેશ કરે છે અને આ શું કુદરત જાણે ફરી એ જ દિવસ બતાવવા જઈ રહી હોય એમ આકાશમાં કાળાડિબાંગ વાદળો, પવનના સૂસવાટા, વિજળીના કડાકા અને ગામના માણસોની એ જ સવાલ ભરી નજરો. જે જોઈને તૃષલાના પગ ત્યાંજ થીજી ગયા.
'તૃષલા ઉભી કેમ રહી ગઈ ? ચાલને ઘરે' - કહેતી ચંદા આગળ ચાલે છે.
તૃષલા તેના મનમાં ઉઠતા પ્રશ્નોના વંટોળને દબાવી ને તેના સાથે ચાલતી થાય છે. ઘરના મુખ્ય દ્વાર પાસે એ જ આઠ મહિના જુના દ્શ્યો પરંતુ આ વખતે તૃષલાના પિતા વામનસિંહનો મૃતદેહ. જે જોઈને તૃષલાના મુખમાંથી ઉગર્યો' એક આખરી ચિત્કાર જે સાથે તે પોતાનો અવાજ ખોઈ બેસે છે.
ફરી એજ સવાલો ફરી એજ વિચારો અને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યાના અનુમાન. પોતાના ભાઈનું મૃત્યુ મુખ્યાને સંપૂર્ણપણે તોડી નાખે છે, પરંતુ ઈશ્વરની મરજી આગળ ક્યાં કોઈનું કંઈ ચાલે છે અને હવે તો પોતાના માથે બે-બે દિકરીઓની જવાબદારી છે એમ વિચારી તે ખુદને સ્વસ્થ કરે છે. સમય ફરી પોતાની રમત રમી જાય છે. વામનસિંહના મૃત્યુને આજે એક વર્ષથી વધુ સમય થઈ ગયા બાદ પણ તૃષલા માતા-પિતાના મૃત્યુના આઘાત માંથી બહાર આવી શકી નથી, અને આમ જ ચાલે છે તેનું જીવનચક્ર.
(કોણે કરી હશે તૃષલા ના માતા-પિતાની હત્યા અને કેમ? જોઈશું આવતા ભાગમાં)
ક્રમશ:
