અનિરૂધસિંહજી ઝાલા

Romance Inspirational

4.0  

અનિરૂધસિંહજી ઝાલા

Romance Inspirational

હૈયાનાં હેત છલકતો પૂનમનો રાસ

હૈયાનાં હેત છલકતો પૂનમનો રાસ

3 mins
188


કાનીયો પોતાની પત્ની કાજુડી જોડે પ્રથમ નવરાત્રીમાં ગરબા જવા તૈયાર થઈ રહ્યો હતો. કાજુડી સુંદર સોળ શણગાર સજીને તૈયાર થતાં પહેલાં પોતાનાં ભરથારને તેની ગમતી ચા પીવડાવવા માંગતી હતી. કાજુડી ચા ચૂલા પર ઝટપટ બનાવીને પતિ કાનિયાના હાથમાં બોલી,

" આ લ્યો પહેલી પૂજા સ્ત્રી માટે પતિને પ્રસન્ન રાખવાં ઈ જ કેવાય."

"ઓહો વરસી ગયો આજ તો મારો રૂપનો કટકો. " કહેતાં મીઠડી લાગતી કાજુડીને જોઈને બોલ્યો,

 "ઓહો હો બાકી શું તમારો તો લટકો..!"

 કાજુડી તો આંખો પર હાથ મૂકીને શરમાઈને ઘરમાં ચંપલ પહેરવા ગઈ અને કાનીયો ચા બાજુમાં મૂકીને જોડાં પહેરવા લાગ્યો. જોડાં પહેરીને કેડમાં દાંડીયા ખોસીને પાછો ચા ની વાટકી લઈને પીવા બેઠો.

ચા મા એક મરેલી માખી જોતાં જ ચા નાં રસિક કાનિયાનો પિત્તો ગયો. ગુસ્સામાં બરાડ્યો,

"મારી હાહરી જોતી જ નહીં કાંઈ. બસ રૂપ સાચવતાં જ આવડે છે પણ પતિને માખી નાખીને પીવડાવી દે તેનું ભાન ન હોય."

 "કાનજી ભગવાનના સોગંધ હું જાતે જ ગાળીને લાવી તી. ચા મા કાંઈ જ નો'તું." કાજુડી મનાવતાં બોલી.

 " ખોટું બોલતી જ નઈ. ચા બગડતા મારુ મગજ ઠેકાણે નહીં સમજી. હું તો આ હાલ્યો આવવું હોય તો આવજે જાતે નકર કાંઈ નહીં. તને ક્યાં ધણીની પડી છે કાંઈ." કહીને કાનીયો ગુસ્સામાં પગ પછાડતો ચાલ્યો ગયો.

 ગામનાં ચોકમાં આરતીની શરૂઆત પહેલાં જ માઈકમાં પુજારીજી બોલ્યાં,

"ભાઈઓ નવરાત્રીમાં આજ સાતમા નોરતે દેવી કાલરાત્રીના સ્વરૂપની આરતી કરીશું.

સહુ યાદ રાખજો સ્ત્રી પત્યે સદાય સન્માન રાખજો કેમ કે દરેક નારી પોતે શક્તિ સ્વરૂપ છે. તેમાંય કદીય નવરાત્રીમાં કોઈ નારીનું દલડું ન દુભાય તે ખબર રાખજો."

પુજારીની વાત સાંભળતાં જ કાનિયાને પોતાની નાર કાજુડીની યાદ આવી. તેને ચોતરફ ઉભેલ બાઈઓ તરફ નજ઼ર ફેરવી પણ કાજુડી ક્યાંય દેખાણી નહીં. પુજારીના શબ્દો સાંભળી કાનિયાનો ગુસ્સો ઉતરી ગયો અને પોતાની ભૂલ સમજાતાં તે પોતાનાં ઘર તરફ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો.

બારણે જતાં જ કાજુડીના ડૂસકાં સંભળાયા. કાનીયો રીતસર નીચે બેઠેલી કાજુડીના પગને સ્પર્શ કરતાં બોલ્યો,

 "લે હેડ હવે આરતી કરતા પેલાં શક્તિનાં ચરણ સ્પર્શ કરી લીધા હો. " કાજુડી પગ ખેંચતા આંસુ લૂછતાં બોલી,

 "આવું નઈ કરવાનું હો. ધણી છો મારા તમે."

 " ધણી થઈ ગયો એટલે શું ધણિયાણીની માફી માગતાં પણ ડરવાનું ? લે હવે તો પગે પડી ગયો ઘરની જીવતી દેવી.

હવે તો આશીર્વાદમાં મને માફી આપ અને આ ઉતરેલી કઢી જેવું થોબડું ફરી ઓલા આભનાં ચાંદલિયા જેવું કરી હાલ મારી સંગાથે રાસ રમવા. "

બસ એટલું બોલતા જ કાજુડી કાનિયાનું નાક ખેંચતા હરખતાં બોલી,

 "મારા ઘણીને તો ગુસ્સો નાકનાં ટેરવા પર જ હોય છે કાયમ, પણ પાછું મારા વગર તો જરીય હાલતું જ નહીં. "

"તો હેડને હવે વહાલી ગરબાનો સમય થઈ ગયો. સાચું કહું તો, તું સાથે હોય તો આ રાત પણ ઓછી પડે છે."

"બસ હવે બેહો ડાહ્યા ડમરાં થઈને હું આવી હાલ જ હો." કહીને રડતી કાજુડી પળમાં જ ધણીના સાચાં પ્રેમનાં વરસાદમાં ભીંજાઈને હરખાતી ફરી તૈયાર થઈને આવતાં કાનીયો બોલ્યો,

 "આજ તો આપણો સ્નેહભર્યો રાસ જોઈને મા કાલરાત્રિ દેવી પ્રસન્ન થઈ જાશે હો.

ભરપૂર સ્નેહ સાથે ગયાં કાનીયો અને કાજુડી રમવા રાસ. પછી તો જામી નવરાત્રી રૂડી અને જામ્યો હૈયાનાં હેત છલકાવતો રૂડો રાસ.


Rate this content
Log in

Similar gujarati story from Romance