mariyam dhupli

Drama Inspirational

4.0  

mariyam dhupli

Drama Inspirational

કાજુકતરી

કાજુકતરી

7 mins
265


રવિવારની સાંજ હતી. હું બેઠકખંડના સોફા પર આરામથી પગ લાંબા કરી બેઠો હતો. સામે ચાલી રહેલા ટીવીમાંથી સંગીતના સૂરો સંભળાઈ રહ્યા હતા. મારું ધ્યાન મારા હાથમાં થમાયેલા સ્પિનર પર કેન્દ્રિત હતું. એને ગોળ ચક્કર કાપતા જોઈ મને અનેરો સંતોષ અને આનંદ મળી રહ્યો હતો. મારી નજર એના કેન્દ્રમાં જડાઈ હતી. વચ્ચે વચ્ચે મારી નજર ટીવી પર પણ ડોકાઈ જતી. એના પડદા પર ઝળહળી રહેલા ઘેરા ઝગમગાટ છોડી રહેલા રંગો મને જરાયે ગમી રહ્યા ન હતા. તેથી હું તરત જ ત્યાંથી નજર ખસેડી લેતો. દૂરથી મંદિરમાં ગુંજી રહેલા ઘંટ કાનમાં ઝીલાઈ રહ્યા હતા. બાજુના ઘરમાં કોઈ વારેઘડીએ મિક્સી ઓન ઓફ કરી રહ્યું હતું. એનો સ્વર અત્યંત ધૃણાસ્પદ હતો. મહોલ્લમાં ચાલી રહેલા બાંધકામમાં મોટા મોટા ટ્રક અને મશીનરીનો અવાજ પૂરતો ન હોય તેમ રાક્ષસી ડ્રિલિંગ મશીન પણ સાથે સાથે ગુંજી રહ્યા હતા. ઈશ્વરનો આભાર કે મારા કાનમાં હેડફોન ચઢેલા હતા. નહીંતર જો એ અવાજ સીધા જ કાનમાં ધસી આવે તો ...

બે ત્રણ વાર ઘરની ડોરબેલ વાગી.

મને થયું મમ્મી આવી ગઈ હશે. મારી બહેન મિતાલીએ ટીવી નિહાળતા મારી તરફ દ્રષ્ટિ ફેંકી. એ મને બરાબર જાણતી હતી. હું બારણું ઊઘાડીશ નહીં. એ તો એની જ ફરજ હતી. હું સોફા પર આળસ જોડે બેસી રહ્યો. મેં કારણ વિના જ ગણગણવાનું શરૂ કરી દીધું. એને અકળામણ થઈ. એ એના પટકાઈ પટકાઈને ઉઠી રહેલા ડગલાઓમાં છતું થયું. મને ગુસ્સો આવ્યો. બહારથી આવી રહેલા અવાજો પૂરતા ન હતા ? મારા કાનના પડદા એને ફાડી નાખવા હતા કે શું ?

બારણું ખુલ્યું અને પપ્પા ઘરમાં પ્રવેશ્યા. મને અચરજ થયું. તેઓ સમય કરતા જલ્દી આવ્યા હતા. પણ ભલે. મારી તો લોટરી જ લાગી હતી ને. પપ્પાના હાથમાં દરરોજ જેમ ભૂરી કાપડની થેલી હતી. એના પર નજર પડતા જ મારી આંખો ખુશીથી ચળકી ઉઠી. હું જાણતો હતો કે એ ભૂરા રંગની કાપડની થેલીની અંદર અન્ય એક કાળા રંગની થેલી હશે અને એની અંદર મારી ગમતી એ વસ્તુ. પપ્પા રસોડામાં ગયા અને એમણે ભૂરા રંગની થેલીમાંથી કાળા રંગની થેલી કાઢી. હું આળસ પડતું મૂકી રસોડામાં ધસી ગયો હતો. મિતાલીએ મારો હાથ બરાબરથી પકડી લીધો. એ જાણતી હતી કે જો એ હાથ નહીં પકડે તો મારી અધીરાઈ જોડે મેં એ કાલી થેલી ઉપર રીતસરની તરાપ જ મારી હોત. પપ્પાએ એ થેલીમાંથી આખરે એ વસ્તુ બહાર કાઢી. એના પર નજર પડતા જ હું ખુશીથી ઉછળવા માંડ્યો. ખુશીના ઠેકડાંઓથી મિતાલી માટે મારો હાથ પકડી રાખવું અઘરું થઈ પડ્યું.

" પપ્પા, ઈશાનને કહોને કઈ. આ જુઓ. કેટલો કૂદે છે ! "

મિતાલીએ ટેવ પ્રમાણે મારી ફરિયાદ કરી. મને એનાથી કશો ફેર પડવાનો ન હતો. મને તો મારી ...

" આ લે, મિતાલી. એને એની કાજુકતરી આપી દે. એટલે એને શાંતિ થાય. "

મેં મારી આંખો ખુશીથી પલકારી. પપ્પાએ બે જુદી જુદી પ્લેટમાં કાજુકતરી કાઢી હતી. મિતાલીએ મારી પ્લેટ લઈ મને બેઠકખંડના સોફા તરફ દોર્યો. એણે મારી પ્લેટ સોફા નજીકના ટેબલ પર ગોઠવી દીધી અને પછી જાતે રસોડામાં જઈ પોતાની પ્લેટ લઈ આવી. ખુરશી પર ગોઠવાઈ એણે ટીવી નિહાળતા પોતાની કાજુકતરી ખાવા માંડી. મેં એને ધ્યાન દઈ તાકી. એણે મારા તરફ જોવાની તસ્દી લીધી નહીં. મેં ગરદન પાછળની દિશામાં ફેરવી. પપ્પા હજી રસોડામાં જ હતા. તેઓ સાથે લઈ આવેલ અન્ય વસ્તુઓની ગોઠવણ કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. મારી નજર ઘરના મુખ્ય દ્વાર તરફ વળી. મિતાલીએ ક્યારનો દ્વાર વાંસી દીધો હતો. મમ્મી ક્યાં રહી ગઈ હતી ? 

હવે મારી અકળામણ વધવાની શરૂ થઈ. મેં બેઠક ખંડમાં ચારે દિશામાં નજર ફેરવવા માંડી. મને ગભરામણ થવા માંડી. મારી નજર સોફા પાસેના ટેબલ પર ગોઠવાયેલી કાજુકતરીની પ્લેટ પર સ્થિર થઈ. મારા મોઢામાં પાણી છૂટવા માંડ્યું. મને એ તરત જ જમવી હતી. મેં નજર ફરી મિતાલી તરફ નાખી. એના પ્લેટમાંની કાજુકતરી તો પુરી પણ થવા આવી હતી. હવે મને અનન્ય ચીઢ ઉપજવા માંડી. મારા હાથની આંગળીઓ હું મુઠ્ઠીમાં ભીંસી ફરી છોડવા માંડ્યો. મેં ગણગણવાનું વધારી દીધું. પાછળ રસોડામાં કામ કરી રહેલા પપ્પા તરફ એકવાર ફરી આશા જોડે નિહાળ્યું. પણ એ પ્રયાસ પણ નિષ્ફ્ળ નીવડ્યો. હું અંદર તરફના ઓરડામાં દોડી ગયો. અલમારીમાંથી વસ્તુઓ એક પછી એક બહાર ફેંકવા માંડ્યો. ટીવી નિહાળવમાં મગ્ન મિતાલી તરત જ મારી પાછળ દોડી આવી. 

" પપ્પા, આ જુઓ. ઈશાન બધું ફેંકી રહ્યો છે. "

પપ્પા રસોડાનો કારભાર પડતો મૂકી અંદરના ઓરડામાં દોડી આવ્યા. અલમારીમાંથી બહાર ફેંકાઈ રહેલા સામાનને નિહાળી તેઓ અકળાઈ ગયા. તેમણે મોટેથી ચીસ પાડી. 

" ઈશાન, આ શું કરી રહ્યો છે ? સ્ટોપ ઈટ. "

મારા કાનના પડદા ફાટવા માંડ્યા. મારા હેડફોન બેઠકખંડમાં હું ઉડાવી આવ્યો હતો. મંદિરના ઘંટ, બાંધકામની મશીનરી અને ટ્રક, ડ્રિલિંગ મશીન, મિક્સી, ટીવી અને પપ્પાની ચીસ ... હે, ઈશ્વર !

પણ મેં એમની વાત સાંભળી નહીં. અલમારીમાં કાર્યરત મારા હાથ વધુ ઝડપ જોડે સામાન બહાર ઉછાળવા માંડ્યા. એમાંથી કદાચ મોટાભાગનું બધા માટે કામનું હતું. પણ મારા માટે નહીં. 

" તું એમ ન માનીશ. " કહેતા પપ્પાએ મને ગોદમાં ઊંચકી લીધો. હું તડફડિયા મારવા લાગ્યો. મને એ અલમારી નજીક પહોંચવું હતું. મેં બનતું જોર લગાડ્યું. મારા ઉછળતા હાથપગ વડે મેં મારો વિરોધ દર્શાવવા માંડ્યો. પપ્પાને બે વાર ચહેરા ઉપર વાગ્યું. એમના દાંત ભીંસાયા. એનો અવાજ ડરામણો હતો. એમણે મને વધુ સખત પકડ જોડે ઘેરી ઓરડાની બહાર કાઢી નાખ્યો. 

" મિતાલી, બારણું લોક કરી નાખ. "

મિતાલીએ તરત જ બારણામાં રાખેલી ચાવી ચપળતાથી ફેરવી સાથે લઈ લીધી. મેં પોક મૂકીને રડવાનું શરૂ કર્યું. પપ્પા મને ફરી બેઠક ખંડમાં લઈ આવ્યા. સોફા પર બેસાડી તેઓ મારી પર વરસવા માંડ્યા. 

" વ્હોટ ઈઝ રોન્ગ વિથ યુ, ઈશાન ? ''

મારી નજર સામેના ટેબલ પર ગોઠવાયેલી કાજુકતરી પર પડી. મનમાં અકળામણનું પૂર ઉમટી આવ્યું. મિતાલી સુરક્ષિત અંતરેથી મને અને પપ્પાને ધ્યાનથી નીરખી રહી હતી. એના હાથમાં અંદરના ઓરડાની ચાવી હતી. મેં ચાવીની દિશામાં તરાપ મારી. મારા રડવાના બરાડાઓ નીચે આજુબાજુથી આવી રહેલા તમામ અવાજો કચડાઈ રહ્યા હતા. મારા પગ નજીકથી હેડફોન સહીસલામત ઉઠાવતા પપ્પાએ મને અધવચ્ચે જ અવરોધી લીધો. હું ફરીથી સોફા પર ફસડાઈ ગયો. પપ્પાની ચીસનો અવાજ હવે અસહ્ય થઈ પડ્યો. 

" ઈશાન, તને કાજુકતરી ગમે છે એટલે પપ્પા લાવ્યા. તારા માટે ખાસ. આ રહ્યું તારું સ્પિનર પણ સોફા પર જ છે. "

પપ્પાએ ટેબલ પરથી કાજુકતરીની પ્લેટ મારી આગળ ધરી જ કે મેં મારો હાથ પ્લેટ પર અફાળ્યો. પપ્પા એ માંડમહેનતે પ્લેટનું સંતુલન જાળવ્યું. હું વિફર્યો. આખા બેઠકખંડમાં મેં ચક્કર લેવા શરૂ કર્યા. મિતાલીના હાથમાંની ચાવી લેવા વારેઘડીએ એની દિશામાં ઘસવા માંડ્યો. એ પપ્પાની પાછળ ભરાઈ ગઈ. મેં હાથમાંનું સ્પિનર ભોંય પર પટક્યું. એ ભોંય પરથી ઉછળતું સીધું ટીવીના પડદા પર પટકાયું. એક ક્ષણ માટે પપ્પા સ્થિર થઈ ગયા. તરત જ ટીવી નજીક જઈ એમણે પડદાની ચકાસણી કરી. કોઈ મોટું નુકશાન ન થયાનો હાશકારો થયો અને તેઓ બિહામણા હાવભાવો જોડે મારી દિશામાં આગળ વધ્યા. હું ડરી ગયો. અકળામણ અસહ્ય બની. મિતાલી તરફ આગળ વધુ એ પહેલા મારા ચહેરા પર એક હળવો થપ્પડ પડ્યો. હું ભાન ભુલ્યો અને ચારે દિશામાં દોડતો બેઠક ખંડમાં શણગારવામાં આવેલી દરેક વસ્તુઓને ભોંય પર ફેંકવા માંડ્યો. 

એ જ સમયે ઘરની ડોરબેલ ફરી વાગી.

મિતાલીએ દોડ લગાવી બારણું ખોલ્યું. દરવાજે ઉભી મમ્મી બેઠક ખંડની દશા નિહાળી સ્તબ્ધ થઈ ગઈ. મારો રડતો ચહેરો નિહાળી એ તરત જ મારી દિશામાં ધસી આવી. મિતાલીએ ચુપચાપ બારણું વાંસી દીધું. પપ્પાના હાથમાં હજી પણ કાજુકતરીની પ્લેટ હતી. એ પ્લેટ પર નજર પડતા જ મમ્મીએ એક નજર બેઠકખંડમાં ફેરવી. 

" ખબર નહીં શું થયું એને ? આમ અચાનક ? કાજુકતરી આપી. જોડે સ્પિનર પણ છે. આમ છતાં... "

પપ્પાની ફરિયાદ આગળ વધે એ પહેલા મમ્મી અંદર તરફના ઓરડા તરફ દોડી. હું પણ પાછળ દોડ્યો. પપ્પા અને મિતાલી પણ અમને અનુસરતા પાછળ આવ્યા. મમ્મીએ ઓરડો ખોલવાનો પ્રયાસ કર્યો. બારણું લોક હતું. મિતાલીએ આગળ આવીને ચાવી ધરી. મમ્મીએ ઝડપથી દરવાજો ખોલ્યો. વિખરાયેલા સામાન વચ્ચેથી માર્ગ કાઢતી એ અલમારી નજીક પહોંચી. અલમારીમાંથી એણે એક પારદર્શક કોથળી કાઢી. એની અંદર સજ્જ રંગબેરંગી રમકડાંઓ મારી નજરે પડતા જ હું ખુશીથી ઉછળી પડ્યો. મારા બન્ને હાથ હવામાં લહેરાઈ ઉઠ્યા. હાથની આંગળીઓ મારી જેમ જ ઉલ્લાસથી ઠેકડા ભરવા માંડી. મમ્મી મારો હાથ ઝાલી મને બેઠકખંડમાં લઈ આવી. હું ઉત્સાહ જોડે એની સાથે દોરવાઈ ગયો. પપ્પા અને મિતાલી પણ અમારી પાછળ પાછળ અનુસર્યા. 

પપ્પાના હાથમાંથી કાજુકતરીની પ્લેટ લઈ મમ્મીએ સોફા સામેના ટેબલ પર ગોઠવી દીધી. 

" સીટ ડાઉન, ઈશાન." 

એના પ્રેમભર્યા આદેશને અનુસરતો હું શાંતિથી સોફા પર ગોઠવાઈ ગયો. પપ્પા અને મિતાલી અચરજથી મારું વર્તન નીરખી રહ્યાં. 

મમ્મીએ પારદર્શક કોથળીમાંના રંગબેરંગી રમકડાંઓ ટેબલ પર પસારી દીધા. હું આગળ વધ્યો. મેં એક રંગના રમકડાંને સ્પર્શ કર્યો અને પછી કાજુકતરીનો એક બટકો ભર્યો. ત્યારબાદ બીજા રંગના રમકડાંને સ્પર્શ કર્યો અને કાજુકતરીનો બીજો બટકો ભર્યો. એ પછી ત્રીજા રંગના રમકડાંને સ્પર્શ કર્યો અને કાજુકતરીનો ત્રીજો બટકો ભર્યો. એક પછી એક બધા જ રંગની યાત્રા આગળ વધતી ચાલી અને હું આનંદમગ્ન મારી અતિપ્રિય કાજુકતરીનો આસ્વાદ માણવામાં ઓળઘોળ થઈ ગયો. પણ મમ્મીએ મિતાલીને આંખો વડે ઈશારો કર્યો એ મેં નોંધ્યું ખરું. મિતાલીએ ટીવી નિહાળતા અસ્તવ્યસ્ત થઈ ગયેલા બેઠકખંડને વ્યવસ્થિત કરવાની શરૂઆત કરી. મમ્મી અંદરના ઓરડા તરફ ઉપડી. ત્યાં પણ મેં ઘણું બધું વેરવિખેર કરી મૂક્યું હતું. ત્યાંથી જ સગવડ કરતા એણે મારી સામેની ખુરશી પર બેસી પડેલા પપ્પાને ઊંચા અવાજે માહિતી આપી. 

" હમણાં બે ત્રણ દિવસથી આ નવી પેટર્ન ફોલો કરી રહ્યો છે. હવે સ્પિનરની જગ્યાએ આ રમકડાંઓ જોડે જમે છે. "

મેં એક અછડતી નજર સામેની ખુરશી તરફ નાખી અને તરત જ પાછી ખેંચી લીધી. પપ્પાની આંખમાં મને પાણી દેખાયું. મને એ ન ગમ્યું. પણ મારા ચહેરાના હાવભાવો સહેજે ન બદલાયા. હું શીઘ્ર મારી રંગોની સ્વાદિષ્ટ યાત્રામાં ઓતપ્રોત થઈ ગયો. 

સામે બેઠા પપ્પા મને અપલક તાકી રહ્યા હતા એની મને જાણ હતી. 

" સોરી, ઈશાન. "

એમનો મંદ, દબાયેલો, ગળગળયો સાદ મારા કાન પર અથડાયો.


એ દિવસને તો હવે ઘણો બધો સમય થઇ ગયો. હું હવે બાળક રહ્યો નથી. મોટો થઇ ગયો છું. હવે હું એ ઘરમાં પણ રહેતો નથી. હું મિતાલી અને શિવમ જોડે એમના ઘરમાં રહું છું. બેઠકખંડમાં એમણે મમ્મી અને પપ્પાની તસ્વીર શણગારી છે. એની પર દરરોજ ફૂલ પણ પહેરાવે છે. હવે પપ્પાની જગ્યાએ શિવમ મારી માટે કાજુકતરી લાવે છે. ગઈકાલે પણ લાવ્યો હતો. મારી આગળ પ્લેટ ધરી હતી. પણ હું કાજુકતરીને સ્પર્શયો નહીં. એને બહુ નવાઈ લાગી. એણે પહેલેથી જ મારા બ્લોકનો સેટ આગળ ગોઠવી દીધો હતો. મને અકળામણ થવા માંડી. મને કાજુકતરી ખાવી હતી. પણ...

મારી આંગળીઓ તાણથી એકમેકમાં ભીંસાવા માંડી. હું એકતરફથી બીજી તરફ નજર ફેરવવા માંડ્યો. શિવમ રસોડામાં વ્યસ્ત મિતાલીને ઉદ્દેશીને બોલ્યો, 

"મિતાલી એને કાજુકતરી ખાવી નથી કે શું? બ્લોકનો સેટ પણ આપ્યો તો પણ...

શિવમ આગળ કંઈ બોલે એ પહેલા મિતાલી રસોડામાંથી બેઠકખંડમાં ધસી આવી. એણે તરત જ મોબાઈલમાં મારી ગમતી મિઠાઈવાળી જાહેરાત મૂકી, મોબાઈલ મારા હાથમાં થમાવી દીધો. મેં તરત જ મોબાઈલ ટેબલ પર નજર સામે મૂક્યો અને જાહેરાત નિહાળતાં નિહાળતાં મારી ગમતી કાજુકતરી ખાવાની શરૂ કરી. મોબાઈલની અંદર જાહેરાતમાં પણ એવી જ કાજુકતરી જોઈ હું અત્યંત રાજી થઇ ગયો. શિવમ મને અચંભાથી નિહાળતો મારી પડખે જ ઉભો હતો. મિતાલી રસોડા તરફ જતા સ્મિત ફરકાવતી બોલી,


"બે દિવસથી આ નવી પેટર્ન શરૂ કરી છે. હવે બ્લોક ગોઠવતાં ગોઠવતાં નહીં, પણ આ જાહેરાત જોઈને..."


મિતાલી ફરી રસોડામાં વ્યસ્ત થઇ ગઈ. 


શિવમે એને સંબોધીને કહ્યું,

"હાઉ સ્ટ્રેન્જ! ઓટિસ્ટિક લોકો માટે એમના પેટર્ન ધર્મ જેવા જ હોય છે, નહીં?"


મિતાલીના ઉત્તરનો અવાજ મને સંભળાયો નહીં. કૂકર ની સિટીનો અવાજ જ એટલો ઊંચો હતો! મારા માટે અસહ્ય થઇ પડેલા એ અવાજથી બચવા મેં ઝડપ જોડે મારી પડખેથી હેડફોન ઊંચકી પહેરી લીધા અને પછી હું, મારી જાહેરાત ને મારી પ્રિય કાજુકતરી! 


Rate this content
Log in

Similar gujarati story from Drama