N.k. Trivedi

Abstract Comedy Inspirational

4  

N.k. Trivedi

Abstract Comedy Inspirational

હળવી વાત...આપવીતી

હળવી વાત...આપવીતી

3 mins
301


ચિત્રગુપ્ત આજે ખૂબ ચિંતામાં હતા. તેને સમજાતું નહોતું કે પૂછવું તો કોને પૂછવું, કારણ કે આપવીતી શબ્દ પહેલી વખત સાંભળ્યો હતો. કોમ્યુટરમાં શોધી વળ્યાં પણ તેનો જવાબ પણ તેમાં લખાયો નહોતો. બન્યું એવું કે આમ તો ચિત્રગુપ્તને પૃથ્વી ઉપરથી હજારો જીવ લાવવાના હોય અને એટલા જ પૃથ્વી પર મોકલવાના હોય એટલે કામના ભારણને લીધે સમયની ખેંચ રહેતી હતી. આજે પાંચ મિનિટનો સમય મળ્યો ને એમ થયું લાવને બધા લોકમાં આટો મારી લઉં એટલે ચિત્રગુપ્ત એકલા આટો મારવા નીકળ્યા હતા.

બીજા બધા લોકમાં બધું ઠીક હતું પણ સ્વર્ગલોક અને નર્ક લોકમાં એક જ શબ્દ ઉપર ચર્ચા થતી હતી. અને શબ્દ હતો આપવીતી. બધા જીવ એક બીજાને કહેતા હતા કે તું મારી આપવીતી સાંભળીશ ને તારી આંખમાં આસું આવી જશે. બધાંજ જીવો પોતાની આપવીતી કહેવા તત્પર હતા. ચિત્રગુપ્તે આ 'આપવીતી' શબ્દ પહેલી વાર સાંભળ્યો હતો અને તેને નવાઈ તો એ વાતની લાગી કે સ્વર્ગનાં સુખમાં પણ જીવો આ જ વાત કરતા હતા. બધે એક જ વાતની ચર્ચા હતી.

ચિત્રગુપ્તે, યમરાજને પૂછ્યું કે "તમે વારંવાર પૃથ્વી લોકમાં જાવ છો તો તમને ખબર છે ? આ આપવીતી એટલે શું ?"

"ના, મહારાજ આ આપવીતી શબ્દ મે પૃથ્વી લોકમાં વારંવાર સાંભળ્યો છે પણ તેના અર્થની મને ખબર નથી. તમે બ્રહ્માજીને પૂછો, કદાચ એમને ખબર હોય".

બ્રહ્માજી એ કહ્યું,"હું, તો પૃથ્વી લોકમાં ફક્ત વરદાન આપવા જ જાવ છું, બાકી આ આપવીતી શબ્દ વિશે મને કાઈ ખબર નથી કે મેં જાણવાનો પ્રયત્ન પણ નથી કર્યો. તમે ભોલેનાથને પૂછો. કદાચ તેમને ખબર હોય."

"અરે ! હું તો ભક્તવત્સલ છું એટલે પૃથ્વીલોક પર લોકોની ભક્તિથી ભાવવિભોર થઈ દોડી જાવ છું. મને આપવીતી એટલે શું તેની ક્યાંથી ખબર હોય. તમે ભગવાન વિષ્ણુને પૂછો એ પૃથ્વી લોકમાં વારંવાર જન્મ લે છે. અને મનુષ્ય થઈને લોકો સાથે રહે છે એ જરૂર આ શબ્દ વિશે જાણતા હશે."

ભગવાન વિષ્ણુએ કહ્યું, "ચિત્રગુપ્ત, તમારી વાત સાચી છે. મને તો અર્થની ખબર છે પણ તમે એમ કરો બધા જ લોકના જીવોની સભા બોલાવો અને બધાની આપવીતી વિશે સાંભળો અને તમારા કોમ્પ્યુટરમાં માહિતીને અપ ડેટ કરતા જાઓ એટલે આપવીતી શબ્દનો અર્થ તમને બરોબર સમજાઈ જશે."

ચિત્રગુપ્તે, બધાં લોકના જીવોની સામાન્ય સભા બોલાવી. બધાં જીવો પોતાની આપવીતી કહેતા ગયા, આપવીતીમાં મુખ્ય બાબતો એ આવી કે પેલા એ મારી સાથે દગો કર્યો, મને સાથ ન આપ્યો, મને છેતરી ગયા, મારી સાથે સારા સંબંધો ન રાખ્યા, મેં તો ઘણું કર્યું પણ મને કોઈએ જશ ન આપ્યો વગેરે, વગેરે ...ચિત્રગુપ્તે જોયું તો આ બધી જ બાબતો તેના કોમ્પ્યુટરમાં જે તે જીવોના ખાતામાં હતી જ.

ચિત્રગુપ્ત વિચારમાં પડી ગયા કે કોઈ જીવે એમ ન કહ્યું કે મારી પાસે અખૂટ સંપત્તિ હતી મેં આટલુ દાન આપ્યું. મારી શક્તિનો ઉપયોગ કરી નબળા લોકોનું રક્ષણ કર્યું. મારી પાસે જે કાંઈ જ્ઞાન હતું તે અભણ ગરીબ બાળકોને મફતમાં આપ્યું. સમાજના ઉત્થાન માટે સમાજ સેવા કરી. આવી બધી બાબત ચિત્રગુપ્તનાં કોમ્પ્યુટરમાં નહોતી. હવે ચિત્રગુપ્તને આપવીતીનો અર્થ સમજાયો, કે મારી સાથે જે થયું એ બધું ખોટું થયું, ભલે ને મેં બીજા માટે કાઈ ન કર્યું હોય, પણ મારી સાથે તો સારું જ થવું જોઈએ.

"ચિત્રગુપ્તે, ભગવાન વિષ્ણુને વાત કરી, કે પ્રભુ બધા જીવો આપવીતી જ કરે છે, પરવીતીમાં તેમને રસ નથી....પ્રભુને મંદ મંદ મુસ્કુરતા જોઈ ચિત્રગુપ્ત આપવીતીની વાતને છોડી પોતાના કામે લાગી ગયા ક્યાંક પ્રભુને એવો વિચાર આવી જાય કે બધા જીવોને પરવીતીનું જ્ઞાન આપો."


Rate this content
Log in

Similar gujarati story from Abstract