ગોઠવણ
ગોઠવણ
તે દિવસે કોલેજની લાઇબ્રેરીમાં યામિનીનું ધ્યાન ભંગ થતા ઊભા થઈ અવાજની દિશામાં જઈ અવાજ બંધ કરવા માટે બોલવા જતી હતી. ત્યાં જ સામે ટેબલ ઉપર હાથ થપથપાવતા ગીત ગણગણતા રોહન ઉપર તેની નજર પડતા તે થોડી વારે પાછી ફરી… તે પછી તો જાણે આ નિત્યક્રમ થયો.
યામિની જ્યારે પણ રોહનને જોતી ત્યારે બસ તે આજ રીતે જ્યાત્યાં હાથ થપથપાવતો ગીત ગણગણતો રહેતો. યામિનીને તેની આ અદા ગમતી પણ તે ક્યારેય રોહન સામે આવી નહોતી!
દાયકાઓ પછી…
'મમ્મી તારે હવે એકલા રહેવાની જરૂર નથી. તારા માટે અહીં ઇન્ડીયામાંજ 'ગોઠવણ' થઈ ગઈ છે. તને ત્યાં માફક નહિ આવે તો પછી વિચારીશુ.' કહેતા દીકરો અહીં જીવન સંધ્યામાં મૂકી હવાની પાંખે ઊડી ગયો!
અહીં આવ્યાને હજુ માંડ અઠવાડિયું જ થયું છે. અહીંના વાતાવરણમાં તે અનુકૂળ થવા પ્રયત્ન કરી રહી છે ત્યાં...
વરસો પછી ફરીથી એજ અવાજ યામિનીને કાને પડ્યો. તે ધીમા પગલે તે તરફ ગઈ. એજ અદાથી સામે ટેબલ ઊપર હાથ થાપથપાવી કોઈ કંઈક ગણગણી રહ્યું છે!
તે જોઈ જ રહી!
'શુ તેના દીકરાઓએ પણ આજ ગોઠવણ કરી હશે?!
તે વિચારતી રહી છે!
ત્યાં...
'તને ત્યાં માફક નહિ આવે તો પછી વિચારીશુ.'
દીકરાના શબ્દો પડઘયા.
યામિની મનોમન બોલી,'દીકરા મને અહીં.. મા... ફ..ક..!!