Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

ઘા

ઘા

5 mins
267


શૌર્યનો ફોન આવ્યો ત્યારે એના અવાજમાં ગભરાટ સાથે આજીજી ભળી હતી. એ તો માત્ર એટલું જ બોલ્યો,"કુંદા, તું બને તેટલી જલદીથી વડોદરા આવી જા. મારે તારી બહુ જ જરૂર છે. "

મારે આગળ કંઈ વિચારવાનું જ ન હતું. કારણ વૃક્ષા મારી ખાસ સહેલી, શૌર્ય એનો પતિ. હું અને વૃક્ષા નાનપણથી જોડે જ હોઈએ. મને કોઈ પણ પ્રશ્ન પૂછવો યોગ્ય ના લાગ્યો. હું એટલું જ બોલી,"હું આવુ છું" અને બીજી જ મિનિટે કાર લઈને હું વડોદરા જવા નીકળી ગઈ. એક્સપ્રેસ હાઈવે પર કારની ગતિ વધારી દીધી. એકસો ચાલીસની ઝડપે કાર હંકારી હું વડોદરા પહોંચી. શૌર્યના ઘર પાસે ટોળું હતું એ જોતાં જ મને અમંગળની શંકા ગઈ.

મને જોતાં જ અત્યાર સુધી રોકી રાખેલા શૌર્યના આંસુ વહેવા માંડ્યા. શૌર્ય ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારે કોઈ જ સવાલ પૂછવાની જરૂર જ ના પડી. કારણ મારી પ્રિય સહેલીનું નિશ્ચેતન શરીર જમીન પર હતું. હું પણ એ જોઈ મારો સંયમ ખોઈ બેઠી.

મેં આજુબાજુ નજર કરી પરંતુ વ્યોમ અને દૈત્રી ક્યાંય દેખાયા નહીં. જો કે એ બંને જણાં પૂના હતા. આઈ. ટી. કંપનીમાં નોકરી હતી. વૃક્ષાને એની પૂત્રવધુ માટે ઘણી જ લાગણી હતી. ક્યારેક તો હું કહેતી,"તને વ્યોમ કરતાં પણ દૈત્રી વધુ વહાલી છે. "

ત્યારે એ કહેતી,"ગુજરાતી ભાષામાં કેટલો ઉત્તમ શબ્દ છે પૂત્રવધુ. કે જે પૂત્રથી પણ વધુ પ્રેમ મેળવવા હકકદાર છે. અને બીજી વાત મારે પુત્રી નથી. દૈત્રીના રૂપમાં મને દીકરી મળી."

થોડા દિવસો પછી હું શૌર્યને મળવા ગઈ ત્યારે ઘરમાં શૌર્ય એકલો જ હતો. મને પણ હતું કે શૌર્ય મને એકલો મળે તો સારૂ.

મેં જ વાતની શરૂઆત કરી. "શૌર્ય, વૃક્ષા વગર ઘર ખાલી લાગે છે. મારે તો એ જ જાણવું છે કે કાયમ હસતી હસાવતી મારી બહેનપણીને અચાનક શું થઈ ગયું ? અને દીકરો હોવા છતાં પણ તેં કેમ અગ્નિદાહ આપ્યો ?"

"એનું કારણ તારી બહેનપણી. કહેતી હતી કે હિંદુશાસ્ત્ર મુજબ જે પ્રિય વ્યક્તિ હોય એ જ અગ્નિદાહ આપે. દૈત્રી વ્યોમને આવવા નહીં દે. હું જાણું છું કે તારી પ્રિય વ્યક્તિ હું અને મારી પ્રિય વ્યક્તિ તું છું. લોકો પુનરકથી બચવા માટે પુત્ર માંગે છે પણ જો પુત્ર પત્નીના કહ્યા પ્રમાણે સંબંધ રાખવા તૈયાર ના હોય તો કંઈ પરાણે પ્રીત ના થાય. એનો દીકરો વિદેશ જવાનો હતો ત્યારે વડોદરા આવેલો પણ માબાપને મળવા ના આવ્યો. એ મૂર્ખને ખબર નથી પડતી કે માબાપ જેવો પ્રેમ કોઈ ના આપી શકે. ત્યારબાદ દૈત્રીએ અમારા નંબર તથા વોટ્સએપ બ્લોક કરી દીધા. "

અમે આઠ વર્ષ કઈ રીતે કાઢ્યા છે એ અમે જાણીએ છીએ. પણ હવે એવું લાગે છે કે એ વર્ષો અમારા માટે સારા હતા. કારણ કોઈ અપમાન કરનાર ન હતું. એ લોકો વિદેશ જવા માટે આકાશ તરફ ગતિ કરે છે પણ એવી વ્યક્તિ માણસાઈ, પ્રેમ અને વિવેકનું એક પગથિયું પણ ચઢતાં નથી. આ છે આજની પેઢીની માનસિકતા. જો કે એમાં અપવાદ તો હોય છે જ.

શૌર્ય થોડીવાર અટક્યો મેં એને પાણી આપ્યું. "આઠ વર્ષ પછી એની જાતે સંબંધ બાંધ્યો. એની આ ખાસિયત હતી. એના સગા કાકા એને દીકરીની જેમ રાખતાં હતાં. એની સાથે પણ સંબંધ તોડ્યો. કુંદા, રમતો તો ઘણી છે ક્રિકેટ, હોકી, ફૂટબોલ એ રમતો રમવાનું છોડી એની પ્રિય રમત લોકોની લાગણી સાથે રમવાની ચાલુ કરી. ઈશ્વર આવી વ્યક્તિ પણ બનાવે છે. એ તો ઠીક ઉપરથી લખે છે કે મારા પતિને કોઈ દીકરો માનતું નથી !"

થોડા સમય પહેલાં એની મમ્મીના અવસાનના સમયે અમે મળવા જવાના હતા ત્યારે કહે હું આવા બધામાં માનતી નથી. તો જે વ્યક્તિ માના મરણ વખતે પણ કહે કોઈ ના આવતાં. એના વિષે શું ચર્ચા કરવી ?

કહેવાય છે કે મનુષ્યને ખરાબ સમયે હૂંફની જરૂર હોય છે. પરંતુ સમાજમાં સાસુ બદનામ થાય. એવું જ એ ઈચ્છતી હતી. ખરેખર તો એનાથી એની સાસુની પ્રગતિ જોવાતી ન હતી. પૂનામાં જ જયારે એક કાર્યક્રમમાં એ ચીફ ગેસ્ટ હતી ત્યારે એને ખાસ આગ્રહ કરેલો કે તમે આવજો આખો દિવસ સાથે રહેવાશે. ત્યારે એને કહ્યું અમે તો મારા પિયર જવાના છે. એને લાગણીની જરૂર જ ન હતી. એનાથી આ બધુ જોવાતું ન હતું. મેં વૃક્ષા ને સમજાવવા પ્રયત્ન કરેલો. લાગણીમાં અંધ ના થવાય. એ સાસુની તોલે આવી શકે એમ ન હતું. પણ એ ભૂલી ગઈ કે બીજાની લીટી નાની કરવા પોતાની લીટી મોટી કરવી પડે છે. એ શક્ય ના બન્યું એટલે અવારનવાર અપમાનીત કરવા લાગી.

તમે કોઈ નું સારૂ ના કરો તો કંઈ નહીં ક્યારેય કોઈને અપમાનીત કરવાની કોશિષ ના કરવી જોઈએ. કુંદા, પશુઓની આંખોમાં પણ મેં આંસુ જોયા છે. પણ અમુક વ્યક્તિ પશુ કરતાં પણ અધમ હોય છે. બિલકુલ લાગણી શૂન્ય. જાણે કે સમાજમાં લાગણી શબ્દ ખોવાઈ જ ગયો છે.

વૃક્ષા એના નામ મુજબ દરેકને લાગણીરૂપી છાંયડો આપતી રહેતી. પણ દૈત્રીએ એક લાગણીથી ભર્યુ ભર્યુ હૃદય તોડ્યું, જેની સજા ધરતી પરની કોઈ અદાલત નહીં આપી શકે.

વૃક્ષાનું નામ હતું. એની પી. એચ. ડીની થિસીસ ને કારણે જુદી જુદી સંસ્થા એને ખાસ બોલાવતી. દેશપરદેશથી પણ એની લખેલી થિસીસના વખાણ થતાં. એને દૈત્રી પ્રિય હતી એટલે એ જ્યાં જવાનું હોય ત્યાંના સમાચાર આપતી. પણ એ એની સાસુની પ્રગતિ જોઈ ના શકી. એને મેસેજ કર્યો કે તમે આત્મપ્રશંસા કરો છો. ડોટર્સ ડેના દિવસે એને ખાસ સુંદર કાવ્ય સ્વરૂપે મેસેજ કર્યો પણ કંઈ જ જવાબ ના આવ્યો ત્યારે જ મેં કહ્યું તારી લાગણી ઉકરડે ના ઢોળ.

કુંદા એમાં વૃક્ષાના બહેન તથા બનેવી પણ જોડાયા કે એમાં શું ? કારણ એમને માત્ર એમના બાળકો વિષે વાતો કરવામાં જ રસ હતો. કારણ એમના બાળકોથી કોઈ વધુ હોંશિયાર હોઈ જ ના શકે. એવી એમની માન્યતા હતી.

અમારી જ્ઞાતિમાં જ્યારે એનું સન્માન થવાનું હતું ત્યારે પણ એણે વ્યોમ તથા દૈત્રીને આવવા કહેલું પણ ના આવ્યા. એના કોમળ હૃદય પર વ્રજઘાત થતો રહ્યો. કુંદા,ક્યારેય કોઈને આંધળો પ્રેમ કરવો નહીં. બાળક ના હોય તો જરૂર દુઃખી થવાય પણ એ જ બાળકો જ્યારેે અપમાનીત કરે ત્યારે થાય કે એના કરતાં ના હોય તો સારૂ.

નજીકની વ્યક્તિઓમાં હૃદય પર શસ્ત્ર વગર ઘા કરવાની તાકાત હોય છે. એવી તાકાત દુનિયાના કોઈ પણ શસ્ત્રમાં નથી. છેલ્લે એને મુંબઈની સંસ્થામાં બોલાવી ત્યારે એ ભાંગી પડી હતી. મારી સમજાવટ છતાં પણ ના ગઈ. એને કારમો આઘાત લાગ્યો હતો એથી તો એ આ દુનિયા છોડીને જતી રહી. "કહેતાં શૌર્ય ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

મેં કહ્યું,"શૌર્ય,તું બધુ ભૂલીને પૂના વ્યોમ જોડે જતો રહે તું એકલો શું કરીશ ?"

"કુંદા, મારો રસોઈયો વર્ષો જુનો છે. મને એની રસોઈ માફક આવી ગઈ છે. એ રજા ઉપર હોય તો ઝોમેટો તથા સ્વીગી સેવામાં હાજર છે. રાધાબેન વર્ષોથી કામ કરે છે. મને પત્નીની ખોટ સિવાય કોઈ તકલીફ નથી. સ્વમાનના રોટલામાં ઘણી મીઠાશ હોય છે. હૃદય પર ઘા કરી પીરસેલી મીઠાઈ પણ શું કામની !"

શૌર્યની વાત સાંભળી હું ભાંગી પડી. મારી સહેલી જેવી વિદ્વાન સ્ત્રીની ઘરની વ્યક્તિઓ દ્વારા જ તેના સ્વમાન પર ઘા કરી મૃત્યુ સુધી લઈ જવાની તાકાત ઘરના જ ધરાવતાં હોય છે એ વાત હું સમજી ગઈ હતી. માયા જ માર ખવડાવે. કોમળ લાગતું કમળ પણ બિડાઈને ભમરાનો નાશ કરે છે. વ્યક્તિને ઓળખવી કેટલી અઘરી છે ! હું દિવસો સુધી આ વિષે વિચારતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy