Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published
Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published

JHANVI KANABAR

Tragedy Inspirational Others


4.7  

JHANVI KANABAR

Tragedy Inspirational Others


ગુલાલ

ગુલાલ

8 mins 430 8 mins 430

આજ રાધાકૃષ્ણના મંદિરમાં નંદ ઉત્સવ હતો, મંદિરની હવા જ જાણે ગુલાલમય બની ગઈ હતી. “નંદ ઘેર આનંદ ભયો” ના નાદ સાથે લોકો કૃષ્ણમય બની ગયા હતા. રાધાકૃષ્ણનું મંદિર જાણે કે નાનકડુ ગોકુળ જ જોઈ લ્યો. એવામાં ચારેકોર ઉડતા ગુલાલમાં પોતાનું અસ્તિત્વ ભૂલાવી દેતી પંદર વર્ષની ગુલાલને માથામાં કોઈએ ટપલી મારી. ગુલાલે પાછું વળી જોયું તો તેની બા.

`ચાલ, હવે ઘરે.. મોડુ થાય છે !’ કહેતા બાએ ગુલાલને ખેંચીને રીક્ષામાં બેસાડી. ગુલાલ રીક્ષામાં તો બેસી ગઈ પણ તેની નજર હજુ આ ગુલાલમય હવાની પેલે પાર ગોવિંદના મુખ પર જડાયેલી હતી. ગોવિંદ અને ગુલાલ પાંચ વર્ષના હતા ત્યારથી અત્યાર સુધી જોડે જ મોટા થયા. જોડે જ શાળાએ જતાં, જોડે જ રમવા જતાં, કોઈ ઉત્સવ કે તહેવાર હોય તો પણ સાથે ને સાથે જ. ગુલાલને તહેવારોમાં હોળી સૌથી વધુ પ્રિય. ચારેબાજુ રંગોની છોળો જાણે કે હવામાં મેઘધનુષ્ય બનાવતી હોય. પિચકારીમાંથી નીકળતી રંગીન પાણીની ધારો અને કાબરચિતરા લોકોના ઘોંઘાટમય હાસ્ય વાતાવારણને જાણે કે વધુને વધુ જીવંત બનાવતા હોય. માત્ર હોળી જ શું કામ ? એવી દરેક જગ્યા જ્યાં રંગો ભરેલા હોય, પછી એ બજારમાં જોવા મળતી રંગબેરંગી ચણિયાચોળી હોય કે દિવાળીની રંગબેરંગી લાઈટો.. રંગોથી ભરેલું કોઈ ચિત્ર હોય કે રંગબેરંગી દોરાથી ભરેલું ભરત.. હાથમાં મુકેલી મહેંદી હોય કે સૌભાગ્યવતી સ્ત્રીના સેથાનું સિંદુર… બસ રંગ જોવે ત્યાં ગુલાલ પોતાનું અસ્તિત્વ ભૂલી જતી. ગોવિંદ પણ ગુલાલના જીવનમાં પ્રેમ, લાગણી અને હાસ્ય જેવા વિવિધ રંગો સાથે પ્રવેશેલો. ગુલાલ અને ગોવિંદની નિર્દોષ મૈત્રી હવે કિશોરવયે પહોંચતાં જ નિર્મળ પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ હતી. ધીમે ધીમે આ પ્રેમ સમાજની નજરથી છૂપો ન રહ્યો. ગુલાલ અને ગોવિંદના માતા-પિતાને આનો અણસાર આવી ગયો હતો. ગોવિંદ અને ગુલાલ અલગ જ્ઞાતિના હોવાથી આ સંબંધ કોઈને મંજૂર નહોતો. ગુલાલની માતાએ ગુલાલને સમજાવતા કહ્યું, `બેટા ! તું હવે મોટી થઈ ગઈ. હવે પહેલાની જેમ ગોવિંદ સાથે તારુ હળવુમળવું ઠીક ન કહેવાય. સમાજમાં વાતો થાય. બે-ત્રણ વર્ષમાં સારુ માંગુ આવતા જ તારા વિવાહ કરવાનું વિચારીએ છીએ હું ને તારા બાપુ. માટે ઘરકામ શીખ અને સાથે અભ્યાસ કરવો હોય તો ઘરે જ બેસીને કર.’

બે-ત્રણ વર્ષ ? વિવાહ ? પણ હજુ તો મારી ઉંમર જ શું છે ? અને ગોવિંદ વગર તો હું કેવી રીતે જીવીશ ? હજુ તો શાળામાં પેલા માસ્તરાણીની જેમ મારે પણ માસ્તરાણી બનવું છે. ગુલાલના મનમાં ઊઠી રહેલા પ્રશ્નો માત્ર પ્રશ્ન બનીને જ રહી ગયા. એનો ઉત્તર આપવા કોઈ બાધ્ય નહોતું કે એના ઉત્તર જાણવાનો ગુલાલને કોઈ હક નહોતો. આમ ને આમ ત્રણ વર્ષ વીતી ગયા. ગોવિંદ અને ગુલાલ આ સમય દરમિયાન માંડ બે-ત્રણ વાર મળ્યા હશે. બાકી તો મિત્રો દ્વારા ખબરની આપ-લે થતી. ગુલાલ હવે અઢાર વર્ષની થઈ ગઈ હતી. તેનું રૂપ જોઈ નાતમાંથી માગા આવવા લાગ્યા. ગુલાલના માતા-પિતાને એક સંબંધ ગમી જતા તેઓએ ગુલાલની ઈચ્છા જાણ્યા વગર વિવાહ નક્કી કરી નાખ્યા. છોકરો ઓછો ભણેલો પણ પૈસાવાળો હતો. થોડીઘણી ખરાબ આદતો હતી પણ સમાજમાં ખાનદાનનું નામ હતું. દહેજને નામે થોડી માંગણી કરવામાં આવી હતી પણ સમાન જ્ઞાતિ હોવાથી એ પણ મંજૂર. ગુલાલ પોતાની લાચારી અને પરાધીનતા પર ખૂબ જ રડી. ગોવિંદને જાણ થઈ પણ તે સમાજના અને પોતાના માતા-પિતાની આબરૂને ખાતર વિવશ હતો. બે પ્રેમી હૈયા વિખૂટા પડી ગયા એટલું જ નહિ ગુલાલના કેટલાય સપના રોળાઈ ગયા હતા. ગોવિંદ શહેર જઈ ભણીગણી આર્મીમાં ભરતી થઈ ગયો.

ગુલાલ અને મુકુંદે સપ્તપદીના વચનો લીધા. મુકુંદ મોહનલાલ પટેલના આબરૂદાર ખાનદાનમાં ગુલાલે કુમકુમ પગલા પાડ્યા. મુકુંદ તરફથી પ્રેમ અને હૂંફ તો દૂર રહ્યા પણ એક પત્ની તરીકેનું માન પણ ગુલાલને ન મળ્યું. ગુલાલના ભાગ્યમાં મુકુંદના હાથના ચાર આંગળાની છાપને ઢાંકી દેતો ઘૂમટો, હાથમાં સિગારેટના ડામ ઢાંકતી સોનાની બંગડીઓ અને ડગલે ને પગલે હૃદયને ચીરતા અપમાનો લખાઈ ચૂક્યા હતાં. જીવનના દરેક રંગ ગુલાલને માટે ધૂંધળા બની ગયા હતાં. વિધાતાને હજુ ગુલાલના દુર્ભાગ્યમાં કંઈક ખામી દેખાઈ હશે તો એ ખામી પણ દૂર થઈ અને એ દિવસ કાળ બની તેના જીવનમાં આવ્યો.

ગુલાલના લગ્નને એક વર્ષ પૂરુ થયું હતું. ઘરમાં ઉજાણીનો માહોલ હતો. મોહનલાલના ઘરે મહેમાનોનો મેળાવડો જામ્યો હતો. ગુલાલ પણ લાલ લીલા ઘરચોડા અને શણગાર સજીને મુકુંદની રાહ જોતી હતી. મુકુંદ તેના મિત્રોને લગ્નની વર્ષગાંઠ નિમિત્તે શરાબની પાર્ટી આપી રહ્યો હતો. નશામાં ધુત્ત મુકુંદ પાછો ફરતો હતો ત્યાં તેની કારને અકસ્માત થયો. ઘટનાસ્થળે જ મુકુંદનું મૃત્યુ થયું. ઉત્સવનો માહોલ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો. મુકુંદના માતા-પિતાનું કારમું આક્રંદ ભલભલાને પીગળાવી દે તેવું હતું. ગુલાલ તો આઘાતથી બેભાન જ થઈ ગઈ હતી. મુકુંદનું નિષ્પ્રાણ શરીર ઘરમાં લાવવામાં આવ્યું. અંતિમવિધિ કરવામાં આવી. ગુલાલ ભાનમાં આવ્યા છતાં પણ સુનમુન થઈ ગઈ હતી. મુકુંદની અંતિમક્રિયાઓ પતી ગયા પછી બારમાં દિવસે ગુલાલના શરીર પર સફેદ સાડી ઓઢાડાઈ.. ચાંદલો ભૂંસવામાં આવ્યો... લાલલીલી બંગડીઓ તોડવામાં આવી... હવે ગુલાલના જીવનના ધૂંધળા રંગ પણ ન રહ્યા... રંગ જેનું અસ્તિત્વ હતું એ ગુલાલ આજે શુભ્ર બની ગઈ. જેણે જીવતેજીવત ક્યારેય કોઈ રંગ ન ભર્યા એ પતિ માટે આજે તેણે પોતાની જાતને રંગવિહિન બનાવવી પડી.

દિવસો વીતવા લાગ્યા.. હોળી આવી ગઈ. હોળી પછી ગુલાલની લટ ઉતારવાની વિધિ કરવાની હતી. સુંદર કાળા રેશમી કેશ પણ વિધવા ગુલાલ પાસેથી છીનવી લેવાના હતા. હોળીના દિવસે ગુલાલ પોતાના રૂમની બારીએ બેઠી રંગોની છોળો નિહાળતી હતી. હવામાં ભળી જતા રંગોની પેલે પાર અચાનક તેને કોઈ ચહેરો દેખાયો.. ધૂંધળો.. આછો આછો... ચહેરો થોડો પાસે આવતા જ ગુલાલ સ્તબ્ધ બની ગઈ. પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. તેનું અંતર જાણે ચીસ પાડી ઉઠ્યું, `ગો...ગો... ગોવિંદ...’ એક વિધવા સ્ત્રીના મનમાં પરપુરુષના વિચાર ? ગુલાલે પોતાની જાતને સંભાળી અને ફટાક કરતી બારી બંધ કરી દીધી.

લટ ઉતારવાની વિધિ કરતા પહેલા સાસુએ ગુલાલને મંદિર જઈ આવવા કહ્યું. ગુલાલે મંદિરની બાજુમાં આવેલ ગૌશાળામાં ઘાસ નાખ્યું અને મંદિરના પગથિયા ચડી.. હાથ જોડી પ્રાર્થના કરતી ગુલાલે જ્યારે આંખો ખોલી તો સામે ગોવિંદ. આજુબાજુ લોકોના ભયથી ગુલાલ પગથિયા ઉતરવા લાગી. ગોવિંદે તેને રોકી અને કોઈ જોવે નહિ તેમ ગૌશાળાની પાછળ લઈ ગયો. પરસેવેથી રેબઝેબ ગુલાલને કંઈ સૂઝ્યુ નહિ.

આમ કરવા બદલ તેણે ગોવિંદને ઠપકો આપ્યો, `હું વિધવા છું ગોવિંદ.. મને આવી રીતે મળવું તને શોભે છે ?’

`કોની વિધવા ? તને વિધવા બનાવનારે તને ક્યારે પત્ની તરીકેનું સન્માન આપ્યું છે ? શું તને એના વર્તનથી કોઈ ફરિયાદ નહોતી ? તું મનથી તેને ચાહતી હતી ? શું તેણે તારા મનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે ? આ તારા હાથમાં સિગારેટના ડામના નિશાન કોનાથી છૂપા છે ?’ ગોવિંદ ગુલાલને ખભેથી હચમચાવતા બોલ્યે જ ગયો.

`એ જે હોય તે. હું તેની વિધવા છું.. આપણે ત્યારે પણ સમાજથી વિવશ હતા અને આજે પણ વિવશ છીએ.’ ગુલાલે ગોવિંદથી પોતાને છોડાવતા કહ્યું.

`આ વિવશતાને જ આપણે આજે તિલાંજલિ આપવાની છે. મહેરબાની કરીને મારી વાત એકવાર સાંભળી લે. પછી તારે જે કરવું હોય.. નિર્ણય તારો જ રહેશે.’ કહી ગોવિંદે ગુલાલને સમજાવી.

લગભગ એકાદ કલાકની વાતચીત પછી ગુલાલે પોતાની સફેદ સાડી તરફ જોયું, હાથ પરના લાલઘુમ નિશાન તરફ જોયું અને પછી મંદિરમાં સ્થાપિત રાધાકૃષ્ણની પ્રતિમા તરફ નજર નાખી. હાથ જોડી નિર્ણય લીધો.

ગુલાલના ઘરમાં લટ ઉતારવાની વિધિ માટે વિધવામંડળ આવી પહોંચ્યુ હતું. ગુલાલના સાસુ ગુલાલ માટે `અભાગણી હજુ આવી કેમ નહિ ?’ એમ મનમાં બબડતા હતા. કલાકો વીતી ગયા. ગુલાલનો કોઈ પત્તો નહોતો. કંઈક અઘટિત ઘટ્યું હોવાનો અણસાર આવતા સગાવહાલાઓ ગુલાલની શોધમાં લાગી ગયા. આ બાજુ ગોવિંદ પણ અચાનક ગાયબ હતો. જે ડર હતો તે જ થયું. ગુલાલ અને ગોવિંદની વાતો સમાજમાં ઉડવા લાગી. “કલંકિની” “કાળમુખી” જેવા શબ્દો ગુલાલ માટે સાંભળતા જ ગુલાલના માતા-પિતાનું હૃદય ચિરાઈ જતું. આ જ માતા-પિતા જ્યારે ગુલાલને સાસરિયાનો ત્રાસ સહન કરતા જોતાં તો, “આપણી ખાનદાની છે” જેવા મિથ્યા અભિમાનથી છલકાઈ જતાં અને આજે જ્યારે દીકરીએ પોતાના પર થતા અત્યાચારથી ત્રાસીને ઘર છોડ્યું તો આબરૂ પર આવી પડી.

સમય વીતવા લાગ્યો... એક હોળી.. બીજી હોળી.. ત્રીજી હોળી એમ ત્રણ-ત્રણ વર્ષ વીતી ગયા. મુકુંદના માતા-પિતા હવે દીકરાના મૃત્યુની વેદનામાંથી બહાર આવી રહ્યા હતાં. ગુલાલ અને ગોવિંદને પણ લોકો ભૂલી ગયા હતા. આ વર્ષે બાજુના ગામમાં જ્ઞાતિ તરફથી હોળીના તહેવારનું વિશેષ આયોજન હોવાથી મુકુંદના માતા-પિતા અને ગુલાલના માતા-પિતા પણ ત્યાં ગયા હતાં. હોળીના રંગો ચારે તરફ ઊડતા હતા. એવામાં આયોજકોએ મુખ્ય મહેમાનનું નામ અનાઉન્સ કરતા કહ્યું, `આજે હોળીના આ પાવન પર્વે આપણી વચ્ચે આપણા ઉત્સાહમાં વધારો કરવા હાજર છે આર્મી ઓફિસર ગુલાલ.’

`આ ગુલાલ... એટલે એ જ ગુલાલ.. ના ના એ તો ગોવિંદ જોડે મોં કાળુ કરીને જતી રહી.. એ આવા ઉચ્ચ હોદ્દે કેવી રીતે હોઈ શકે... આ કોઈ બીજી ગુલાલ હશે...’ ગુલાલના ભૂતકાળ વિશે જાણનારા લોકોના મનમાં ચાલતી હતી ત્યાં જ સ્ટેજ પર ગુલાલનું આગમન થયું. જનમેદની ગુલાલને જોઈ જ રહી... `અરે આ તો આપણી ગુલાલ !’

ગુલાલના શરીર પર રંગીન સાડીની જગ્યાએ આર્મીની વર્દી હતી. ગોવિંદના નામના મંગળસૂત્રની જગ્યાએ મેડલ્સ હતા, એટલું જ નહિ સિંદુરની જગ્યાએ કેપ હતી ! ગુલાલ પોતાના માતા-પિતા, સાસુ-સસરા અને ગામના લોકોની આંખોમાં આશ્ચર્ય જોઈ રહી હતી. ગુલાલે જનમેદનીને સંબોધતા કહ્યું, `હું એ જ ગુલાલ છું જેને આજથી ત્રણ વર્ષ પહેલા વૈધવ્ય સાંપડ્યુ હતું. પતિના મૃત્યુ બાદ જીવવાના તમામ અધિકારો હું ખોઈ ચૂકી હતી. એવામાં મારા એક મિત્રે મને આ અધિકારોનું ભાન કરાવ્યું. તેણે મને પુરુષ વગર પણ મારુ કોઈ અસ્તિત્વ છે એ સમજાવ્યું. સમાજમાં સ્ત્રી માત્ર વિધવા કે સધવા જ ન હોઈ શકે. સ્ત્રી દેશનું રક્ષણ કરનાર સિપાહી પણ હોઈ શકે. જીવનમાંથી રંગ તો ચાલ્યા જ ગયા હતા પણ દેશપ્રેમનો ક્યારેય ફિક્કો ન પડનારો રંગ મારા મિત્રએ મને એ હોળીના દિવસે લગાડ્યો. મારા એ મિત્રનું નામ છે, મેજર ગોવિંદ.’

ગોવિંદને સ્ટેજ પર આવતા જોઈ ગામલોકો મોંમાં આંગળા નાખી ગયા. ગોવિંદ અને ગુલાલની આભારવિધિ પૂરી થતા ગુલાલ સ્ટેજ પરથી ઊતરી પોતાના માતા-પિતા અને સાસુ-સસરા સમક્ષ આવી ઊભી. તેણે પોતાના હાથથી આર્મી કેપ ઉતારી. ગુલાલને ઓળખનારા સૌ કોઈ આશ્ચર્યથી તેના ચોટલા વગરના ઝીણા આર્મીકટ વાળને જોઈ રહ્યા. ગુલાલે સાસુ-સસરા સામે જોઈ કહ્યું, `લટ ઊતારવાની વિધિ બાકી હતી ને... એ પણ કરી લીધી. ચિંતા ન કરો. મેં ગોવિંદ જોડે મોં કાળુ નથી કર્યું. હા, તમારા દીકરાની વિધવા બનીને રહેવા કરતાં દેશના સિપાહી બનવું મને વધુ યોગ્ય લાગ્યું. જીવતાજીવત સતી થવા કરતાં શહીદ થવાનું મને સ્વીકાર્ય છે.’ ગુલાલને અભાગણી, કલંકિની કહેનારા, ગોવિંદ અને ગુલાલના ચારિત્ર્ય વિશે જેમતેમ બોલનારા લોકોના માથા શરમથી ઝૂકી ગયા.

ત્યાં જ સંચાલકોએ ગુલાલને ગુલાલથી શકનનો ચાંદલો કર્યો. ગુલાલના જીવનમાં રંગો ફરીથી પોતાનું સ્થાન જમાવવા લાગ્યા હતાં. ગોવિંદ મંદમંદ હસતો ગુલાલના ગર્વાન્વિત વ્યક્તિત્વને નિહાળી રહ્યો હતો.


Rate this content
Log in

More gujarati story from JHANVI KANABAR

Similar gujarati story from Tragedy