Prashant Subhashchandra Salunke

Abstract Drama Inspirational

4  

Prashant Subhashchandra Salunke

Abstract Drama Inspirational

જનરેશન ગેપ

જનરેશન ગેપ

7 mins
390


ધનજીભાઈ અને જસુબા ઘરના ઉંબરા પર બેઠા હતા. તેઓ વાતો કરી રહ્યા હતા એટલામાં પડોશમાં રહેતા કાનજીભાઈનો દીકરો મગન આવ્યો. તેની સાથે પોળના બીજા છોકરાઓ પણ હતા. મગને હાથમાંની નોટો ગણતા ગણતા કહ્યું, “દાદા, અમે ગણપતિનો ફાળો ઉઘરાવવા નીકળ્યા છીએ. ચાલો ફટાફટ તમારો ફાળો અમને આપો.”

આ સાંભળી ધનજીભાઈનું મોઢું ઊતરી ગયું, “તમને લોકોને ફાળામાં કેટલા રૂપિયા આપવાના છે ?”

“ફક્ત ૧૦૦ રૂપિયા”

“ઓ માડી રે, આટલો બધો ફાળો તે હોતો હોય ! તમને ફાળામાં દસ રૂપિયા જોઈતા હોય તો હું તમને આપું નકર ભાગો અહીંથી.” 

બ્લાઉઝમાંથી નાનકડું પાઉચ કાઢતા જસુબાએ કહ્યું, “તમે પણ શું ૧૦૦ રૂપિયા હારું બાળકો સાથે રકઝક કરો છો ?’ 

જસુબાએ પાઉચમાંથી સો રૂપિયાની નોટ કાઢી મગનના હાથમાં મૂકી. મનોઈચ્છિત ફાળો મળતા બાળકો આનંદની ચિચિયારીઓ પાડતા ત્યાંથી નીકળી ગયા.

“જસુ, આ તેં શું કર્યું ? બાળકોને પુરા સો રૂપિયા આપી દીધા !”

“જે ફાળો હોય તે આપણે આપવો જ પડે ને.”

થોડીવાર માટે ત્યાં શાંતિ પ્રસરી રહી. આખરે મૌન તોડતા જસુબા બોલ્યા, “એક વાત કહું ?” 

“શું ?”

“તમારામાં અને ઓલા ગગુભામાં રતીભરનોય ફરક નથી !”

“શું કહ્યું ?” જસુબાએ જાણે દુ:ખતી નસ દબાવી હોય તેમ ધનજીભાઈ છટપટી ઊઠયા. “મારી સરખામણી ઓલા લુચ્ચા અને દોઢડાહ્યા ગગુભા જોડે કરે છે ? એ ડોહાનો અમો બાળકોને ફાળામાં બે રૂપિયા આપવામાં પણ જીવ બળી જતો હતો. અમને કહે કે પાઈ જોઈતી હોય તો આપું નહીંતર ભાગો અહીંથી.”

“તે તમે પણ હવે ક્યાં બાળક રહ્યા છો.” ધનજીભાઈ બરાબરના ગિન્નાયેલા હતા એમાં પાછું જસુબાએ બળતામાં ઘી નાખ્યું “ઈઠ્યોતેર વર્ષના ડોહા થઈ ગયા છો.” 

“બસ બસ હવે બહુ બોલી. તું પોતે પણ તો પંચોતેરની ડોહી થઈ ગઈ છું.”

“ના હું ડોહી નહીં પણ વૃદ્ધ થઈ છું.”

“લે હવે આ વળી પાછુ નવું ! ડોહી થઈ કે વૃદ્ધ; બંનેમાં શું ફેર છે.”

“બંનેમાં જમીન આસમાનનો ફેર છે.”

“એ કંઈ રીતે ?”

“જે ફક્ત સમયની સાથે પોતાની ઊંમર વધારે તે ડોહો થાય. સમાજમાં તેની કોઈ ઈજ્જત હોતી નથી. જયારે બીજી બાજુ જે સમય સાથે ખુદને ઢાળે અને પોતાના અનુભવોનો નીચોડ નાનાઓને આપે તેને વૃદ્ધ કહેવાય. સમાજ આવા વૃદ્ધોની કદર કરે છે.”

“એટલે તું વૃદ્ધ અને હું ડોહો ?”

“હા, અમસ્તા ગામના બાળકો તમને ચીડવતા નથી. તેઓ તમને શું કહે છે તે જાણો છો ?”

“એ વાહિયાત છોકરડાઓની વાત મારી સામે ન કર; તેઓના માબાપે તેમને કોઈ સંસ્કાર શીખવાડ્યા જ નથી. ભૂલો ભલે બીજુબધું મા-બાપને ભૂલશો નહી. આ ગીતની પંક્તિઓને દિલથી ગાનારું એકેય બાળક હવે આ ધરતી પર દેખાતું નથી. જેને જુઓ તે સામા જવાબો આપી મોટેરાઓને ઉતારી પાડે છે.” 

“તેઓનું એવું કરવું સ્વાભાવિક છે.”

“તું ઘેલી તો નથી થઈ ગઈ ?”

“મને એક વાત કહો.”

“શું ?”

“તમે નાનપણમાં ઉદ્ધત હતા ?”

“ના. જરાયે નહીં.”

“તો પછી તમે ગગુભાને કેમ ડોહો કહીને સંબોધતા હતા ?”

ધનજીભાઈ નીચું જોઈ ગયા.

“તમારી જેમ આજની પેઢીના બાળકોને પણ વણમાગી સલાહો સાંભળવી ગમતી નથી.”

“એટલે હું વણમાગી સલાહ આપું છું ?”

“હા. પરિસ્થિતિને સમજ્યા વિના કોઈના વિષે ખોટા તર્ક લગાવી સલાહ આપવાની તમને શું જરૂર છે. કાલે તમે પંકજને કેમ વઢ્યા હતા ?”

“એ ભણવાને બદલે મોબાઈલમાં માથું નાખી બેઠેલો ! હંમેશા અવ્વલ આવતો છોકરો અવળચંડા મિત્રોને રવાડે ચઢી પોતાનું ભવિષ્ય બગાડી રહ્યો છે; તે જોઈ મારો જીવ બળી ઊઠ્યો હતો. બસ એટલે જ મેં તેને મોબાઈલ છોડી પાઠ્યપુસ્તકો વાંચવાની સલાહ આપી હતી. ત્યારે તેણે મને ઉતારી પાડતા કહ્યું હતું કે દાદા તમને આમાં ખબર ન પડે ! જાણે મારી વાતનું કોઈ મહત્વ જ ન હોય તેમ તે પાછો પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો હતો.”

જસુબા આ સાંભળીને હસી પડ્યા.

“તને શેનું હસવું આવે છે ? હા, પોળના છોકરાઓ તારી આગળ પાછળ બા, બા કહેતા ફરે છે ત્યારે તું કેમ એમના વિષે કંઈ ભૂંડું બોલે. આપણા પોળના છોકરાઓ એટલા વાહિયાત છે કે ન પૂછો વાત. કાલે પેલો હરીશનો છોકરો મને કહે દાદા આ બુટ પહેર્યા છે તે સારા નથી લાગતા. જાઓ જઈને ચંપલ પહેરી આવો. મેં તો ચોપડાવી દીધું કે બેટા તું ખોટી પંચાત કર્યા વગર ભણવામાં ધ્યાન આપ. ત્યારે એ ઉદ્ધત મારી સામે જોઈને બબડ્યો કે દાદાને કંઈપણ સમજાવવું મુશ્કેલ છે. હવે બોલ ? જસુ, ઈંડામાંથી હજુ બહાર પણ નહીં નીકળેલા આ બચ્ચાઓ ધનજીને શીખવાડે છે કે શું પહેરવું અને શું નહીં ! તેઓ ભૂલી રહ્યા છે કે, જેટલી તેમણે પૂનમ જોઈ છે; તેથી વધુ મેં દિવાળી જોઈ છે.” 

“તમે એકદમ ગગુભા જેવી જ વાતો કરી રહ્યા છો.”

“તને હજી હું ગગુભા જેવો જ લાગુ છું ? સારું સાંભળ. કાલે પેલા વિનોદના ટેણીયા લાલાને મેં પૂછ્યું કે તારા પિતાજી ક્યાં છે ત્યારે તેણે મને કહ્યું કે મારા પપ્પા મંદિરે ગયા છે. મને વિનોદનું અગત્યનું કામ હતું તેથી મેં કહ્યું કે તારા પિતાજીને મંદિરેથી બોલાવી લાવ. ત્યારે તે હમણાં બોલાવી લાવું એમ કહી ઘરમાં ભાગી ગયો; અને પાછો આવ્યો જ નહીં. આ તો સારું થયું કે થોડીવારમાં જ વિનોદ ત્યાં આવી ગયો. મેં તો વિનોદને ચોખ્ખેચોખ્ખું ચોપડાવી દીધું કે, તારા લાલાને થોડા સંસ્કાર આપીશ તો આગળ તને પસ્તાવવાનો વારો નહીં આવે.”

“પછી ?”

“પછી શું ? હું ત્યાં એકપળ માટે પણ ઊભો રહ્યો નહીં. સાચું કહું છું આજકાલની પેઢી એકદમ વાહિયાત થઈ ગઈ છે. જસુ આ બધું જોઈ મારું તો લોહી ઉકળી ઊઠે છે. એ દિવસ મેં બાળકોને સરસ મજાની વાર્તા કહી સંભળાવી તો બાળકો મને કહે કે, દાદા તમને વાર્તા કહેતા જ આવડતી નથી. બોલ ! સાચું કહું તો હું આ પોળના બાળકોથી તંગ આવી ગયો છું. તેઓ મને ડોહો ડોહો કહીને ચિઢાવે છે. હું શું કહું છું આપણે કશે બીજે રહેવા જતા રહીએ તો ?”

“તેનાથી કશો ફેર નહીં પડે.”

“કેમ ?”

“કારણ તમે તમારામાં કશો સુધારો લાવો નહીં પરિણામે થોડા દિવસો બાદ ત્યાં પણ તમને બધા ડોહો ડોહો કહીને ચિઢાવતા થઈ જશે.”

ધનજીભાઈ કશું કહેવા જઈ રહ્યા હતા ત્યાં પડોશની ૧૦ વર્ષની મીના આવી. “બા... બા... મને કોઈ વાર્તા કહી સંભળાવોને.” 

જસુબેને મીનાને વહાલથી ઊઠાવી લેતા કહ્યું, “મારી દીકરીને વાર્તા સાંભળવાની છે ? તો ચાલ હું તને ઈસપની એક વાર્તા કહી સંભળાવું છું. એક સિંહ બીમાર પડ્યો. એ ચાલવા માટે પણ અસમર્થ હતો. ગુફામાં બેઠા બેઠા તો શિકાર મળે નહી ! તે માટે એણે એક યુક્તિ રચી કાઢી તેણે જંગલમાં રહેતા પ્રાણીઓને સંદેશો મોકલ્યો કે, “જે કોઈ મારા ખબરઅંતર પૂછવા આવશે તે મારો સ્વજન ગણાશે અને તેથી હું તેનો કદીયે શિકાર કરું નહીં.”

સિંહનો આવો સંદેશ સાંભળી બધા જાનવર ખુશ થયાં. હવે તેઓ સિંહના વહાલા થવા ભેટ સોગાદો લઈને તેની ખબરઅંતર પૂછવા જતા. હવે અહીં સિંહ તેમનો આરામથી શિકાર કરી તેમને ખાઈ જતું. 

એકદિવસ સિંહની ખબર અંતર પૂછવા એક શિયાળ ગયું. પણ તે ગુફા પાસે જ આવી અટકી ગયું. અંદરથી સિંહે અધીરા બનીને પૂછ્યું કે, “મારા ખબર અંતર પૂછવા આવેલા મિત્ર અંદર આવો.” 

શિયાળ જવાબ આપ્યો, “સિંહરાણાને મારા પ્રણામ. હું શિયાળ તમારા ખબર અંતર પૂછવા આવ્યો છું. પણ ગુફામાં આવવાની મારી હિંમત થતી નથી. કારણ બધા પ્રાણીઓના અંદર જવાના પગલાં તો મને દેખાય છે. પણ પાછા ફરવાના પગલાં દેખાતા નથી. તેથી તમને મારા દુરથી જ રામ રામ..”

વાર્તા પૂરી કરી જસુબા બોલ્યા, “ખબર પડી બેટા, જીવનમાં સફળ થવા આપણે શિયાળની જેમ તર્કબુદ્ધિથી કામ લઈ આગળ વધવું જોઈએ.”

મીના બોલી “બા મજા આવી ગઈ તમે બહુ સરસ મજાની વાર્તાઓ કહો છો”

ધનજી અકળાઈને બોલ્યા “આ ધડમાથા વગરની વાર્તામાં તને મજા આવી ? અને એ દિવસે હું તને ધીરુભાઈ અંબાણીની સરસ મજાની વાર્તા કહેતો હતો તે સાંભળવી નહોતી ગમી.”

મીનાએ ધનજીભાઈ તરફ ધ્યાન આપ્યા વગર કહ્યું, “બા, હું જાઉં છું સ્કુલમાં બધાને આ વાર્તા કહી સંભળાવીશ.”

ધનજીભાઈ ઉદાસવદને મીનાને જતી જોઈ રહ્યા.

જસુબેન હસતાં હસતાં બોલ્યા “તમારી આ વાતને લીધે જ તમે દુઃખી થાઓ છો. બાળક જોડે બાળક બનતા શીખો. તમે પરિસ્થિતિ અનુરૂપ પોતાનામાં બદલાવ કરશો તો પ્રત્યેક જણ તમારો પ્રેમ અને આદર કરશે. બાળકો ભૂલો નહીં કરે તો કોણ કરશે ? આપણે વૃદ્ધો પણ આપણું વડપણ દેખાડવામાં ક્યાં પાછા પડીએ છીએ.”

“મેં ક્યારે મારું વડપણ દેખાડ્યું ?”

“હંમેશ દેખાડો છો. પરંતુ તમારા ધ્યાનમાં એ આવતું નથી. એ દિવસે તમે પંકજને લડ્યા પરંતુ એમાં પંકજનો કોઈ દોષ નહોતો. તે તો બિચારો સ્કૂલમાંથી આપેલા પ્રોજેક્ટ અંગે ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યો હતો. પણ તમે તો એ શું કરે છે એ જાણ્યા સમજ્યા વગર તેની ઝાટકણી કરવાની શરૂઆત કરી દીધી હતી. વળી ધોતી પર કેનવાસના બુટ પહેરો તો ગામડિયા જ લાગો ને ! બિચારો હરીશ તમારા ભલાઈ માટે જ તમને ધોતી પર ચંપલ પહેરવાની સલાહ આપતો હતો. પરંતુ નાનું બાળક આપણને સલાહ આપે તે ક્યાંથી ગમે ? વિનોદના લાલાને હું સારી રીતે ઓળખું છું. તે એકદમ ડાહ્યો ડમરો છોકરો છે. તે દિવસે હું હમણાં બોલાવી લાઉં એમ કહી તે ઘરમાં તેના પિતા વિનોદને ફોન કરવા માટે ગયો હતો. અમસ્તો તે દિવસે વિનોદ ઘરમાં પાછો આવ્યો નહોતો. પરંતુ તમે તમારું વડપણ દેખાડવામાં ભાન ભૂલી જાઓ છો તેમાં સામેવાળાનો શો દોષ ?”

“તો પછી બાળકોને મારી વાર્તાઓ સાંભળવી કેમ ગમતી નથી ?”

“માણસ જાતનો સ્વભાવ છે કે આપણને જે અણગમતું હોય તેની કોઈ બાબત ગમતી નથી. વળી નાના નાના બાળકોને તમે ધીરુભાઈની વાતો સંભળાવો તે એમને ક્યાંથી ગમે ? જેમ તમને મારી ઈસપની વાર્તા સાંભળવાની ગમી નહીં તેમ બાળકોને તમારી પીઢ વાર્તાઓ ગમતી નથી. જોકે આપણે બંને વાર્તાઓ દ્વારા બોધ તો એક જ આપ્યો.”

ધનજીભાઈ ચૂપ થઈ ગયા.

જસુબા આગળ બોલ્યા, “સાંભળો, તમે નોકરીમાંથી નિવૃત્ત થયા છો, જિંદગીમાંથી નહીં. નિવૃત્તિમાં પ્રવૃત્તિ માણો અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ માણી આનંદમાં રહો. તમારે એડજેસ્ટ એવરીવ્હેરનો નિયમ કેળવતા આવડવું જ જોઈએ. તમને હું ગગુભા કેમ કહું છું તેની ખબર છે ? કારણ તમે પણ ગગુભાની જેમ સમય સાથે તાલ મેળવતા શીખી શક્યા નથી. ગગુભા તેમના સમયમાં બબ્બે રૂપિયાનો ફાળો ઉઘરાવી ગણપતિ કરતાં એટલે તમને ફાળામાં દસ રૂપિયા આપતા તેમનો જીવ કચવાતો. તમે ૧૦ રૂપિયા ફાળો ઉઘરાવી ગણપતિ કરતા હતા એટલે આજે ૧૦૦ રૂપિયા આપતા તમારો જીવ કચવાઈ રહ્યો છે. તમે બંને વધતી મોંઘવારીને ધ્યાનમાં લેવાનું સાવ ભૂલી ગયા. જે ભૂલ માટે ગગુભાને તમે નાનપણમાં ચીઢવતા; તે જ ભૂલ તમે આજે ઘડપણમાં કરી રહ્યા છો. ભૂતકાળને વાગોળવાને બદલે વર્તમાનમાં જીવતા શીખો. પછી જુઓ બધા બાળકો દાદા, દાદા કહેતા તમારી આગળ પાછળ કેવા ફરે છે તે. અને જો ભવિષ્યમાં આવું થાય ત્યારે બાળકો સાથે હળીમળી જજો ભૂલીને સર્વ જનરેશન ગેપ.”


Rate this content
Log in

Similar gujarati story from Abstract