Amrut Patel 'svyambhu'

Inspirational

4  

Amrut Patel 'svyambhu'

Inspirational

હળવી વાત હળવેકથી - 9

હળવી વાત હળવેકથી - 9

2 mins
261


આજે ડાયરી હાથમાં લઈ પાના ઊથલાવી રહ્યો છું...  ત્યાં-

 'દારૂડિયો'

'ડોશી તારે આલવું છે કે નઈ ?' તે લથડીયા ખાતો કાશી તરફ હાથ લંબાવતો બોલ્યો.

'જા અહીંથી મૂવા દારૂડિયા.' રોજ રોજની માગણીથી કંટાળેલી કાશીએ પીધેલ આવારા દીકરાને ધક્કો મારી દૂર કર્યો !

તે પડતા-પડતા માંડ બચ્યો...

તે કાશીને ગાળો ભાંડતો ભાંડતો ચાર રસ્તા તરફ ચાલ્યો ગયો.!

કાશી તેની પીઠ પર નજર ફેરવતા વિચારી રહી...

'માંડ ચાર ચોપડી સુધી ભણેલા ગેમરને શરૂમાં બુટપોલીશ કરતા શીખવી તેના ધંધામાં વળવા જ્યારે જ્યારે તેના બાપ ખેમાએ પ્રયત્નો કર્યો ત્યારે ત્યારે કાશી દીકરાનો પક્ષ લઈ તેને ખોળે બેસાડતી !

આજે કાશીને ખેમાના શબ્દે શબ્દ યાદ આવી રહ્યા છે.

'કહું છું, આ આપણો ગેમર કંઈ કામ ધંધો કરે એવું લાગતું નથી. જ્યાં જાય ત્યાંથી ફરિયાદ સાથે પાછો આવે છે. તારૂ થોડું ઘણું માને છે તો તું જરા સમજાવ તો મારી હારે ધંધે વળગી જાય !

   'આ બળ્યું હવે આપણા ધંધામાં હવે રહ્યું જ શું છે... ? એના કરતા એના ભાઈબંધ-દોસ્તાર સાથે કાંઈક કરવાનું કહે છે તો એની રીતે કરવા દો ને.' કાશી ખેમાની વાતે ગંભીર નહોતી. અને આમને આમ ગેમર અવળે રસ્તે ચડતો ગયો. તે રોજ કાંઈ ને કાંઈ નવા પરાક્રમો સાથે ઘેર આવતો.

 કાશી વિચારતી રહી...

 'હવે શું થશે આ ગેમરનું ?! હવેતો એના બાપના પણ માંડ માંડ હાથપગ ચાલે છે ત્યારે… ?'

       આ તરફ ગેમર લથડિયા ખાતો ખાતો ખેમાની દુકાને પહોંચ્યો. ખેમાને આજેકોઈ ઘરાકી નહોતી એટલે તે દીકરાની માંગણી પૂરી કરી શકે તેમ નહોતો. એટલે બાપ દીકરા વચ્ચે ફરીવાર એકવાર ચાર રસ્તે હંગામો થયો... ટોળાએ વચ્ચે પડી બનતા પ્રયત્નો કર્યા. 

પણ-

કાશી હજી પણ મહોલ્લામાં લમણે હાથ દઈને બેઠી છે.

ત્યાં ચાર રસ્તેથી આવી રહેલા બે રાહદારીઓ પૈકી એક નો અવાજ કાશીના કાને પડ્યો; 'દારૂ પીવા પૈસા ન આપ્યા એટલે દીકરાએ જ બાપને ખરપી માર્યો. બોલો શું જમાનો...!' 

 'શુ... ? ? ' કાશીથી ચીસ નીકળી ગઈ. તે રાહદારીને મૂઢની જેમ ફાટી આંખે જોઈ રહી...!

પેલા રાહદારીઓ જાણે કે કંઈજ બન્યું ન હોય તે રીતે આગળ વધી ગયા !

      ***

    બાળકોના ઊછેરમાં જો ક્યાંક થાપ ખાઈ જઈએ તો તેનું કેવું પરિણામ ભોગવવું પડે છે ?! ડાયરી બંધ કરી હું કયાંય સુધી વિચારતો રહ્યો.  


Rate this content
Log in

Similar gujarati story from Inspirational