STORYMIRROR

Ashutosh Desai

Others

3  

Ashutosh Desai

Others

ગ્રાંટરોડ સ્ટેશન

ગ્રાંટરોડ સ્ટેશન

9 mins
28.2K


પ્રતીક્ષાના અહેવાલ મળ્યા છે આજના સમાચારમાં, રોકડા આંસૂ જમા છે ને સ્મિત છે ઉધારમાં. 

ગ્રાંટરોડ સ્ટેશન, પ્લેટફોર્મ નંબર ૪ પર અમારી ટ્રેન આવીને રોકાઈ, હું ચર્ચગેટ લોકલ ટ્રેનના દરવાજે ઊભો હતો અને ત્રણ નંબરના પ્લેટફોર્મ પરના દાદર પરથી એક આધેડ વયના ભાઈ નીચે ઊતરી રહ્યા હતા. મેં એમને જોયા, એમની પણ નજર મારા પર પડી. અમારી નજરો મડી અને ન જાણે કેમ પણ હું એમની તરફ જોતો જ રહ્યો એમની નજર પણ સતત મારા પર હતી.

અમારી ટ્રેન ગ્રાંટ રોડથી ફરી ધીમી ગતિએ સ્ટાર્ટ થઈ અને અચાનક એમણે મારી તરફ સ્માઈલ કર્યુ, મેં પણ સામે હસીને રિપ્લાય કર્યો. તો એમણે મારી તરફ હાથ હલાવતા જાણે આવજો કહેતા હોય એમ અભિવાદન કર્યુ. મેં પણ સામે હાથ હલાવી તેમના અભિવાદનનો જવાબ વાળ્યો. અમે બંને આજ પહેલાં ક્યારેય એકમેકને મળ્યા નહોતા. ન તો ઓળખતા હતા. ન ફેસબુક ફ્રેન્ડ, ન ટ્વિટરની ઓળખાણ. આ તો બસ આમ જ આક્સ્મિક મુલાકાત! અને એ પણ કોઈ સંવાદ વગરની. પણ ગમ્યું. સવાર સવારમાં ઓફિસ જતી વખતે કોઈક અજાણી વ્યક્તિ આ રીતે તમારી તરફ વિના કારણ, વિના ઓળખાણ મિત્રતા દેખાડે, હસે તો દિવસની શરૂઆત જાણે સારી થઈ એવું લાગે. ત્યાર પછી ચર્ની રોડ સ્ટેશન સુધી હું એ ભાઈ, તેમના હાસ્ય અને તેમના નિખાલસ વર્તનનો આભાર માનતો રહ્યો.

ચર્ચગેટ આવી ગયું. ઓફિસ પહોંચી કામે પણ વળગી ગયા. એ ભાઈ કે તેમનો ચહેરો જ નહીં તેમનું એ હાસ્ય પણ ભૂલાઈ ગયું. પણ બીજા દિવસે ફરી મુંબઈ સેન્ટ્રલથી ટ્રેન ગ્રાંટરોડ તરફ રવાના થઈ અને અકારણ એ ભાઈ યાદ આવી ગયા.

અરે, આ શું? આજે પણ એ દાદર પર ઊભા હતા. આ વખતે મેં પહેલ કરી. મેં તેમને હાથ હલાવી ગુડ મોર્નિંગ કહેતા હોંઠ ફફડાવ્યા. એમણે પણ તરત મને વળતો જવાબ આપતા હાથ હલાવ્યો અને દાદર ઊતરી ગયા.

મારી ટ્રેન પણ રવાના થઈ ગઈ. આજે એમની સ્મૃતિ હું ઓફિસ પહોંચ્યો ત્યાં સુધી મારી સાથે આવી. ફરી એ જ લાગણી. ગમ્યું. સવાર સવારમાં કોઈક અજાણી વ્યક્તિનું આવું વર્તન ગમ્યું. ત્રીજા દિવસે ફરી એ જ રીતે અમે મળ્યા અને ચોથા દિવસે પણ.

ધીમે ધીમે અમારી મુલાકાત રોજિંદી મુલાકાતમાં પલટાઈ ગઈ. મારી ટ્રેન લેટ થતી તો એ પણ રોકાઈ જતા અને સામેના પ્લેટફોર્મ પરથી તેઓ પણ એકાદ બે ટ્રેન લેટ પકડતા.

હું રોજ ૬.૩૮ની ચર્ચગેટ ફાસ્ટ બોરીવલીથી પકડી ચર્ચગેટ જતો અને એ વડીલ પણ મારી જેમ જ ગ્રાંટરોડ સ્ટેશનથી ૭.૨૯ની વિરાર ફાસ્ટ પકડતા. એક દિવસ મને સવારે મને ટ્રેન પકડતા મોડું થઈ ગયું અને મેં બોરીવલીથી ૭ વાગ્યાની ચર્ચગેટ ફાસ્ટ પકડી. કોઈ શક્યતા નહોતી કે તે દિવસે તેઓ મને મળી શકે. કારણ કે મને મોડું થઈ ચૂક્યુ હતું. પણ મારા આશ્ચર્ય વચ્ચે એ તો ત્યાં જ ઊભા હતા. એ જ દાદર પર. 'મારી રાહ જોઈને ઊભા રહ્યા હશે?' મને પ્રશ્ન થઈ આવ્યો. પણ મનમાં અપાર ખુશી પણ થઈ. શું ખરેખર મારી જ રાહ જોઈને ઊભા હશે? મારી ટ્રેન ઊભી રહેતાં જ મારો એ ઉમળકો મારાથી છતો થઈ ગયો. મારો હાથ આજે વધુ ઝડપથી તેમને 'હાઈ' કહેવા માટે હલાવી રહ્યો હતો.

તેઓ પણ મને જોઈ ખુશ થયા એમનો એ ભાવ હું બરાબર જોઈ શકતો હતો. એમણે ઈશારાથી જ કાંડા ઘડિયાળ તરફ ઈશારો કરતા પૂછ્યું, 'કેમ આજે લેટ?' મેં જવાબ વાળ્યો, 'આજે આંખ મોડી ખૂલી, સૉરી.' એમણે પણ સામે ઈશારો કર્યો, 'ઓહ ઈટ્સ ઓ.કે.' અડધી મિનિટથી પણ ઓછા સમયમાં અમારે અમારો સંવાદ કરી લેવાનો હતો. એ વાતની એમને પણ ખબર હતી અને મને પણ. છતાં એ અડધી મિનિટમાં પણ અમે ઉમળકાથી મળી લેતા. તે હજીય મને મારા નામથી ઓળખતા નહોતા, ન હું એમને નામથી ઓળખતો હતો. પણ અમારો આ સંબંધ જ કદાચ એવો હતો જ્યાં અમને બેમાંથી એકેયને કદાચ એકબીજાના નામની જરૂર પણ નહોતી.

આ રીતે જ લગભગ દોઢ મહિના સુધી ચાલ્યું. એક દિવસ એ ચોકલેટ લઈ આવ્યા, મને દેખાડી. અને પછી તરત એ ઝડપથી દાદર ઉતર્યા અને પ્લેટફોર્મ પર આવી એમણે તે ચોકલેટ મારી તરફ ફેંકી. એમના ઘરડાં હાથોનું જોર થોડું ઓછું પડ્યું. તે ચોકલેટ કેચ કરવા લંબાયેલા મારા હાથથી થોડે આગળ રેલ્વે ટ્રેક પર જ પડી ગઈ. મેં તેમને પૂછ્યું, 'કેમ આજે અચાનક ચોકલેટ તમારી વર્ષગાંઠ છે?' એમણે હળવાશથી કોલર ખેંચતા હોય એમ ઈશારો કરી હકારમાં માથું હલાવ્યું. અને મારાથી અચાનક જ બૂમ પડાઈ ગઈ. 'હેપ્પી બર્થ ડે.' તે મારું આ રીતનું ગાંડપણ જોઈ મુક્ત મને હસી પડ્યા. મારી ટ્રેનમાં બેઠેલાં અને સામેના પ્લેટફોર્મ પર ઊભેલા બીજા કેટલાંક લોકોએ કદાચ મને ગાંડો જ સમજી લીધો હશે. તેમને મારું આ રીતનું વર્તન નહીં જ સમજાયું હોય એ સ્વાભાવિક હતું. પણ મારી એ હેપ્પી બર્થ ડેની બૂમથી મને કેટલી ખુશી થઈ હતી અને એથીય વધુ સામે પેલા વડીલને કેટલો આનંદ થયો હતો તે અમે બે જ સમજી શકતા હતા. મારો એ દિવસ ખૂબ સરસ ગયો. એમનો પણ સરસ જ ગયો હશે.

તે દિવસે મને વિચાર આવ્યો. કેવો અજીબ સંબંધ છે અમારો ! આમ જૂઓ તો એક બીજાને અમે આજે પણ ઓળખતા નથી અને આમ જૂઓતો જાણે વર્ષોથી એકમેકના મિત્ર છીએ. જે દિવસે તે નવા કપડા લાવ્યા હોય, તે દિવસે જાણે મને દેખાડવા જ પહેર્યા હોય એમ ઉમળકાથી ઈશારો કરી નવા કપડા દેખાડે. હું પણ મેં કરેલી નવી હેર સ્ટાઈલ કે દાઢીની સ્ટાઈલ વિશે પૂછી લઉં. ક્યારેક ગરમીની, ક્યારેક વરસાદની તો ક્યારેક કેરીની સીઝન અંગે અને ક્યારેક ઓફિસના વર્ક લોડ અંગે. એ અડધી મિનિટમાં અમે કેટલી બધી વાતો કરી લેતા. આટલા દોઢ જ મહિનામાં જાણે ઓછા સમયમાં ઘણું બધુ કહી દેવાની, સમજાવી લેવાની આવડત અમારા બંનેમાં સુપેરે કેળવાઈ ગયેલી.

પણ ગઈ કાલે ગ્રાંટરોડ સ્ટેશનના દાદર પર કોઈ નહીં દેખાયું. મેં મારી કાંડા ઘડિયાળમાં જોયું, અમારી ટ્રેનતો આજે વહેલી નથી આવી ગઈ ને, સામે ત્રણ નંબરના પ્લેટફોર્મ પર નજર નાંખી ઈન્ડિકેટરમાં પણ ૭.૨૯ વિરાર ફાસ્ટ જ લખાયેલું હતું.

'તો પછી આજે અંકલ કેમ આવ્યા નહીં? અડધી સેકંડમાં તો મારા દિમાગમાં હજાર જાતના વિચારો આવી ગયા. પણ તરત મેં મારા એ તમામ વિચારોને જાકારો આપી દીધો. 'ના ના એવું કંઈ જ નહીં હોય. કદાચ તે દિવસે મને મોડું થયું હતું આજે એમને મોડું થયું હશે.

'હું પણ ઊતરી જાઉં, થોડીવાર એમની રાહ જોઈ લઉં?' મને વિચાર આવ્યો. પણ કમબખ્ત ઓફિસ અને એના ટાઈમિંગ. ડેમ, એક દિવસ પણ હું કોઈકની રાહ જોવા રોકાઈ નહીં શકું! પણ મારી ઓફિસના ટાઈમિંગ સામે આજે અંકલની રાહ જોવાની ઈચ્છા જીતી ગઈ. હું ગ્રાંટરોડ સ્ટેશને જ ઊતરી ગયો. અડધા કલાક સુધી રાહ જોવા છતાં અંકલ નહીં આવ્યા. મારું મન હવે ખરેખર ઉદાસ થઈ રહ્યું હતું. 'શું થયું હશે?' પણ ઓફિસ તો જવું જ પડે, દિવસ આખોય એ અજાણ્યા મિત્ર માટે ફિકર કરતા કરતા વિત્યો. ક્યારે આવતીકાલની સવાર પડે, અંકલ આવે અને એમને હું પૂછી લઉં કે, 'ક્યાં ચાલવા માંડ્યા હતા કાલે, મને કેટલી ફિકર થતી હતી કંઈ સમજ પડે છે તમને? નહોતા આવવાના તો આગલા દિવસે કહીને નહીં જવાય?' અને આજે ફરી મુંબઈ સેન્ટ્રલ આવતા હું દરવાજે જઈને ઊભો રહી ગયો. ગ્રાંટ રોડ આવ્યું અને દૂરથી જ મારી નજર દાદર પર એમને શોધવા માંડી, થેન્ક ગોડ એ ત્યાં જ ઊભા હતા.

મારા મનમાં વિચારેલા હજારો સવાલો જાણે એકસામટા એમની તરફ ઈશારો કરવા માટે તલપાપડ થઈ રહ્યા હતા. પણ એટલામાં જ એમણે ઈશારો કર્યો. 'ટ્રેનમાંથી ઉતરી જઈશ? અહીં આવીશ પ્લીઝ મારી પાસે?' હું ઊતરી ગયો અને ઝડપથી ચાર નંબરના પ્લેટફોર્મથી દોડીને તે ઊભા હતા ત્યાં પહોંચી ગયો. આટલા વખત પછી આજે અમે પહેલીવાર રૂબરૂમાં મળી રહ્યા હતા. અમારે એક મેકના નામ પૂછવા જોઈતા હતા. શું કામ કરીએ છીએ તે અંગે વાત કરવી જોઈતી હતી.

ઓળખાણ વધુ પાકી બનાવવી જોઈતી હતી પણ આમાંનું કશું જ નહીં બન્યું.

એમણે મારા હાથમાં એક કવર મૂક્યું અને સાથે એક નાની ચબરખી હતી. કોઈકનું એડ્રેસ લખ્યું હતું એમાં. 'માધવીનું એડ્રેસ છે આ કાગળમાં, આ કવર તું પહોંચાડી દઈશ એને?' એમણે કહ્યું. મને વાત પૂરેપુરી સમજાઈ નહીં એટલે મેં એમના તરફ પ્રશ્નાર્થ નજરથી જોયું. 'માધવી અને હું અંધેરીની ભવન્સ કોલેજમાં સાથે ભણતા હતા. તે સમયે મારી પાસે લ્યુના હતું. હું એ લઈને જ કોલેજ જતો. અમારા બીજા વર્ષની પરિક્ષામાં એક દિવસ માધવી તેની હોલ ટીકિટ ઘરે ભૂલી ગઈ, સખત વરસાદ હતો તે દિવસે, અને એ રડતી રડતી મારી પાસે આવી મને કહે, હું હોલ ટીકિટ ભૂલી ગઈ છું મને તમારા લ્યુના પર મારી ઘરે લઈ જશે પ્લીઝ? નહીં તો હું એક્ઝામ્સ નહીં આપી શકું. મેં એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેને લ્યુનાની પાછલી સીટ પર બેસાડી અને મેં લ્યુના વર્સોવા તરફ દોડાવી મૂકી. આટલી ઉતાવળ અને ટેન્શનમાં પણ તેણે મને પૂછી લીધું, તમને કઈ રીતે ખબર કે હું વર્સોવા રહું છું? હું શું બોલું? ગાંડીને એટલી પણ ખબર નહોતી કે આ છોકરો રોજ તેના ઘરની આસ-પાસ આંટા મારે છે. મેં કોઈ જવાબ નહીં આપ્યો. રાધર હિંમત જ નહોતી થઈ શકી. એક્ઝામ હોલ ટીકિટ લઈ અમે ફરી કોલેજ આવ્યા. મોડું થઈ ગયું હતું પણ એક્ઝામીનર સારા હતા એમણે માધવીની હોલ ટીકિટ જોઈ અને લેટ થઈ ગઈ હોવા છતાં પરમિશન આપી દીધી. પરિક્ષા પછી તે મને "થેન્ક યુ" કહી ગઈ. અને ફરી એ જ સવાલ કર્યો. તમને કઈ રીતે ખબર હતી કે હું વર્સોવા રહું છું? મેં જવાબ નહીં આપ્યો અને તે હસીને ચાલી ગઈ. પછી તો એના લગ્ન થઈ ગયા અને એ બોરીવલી રહેવા ચાલી ગઈ. આજે પણ એ લ્યુના બોરીવલી સ્ટેશનના પાર્કિંગમાં જ પડ્યુ છે. રોજ સવારે તે તેના ઘરેથી મંદિર જવા નીકળે છે પણ એ ગાંડીને આજેય ખબર નથી કે કોલેજ સમયનો તેનો આશિક હજીય એ જ લ્યુના પર રોજ તેને એક નજર જોઈ લેવા આંટો મારી જાય છે.

પણ આવતી કાલે સવારે તે અમેરિકા જઈ રહી છે. તેના દીકરા વહુ પાસે. કોલેજમાં તો કહેવાની હિંમત નહીં જ થયેલી પણ આજે પણ હિંમત નથી ચાલતી. તો પ્લીઝ એ જતી રહે તે પહેલાં મારો આ લેટર તું પહોંચાડી શકીશ એને?'

શું સંબંધ હતો મારો એ માણસની સાથે? કદાચ કંઈ જ નહીં કે કદાચ ખૂબ નજીકનો. ખબર નહીં પણ મારાથી ના નહીં કહેવાઈ અને મેં કાગળ હાથમાં લઈ લીધો. અને મેં કહ્યું, 'એક શરતે,' એ કઈ શરત એમ પૂછે તે પહેલાં જ મેં કહ્યું, 'પ્રોમિસ કરો કે તમે માધવી આંટીએ શું જવાબ આપ્યો તે જાણવા માટે કાલે ફરી અહીં આવશો.' તેમણે હકારમાં માથું હલાવ્યુ અને હું ઉત્સાહથી ફરી ચર્ચગેટ તરફની ટ્રેન પકડવા દોડ્યો. એક અલગ જ પ્રકારના આનંદ, ઉત્સાહ અને કૂતુહલને કારણે વારંવાર મારો હાથ બેગમાં મૂકેલા એ કવર પર ફરી જતો હતો.

'વાહ, કેવો સરસ પ્રેમ, કેટલો ચિરકાળ, અપેક્ષાઓ વિનાનો માત્ર અણીશુધ્ધ પ્રેમ. શું ખરેખર આવો પ્રેમ આજના જમાનામાં પણ કોઈ-કોઈને કરી શકતું હશે ભલા?' અજાણ્યા જ હોવા છતાં હવે અજાણ્યા નહોતા લાગતા એવા માધવી આંટીના ઘરે સાંજે પહોંચુ ત્યાં સુધી મારી જાત સાથે આવા અનેક સંવાદો કરતો રહ્યો.

'જો મેં કોઈકને પ્રેમ કર્યો હોત, તો શું હું આટલી જ ઉત્કટતાથી તેને ચાહી શક્યો હોત?' સવાલો અનેક હતા અને જવાબમાં હતી માત્ર ધારણાઓ અને શક્યતાઓ.

સાંજે ઓફિસથી નીકળી બોરીવલીને ટ્રેન પકડવા માટે દડતા મારા પગમાં આજે એક અલગ જ જૂનુન હતુ. અંકલ જેને અનહદ ચાહતા હતા એ માધવી આંટીને જોવાની, મળવાની અને આ ઉંમરેય એક મુગ્ધપ્રેમીની માફક જેમણે એમના માટે ચિઠ્ઠી લખી હતી એ આપવાની રીતસર મને ઉતાવળ આવી હતી.

અંકલે આપેલી કવર સાથેની નાની ચબરખી મેં ફરી ખોલી, લગભગ આ સત્તરમી વાર હું એકનું એક એડ્રેસ વાંચી રહ્યો હતો. બોરીવલી સ્ટેશન આવ્યું અને વેસ્ટની જાંબલી ગલી તરફ હું દોડ્યો અને ચબરખીમાં લખેલું એપાર્ટમેન્ટ્ મારી સામે જ દેખાતું હતું, ગ્રાઉન્ડ ફ્લોર, ૧૦૦૩. મેં દરવાજે ડોરબેલ વગાડી અને કોઈક દરવાજા તરફ આવી રહ્યું હોય એવો સળવળાટ મને સંભળાયો, જાણે હું જ કોઈક છોકરીને પ્રપોઝ કરી રહ્યો હોઉં એટલા જોરથી મારૂં હ્રદય ધડકવા માંડ્યુ હતું.

દરવાજો ખૂલ્યો અને ઉજળા ઘઉં વર્ણની જાજરમાન સ્ત્રી મારી સામે ઊભી હતી. 'માધવી આંટી?' મેં પૂછ્યું.

'જી શું કામ હતું, કોણ છો આપ?' તેમણે કહ્યું. મેં અંકલે આપેલું કવર એમના હાથમાં મૂક્યુ અને બસ હવે એમના ચહેરાના જે હાવ-ભાવ બદલાવાના હતાં તે જોવાની રાહ જોવા માંડ્યો.

'આ, આ તો સૌરભના અક્ષર છે, અને આ કાગળ તો... તમને, તમને આ કાગળ ક્યાંથી મળ્યો, તમે કોણ છો ભાઈ?' 

એમણે કંઈક અલગ જ અચંબાથી મને મૂછ્યું. 'એમણે જ મને આપ્યો માધવી આંટી, ખરેખર અંકલ ખૂબ પ્રેમ કરે છે તમને, રોજ માત્ર તમને જોવા માટે બોરીવલી આવે છે, અને એ જ લ્યુના પર તમે મંદીર જતા હો ત્યારે આસ-પાસથી આંટો મારી જાય છે. તમે ખરેખર લકી છો આંટી. આવતી કાલે તમે અમેરિકા જાવ છો ને? એટલે અંકલે મને આ પત્ર આપ્યો અને કહ્યું કે તમે જાવ તે પહેલાં હું તમને તે પહોંચાડી દઉં.' હું બોલતો રહ્યો અને માધવી આંટીના ચહેરાના ભાવ મારા એક એક શબ્દે બદલાતા રહ્યા.

'પણ એ કઈ રીતે શક્ય છે સૌરભને મર્યાને આજે બરાબર ત્રણ વર્ષ થયા, તો પછી આ પત્ર...!'

એક પળમાં મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.


Rate this content
Log in