mariyam dhupli

Drama Inspirational Children

4  

mariyam dhupli

Drama Inspirational Children

જર્સી

જર્સી

6 mins
439


મારી નજર આગળ મારા સાત વર્ષના દીકરાનો માસુમ ચહેરો હતો. એની આંખોમાં શૂન્યાવકાશ હતો. એની કીકીઓ એક જ દિશામાં જડાયેલી હતી. એ જડ નિર્દોષ દ્રષ્ટિ પ્રત્યે મને કરુણા અનુભવાઈ રહી હતી. એની એ સ્થિતિ મને થોડા વર્ષ પહેલાના કોલાહલભર્યા વાતાવરણમાં ઘસડી ગઈ. 

એ દિવસે એણે ટેવ પ્રમાણે એની ગમતી જર્સી પહેરી હતી. હું પણ એ જ નામ ધરાવતી જર્સી પહેરું એવો એનો હઠાગ્રહ મારે સ્વીકારવો જોઈતો ન હતો. ભૂલ મારી જ હતી. એ તો અપરિપક્વ હતો. જિદ કરે. પણ હું તો પરિપક્વ હતો. મારે તો સમજવું જોઈતું હતું. સ્ટેડિયમમાં હાજર અન્ય પરિપક્વ દ્રષ્ટિ આડકતરી રીતે અમારી જર્સી અને એની ઉપર છપાયેલા નામને વિચિત્ર હાવભાવો જોડે નિહાળી રહી હતી. ઘરેથી નીકળતી વખતે જ મારે કેયુર જોડે ચોખવટ કરી લેવી જોઈતી હતી. પણ મારા મનમાં હિંમત ભેગી થઈ નહીં. કઈ રીતે હું એક જ ઝાટકે એને ...એનું નાનકડું હૈયું હલબલાવી મૂકવાની હું ચેષ્ટા કરી શક્યો નહીં. 

એ દિવસે આખું સ્ટેડિયમ ઠસોઠસ ભરેલું હતું. બંને ટીમના ઉત્સાહ વધારનારા ફેન્સ અને સપોર્ટર્સ પોતપોતાના રાષ્ટ્રના ઝંડાઓ જોડે અને પોતપોતાના ગમતા ક્રિકેટ ખેલાડીઓના નામ ધરાવતી જર્સી જોડે અતિ ઉત્સાહિત શોરગૂલ મચાવી રહ્યા હતા.

' ઈન્ડિયા', 'ઈન્ડિયા ' ...

આખા સ્ટેડિયમમાંથી ગુંજી રહેલ ભારતમાતાની જયજયકાર વાતાવરણને રોમાંચક કરી રહી હતી. ભારતની ટીમના ફેન્સ ખુશખુશાલ હતા. બેટ્સમેન માટે નક્કી થયેલા સ્કોરને વટાવી વિજેતા થવામાં થોડી જ ક્ષણો બચી હતી. સામાન્ય રીતે હું જયારે પણ કેયુર જોડે ભારતની મેચ જોવા સ્ટેડિયમ જાઉં ત્યારે મારો ઉદ્દેશ્ય એક જ હોય. એના ચહેરા પર ખુશી અને ઉલ્લાસ નિહાળવું. એની જોડે બાળપળની ક્ષણોમાં પરત થઈ જવું. દર વખતે ભારતની જીત મનાવતા અમે ખુદને પણ ભૂલી જઈએ. ઢોલ વગાડીએ, સિસોટીઓ વગાડીએ, ભાન ભૂલીને નાચીએ. અને જયારે કેયુરનો ગમતો ક્રિકેટર હેટ્રિક કરે, બાઉન્ડરી મારે, સિક્સ ફટકારે, શ્રેષ્ઠ ફિલ્ડીંગનું પ્રદર્શન કરે, કેચ પકડે, બોલ્ડ કરે, કોઈને રનઆઉટ કરે ત્યારે તો પૂછવું જ નહીં. ઉત્સવ જ ઉજવાય. ફક્ત એ ક્ષણ માટે જ નહીં. આખેઆખો દિવસ. આખું અઠવાડિયું. એ મારી પાસેથી ટ્રીટ લે એ જુદી અને મિત્રોને અપાવે એ જુદી. ખિસ્સું તો મારું જ ખાલી થાય, પણ મન પણ તો મારું જ ગદ્દગદ્દ થાય. 

એની ખુશી માટે કઈ પણ !

પણ એ દિવસે એનો ઉતરી પડેલો ચહેરો મારાથી નિહાળાઈ રહ્યો ન હતો. ભારત જીતી રહ્યું હતું છતાં એના માસુમ ચહેરા પર છવાયેલી હાર હૃદયભગ્ન કરનારી હતી. એ વારે વારે મારી નજરમાં નજર મેળવવા પ્રયાસ કરી રહ્યો હતો. હું વારેવારે એ સંપર્કને ટાળવાનો સભાન પ્રયાસ કરી રહ્યો હતો. અમારી આસપાસ ખુશીનું નૃત્ય કરી રહેલા ભારતના ફેન્સ અમારી બંનેની મનોપરિસ્થિતિથી તદ્દન અજાણ હતા. અમારા ત્યાં હોવા ન હોવાથી પણ એમને કશો ફેર પડતો ન હતો. એ દિવસે મને સાચે જ સમજાયું કે જ્યાં સુધી તમે કોઈના માટે કશું કરી શકો ત્યાં સુધી બધા તમને માથાનો તાજ બનાવી ફરશે, પણ જે ક્ષણે તમે કોઈના માટે કઈ પણ કરી શકવા સક્ષમ ન હશો ત્યારે તમારા હોવા ન હોવાની કોઈને કશી પડી ન હશે. જીવન કોઈની રાહ જોતું નથી. તમારા વિના પણ લોકો જીતશે, આનંદ માણશે, મિજબાની કરશે. 

સ્ટેડિયમમાંથી ઘરે પરત થતી વખતે આખા રસ્તે કેયુર એક પણ શબ્દ બોલ્યો ન હતો. કારની બારીમાંથી બહાર નિરાશ નજરે અપલક તાકતો રહ્યો હતો. એ જાણતો હતો કે હું જાણતો હતો. આમ છતાં મેં એને કશું કહ્યું ન હતું. એ રીસાયેલો હતો. મારાથી પણ અને ખુદથી પણ. ઘરે પહોંચી એ હતાશ ડગલે પોતાના ઓરડામાં જતો રહ્યો હતો. મેં ધીમે રહી એના ઓરડાનો દરવાજો ખોલ્યો હતો. એણે જર્સી નીકાળી પોતાના હાથમાં લઈ લીધી હતી. અલમારી પાસે ઊભો એકીટશે એ જર્સી અને એની ઉપર સુશોભિત નામને તાકી રહ્યો હતો. મેં એના ખભા ઉપર હળવેથી હાથ ગોઠવ્યો હતો. એની નજર હજી પણ જર્સીને જ નિહાળી રહી હતી. ગળગળા અવાજમાં એણે મને પૂછ્યું હતું,

" એ કેમ નહીં રમ્યો ? "

હૈયામાં હિંમત ભેગી કરતા મેં અત્યંત ધીમા સાદે કહ્યું હતું,

" એ બીમાર છે, બેટા."

એની ઉતરી પડેલી આંખો ઉપર ઊઠી હતી. એ આંખોમાં ભેગા થયેલા મોતીઓ વીખરાઈને ખરવા તત્પર હતા. 

" નેક્સ્ટ મેચમાં રમશે ને ? "

મારા ગળામાં ડૂમો બાઝી ગયો હતો. એક ક્ષણ માટે મારી નજર આગળ બધું જ તરી આવ્યું. કેયુરના ઓરડા, અલમારી અને હૃદયની અંદર અંકિત એના ગમતા ક્રિકેટરની તસ્વીર. એ ક્રિકેટર જોડે, એની રમત જોડે, એના હુનર જોડે સંકળાયેલા મારા નિર્દોષ બાળકના અગણિત સ્વપ્નાઓ. એના પ્રેરણામૂર્તિની છબી જે એના કુમળા મનોજગતને આગળ વધતા રહેવાનું, જીતવાનું અને વિજયની ધજા લહેરાવતા રહેવાનું સતત શીખવતી હતી. પણ એ દિવસે મારી પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

એને ખોટી આશ આપવા મને જૂઠાણાંનો આશરો લેવો મંજૂર ન હતું. 

ઈશ્વરે એ ઘડી કદાચ એટલા માટે જ આપી હતી કે હું એને પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખવાડી શકું. જીવનમાં બધું જ આપણી મન મરજી મુજબ ચાલે નહીં. આપણે લાખ યોજનાઓ ઘડીએ પણ અંતે તો જીવનની યોજનાને જ તાબે થવું પડે. જીવન જયારે પૂર્ણવિરામ આગળ ધરે ત્યારે આપણાથી પ્રશ્નાર્થ ચિન્હ આગળ ન ધરાય. 

" કેયુર, એ બહુ જ બીમાર છે. એને જીવલેણ રોગ થયો છે. હવે એનું શરીર અત્યંત અશક્ત થઈ ગયું છે. અને ધીરે ધીરે વધુને વધુ અશક્ત થતું જશે. હવે એ કદી ક્રિકેટ રમી ન શકશે. ઈન્ડિયન ટીમમાં હવે કદી એને સ્થાન ન મળે. ઈટ્સ ઓલ ઓવર. હી ઈઝ ગોઈંગ ટુ ડાઈ સુન."

હું એક જ શ્વાસે બોલી ગયો. કેયુરની આંખો અસહ્ય પીડાથી છલકાઈ પડી. પણ એકવાર આ પરિસ્થિતિનો સામનો થઈ જાય એ અનિવાર્ય હતું. એક પિતા તરીકે કાળજું સખત કરી એકવારમાં જ સત્યનો સામનો કરાવી દેવું મને યોગ્ય લાગ્યું. મેં પથ્થર હૈયા જોડે હાથ આગળ ધર્યો. એણે વહેતી આંખો જોડે મારી આંખોમાં નિહાળતા ડૂસકાં ભરવા માંડ્યા. થોડીવાર સુધી એ આમ જ રડતો રહ્યો અને પછી અચાનકથી પોતાના આંસુઓ હાથ વડે લૂંછી એ શાંત થઈ ગયો. મને થોડી નિરાંત થઈ. એણે સત્ય સ્વીકારી લીધું હતું. એ જરૂરી પણ હતું. મારો હાથ એની દિશામાં થોડો હજી આગળ વધ્યો. એણે મક્કમ હાવભાવો વડે હાથમાંની જર્સીને ગડી કરી અને મને પરત સોંપવાની જગ્યાએ પોતાની અલમારીમાં સન્માન જોડે એના નિયત સ્થળ પર ગોઠવી અલમારી વાંસી દીધી.અલમારી પર એ રીતે એણે પોતાનું નાનકડું શરીર ગોઠવી દીધું કે મારું બળવાન શરીર જો એની જર્સીની દિશામાં આગળ વધે તો એની રક્ષા કરવા એ સંપૂર્ણ સક્ષમ હોય. 

હું પળભર શોક્ગ્રસ્ત એને તાકી રહ્યો. ધીમે રહી મારા શરીર પરથી પણ એના ગમતા ખેલાડીના નામથી સજ્જ જર્સી મેં કાઢી નાખી. ગડી કરી એ જર્સી એના માસુમ હાથોમાં સન્માનપૂર્વક પરત કરી હું ભારે ડગલે એના ઓરડામાંથી બહાર નીકળી આવ્યો. 

એ દિવસ પછી કેયુર કદી કોઈ જીવંત ક્રિકેટ મેચ નિહાળવા મારી જોડે સ્ટેડિયમ આવવા તૈયાર થયો નહીં. ન કદી મને કોઈ મેચમાં દિલચસ્પી રહી. 

અચાનકથી આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું. 

હું ભૂતકાળની એ અતિ ભારે પળમાંથી વર્તમાનમાં ખેંચાઈ આવ્યો. મારી આંખો તરત જ કેયુરને સભાનતાથી તાકી રહી. લાંબા સમયથી છવાયેલો એની આંખોનો શૂન્યાવકાશ તરત જ અદ્રશ્ય થઈ ગયો. એની જગ્યા હર્ષ અને ઉત્સાહે લઈ લીધી. એની કીકીઓમાં પરત થયેલી ચેતનાથી મારું પિતૃ હૈયું ગજ ગજ થઈ ઊઠ્યું. પોતાની અલમારીમાં સન્માનપૂર્વક સાચવી રાખેલી જર્સી આજે એના શરીર પર લાંબા સમયાંતરે પરત થઈ હતી. એણે ફરી મને પણ એ જ જર્સી પહેરવા આપી હતી જે એ દિવસે મેં એના હાથમાં પરત સોંપી દીધી હતી. 

" પપ્પા, ત્યાં જુઓ. "

સ્ટેડિયમના કાનના પડદા હલાવી નાખતા શોરગૂલ વચ્ચે એણે ગર્વપૂર્વક પોતાના ગમતા ક્રિકેટર તરફ આંગળી ચીંધી. બેટિંગ માટે પીચ પર આવી રહેલા એ વીરને જોઈ મારા શરીરના રુંવાડા ઊભાં થઈ ગયા. મારી જેમ સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ પણ એને મૃત સમજી મનોમન લાંબા સમય પહેલા જ શ્રદ્ધાંજલિ અર્પી દીધી હતી. પણ આજે ઊભા થઈ એની માટે તાળીઓ વરસાવી રહેલ દરેક નજરમાં છોભીલાપણું તો હતું જ પણ એની સાથે અહોભાવ પણ હતો.

આ માણસ ફક્ત જીવલેણ માંદગીને હરાવીને જ નહીં, એ માન્યતાને પણ માત આપીને આવ્યો હતો કે શૂન્યમાંથી નવસર્જન શક્ય નથી. જીવને આગળ ધરેલ પૂર્ણવિરામને એણે અલ્પવિરામમાં ફેરવી સૌને ઉદગારચિન્હ ધરી દીધું હતું. 

નહીંતર કેન્સર જેવી માંદગી સામે ઝઝૂમ્યા બાદ, શારીરિક રીતે એ જ સ્તરે પાછા સક્ષમ થઈ, નેશનલ ટીમમાં ફરી પોતાનું સ્થળ બનાવવું એ અશક્ય જ ને !

'' યુવી, યુવી, યુવી..."

સ્ટેડિયમમાં ગુંજી રહેલા નાદ જોડે કેયુરનો ઊંચો સાદ પણ ભળી રહ્યો હતો. એમાં મારો સાદ પણ સહર્ષ ભળી ગયો.

મારા દીકરાએ પોતાની અલમારીમાં સાચવીને વિશ્વાસથી સંગ્રહેલી બંને જર્સી અમારા શરીર પર સજ્જ હતી. હાથમાંનો તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો હતો અને બંને જર્સી પર એક જ નામ સન્માનપૂર્વક ઝળહળી રહ્યું હતું.


'યુવરાજ' 


Rate this content
Log in

Similar gujarati story from Drama