કાકા એક ચા
કાકા એક ચા
મુશળધાર વરસાદ અને આ અંધારી રાત.....
કિશોર કાકા જલ્દી જલ્દી પોતાની ચાની લારીનો સામાન ઠેકાણે ગોઠવી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. હાઈવે પર વાહનોની અવરજવર ચાલુ જ હતી. હાઈવે પર એક મોટા વડનાં ઝાડ નીચે હતી તેમની આ લારી જેના પર લખ્યું હતું " કિશોર કાકાની ચા"
હાઈવેની નજીકના ગામવાળા રહેવાસીઓ માટે તો આ જાણે એક ચોક બની ગયો હતો, જ્યાં બધા ભેગા થાય ને સુખ- દુઃખની વાતો કરતા અને મઝાથી કિશોર કાકાની ચા પીતા. રસ્તામાં આવતા જતા મુસાફરોમાં જેણે પણ એક વાર અહીંયા ઊભા રહી ને ચાનો આનંદ માણ્યો એ બીજી વાર તો અહીં આવે એટલે આવે જ.અને આજ જાદુ હતો કિશોર કાકાની ચાનો.
દરરોજ તો મોડે સુધી કિશોર કાકા પોતાની લારી ખુલ્લી રાખતા હતાં પણ આજે આ વરસાદને લીધે તેઓ લારી બંધ કરી ને જઈ રહ્યાં હતા કે પાછળથી એક અવાજ આવ્યો.
કાકા એક કપ ચા....
કિશોર કાકાની વૃધ્ધ આંખો અંધારામાં તે કોણ હતું એ ઓળખી ના શકી પરંતુ આ અવાજ તેઓ તરત ઓળખી ગયા.
રાજુ દીકારા કેમ આજે આટલું મોડું થયું તને ? હું બસ હવે લારી બંધ કરી ને ઘરે જ જઇ રહ્યો હતો.
કહેતાં કહેતાં કિશોર કાકા એ ચા મૂકી.
રાજુ તેમના ઘરની બાજુમાં જ રહેતો હતો. બાળપણમાં જ માતા-પિતા બંને સ્વર્ગલોક પામ્યા. કિશોર કાકા અને તેમના પત્ની જમાના કાકી એ જ તેને મોટો કર્યો. વિરાસતના નામ પર રાજુ માટે માતા-પિતા એક ઘર મૂકીને ગયા હતા,એટલે તે ત્યાં જ રહેતો હતો હતો અને ગામની બહાર આવેલી કચેરીમાં કલાર્કની નોકરી કરતો હતો.
કિશોર કાકા નો એક નો એક છોકરો હતો જેને તેમણે રાત-દિવસ મહેનત કરીને વિદેશ ભણવા મોકલ્યો હતો. જ્યા તેણે કોઈ અમેરીકન છોકરી સાથે લગ્ન કરી લીધા અને ત્યાં જ વસી ગયો.બસ હવે તો કાકા કાકી માટે રાજુ અને રાજુ માટે કાકા કાકી.જાણતા-અજાણતા કુદરતે વિખુટા કરેલા લોહીના સબંધો ને,હૃદયના સંબંધોએ સાચવ્યા.
સાંજે રાજુ ઓફિસેથી આવતો અને કહેતો,
કાકા એક કપ ચા....
ચા પી ને તે પણ તેમની મદદ કરતો અને બંને રાત્રે સાથે કામ પૂરું કરી ને ઘરે જતા, જ્યાં જમના કાકી તેમની રાહ જોતા બારણે ઊભા રહેતાં.વિખરાયેલા પરીવારને હૃદયની પવિત્રતા અને મનની નિર્મળતા એ બાંધી રાખ્યા હતા. રાજુ કાકા-કાકીની માતા પિતા જેમ સંભાળ રાખતો હતો.
કાકાએ ગરમ-ગરમ ચા બનાવી ને રાજુ ના હાથમાં કપ પકડાવ્યો અને માથે હાથ ફેરવતા બોલ્યા - "ચાલ મારા દીકરા ફટાફટ તારી ચા પી લે પછી આપણે જલ્દીથી નીકળીએ.તારી કાકી રાહ જોતી દરવાજે જ ઊભી હશે. અને તું કેમ આજે આમ ચૂપચાપ છે દીકરા ?"
રાજુ ને કપ પકડાવ્યા બાદ હાથમાં કંઇક ચિકાશનો અનુભવ થયો અને વીજળીના જોરદાર કડાકા સાથે તેમની નજર પોતાના હાથ પર પડી જેના પાર હતો લોહીનો દાગ.....
કાકા ગભરાઈ ગયા.
" અરે આ લોહી મારા હાથમાં ક્યાંથી આવ્યું ?" બોલતા કાકાએ નજર પાછળ બાંકડા તરફ ફેરવી પણ ત્યાં કોઈ નહોતું.
રાજુ દીકરા ક્યાં ગયો તું ? તે ગભરાયેલી હાલત માં ચારેય બાજુ રાજુ ને બૂમ પાડીને શોધવા લાગ્યાં. આમ તેમ ભાગવા લાગ્યાં. વરસાદ અને તેમની આંખોમાંથી વહેતાં આંસુ રોકાયે રોકાઇ નહોતા રહ્યાં.
શું આ મારો વહેમ હતો ? આ શું થયું ?
મનમાં ઊઠતા સવાલોના ભમરાણે તે બધું ત્યાં જ મૂકીને ઘર તરફ રવાના થયા. ગામમાં પ્રવેશતા જ પાદરે પગ કશાક સાથે અથડાતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યાં. ત્યાં કોઈ બેભાન હાલતમાં પડ્યું હતું અને જોડે ખાડામાં એક બાઈક હતું. કોઈનો એક્સિડન્ટ થયો હતો લગભગ....
"અહીં તો કોઈ...હે ભગવાન આ કોણ છે ? કહેતાં જેવું તેમણે તે વ્યક્તિનો ચહેરો સીધો કર્યો કે, રાજુ.
