Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Inspirational


4.7  

Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Inspirational


જેવું વાવો તેવું લણો

જેવું વાવો તેવું લણો

4 mins 224 4 mins 224

સવારની કાતિલ ઠંડીમાં બગીચાના બાંકડે બેઠેલા વૃદ્ધ સજ્જન પોતાના શરીરને અખબાર વડે લપેટી હુંફ મેળવવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા. સવારની જોગિંગ માટે નીકળેલા લોકોની અવર જવર ધીમે ધીમે વધી રહી હતી. અચાનક એક અવાજે વૃદ્ધ માણસને ચોંકાવી દીધો, “અરે ! રમાકાંત, આજે વહેલા આવી ગયા કે શું ?”

રમાકાંતભાઈએ નજર ઉઠાવીને જોયું તો સામે તેમના મિત્ર ગણપતભાઈ હતા. ગણપતભાઈ રોજ સવારે બગીચામાં ચાલતી લાફિંગ ક્લબમાં આવતા.

રમાકાંતભાઈએ જરા નારાજગીથી કહ્યું, “હા”

મિત્રનું દર્દ જાણી ગયેલા ગણપતભાઈ સાંત્વનાભર્યા સ્વરે બોલ્યા, “રમાકાંત, શું થયું યાર ? કેમ આટલો નિરાશ બેઠો છું ? ઘરે બધું સારું છે ને ?”

“દોસ્ત, કાલે મારી વહુ સુધાએ પાછો કકળાટ કર્યો.”

“પછી તારા દીકરા સુરેશે શું કહ્યું ?”

“બાપા તમારી આ રોજ રોજની કચકચથી હું ત્રાસી ગયો છું. આમ કહીને તેણે મને ઘરમાંથી કાઢી મૂક્યો !”

“હેં ! શું વાત કરે છે ?”

રમાકાંતભાઈના ચહેરા પર નિરાશા અને ગણપતભાઈના ચહેરા પર સંતાપના ભાવ ડોકાઈ રહ્યા.

એક નિ:શ્વાસ નાખતા ગણપતભાઈ બોલ્યા, “તારો સુરેશ લાગતો હતો સીધો. લગ્ન કરે માંડ એક વર્ષ પણ નથી થયું અને બૈરાનુ સાંભળીને તને ઘરેમાંથી બહાર કાઢી મૂક્યો !”

“દોસ્ત, મારો દીકરો તો લાખ મોલનો હીરો છે હીરો. પણ એ તો જરા...”

“બૈરાની ચઢવણીમાં આવી ગયો ! એમ જ ને ? અને આવા દીકરાને તું લાખ મોલનો હીરો કહે છે ? હીરો ! અરે ! મારો નકુલ જો એની બૈરીનો સ્વભાવ પણ કંકાસિયો હતો. પણ નકુલે તેને ચોખ્ખું જ કહી દીધું. મારા પિતાજી ઘરની બહાર નહીં જાય. તેઓ આપણી સાથે નહીં પરંતુ આપણે તેમની સાથે રહીએ છીએ. ઘર છોડીને જવું હશે તો તું જા... પત્ની તો બીજી મળી જશે પણ મા-બાપ કરોડો રૂપિયા આપીને પણ નહીં મળે ! બસ પછી શું, તે દિ ને આજનો દાડો તેણે કદી કચકચ કરી જ નથી.”

“તારા નસીબ સારા છે, દોસ્ત... કે તને નકુલ જેવો દીકરો મળ્યો પણ મને તો હવે આગળની ચિંતા થાય છે. હવે આ ઉંમરે હું ક્યાં જઉં ?”

“અરે ! જવાનું ક્યાં ? પોતાના ઘરમાં જ તો વળી. જા ઘરે જઈને તારા દીકરા અને વહુને ઘરમાંથી બહાર કાઢી મૂક. કોઈએ સાચું જ કહ્યું છે કે, લાતો ના ભૂત વાતોથી ન માને. જરૂર પડે તો પોલીસની મદદ લઈશું, કાયદો હવે આપણી તરફેણમાં છે. તે બંનેને સીધાદોર કરી દઈશું. ઘર તો તારા નામે જ હશે ને ?”

“ના દોસ્ત. એકનો એક દીકરો એટલે...”

“સમજી ગયો એટલે બધું તેના નામે ખરીદ્યું. બરાબરને ?”

રમાકાંતભાઈએ હકારમાં માથું હલાવતા કહ્યું, “હા, હવે મારું શું થશે ?”

“થવાનું શું ! જ્યાં સુધી કોઈ રસ્તો મળે નહીં ત્યાં સુધી ચલ મારા ઘરે રહે... મારો નકુલ કંઈ નહીં બોલે... અને ઘર પણ મારા નામે જ છે એટલે ચિંતા નહીં... ચાલ... ચાલ... આમ બાંકડે બેસી ન રહે. ખરાબ દેખાય છે.”

“ના દોસ્ત, આમ કોઈના ઘરે પડી રહેવામાં મજા નથી, પાછો હું તારા પર ખોટો બોજ બનીને ક્યાં રહું ?”

“રમાકાંત, આ શું બોલ્યો દોસ્ત ? એક દોસ્ત બીજા દોસ્ત પર બોજો કેવી રીતે બની શકે ? ધારોકે આવો પ્રસંગ મારા પર આવ્યો હોત તો હું તારા પર બોજ બનત ?”

“અરે ! ઘેર ઘેર માટીનાં ચૂલા. દોસ્ત, મને ખબર છે તારી વહુ કેવી કંકાસીયણ છે તે ! મારા લીધે તારે પણ અહીં બાંકડે બેસવાનો વારો આવશે.”

“અરે બેસવું પડશે તો બેસીશું ! સાથે મળીને હરિભજન ગાઈશું અને મોજ કરીશું. આટલા વર્ષો આપણે સાથે કાઢ્યા તો બાકીના પણ સાથે વીતાવી દઈશું !”

“ના દોસ્ત, આમ કરીશ તો મારા દીકરાની સમાજમાં આબરૂ જશે. લોકો શું કહેશે કે, જુઓ એકનો એક દીકરો છે છતાં બાપને બીજે રહેવું પડે છે.”

“અહીં બેસી રહીશ તો તેની આબરૂ નહીં જાય ?”

“ના દોસ્ત, હું અહીંથી દૂર કશે જતો રહીશ, તીર્થયાત્રા કરવા જઈશ.. એમ પણ હવે મારે કેટલું જીવવાનું છે ?”

“તારો સુરેશ આટલો નપાવટ નીકળશે એમ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું.”

“ના.. ના. સુરેશને કંઈ ના બોલ. એ તો બિચારો સારો જ છે પણ એ તો જરા...”

“કમાલ છે યાર, આપણે મા-બાપ ક્યારે સુધરીશું ? તારા છોકરાએ તને ઘરની બહાર કાઢ્યો. તને રસ્તા પર ભટકવાનો વારો આવ્યો તે છતાં તું એની જ તરફેણ કરે છે ?” આગળનું વાક્ય ગણપતભાઈ સ્વગત બબડી રહ્યા. “એક બાપ ચાર છોકરાને પોષી શકે છે. પણ ચાર છોકરા મળી એક બાપને પોષી શકતા નથી. ઘોર કલયુગ છે ભાઈ. ઘોર કલયુગ...”

“ગણપત, છોડ જે થયું તે થયું, હવે દીકરાઓનો વાંક કાઢવામાં શું ફાયદો ?”

“રમાકાંત, જે માણસ પોતાના સગા બાપને રાખી નથી શકતો, તેમને પોષી નથી શકતો તે માણસ નહીં પરંતુ શેતાન છે શેતાન.”

“છોડ હવે એ વાત.... સુરેશનો એમાં શું વાંક ? એ તો જરા...”

“અરે ! ખરો માણસ છે તું તો ? જે દીકરાએ તને ઘરમાંથી તગેડી મૂક્યો તે દીકરાને તું લાખ મોલનો હીરો છે હીરો એમ કહી રહ્યો છે ! લખી રાખજે તારા પુત્રની હાલત પણ છેલ્લે ખરાબ જ થવાની. જે દીકરો પોતાના મા-બાપને ન સાચવે, તેની સંતાન પણ એજ જોવાની એ જ શીખવાની. સુરેશને પણ જોજે એનો છોકરો કેવો એક દિવસ લાત મારીને ઘરની બહાર કાઢે છે તે.....”

“ગણપત, આજ... આજ તો હું તને સમજાવવા માંગું છું કે, મારો દીકરો તો લાખ મોલનો હીરો છે પણ...” બોલતા બોલતા રમાકાંતભાઈનો ડૂમો ભરાઈ આવ્યો અને તેમની આંખ સમક્ષ તેમના લાચાર, રડતા-કકળતા, ઘરમાંથી કાઢી ન મૂકવાની આજીજી કરતા માબાપ દેખાઈ આવ્યા. લાચારીથી આસમાન તરફ જોતા રમાકાંતભાઈ આગળ બોલ્યા, “દરેકજણ પોતાનું સારું થાય એવું જ ઈચ્છે છે પરંતું એ તો જરા...” આગળના શબ્દો રમાકાંતભાઈ ઉચ્ચારી શક્યા નહીં, “જેવું વાવો તેવું લણો.”


Rate this content
Log in

More gujarati story from Prashant Subhashchandra Salunke

Similar gujarati story from Abstract