હૂંફ
હૂંફ
વડોદરાના અજવા રોડ ઉપર સાગર ફિલમ સ્ટુડિયોને અડીને આવેલી ભાડે કપડાં આપનાર સાજન ~ સજની નામની દુકાન અમારી છે. મારા પિતાજીને લકવાનો હુમલો આવવાથી સ્કૂલમાંથી વહેલા રિટાયર્ડ થવું પડ્યું હતું. હવે શું ? ટૂંકા નિવૃતિના લાભો અને સીમિત પેન્શનમાં કેવી રીતે ઘર ચાલે ? સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબની આ આપત્તિના સમયે જબરી ‘હૂંફ’ હતી. તેઓએ સૂચવેલ પર્યાયને અંતે, આજીવિકા માટેના એ પ્રશ્નનો પપ્પાએ અપનાવેલ ઉકેલ રૂપ “ડ્રેસ, સલવાર,સુટ,એન્ડ સાડી એટ રેન્ટના” નવા કન્સેપ્ટથી દુકાન ખૂલી ત્યારે મને તો કોઈ ધારણા હતી જ નહીં કે, આ તેઓના નવા સાહસમાં આખરે મારે જ તેની કારકુની કરવી પડશે ! મે તો પિતાજીને લાગલું જ કહી દીધું કે;
“ એક દરજી અને એક ગુમાસ્તાને પગારદાર રાખીને દુકાન ચલાવશું."
પણ ગણિતના શિક્ષક પિતાજીએ કરેલા લેખાં જોખાં અનુસાર,બીજાના ભરોસે ધંધો કરીએ તો બરકત શું ? નાનો ભાઈ કુણાલ તો હજી નવમા ધોરણમાં હતો ! આ ભાંજગડમાં સ્કૂલના પ્રિન્સિપલે મમરો મૂક્યો : ‘અરે જયકિશન, એમાં મૂંઝાય છે શું ? આ તારી દીકરી કલ્પના, શું કામની ? તે ફેશન ડિઝાઇનર ડિપ્લોમાના છેલ્લા વરસમાં છે. તેને દુકાને જોતરી દે, પોતાનું ચામડાનું તાળું,એટલે બરકતમાં કોઈ ઓટ નહીં ! આજકાલ નવા શો રૂમમાં તો છોકરીઓને ઇનચાર્જ બનાવી કાઉન્ટર પર ઊભા રાખવાનો મૉડર્ન ટ્રેન્ડ છે ! તેને આમેય છ મહિના બેચલર ઓફ ડિઝાઇન થઈ, નોકરી માટે વલખાં મારવાના જ છે. તો એના કરતાં અત્યારથી જ તારી દુકાન સંભળવું શું ખોટું ! જયકિશન મારુ માન, તારી દીકરી જો તારો ધંધો સંભળશે તો તને ભારોભાર ‘હૂંફ’ રહેશે. કલ્પનાએ મનોમન પ્રિનિસિપલને ભરપેટ ગાળો દીધી, અને કોઈ સંજોગોમાં આવા ભેજાગેપ ઘંધાથી દૂર રહેવું તેવું ઠાની રાખ્યું ! અહીં પણ ગણિત કામ કરી ગયું, પિતાજીને ખર્ચમાં રાહતની વાત મનમાં રુચી ગઈ. મમ્મી પણ આમાં મને-શું-ખબર પડે ? કહી આડી ફાટી. નાના ભાઈ કુણાલે કલ્પનાને મેરાઈ કહી ચીડવી, ત્યારે તેણે એને ધુંબો માર્યો. કલ્પનાને મનમાં ઇચ્છા હતી, ટિપ-ટૉપ તૈયાર થઈ, કોઈ વાતાનુકૂલિત બૂટિકમાં એશ કરીશ અને ગાડીઓ વળી શેઠાણીઓને ઉરાંગ ફૂટાંગ તિકડમના ઘોડા ગડાવીશ, એટલે ભૂખ હડતાળનું અમોધ હથિયાર રેઢું મૂક્યું પણ પિતાજીના અલ્ટિમેટમે એના છોડેલા બ્રહ્માઅસ્ત્રની ધાર બુઠ્ઠી કરી નાખી :
“ કલ્પના ‘જો નોકરી કરવી હોય, તો તારે મારી દુકાને જ બેસવું પડશે નહીં તો ઘરે બેસીને તું તારે ચૂલો ફૂંક ”
નછૂટકે તે આ થોડા નવા અને થોડા જૂના પ્યાલા-બરણીવાળાથી છાંટેલા કપડાના સ્ટોકને અલ્ટર અને લૉન્ડ્રી, સ્ટાર્ચ કરી ચમકાવી ભાડે આપવાના ધંધામાં જોતરાઈ. પિતાજીની દૂરંદેશીથી દુકાનનું અપ-ટુ-ડેટ કાઉન્ટર જોઈ પહેલે જ દિવસે તેની સૂગ ઊડી ગઈ. ને સમય પસાર થતાં,હવે કોલેજ સાથે દુકાન સંભળવાનું ફાવી પણ ગયું......’
આજે અષાઢી બીજ હતી. કલ્પના દુકાને સવારે દાખલ થઈ ત્યારે, દુકાનના ગુમાસ્તા મનુએ ચોપડાનું નવું પાનું અને રસીદબુકમાં કાર્બન પેપર બદલી, દોરીનું ફીંડલું, છાપાના કાપેલા કાગળ તયાર રાખી, બૉલપેન પેન સ્ટેન્ડમાં ગોઠવી, ઘરાકોને સત્કારવાની બધી તૈયારી કરી દીધી હતી. આજે સાગર સ્ટુડિયોમાં કોઈ મોટી સિરિયલનો મુર્હુત શૉટ લેવાનો હતો, નવી સિરિયલ એટલે મોટા ઓર્ડરની આશાએ કાઉન્ટર પાછળ જઈ, તેણે યંત્રવત્ કૅશ-બૉક્સ ખોલતાં પહેલાં ભગવાનના મંદિરમાં, સ્વિચ દાબી. સોનેરી છબીમાં મઢેલા લક્ષ્મીજીની છબી ઉપર ઝીરો વોટનો લાલ બ્લબ ચાલુ કર્યો. ઘીના દીવા કપડાની દુકાને કેમ રખાય ? એટલે વીજળીનો બલ્બ ટમકતો હતો ! દીવાનાં દર્શનથી જો બરકત રહેતી હોય તો આ મ્યુનીસિપાલિટીને કોઈ કર ઉઘરાવાની જરૂર રહે ખરી ? સવારના પહોરમાં આવા કાલ્પનિક વિચારો મનમાંથી પાછા હડસેલી, કલ્પનાએ બીજી સ્વિચ દાબી સીલિંગ-ફૅન ચાલુ કર્યો. પંખાની હવાથી કાઉન્ટર પાછળ લટકતા તારીખિયાના ડટ્ટા પરની તારીખોએ સામો ફફડાટ કર્યો. તેણે ગઈ કાલની તારીખની પતાકડી ફાડી, ડૂચો કરી ટોપલીમાં નાખી દીધી. આજ અષાઢ સુદ બીજ, ને શનિવાર, શનિ ! શનિવારના સંદર્ભમાં સમય જોવા કલ્પનાએ ફાળમાં ઉતાવળે ઘડિયાળ સામે જોયું ‘ઓ હો… શું છે, મનુ, હજી તો સાડાઆઠ જ વાગ્યા છે, ‘એ’.. તો અડધા કલાક પછી આવશે ! ‘એ, એટલે આરપી, સાગર સ્ટુડિયોનો હોનહાર કલાકાર. ક્યાં રહે છે તે ભગવાન જાણે, પણ સિરિયલમાં તેના સિક્કા પડતાં, અને સિરિયલના આરપીના નામે બધા ઓળખે, અસલ નામ કોઈને ખબર નહીં, અને પૂછે તો તે મહાશય જવાબ ન આપે. આર પી ઊંચો,ફૂટડો યુવાન, શેમ્પૂ કરેલા તેલ વગરના વાંકડિયા વાળની કપાળ પર લહેરી આવતી લટો, ટેરવાં ફેરવવા ગમે તેવા લીસા ગાલ અને રમાડવી ગમે એવી ફેંચ કટ દાઢી, રિમલેસ ચશ્માં, ખભે બગલથેલો, પગમાં કોલ્હાપુરી ચંપલ, મોંઘેરાં સેંટની મહેક એ તેની આગવી ઓળખ અધૂરી જ રહે, જો એના મોઢામાં સિગાર ન હોય તો. જ્યારે જુઓ ત્યારે એ ધ્રુમપાનમાં વ્યસ્ત હોય. ચાલતાં ઉઠતાં બેસતા સિગાર ફૂંકે રાખે. કોઈને પણ જો તે સ્વપ્નમાં આવે તોય સિગાર સાથે જ ! રોજ જુદી જુદી ગાડી લઈ આવે.પરંતુ પૈસાનું તેને ગુમાન નહીં, તે તદ્દન…અલગારી. કલ્પનાએ તેની જરૂર મુજબના કપડાંનો અલગ વોર્ડરોબ બનાવી રાખેલો હોય, એ કાયમી ઘરાક બની ગયેલો. ઉપનામવાળો ઘરાક જોવો ગમે,તે દુકાને હોય તો તેણે જોવા બીજા એક બે દુણાને અચૂક આવે. કલ્પનાને તેની સાથે ઘરેબો કેળવવો હતો, તેથી જ્યારે આવે ત્યારે તે એને જ જોયા કરતી.
મનુ એને ટોકતો, બહેનબા આ રસવૃતિમાં છકેલા ફિલ્મી ફૂલબઝારના ભમરા, તમારો ગજ અહીં ન લાગે. પણ મનુકાકા એ મારા માનદાને જચિ ગયો છે, મને બહુ ગમે છે. રોકડું કપડાનું ભાડું આપે સીવાય ગમવાનું, બીજું શું કારણ તે ખબર નથી. એ આવવાનો હોય અને મારુ મન મહેકે છે.
“સારું છે આપણે” આ મહોદયજ બહેનબાને ‘આ, દુકાને નિયમિત હાજરી અપાવે છે, મનુ તેવા વિચારે રોજિંદા વિવાદ પછી ચૂપ રહેતો.
આરપીની ગાડી દર શનિવારે નિયમિત નવ વાગ્યે દુકાન બાજુથી પસાર થાય. આજે શનિવાર એટલે કપડાં ગયા અઠવાડિયે લીધેલા કપડાંનો થેલો આપવા પણ આવશે. એને આવતો જોઈ કોઈ આરપીની ઇનિશિયલ્સ મૂકી રસીદ તૈયાર કરી રાખે, તોપણ ચાલે, કારણ ગયે અઠવાડિયે લીધેલા કપડાં રેગ્યુલર પરત આપે જ. એ આવે, કપડાંનો થેલો કાઉન્ટર પર રાખે, નવો ઓર્ડર આપે અને ભાડાની પાવતીની રાહ જોતો સિગાર પીવામાં મશગૂલ રહી ચૂપચાપ ઊભો રહે. ઢંઢોળો ત્યારે હા કે હં, બોલી ઊંચું જોયા વગર જ જવાબ આપે, ને જેવી પહોંચ અને ઓરદારના કપડાં આપો, કે તરત પૈસા ચૂકવી ઊંધું ઘાલીને મહોદય ચાલવા માંડે. કલ્પનાને આવા ધૂની માણસને શું કહેવું તે સુજતું નહતું.
કલ્પનાને હવે તો શંકા હતી, ક્યાંક મનુની વાત સાચી તો નહીં હોય ? કારણ કે પાછલા છ મહિનાની નિયમિત મુલાકાત પછી પણ આર પીને ખબર પણ નહીં હોય કે, કાઉન્ટર પાછળ જે ઊભેલી છે તે આ દુકાનની માલકીન છે. ક્યારેક ચિડાઈને મનોમન બોલતી, જખ મારે, આપણે શું મતલબ ? એને ચૂપચાપ જતો જોઈ ક્યારેક વિચારતી તે કોઈની લપેટમાં આવી ગયો લાગે છે, એટલે ભાવ નથી આપતો. તેને ચીડ ચડે…! પણ પાછું બીજા શનિવારે તેનાથી, તેની રાહ જોયા વગર રહેવાય જ નહીં.પોતાના બેકાબૂ મનને ‘હૂંફ’ મેળવવા વરાળ કાઢવી ગમે, પણ કોની સામે કાઢે ?
મનુ, કલ્પનાના આ છુપા “ગુટુર ગુ” નો મૂક સાક્ષી, તે કહેતો, બહેન મારુ માનો આનું કોઈ હારે ચોક્કસ લફરુ ચાલે છે. સમજો તો સારું. એક તરફી તીરંદાજીમાં કંઈ વળે નહીં. તમારે શું મતલબ એનાથી ? તેને તમારી સામે જોવાની ફુરસદ નથી તો, તમે શું કામ તેને મહત્વ આપો છો ? મનુ દર શનિવારે કલ્પનાને ટોકતો અને કહેતો,
“ ઘરાક સાથે પ્રીત ના હોય. કાઉન્ટરના સબંધો એકાઉન્ટર થવા સર્જાતા હોય છે, તે ક્ષણજીવી જ હોય છે, ઘોડો અને ઘાંસની દોસ્તી ક્યાં સુધી ચાલે ?"
મનુની ટકોર કલ્પના માટે ચૂંટીનું કામ કરી ચેતવતી, પરંતુ કલ્પનાનું બદમાશ મન આર પી પાછળ લાગેલું રહેતું !
‘આ શનિવારે રાબેતા મુજબના વર્તન વાળી આર પીની મુલાકાત પછી, ખિન્ન થયેલી કલ્પના દુકાનની અંદર વર્કશોપમાં કપડાં રીપેર કરતી હતી ત્યારે તેને કાને અવાજ આવ્યો.
ભાઈ, હમણાં કોઈ સ્ટુડિયોના કપડાં આપી ગયું ?’ બહાર ડેસ્ક પર મનુને કોઈ પૂછતું હતું. કલ્પના સફાળી ઊભી થઈ ગઈ. અવાજ સ્ત્રીનો હતો. જાણે શુંય કરી નાખીશ એવા છળથી તેણે બહાર જોયું. સ્ત્રીનો નિખાલસ ચહેરો જોઈ તેનો જીવ અચકાયો, પરંતુ અડિયલ મન આળું જ રહ્યું. ‘શું છે બે’ન?’ શબ્દોમાં કલ્પનાની તોછડાઈ તરફડી. મોટી મોં-ફાડ ખોલી મધુરું મલકતાં સ્ત્રી થોડી નજીક આવી.
બાઈની સફેદ સાડી, અડવા હાથ-કાન, કોરું કપાળ જોઈ કલ્પનાનો ગુસ્સો ગરમ ટોસ્ટ ઉપર મૂકેલા માખણની જેમ પીગળી ગયો, ને તે અનાયાસે બાબડી પડી : ‘ના… ના… બહેન ‘એ, તો કપડાં રેકોર્ડ પ્રમાણે જ આપી ગયા છે.’
'અરે બહેન, હું આર પી સાહેબની હાઉસ મેડ છું, તેઓ સ્ટુડિયોના કપડાં ભેગી ગાડીની ચાવી પણ તમને આપી ગયા લાગે છે, મારે સ્વીટી મેમ, અને તેની છોકરીને લેવા સ્ટેશને જવું છે અને ચાવી મળતી નથી …!’
ઓહ બેસો બહેન. હું જોઈ લઉં, કલ્પના એ મનુ સામે જોયું, અને જવાબમાં મનુ એક્ટિવ થયો અને થેલામાં ગ્રે સૂટના ખીસામા રહેલી હોંડા સિટીની ચાવી હતી તે લઈ આવ્યો...
‘આ તમારા સ્વીટી મેમ…’ તે કોણ ? હૈયાની વળાળ હોઠથી શબ્દ બની અનાયાસે નીકળી ગઈ.
“અરે બહેન સાહેબ તો હજુ એકલા છે, કોઇની માયામાં લપેટાયેલા નથી, આતો ‘વૅકેશન છે ને, એટલે સાહેબની બહેન સ્વીટી અને તેની છોકરી સાહેબને ઘેર આવી છે. જાઉં બે’ન ત્યારે, આ ડ્રાઈવરને પાછો મારે સ્ટેશને મૂકવો પડશે, બહેન ભાણીને તેડી લેવા માટે, ચાવી મળી ગઈ તે સારું થયું…”
બાઈ ઉતાવળે દુકાનનાં પગથિયાં ઊતરી ગઈ. કલ્પના મનુ સામે જોઈ, બાળ સહજ ફસ્સ… કરતીકને હસી પડી… મનુ ‘સારું કર્યું, તે ચાવી શોધી આપી. આર પીનો ભેદ તો ખૂલી ગયો, અને તારો ભ્રમ પણ ભાંગી ગયો .
જો મનુ હું કહેતી હતીને, એ કોઈના લફરામાં નથી ! તું નાહકનો શક કરતો હતો.
“રહેવાદો બહેન બા પળ પહેલાં તમે માટલાં જેવા મનમાં બળતાં ઊંબાડિયા જેવા હતા”.
માનસપટલ પર અવિરત દોડતી લાગણીઓના આભાસી રંગ પ્રત્યે કલ્પનાને ક્ષણિક ઘૃણા ઊપજી. અત્યારે શરમમાં તેનું મન ગૂંગળાઈ જતું હતું. શું તે અદેખી છે ? કલ્પનાએ નીચા વળી ગ્રે રંગનો કોટ લીધો તેને ખંખેરી, ધૂળ સાફ કરી પોતે તે પહેરી, કાઉન્ટર સીટ પર બેસી ગઈ તેનું મૂર્ખ મન, જેનાથી દાઝી’તી એમાં જ હજુ પણ ‘હૂંફ’ શોધતું હતું !

