Amrut Patel 'svyambhu'

Romance Action

4  

Amrut Patel 'svyambhu'

Romance Action

એક ભૂલ

એક ભૂલ

6 mins
272


અંજનાએ અરીસામાં એક નજર નાંખી. વાળ ઉપર હાથ ફેરવી. સહેજ ચહેરા ઉપર હાસ્‍ય આવ્‍યું અને વિલાયું. ખભે પર્સ લટકાવી ઘરના પગથિયા ઉતરી ગઈ. બસસ્‍ટેન્‍ડ પાસે આવી બસની રાહ જોવા લાગી. એક પછી એક બસ પસાર થઈ તેણે ઘડિયાળમાં નજર કરી. પાંચ મિનિટની વાર હતી. તેણે પર્સમાંથી નાનો અરીસો કાઢી ચહેરા ઉપર એક નજર કરી લીધી.

'આ છોકરીને અરીસામાં જોવાનો ભારે શોખ છે…' મમ્‍મીનાં શબ્‍દો તેને યાદ આવી ગયા.

'શું કરતા હશે મમ્‍મી…? ઉર્વીશ પણ કેટલો મોટો થઈ ગયો છે.' તેણે પર્સમાંથી ઉર્વીશનો પત્ર કાઢયો.

બસ તેની નજીક આવતાં પત્રને હાથમાં પકડી ભીડમાં ચડી ગઈ. આગલા સ્‍ટેન્‍ડ પાસે જગ્‍યા મળતાં તેણે પત્ર કાઢયો. પત્ર ઉપર નજર નાંખી.

પત્રમાં ઉર્વીશ કોલેજમાં એડમિશન લીધાના સમાચાર હતાં. તેની આંખમાં ચમક આવી ગઈ. તેણે બસની બારીમાંથી નજર નાંખી. શહેરની ભીડમાં કયાંય સુધી જોઈ રહી. કેટલા સમય સુધી જોઈ રહી. કેટલા વરસ પસાર થઈ ગયા હતાં તેને ગામ છોડયા પછી. સમય પણ પૂરવેગે દોડી રહયો હતો.

પપ્‍પાનું પાછલી અવસ્‍થામાં અચાનક અવસાન થતાં મમ્‍મી સાવ ભાંગી પડયા હતાં. ઘરધણીનો સાથ છૂટી ગયો હતો. પપ્‍પાના અવસાન સમયે બધા સૂનમૂન બની ગયા હતાં. પપ્‍પાના અવસાન સમયે તેની ઉંમર અઢાર વર્ષની હતી. પણ તેણે દુઃખ ભૂલી જઈ ઘરને સંભાળી લીધું. મમ્‍મીને આશ્વાસન આપ્‍યું. ગ્રેજયુએટ થઈ થોડા જ સમયમાં ઘરનો સંપૂર્ણ કારભાર સંભાળી લીધો.

અંજના શહેરમાં આવી સેટ થઈ. ગામડે મમ્‍મીને અને નાનાભાઈ માટે જરૂરી રકમ મોકલી આપતી. અને આમ સમય કયાંય પસાર થઈ ગયો.

ઓફિસ કામકાજમાં તે વ્‍યસ્‍ત હતી. ત્‍યાં રશ્‍મિનનો ફોન આવ્‍યોઃ 'હલ્‍લો... અંજના આપણે આ અઠવાડિયે ગામડે જઈ શકીએ તેમ નથી.' 

' કેમ...? અંજના એ આશ્ચર્ય વ્‍યકત કર્યુ.

  ' મારે મમ્મી - પપ્પા સાથે આકસ્‍મિક બહાર જવાનું થયું છે એટલે આપણે ફરી કયારેક જઈશું.'

    હલ્‍લો રશ્‍મિન… મેં મમ્‍મી અને ભાઈને આપણે ગામડે આવીશું તેવા સમાચાર મોકલી દીધાં છે. તે આપણી રાહ જોશે. અંજના નરવસ થઈ બોલી.

અંજના તું એમને સમજાવી દે જે હું પાછો વળું તે પછી આપણે તરત ગામ જઈ આવીશું.

પણ…?

ઓકે... બાય... રશ્‍મિને ઉતાવળમાં હોય તે રીતે સંપર્ક કાપી નાંખ્‍યો.

અંજન કયાંય સુધી રશ્‍મિન વિશે વિચારતી રહી.

ધરે આવી ફ્રેશ થઈ રશ્‍મિન સાથે વાત કરવાનો વિચાર કર્યો.પણ તે બહાર જવાનો હતો એટલે તે તેના નિત્‍ય કાર્યમાં ગૂંથાઈ ગઈ પણ કામમાં મન લાગતું નહોતું.

અત્‍યાર સુધી મમ્‍મી લગ્ન માટે અવારનવાર તેને સમજાવી હતી. તેના માટે મુરતિયો શોધવામાં તેનાં મમ્‍મીએ પાછું વળીને જોયું નહોતું. પણ તે કોઈને કોઈ બહાને લગ્નની વાતને ટાળતી રહેતી. તેને મન ઉર્વીશ અને મમ્‍મી હતાં. તેમને કોઈ વાતે દુઃખ ન આવે તે તેનું ઘ્‍યેય હતું. છેવટે તેના મમ્‍મીએ થાકીને લગ્ન અંગેની વાત પડતી મૂકી.બરાબર આ સમયે તેના જીવનમાં રશ્‍મિનનો પ્રવેશ થયો.

રશ્‍મિન અંજના જયાં સર્વિસ કરતી ત્‍યાં તેની બાજુમાં બેંકમાં સર્વિસ કરતો હતો. બંનેની આંખો મળી જોત જોતામાં બંને એટલા બધા નજીક આવતાં ગયા કે હવે બંને ફકત સમાજની દષ્‍ટિએ જ અલગ હતાં. વાસ્‍તવમાં બંને એક બની ગયા હતા...!

અંજને તેના મમ્‍મીને આ સમાચાર આપ્‍યા હતાં. તો તેમણે રાહતનો દમ લીધો હતો. મમ્‍મીની મંજૂરીની મહોર લાગી ગઈ હતી. તે એકવાર રશ્‍મિનને જોવા માંગતા હતાં. એટલે તે બંને આવતા અઠવાડિયે ગામડે જવાના હતાં. પણ રશ્‍મિન તરફથી મળેલા સંદેશાથી અંજનાને દુઃખ થયું.

અંજનાએ મમ્‍મીને પત્રથી જાણ કરી. અનિવાર્ય કારણે રશ્‍મિનને બહાર જવાનું બનતાં અમે આવી શકીએ તેમ નથી. ફરી વાર આવતાં અગાઉ જાણ કરીશું.

રશ્‍મિન બે-ત્રણ દિવસનું કહી ગયો હતો. પણ હજુ સુધી તે આવ્‍યો નહોતો. અંજના માટે આ ઘડી કપરી બની રહી...!

અઠવાડિયું, મહિનો અને ... સમય પસાર થતો રહયો રશ્‍મિનનો કયાંય પત્તો નહોતો. રશ્‍મિનની જયાંથી મળવાની આશા હતી ત્‍યાં અંજનાએ તપાસ કરી લીધી પણ તેને નિરાશા મળી.

અંજનાએ એક દિવસે તેના પેટ ઉપર હાથ પંપાળ્‍યો તે ધ્રુજી ગઈ...! ચાર મહિના પૂરા થવા આવ્‍યા હતાં. રશ્‍મિનનાં કોઈ સમાચાર નહોતાં. તેણે મમ્‍મીને આખી પરિસ્‍થિતિથી વાકેફ કર્યા. મમ્‍મીને પણ આઘાત લાગ્‍યો. 

મમ્‍મીએ અંજનને તેણે કરેલી ભૂલ માટે સમજાવી નવું જીવન શરૂ કરવા સલાહ આપી.

અંજનાએ તેના પેટ ઉપર ફેરવતાં કહયું, મમ્‍મી... ભલે આ અમારી ભૂલનું પરિણામ હોય પણ હું આ નિદોર્ષને તેની સજા નહિ કરું હું આની હત્‍યા નહિ કરું !

અંજનાના આ નિર્ણયથી તેના મમ્‍મીને ખૂબ દુઃખ થયું તેમણે હજુ રશ્‍મિનને જોયો પણ નહોતો. તેમણે અંજનાને ખૂબ સમજાવી. અંજના જેને પ્રેમ સમજતી હતી તે એક ફરેબ માત્ર હતું. શહેરમાં તે રશ્‍મિનની વાતમાં ભોળવાઈને તેનું સર્વસ્‍વ લૂંટાવી બેઠી હતી...!

ગામમાં ચોતરફ વાત ફેલાઈ ગઈ. સમજુ માણસોએ અંજનાને મનાવવા પ્રયત્‍ન કર્યો. પણ તે કોઈની વાત માનવા તૈયાર નહોતી. મકકમ નિર્ધાર સાથે તે શહેરમાં આવી. શરૂઆતમાં ઓફિસમાં તર્ક-વિતર્ક થયો.

ગામમાં થતી વાતોથી તેના મમ્‍મી દુઃખી રહેવા લાગ્‍યાં. થોડા સમયમાં અંજનાને ફૂલ જેવી કોમળ દીકરીનો જન્‍મ થયો સમાચાર સાંભળી મમ્‍મીને અસહય આઘાત લાગ્‍યો. અને થોડા જ સમયમાં અવસાન પામ્‍યા. અંજના તેની દીકરીને લઈ ગામ આવી. ગામમાં સૌ તેના તરફ તિરસ્‍કાર ભરી નજરે જોઈ રહયાં. ઉર્વીશે પણ ગામ લોકોની વાતમાં આવી જઈ અંજના સાથેનો છેડો ફાડી નાંખ્‍યો !

અંજના ગામને અંતિમ વિદાય આપતાં તેની દીકરીને લઈ શહેરમાં આવી ગઈ.

શરૂઆતનાં દિવસો તેના માટે કપરા બની રહયા. દીકરીના સહારે તેણે નવા જીવનની શરૂઆત કરી. તેનું જીવન જાનકીમય બની ગયું. એકાંતમાં તેને રશ્‍મિનની યાદ આવી જતા રશ્‍મિન તરફથી મળેલા આધાતે તેની આંખ ભરાઈ આવતી. નાની જાનકી અંજનાની આંખમાં અકારણ આવેલા આંસુ જોઈ- કાલીધેલી ભાષામાં બોલતી, મમ્‍મી તું કેમ લળે...થે..?! અંજના જાનકીને હૈયા સરસી ચાંપી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડતી...!

કયાં ગયો હશે રશ્‍મિન શું થયું હશે..? તે વિચારતી રહેતી.

જાનકીની ઉંમર સાથોસાથ અંજના રશ્‍મિનને ભૂલી જાનકી તરફ ઘ્‍યાન આપવા લાગી.

ઉર્વીશે અભ્‍યાસ પૂરો કરી નોકરી મળી જતાં ગામમાં જ જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરી લીધાનાં સમાચાર અંજનને મળ્‍યા હતા. પિતાનાં અવસાન સમયે મમ્‍મી અને ઉર્વીશ જ અંજનાના સર્વસ્‍વ હતાં. તેમના માટે જ તેણે આ શહેરની નોકરી સ્‍વીકારી હતી. પણ આ શહેરે તેનું સર્વસ્‍વ લૂટી લીધું હતું...!

નાની જાનકી અવારનવાર તેના પપ્‍પાની વાત લઈ બેસી જતી. અંજના તેને પ્રેમથી સમજાવી તેને કયારેય રશ્‍મિનની ખોટ સાલવા દેતી નહોતી.

સમયનાં વહેણે જાનકી ઉંમરે પહોંચતા- મમ્‍મીની દુઃખ ભરી વાતો સાંભળી તેને ખૂબ દુઃખ થયું. તેને તેના પિતા તરફ ધુત્‍કારની લાગણી થઈ આવી.

જાનકીએ અભ્‍યાસ પૂરો કરી ઉચ્‍ચ હોદ્દાની નોકરી મેળવી શહેરમાંથી બીજા શહેરમાં મમ્‍મીને લઈ શિફટ થઈ ! આજે બંને મા-દીકરીનાં જીવનમાં ફરી પાછા સુખનાં દિવસો આવ્‍યા હતાં.

એક સાંજે અંજના શોપિંગ કરી ઘર તરફ ધીમા પગલે આવી રહી હતી.

 અંજના...!

પરિચિત અવાજથી અંજના ચોંકી ગઈ. તેણે અવાજની દિશામાં નજર કરી. મેલાઘેલા કપડાં, દાઢી તેમજ માથાનાં વધેલા વાળવાળી વ્‍યકિત તેને બોલાવી રહી હતી !

તેણે ચશ્‍માંને સહેજ સરખાં કર્યા.

 હું રશ્‍મિન…!

આટલા વરસો પછી આમ સાવ અચાનક રશ્‍મિનનો ભેટો થશે અને તે પણ આવી હાલતમાં તેવી તો અંજનાએ કલ્‍પના પણ કરી નહોતી.

અંજના અવાક્‍ બની રશ્‍મિનને જોઈ રહી. 

અંજના... હું તારો ગુનેગાર છું. મને માફ કરી દે. મને મારા કર્યાની સજા મળી ગઈ છે...! રશ્‍મિનની આંખમાં આંસુ આવ્‍યા.

રશ્‍મિન... આટલા વરસો સુધી તું કયાં હતો...? તારા વિનાની એક એક પળ મે કેવી રીતે પસાર કરી તે તને કેવી રીતે સમજાવું. આજ સુધી બસ એક તારી આશા અને આપણા પ્રેમની નિશાનીના સહારે જીવી રહી છું. અંજનાએ પાલવના છેડે આંખની કિનારી સાફ કરી.

એટલે તે લગ્ન…! રશ્‍મિન આગળ બોલી ન શકયો.

   હા...રશ્‍મિન, આપણી દીકરીના સહારે જીવી રહી છું.

શું...? આપણી દીકરી પણ છે ! રશ્‍મિન આશ્‍ચર્યથી જોઈ રહયો.

પળવાર માટે બંને મૌન બન્‍યા તે દિવસે મમ્‍મી-પપ્‍પાની વાતોમાં આવી જઈ વિદેશ જવાની લાલચમાં તેણે અંજનાનો ત્‍યાગ કર્યો હતો. અને વિદેશમાં સેટલ થયેલી કેતકી સાથે તેણે લગ્ન કરી લીધા ત્‍યારથી માંડીને કેતકી તરફથી થોડા જ સમયમાં તેનો ત્‍યાગ થતાં તે કેવી રીતે રોડ પર આવી ગયો ત્‍યાં સુધીની વાત તેણે અંજનાને કહી સંભળાવી.

સાંભળતા જ અંજના ઉપર તો જાણે આભ તૂટી પડયું. તે અત્‍યાર સુધી એક આશા સાથે જીવી રહી હતી કે, કયારેક તો તેને તેનો પોતાનો રશ્‍મિન મળશે... જેને તેણે વરસો પહેલાં તેના હૈયામાં બેસાડયો હતો. પણ આ તો...!

રશ્‍મિને દીકરીને મળવાની વાત કરી- અંજનાની આંખ ક્રોધથી ભરાઈ ગઈ.

રશ્‍મિન આ કરતાં તો તું ન મળ્‍યો હોત તો સારું હતું. હું એમ સમજીને મારા દિવસો પસાર કરતી કે, મારો રશ્‍મિન હજી જીવે છે પણ તું તો... રશ્‍મિન આજથી તું અમારા માટે...! અંજના આગળ બોલી ન શકી. તેના ગળે ડૂમો વળ્‍યો. તેણે રિક્ષા તરફ ઈશારો કર્યો. ઝડપથી રિક્ષામાં બેસી ગઈ.

   રિક્ષા ધૂળની ડમરી સાથે ઉપડી ગઈ. રશ્‍મિન વેદનાભરી નજરે તે તરફ જોઈ રહ્યો...!


Rate this content
Log in

Similar gujarati story from Romance