Prashant Subhashchandra Salunke

Comedy

4  

Prashant Subhashchandra Salunke

Comedy

જન્મદિવસની શુભેચ્છાઓ

જન્મદિવસની શુભેચ્છાઓ

8 mins
297


વિકાસ આજે ઘણા ટેન્શનમાં હતો. કાલે ચોથો શનિવાર હોવાથી બેંકોમાં રજા હતી. હવે બેંકમાંથી પૈસા નહીં નીકળે તો તે વ્યાપારીઓ પાસેથી કાચોમાલ કેવી રીતે ખરીદી શકશે ? તેણે ઓરડામાં લાગેલા કેલેન્ડર તરફ નજર ફેંકી. ચોથા શનિવારે ૩૦ ઓકટોબર હતી ! મતલબ તેના પછીના દિવસે તરત ૧ તારીખ આવતી હતી. હવે કર્મચારીઓ પગાર માંગશે તે અલગ. વિકાસ લમણે હાથ મુકીને બેસી ગયો.

અચાનક તેના મગજમાં વીજળી ચમકી! કાલે ૩૦ ઓક્ટોમ્બર મતલબ તેનો જન્મદિવસ ! ઓહ! માય ગોડ આ તારીખને તે કેવી રીતે ભૂલી ગયો ? તેણે ઘડિયાળમાં જોયું રાતના સાડા અગિયાર વાગ્યા હતા. મતલબ દર વર્ષની જેમ તેના મિત્રો બરાબર ૧૨ના ટકોરે કેક લઈને આવશે. પછી આખા ઘરમાં ધાંધલધમાલ મચી જશે. જોકે આ વખતે મારા દોસ્તો પહેલા હું જ તેમને સરપ્રાઈઝ આપું તો ? હું સુઈ જવાનું નાટક કરું છું. મારા દોસ્તો જયારે મને ઉઠાડવા આવશે ત્યારે હું “ભોં.” કહેતો તેમને ડરાવી દઈશ. વિકાસના મનની અંદર છુપાયેલો બાળક જાગૃત થયો હતો. તે પહેરેલ કપડે ફટાફટ પથારીમાં સુઈ ગયો. આમપણ દોસ્તો આવે ત્યારે તેમની સામે નવા કપડા પહેરવું જરૂરી હતું. તેથી તેણે કપડા બદલવાનું ટાળ્યું હતું.

વિકાસ વારંવાર ઘડિયાળ સામું જોઈ લેતો. બાર વાગવામાં હવે બસ દસ મિનિટની વાર હતી. તેના દોસ્તો બારના ટકોરે બારણામાંથી ધસી આવવાના હતા. વિકાસના મગજમાં નવું તુત આવ્યું. તે ઝડપથી પથારીમાંથી ઊભો થયો અને તકિયા ગોઠવી તેના પર કંબલ ઓઢાઢી દીધી. હવે તે પોતે દરવાજા પાછળ જઈને છુપાઈ ગયો. બાર વાગવામાં હવે બસ બે મિનિટની વાર હતી. વિકાસ ધબકતે હૈયે બારણા તરફ જોઈ રહ્યો. દોસ્તોને ઘબરાવવા માટે તેણે જડબેસલાક ચોકઠું ગોઠવી દીધું હતું.

આખરે તેની ઈંતેજારીનો અંત આવ્યો. ઘડિયાળમાં બારના ટકોરા વાગી રહ્યા. વિકાસ સતર્ક થઈને દોસ્તોની આવવાની રાહ જોવા લાગ્યો. તેની નજર ગિદ્ધની જેમ દરવાજા પર ચોંટેલી હતી. પરંતુ બારના ટકોરા પૂરા થવા આવ્યા છતાંયે બારણું ખુલ્યું નહીં. વિકાસને આ જોઈ નવાઈ લાગી. પરંતુ બીજી ક્ષણે તેણે વિચાર્યું કે કદાચ ટ્રાફિકને કારણે દોસ્તો કંઈક અટવાયા હશે.

વિકાસ બારણા પાછળ છુપાઈને દોસ્તોના આવવાની રાહ જોવા લાગ્યો. પરંતુ બારને દસ થવા છતાંયે કોઈ આવ્યું નહીં. વિકાસ કંટાળીને સોફા પર આવીને બેઠો. તે બેચેન બની રહ્યો હતો. કદાચ તેના દોસ્તો આ વર્ષે તેનો જન્મ દિવસ ભૂલી તો ગયા નહીં હોય ને ? આમને આમ અડધો કલાક પસાર થઇ ગયો પરંતુ કોઈ ચકલુંયે ફરક્યું નહીં. વિકાસ પલંગ પરથી ઊઠી બારી પાસે જઈને ઊભો રહ્યો. તેની નજર પાર્કિગ લોટમાં મુકેલ કારો પર ફરી રહી. પરંતુ તેના અંગત દોસ્તોનું કોઈ વહાન ત્યાં ઊભુ નહોતું!

રાતના એક વાગી ગયા છતાંયે જયારે કોઈ આવ્યું નહીં ત્યારે વિકાસ ઉદાસ થઇ ગયો. તેણે મનમાં વિચાર્યું કે, “દોસ્તોની એકબીજાની ઘરે જઈને બર્થ ડે વિશ કરવાની આદત વિસરાઈ ગઈ હશે. પોતે પણ ક્યાં આ ત્રણ વર્ષ દરમિયાન કોઈ મિત્રના ઘરે ગયો હતો ! એ તો સવારે જ એકલ દોકલ મિત્રો જઇને જે તે બર્થ ડે બોયને વિશ કરી આવતા. કદાચ તેના પણ મિત્રો સવારે મળવા આવશે.”

કહેવાય છે ને કે આશા અમર છે. વિકાસ કાલે તેનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાશે એ વિચારીને ખુશખુશાલ થઇ ગયો. દરવર્ષે તેના મિત્રો ઘરે આવી ધમકતા અને કેક કાપી તેના જન્મદિવસની ઉજવણી કરતા. કેક કાપ્યા બાદ એકબીજાના મોઢા પર ક્રીમ લગાવી સૌ આનંદ કરતા. જોકે કોરોનાની વૈશ્વિક મહામારીમાં આ ચીલો વિસરાઈ ગયો હતો. પરંતુ આનો મતલબ એ નહીં કે તેનો જન્મદિવસ સુનો જશે. તેના મિત્રો સવારે આવીને ધાંધલધમાલ કરી મુકેશે. કેક કપાશે... સ્પ્રેનો છંટકાવ થશે... ફુગ્ગા ફૂટશે... હેપ્પી બર્થ ડેનો કર્ણપ્રિય અવાજ સઘળે ગુંજી ઉઠશે... કેટલી મજા આવશે... આ સિવાય તેના પરિવારજનો તેના જન્મદિવસની ઉજવણી કરશે તે અલગ! દરવર્ષે તેના પરિવારજનો તેનો બર્થ ડે ધામધૂમથી ઉજવાતા. અને હા! કોરોનાની અસર આ ઉજવણી પર એકે વર્ષે પડી નહોતી. તેના પરિવારજનો નીચેની આખી રૂમને ફુગ્ગા અને રંગીન પટ્ટીઓથી સજાવતા. ત્યારબાદ તેની આંખો પર પટ્ટી બાંધીને એ ઓરડામાં લઇ જવાતો. પટ્ટી ખુલતા જ હેપ્પી બર્થ ડે ટુ યુ ના કર્ણપ્રિય સંગીત વચ્ચે સૌ તેને શુભેચ્છા આપતા. ત્યારબાદ પત્ની વિભાવરી દ્વારા બનાવેલી સુંદર મજાની કેક કપાતી. વિકાસ માતાપિતાના આશીર્વાદ લઈને જન્મદિવસનો શુભારંભ કરતો. ત્યારબાદ તેના પરિચિતો તેણે મળવા ઘરે આવતા ત્યારે કોઈને કોઈ ભેટ અચૂક લાવતા. વળી કાલે તો તેના શેતાન મિત્રો પણ આવી ધમકવાના છે. મતલબ કાલનો દિવસ મજાને ફક્ત મજાનો જ છે.

જન્મદિવસની ઉજવણીની સુંદર કલ્પના કરતો વિકાસ સુઈ ગયો. પણ તેણે ઊંઘ ક્યાંથી આવે ? આવતીકાલનો વિચાર તેને ઊંઘવા દેતા નહોતા. બધા ઘરની કેવી સજાવટ કરશે ? બધા ભેટમાં શું લાવશે ? આ વર્ષે તેની પત્ની ક્યાં ફ્લ્વેવરનો કેક બનાવશે. અને સૌથી અગત્યની વાત એ કે તે બધાને પાર્ટી કરાવવા કઈ હોટેલમાં લઇ જશે? કંઈ નહીં શહેરની મધ્યમાં આવેલી હોટેલમાં અનલિમિટેડ ડીનરની સરસ મજાની ઓફર છે. તે બધાને ત્યાંજ જમવા લઇ જશે. અરે! કોઈ મને શું કામ રોકટોક કરે. જન્મદિવસના દિવસે હરકોઈ તેના મનનો રાજા હોય છે. બધું તેના મરજીથી ચાલતું હોય છે. આ દિવસે વડીલોના આશીર્વાદ લઇ વ્યક્તિ પ્રફુલ્લિત થઇ જતો હોય છે. પત્ની સરસ મજાની વાનગીઓ બનાવશે. મિત્રો કેક લઈને આવશે. આખો દા’ડો બસ મજા જ મજા. દર વર્ષે તેની માતા તેની આરતી ઓવાળી આશીર્વાદ આપતા. આ વખતે મા આરતી ઓવાળશે ત્યારે હું તેમને સુંદર મજાની સાડી આપીશ. આ તો સારું થયું કે દિવાળીને દિવસે ખરીદી કરવા ગયો હતો ત્યારે તે માતા માટે સાડી ખરીદી લાવ્યો હતો.

આમને આમ વિચાર કરતા વિકાસને ખબર જ ન પડી કે ક્યારે તેની આંખ લાગી ગઈ. સવારે અલાર્મ વાગતા વિકાસની આંખો ખુલી ગઈ. બધા તેની નીચેના હોલમાં ઈંતેજારી કરી રહ્યા હશે આ વિચારી વિકાસ ઝડપથી પથારીમાંથી ઊઠી ગયો. પોતાની રોજીંદી ક્રિયાઓ પતાવી તે સરસ મજાના નવા કપડા પહેરીને તૈયાર થઇ ગયો. હવે એક ઊંડો શ્વાસ લઇ તે નીચેના હોલમાં જવા તેણે પગ ઉપાડ્યા. જોકે સીડી ઉતરતી વખતે તેને ઘણું આશ્ચર્ય થયું. દરવર્ષની જેમ આ વર્ષે તેને કોઈ ચહલપહલ જણાઈ નહીં. વિકાસના મનમાં ધ્રાસકો થયો, “તેનો જન્મદિવસ બધાને યાદ છે કે પછી ભૂલી ગયા !’

વિકાસે નીચે જઈને જોયું તો બધા પોતપોતાની મસ્તીમાં હતા. વિભાવરી કિચનમાં નાસ્તો બનાવી રહી હતી. બાળકો સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યા હતા. તેની માતા પૂજામાં વ્યસ્ત હતા જયારે પિતા અખબારમાં ખોવાયેલા હતા. વિકાસને આવેલો જોઈ કોઈએ પ્રતિસાદ આપ્યો નહીં.

વિકાસ ડાઈનિંગ ટેબલની ખુરશી સેરવી તેની પર બેસી ગયો. કોઈનું ધ્યાન તેના તરફ નથી આ જોઈ વિકાસે અકળાઈને ખોખરો ખાધો. પરંતુ બધા પોતાના કામ વ્યસ્ત હતા. વિકાસે બીજીવાર ખોંખારો ખાતા તેના પિતાજીએ અખબારમાંથી માથું ઊંચકીને કહ્યું, “બેટા, આજકાલના માહોલમાં ગળામાં ખારાશ હોવી સારી બાબત નથી. તું માસ્ક કેમ પહેરતો નથી ? ઘરમાં બાળકો છે તેમને કોઈ ચેપ લાગી જશે તો ? અને હા ટાઈમ મળે ત્યારે ડોક્ટરને બતાવી આવજે.”

પિતાજી આમ બોલી પાછા અખબારમાં ખોવાઈ ગયા. વિકાસ આ સાંભળી નિરાશ થઇ ગયો. કોઈને તેની ઉજવણીનો અહેસાસ ન હતો. બધા પોતાની રોજીંદી દિનચર્યામાં મશગુલ હતા. કોઈને આજના ખાસ દિવસનો જરાયે અહેસાસ નહોતો.

વિકાસને આવેલો જોઈ વિભાવરી બોલી, “અરે! તમે ક્યારે આવ્યા?”

પત્નીની વાત સાંભળી વિકાસનું હૈયું આનંદથી ઉછળી પડ્યું, “હમણાં જ આવ્યો. તમે બધા કામમાં વ્યસ્ત હતા એટલે કશું બોલ્યો નહીં.”

“ઠીક છે. નાસ્તો તૈયાર છે. બોલો લઇ આવું?”

વિકાસને લાગુ પત્ની જરૂર કેક લઇ આવશે. કદાચ આજે તેના પરિવારજનો તેને સરપ્રાઈઝ આપવાના મિજાજમાં હોય.”

“હા લઇ આવ.”

વિભાવરી રસોડામાં દોડી ગઈ અને થોડીવારમાં નાસ્તો લઇ આવી. તેણે ગરમાગરમ કોફી અને નાસ્તાની ડીશ વિકાસ સામે મૂકી.

“આ શું ?”

“કેમ શું થયું?”

“નાસ્તામાં ખાલી બટાકા પૌઆ?”

“હા, તમને તો એ ભાવે છે ને?”

“હા, પણ આજના દિવસે તો કશું અલગ બનાવવાનું હતું?”

“કેમ આજના દિવસે શું ખાસ છે?”

“મતલબ તને કશો ખ્યાલ નથી?”

માતાની પૂજા પૂરી થઇ હતી. તેઓએ આવીને કહ્યું, “શું થયું ? જે બનાવ્યું છે તે શાંતિથી ખાતા નથી આવડતું ?”

“મા, તને તો ખબર જ હશે ને કે આજે શું છે?”

“કેમ આજે શું છે ?”

વિકાસ બરાબરનો ગીન્નાયો, “કમાલ છે તમે લોકો પણ. તમને ખરેખર કશું યાદ નથી.”

“અરે ! પણ થયું શું ? આજના દિવસે એવું તો શું છે ?”

“આજે મારો જન્મદિવસ છે.”

આખા ઓરડામાં સોપો પડી ગયો. પિતાજી અખબારમાંથી મોઢું કાઢી વિકાસને અવાચક નજરે જોઈ રહ્યા. બાળકો હાથમાંની બેગ પકડી જાણે સ્ટેચ્યુ થઇ ગયા.

“શું કહ્યું?”

“આજે મારો જન્મ દિવસ છે. મને નવાઈ લાગી રહી છે કે તમે મારો જન્મદિવસ કેવી રીતે ભૂલી ગયા. હું તમારા દરેકના જન્મદિવસની ઉજવણી કેટલી ધામધૂમથી કરું છું જયારે તમે... મને તો કહેતા શરમ આવે છે કે તમે મારા પરિવારજનો છો. હું જ પાગલ કાલ રાતની સપના જોઈ રહ્યો છું કે તમે બધા મારી ઉજવણીની તૈયારી કરી રહ્યા હશો. પરંતુ અહીં તો કોઈને મારો જન્મદિવસ જ યાદ નથી.”

“મારી વાત સાંભળો.”

વિકાસે ખુરશી પરથી ઊભા થતા કહ્યું, “મારે કશું સાંભળવું નથી. મારા જન્મદિવસ નિમિત્તે તમે જે ભેટ મને આપી છે તે પુરતી છે. હવે પછી તમારે મારો જન્મદિવસ ઉજવવાની કોઈ જરૂર નથી. અને મારી પાસેથી પણ કોઈ આશા ન રાખતા.”

વિભાવરીએ શાંતિથી કહ્યું, “તમારું બોલવાનું પૂરું થઇ ગયું હોય તો મારી વાતને સાંભળશો?”

“મારે કશું સાંભળવું નથી.”

“તમારે સાંભળવું પડશે.”

“બોલ, પણ યાદ રાખજે કે તારી સફાઈથી મને કોઈ ફરક પડવાનો નથી.”

 “અરે! મારા વ્હાલા પતિદેવ. તમારો જન્મદિવસ આજે નહીં પણ કાલે છે.”

“મારો જન્મદિવસ આજે જ છે. આજે ચોથા શનિવારે ૩૦ ઓક્ટોમ્બર છે.”

“તમને કોણે કહ્યું કે આજે ૩૦ ઓક્ટોમ્બર છે?”

“મેં ખુદ ઉપરની રૂમમાં લાગેલ કેલેન્ડરમાં જોયું છે.”

વિભાવરી ખીલખીલાટ હસતા બોલી, “અરે! એ ૨૦૨૧નું જુનું કેલેન્ડર છે. આ વર્ષે ૩૧ ઓક્ટોમ્બર રવિવારના દિવસે છે. મેં કાલે જ સાસુમાને કહ્યું હતું કે ચાલો સારું છે કે આ વખતે તેમનો જન્મદિવસ રવિવારના રજાના દિવસે આવે છે. આપણે નિરાંતે તેમના જન્મદિવસની ઉજવણી કરી શકશું.”

“બેટા, અમે તો તારા જન્મદિવસ નિમિત્તે સરસ મજાની પીકનીકનું પણ આયોજન કર્યું છે. આ તો તારા માટે સરપ્રાઈઝ હતી પરંતુ તે જે ઉહાપોહ કર્યો એ માટે કહેવું પડ્યું.”

“મતલબ આજે મારો જન્મદિવસ નથી.”

બધા એકીસ્વરે બોલ્યા, “ના.”

“ઓહ! તો બધી ગડબડ એ જુના કેલેન્ડરને લીધે થઇ.”

“હા.”

“પણ એ જુનું કેલેન્ડર ત્યાં લગાવ્યું કોણે?”

“તમે! મેં તમને કેટલીવાર કહ્યું હતું કે કેલેન્ડર બદલો પરંતુ તમે જ મારી વાતને એમ કહીને ઉડાવી દેતા કે મોબાઈલના આ યુગમાં કેલેન્ડરનો કોણ ઉપયોગ કરે છે !”

“ઓહ! એટલે જ કોઈએ મને સોશ્યલ મિડિયા પર પણ વિશ કર્યું નહીં. અને હું સમજ્યો કે...”

“બધા મને ભૂલી ગયા.”

  આખા ઓરડામાં હાસ્યનું મોજું ફરી વળ્યું. વિકાસે શરમથી માથું ઝુકાવીને કહ્યું, “મને માફ કરી દો. હું તમને ગમે તેવું બોલી ગયો.”

વિભાવરીએ હસીને કહ્યું, “જાઓ માફ કિયા. અને હા એડવાન્સમાં હેપ્પી બર્થ ડે ટુ યુ.”

આખા ઓરડામાં હેપ્પી બર્થ ડેનું ગીત ગુંજી રહ્યું. વિકાસ અશ્રુભીની આંખે સાંભળી રહ્યો; પરિવારજનો દ્વારા તેને અપાઈ રહેલી જન્મદિવસની શુભેચ્છાઓ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy