Shobha Mistry

Abstract Tragedy Inspirational

4  

Shobha Mistry

Abstract Tragedy Inspirational

હાશકારો

હાશકારો

2 mins
337


ભામિની, આજે ઘણાં દિવસ પછી શાંતિથી બેઠી હતી. નહિતર તો એને આખો દિવસ અજંપો રહેતો. એનો પોતાનો જીવ જ એટલો ઉત્પાતિયો હતો કે ઘડીભર શાંતિથી બેસે નહીં. નવી પરણીને આવેલી વહુ તો ક્યારેક બબડતી પણ ખરી, "ખબર નહીં મારી આ સાસુના જીવને ક્યારે હાશકારો મળશે ?" એને ખબર નહોતી કે એની સાસુને આટલો ઉત્પાત શેનો છે ?

ભામિની પરણીને આવી ત્યારે હજી અઢાર વર્ષની ભોળી અને નાદાન હતી. સંસારના કાવાદાવા કે ચાલાકીનો પાસ એને લાગ્યો નહોતો. ઘરમાં સાસુ નણંદની ચાલાકી એની સમજની બહાર હતી. એ બંને ચાલાકીથી એને કંઈક ને કંઈક કામમાં રોકી રાખતાં. રાત્રે પણ મોડે સુધી પતિ પત્નીનો મેળાપ થતો નહીં. પત્નીનો સાથ ન મળવાથી ભરત ભામિનીથી નારાજ રહેતો અને એ બે વચ્ચે નાની નાની વાત પર બોલાચાલી થઈ જતી. એ બંને વચ્ચે થતી બોલાચાલીનો સાસુ નણંદ એકબીજા સામે આંખ મિચકારી આનંદ ઉઠાવતાં. 

આમ કરતાં કરતાં વર્ષો વીતી ગયાં. નણંદ પરણીને પરદેશ ગઈ એટલે એની ચડામણી ઓછી થઈ પણ ઉંમર થતાં સાસુનું જોર થોડું ઓછું થવાને બદલે વધ્યું. એ કેમે કરીને આ બે માણસને શાંતિથી ભેગાં જ ન થવા દે. એમ કરતાં પછી તો ભામિનીને જાણે કામનું વ્યસન થઈ ગયું. રાત્રે ઊંઘમાં પણ આ કામ કરવાનું છે, પેલું કામ બાકી છે. એવાં જ લવારા કરતી રહેતી. 

ભરતે મનોચિકિત્સક પાસે એની ઘણી દવા કરાવી છતાં કંઈ ઝાઝો ફરક ન પડ્યો. દીકરાની વહુ શ્વેતા ખૂબ સમજુ અને ઠરેલ હતી. એ સાસુને પ્રેમથી સમજાવતી પણ થોડીવાર પછી ફરી એને એ જ. લગ્નના બીજે વર્ષે શ્વેતાએ એક દીકરીને જન્મ આપ્યો. આજે એ નાનકડી દીકરીને જ ખોળામાં લઈ ભામિની જાણે વર્ષોનો થાક ઉતારતી હોય તેમ "મારી વહાલી" કહી એને બચી કરી અને હાશકારો અનુભવતી શાંતિથી બેઠી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract