જીવન રેખા
જીવન રેખા
જીવન રેખા
ધારાવીની સાંકડી ગલીઓમાં સવારે,
રાતભર રેલાયેલી દેશીદારૂની બદબુ અને છૂટાછવાયા રડતાં આંખોના દૂસકા વચ્ચે,
ઝૂંપડામાં ઉકળતી ચા સાથે માટી, મહેનત અને આશાની સોડમ ફેલાવું એ આમ વાત હતી. પણ રહેનાર માટે દરેક
નવો દિવસ — નવી આશા.
અહીં દિવસો મજૂરીની ધૂળમાં લખાય છે,
અને રાતો ચિંતાના ચુલ્હા પાસે હૈયા વરાળ બની ઉડી જાય છે.આ રોજની ઘરેડ વચ્ચે કેટલીક સ્ત્રીઓએ વિચાર્યું —
“જો દુઃખ વહેંચી શકાય, તો કદાચ જીવવું હળવું બને.”એ વિચારથી જન્મી હતી — મંડળી “જીવન રેખા.
જીવન રેખા
ચોપડી એ સાચો રાહદાર છે —
જે કદી કોઈને ગેરમાર્ગે ન દોરે.
ધારાવીની ચાલી, માટી અને મહેનતથી ભરેલી,
ત્યાં એક નોખી મંડળી જન્મી હતી — “જીવન રેખા”.
સ્ત્રીઓ માટે, અને સ્ત્રીઓ થકી ચાલતી આ મંડળી,
આજના સમયની માગ પ્રમાણે કાર્ય કરતી,
અને દરેક સ્ત્રીને પોતાની લાગતી.
મંડળીમાં અનેક પ્રવૃત્તિઓ ચાલતી,
પણ એક ઓરડો હતો નોખો — “ત્રાસ નિવારણ ઓરડો.”
અહીં મુંજાયેલી, પીડિત, થાકેલી મહિલાઓ આવતી,
અને પોતાના મનના આવેગોને ‘મુલાકાતી નોટ’માં લખી છોડી જતી.
એક શરત હતી —
જે સ્ત્રી પછી આવે, તે પહેલાંની નોટ વાંચે,
અને પોતાના મનની સમજ મુજબ કંઈ લખી જાય —
સલાહ, સહાનુભૂતિ, અથવા ફક્ત “હું તારી સાથે છું.”
સમય સાથે આ ઓરડો એક જીવંત સમસ્યા નિવારણ કેન્દ્ર બની ગયો.
હવે ધારાવીની સ્ત્રીઓ, દારૂડિયા વરનાં ત્રાસ વચ્ચે પણ
ખુમારીથી જીવે છે — સ્મિત સાથે લડે છે,
કારણ કે આ ઓરડામાં રાખેલી હજારો નોટો
તેમની જીવન રેખા બની ગઈ છે.
---
એક દિવસ મંડળીમાં નવી સવી આવી — સ્નેહા.
તે સફાઈનું કામ કરતી, મુલાકાતીને મલકાઈ આવકાર આપતી,
પાણી પીવડાવતી, અને એ બધું કોઈ વળતર વગર કરતી.
પણ સ્નેહા પોતે દુઃખી સ્ત્રી હતી —
ભણેલી નહોતી, અક્ષર અજાણી હતી,
લોકો તેને “કાળી ભેંશ” કહી ઉપહાસ કરતા.
પણ “જીવન રેખા”માં આવતી મહિલાઓની વાતો સાંભળતાં સાંભળતાં
તેને અક્ષરજ્ઞાનનું મૂલ્ય સમજાયું.
તેણે ધીમે ધીમે અક્ષર ઓળખવા શીખ્યાં,
અને લખતા-વાંચતા શીખી ગઈ.
હવે તે ફક્ત સફાઈ કામદારી ન રહી —
તે જીવતી નોટ બની ગઈ.
જેના શબ્દોમાં સહાનુભૂતિ હતી,
અને જેના હાથે લખાયેલી દરેક લાઇન
એક અભણ સ્ત્રીની બળવાન ઓળખ બની.
તેની નોંધોમાં લખાયેલું હોતું —
“હું પણ વાંચી શકું છું, એટલે હવે હું રડીશ નહિ, પણ કોઈ રડનાર નો આશ્વાશન આપતો ખભો બનીશ. "
સ્નેહા હવે માત્ર મલકાઈ સફાઈ નથી કરતી, પણ હવે તે જરૂરી મહિલા ને અક્ષર જ્ઞાન આપી બીજી મહિલાને પણ મલકત્તી કરે છે.
શબ્દો થકી , આંખોમાં નહીં.”
સ્નેહા હવે દરેક પીડિત સ્ત્રી માટે આશાની દીવો હતી.
અને “જીવન રેખા” માટે, તે હવે મંડળી ની જીવંત રેખા બની ગઈ.

“ધારાવીની સૂર્યકિરણો હવે માટીના ઘરમાંથી જ નહીં, પણ મહિલાઓના મનમાંથી પણ ઝળહળી ઉઠે છે.
‘જીવન રેખા’ હવે ફક્ત મંડળી નથી — એ એક અક્ષરથી શરૂ થતી આશા માટે ની ક્રાંતિ છે.”
---
