purvi patel pk

Classics Inspirational

4.7  

purvi patel pk

Classics Inspirational

ગૃહિણીની રોજનીશીનું સરવૈયું

ગૃહિણીની રોજનીશીનું સરવૈયું

2 mins
387


સંધ્યા ટાણે અવની બધુ પરવારી બહાર આવી, વરંડામાં હિંચકે બેઠી. જમવાને થોડી વાર હતી. અવનીનો લખવાનો શોખ ઘરમાં બધાને ખબર હતો. ગમે કે ન ગમે બધા કરવા ખાતર વખાણ કરી લેતાં. અવની પણ બધું જાણતી છતાં અજાણી બનીને રહેતી. જમીને સૌ વરંડામાં બેઠા. બાજુવાળા કિશોરકાકા ને કાંતાકાકી પણ તેમની વહુ ઉમા સાથે આવ્યા. 

બધા ટોળે વળી બેઠા ત્યાં નવી જ ચર્ચાનો દોર શરૂ થયો. વડીલોએ જમાના પ્રમાણે ઘરમાં વહુઓને કેટ કેટલી છૂટ આપી, કેવી આઝાદી છે, તો મર્યાદામાં પણ કેવી છૂટછાટ છે. એ બધા પર ચર્ચા કરી પોરસાતાં હતાં. વચ્ચે વચ્ચે ઘરની મહિલાઓ તરફ નજર કરી પોતે જ મૂછને વળ આપતાં રહ્યા. જાણે પારકી દીકરીને લાવી બધો હિસાબ સરખો ન કરતાં હોય. આ બધું સાહજિક હતું. બંને ઘરોમાં આવી મીઠી નોકઝોક ચાલ્યા કરતી. કોઈ એક બીજાને દોષ રોપણ નહોતું કરતું. બસ, અવનીએ પણ બાજીનો દોર ઝાલ્યો ને તેણે જોરથી હીંચકાને ઠેસ મારી ને, શરૂ કર્યું.

ગરમ તવી પર ચટકતી આંગળીના ટેરવાં, શાક સમારતાં અંગૂઠા પર પડેલા ચિરા, એ ચીરામાં નમક અડી જતાં નીકળી જતો ચચરાટ, કાચનું વાસણ તૂટતાં 'કશું વાગ્યું તો નથી ને !' બદલે 'શુ તોડ્યું ?' સાંભળાતા જ ચિરાય જતું હૃદય પૂછી બેસે છે, કેમ કરીને સરભર કરશો વ્હાલાં, મારી આ વેદનાનો હિસાબ ?

સાસુજીના મે'ણાં ને નણંદબાના વાકબાણ, જેઠ-જેઠાણીની જોહુકમી ને દેરાણીની ચાલાકી. વળી, સસરાજીના કટાણે કરાતાં ફરમાન, દિયરની હલકટાઇ ભરી મસ્તી જેને આંખ આડા કાન કરો ત્યારે પૂછી બેસે છે દલડું મારું, કેમ સરભર કરશો મારા દુઃખી હૃદયનો હિસાબ?

જાણો બધું છતાં, અભેરાઈએ ચડાવ્યાં સપનાં મારા, ઘર પરિવારને ખાતર એ ય મંજુર કર્યું બધું મેં, રહી હું મૌન, સ્વમાન નેવે મૂકી, ઝૂકી જતી હું સંબંધો આગળ, છતાંય બે શબ્દો સ્વીકારના કાને ન પડે ત્યારે, પૂછી બેસે છે આત્મગૌરવ મારું, કેમ સરભર કરશો એ સમર્પણ મારું??

બેસો ક્યારેક લઈને એક ગૃહિણીની રોજનીશીનું સરવૈયું, સમર્પણ અને ત્યાગ જ સિલકમાં આગળ જશે. બાકી તો અન્ય સંબંધોની ખોટ ને, પારકીને પોતાની કરવામાં તમારા ખાતે ઘાલખાધ જ વધી હશે! ગૃહિણીનું સરવૈયું સરભર કરવા તો તમારે પુરા મનથી સ્વતંત્રતા, સ્વીકૃતિ અને સમભાવ તેના ખાતે જમા કરાવવા પડે, સાહેબ. 

બાજુએ બેસી તીરછી નજરે સુરેશ પોતાની પત્ની પર ગર્વ અનુભવી રહ્યો હતો. અચાનક અવનીના સાસુ અને કાંતાકાકી કંઈ ગુસપુસ કરી ઉભા થઇ હીંચકા સુધી ધસી આવ્યા. અવની અને ઉમા થોડા ખચકાયા. ત્યાં તો બંને એ હસીને વહુઓ હાથ આગળ કરી કહ્યું, 

"અરે, ભૈ, સાસ ભી કભી બહુ થી. અવની વહુ, ચાલુ રાખો, ચાલુ રાખો. અને તમારા પક્ષમાં છીએ. દે તાળી"

બધા ખડખડાટ હસી પડ્યા. 

સસરાજીએ ઉભા થઈ અવનીના માથે હાથ રાખી કહ્યું, "સાચી વાત છે, વહુ બેટા. તમે અમારી આંખો ઉઘાડી. પોતાનું બધું એક જ પળમાં છોડીને પારકાંને પોતાના કરવામાં લાગી જાય એવી દીકરીઓના ત્યાગ, સમર્પણનો હિસાબ ક્યારેય સરભર કરી ન શકાય. ધન્ય છે સ્ત્રી અવતાર."


Rate this content
Log in

Similar gujarati story from Classics