PRAVIN MAKWANA

Inspirational

4  

PRAVIN MAKWANA

Inspirational

દયાલજી પરમાર : સાહિત્યની કેડીએ

દયાલજી પરમાર : સાહિત્યની કેડીએ

9 mins
282


દિવસ-રાત તપ કરીને, છ વર્ષમાં ચાદ વેદનો સંસ્કૃતમાંથી માતૃભાષા ગુજરાતીમાં શ્રેષ્ઠ અનુવાદ કરનારા શ્રી દયાલ મુનિ આર્ય (મૂળ નામ દયાલજીભાઈ માવજીભાઈ પરમાર)ને ડિ.લિટની ડિગ્રી મળી અને આજે તો તેમનાં લખેલાં પુસ્તકો પાઠ પુસ્તક તરીકે ભણાવાય છે. મોરબીના ટંકારામાં રહેતા શ્રી દયાલજીભાઈ માવજીભાઈ પરમાર ઉર્ફે શ્રી દયાલ મુનિ આર્ય આજે 88મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. 28મી ડિસેમ્બર, 1934ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમના જીવનની અનેક સિદ્ધિ અને ઉપલબ્ધિ છે. તેમાં શિરમોર એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો માતૃભાષામાં અનુવાદ.

ભારતના આ સૌથી પ્રાચીન ગ્રંથો વિશે કોઈ ના જાણતું હોય તેવું ભાગ્યે જ બને. દરેકને આ ચાર વેદનાં નામ કડકડાટ આવડતાં હોય. જોડે જોડે એ પણ હકીકત કે આ ચાર વેદ ભાગ્યે જ કોઈએ જોયા હોય. જોયા ના હોય પછી વાંચવાનો જ સવાલ જ આવતો નથી. 

વેદોનું ગૌરવ બધા જ લે પણ ના તો કોઈએ વેદો જોયા હોય કે ના તે વાંચ્યા હોય.  તેમનું જીવન જેટલું રસપ્રદ છે એટલું જ પ્રેરક છે. તેમાં સંઘર્ષ છે, પુરુષાર્થ છે, ધર્મ માટેની નિષ્ઠા છે અને જીવન માટેની પાકી વફાદારી પણ છે.

***

હમણાં સંસ્કૃતના પંડિત અને સારસ્વત વિજય પંડ્યાને દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. ૧૬ વર્ષનું તપ કરીને તેમણે વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ઘણું મોટું કામ કર્યું છે. આ કામ માટે તેમને જુદી જુદી સંસ્થાઓએ પોંખ્યા પણ છે. જે કામ વિજય પંડ્યા એ રામાયણના સંદર્ભમાં કર્યું એવું જ એક હિમાલય જેવડું મોટું કામ ચાર વેદોના સંદર્ભમાં ટંકારામાં રહેતા વેદ ઋષિ તરીકે જાણીતા શ્રી દયાલ મુનિ આર્યએ કર્યું છે. છ વર્ષનું તપ કરીને તેમણે ચારે ચાર વેદનો સંસ્કૃતિમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. 

માત્ર પાંચ જ ધોરણ સુધી અભ્યાસ કરનારા આ શ્રી દયાલ મુનિ આર્યએ 20,397 મંત્રોનો અને આશરે આઠ લાખ સંસ્કૃત શબ્દોનો અનુવાદ સામાન્ય વાચક સમજી શકે એવી સરળ ભાષામાં કર્યો છે. તેમણે વેદોનો અનુવાદ કર્યો એનાં કુલ આઠ પુસ્તકો થયાં છે. એ પછી એમણે બીજાં પણ ઘણાં પુસ્તકોનો અનુવાદ કર્યો છે. 

કોણ છે આ દયાળ મુનિ આર્ય ?

શ્રી દયાલ મુનિ આર્ય વેદ ઋષિ છે. તેઓ નીવડેલા ચિકિત્સક છે. આયુર્વેદાચાર્ય છે. શિક્ષક અને પ્રોફેસર છે. સંશોધનકર્તા છે. લેખક અને સંપાદક છે. અનુવાદક અને સમાજ સુધારક છે. ગાયક અને વક્તા પણ છે. આમ એક જ વ્યક્તિમાં અનેક પ્રતિભા છુપાયેલી છે.

સંસ્કૃત ભાષા શીખવા માટે તેમણે તેલના દીવાના અજવાળે રાતોની રાતો જાગીને તપ કર્યું હતું. એ પછી તેઓ આર્ય ભાષામાં પારંગત બન્યા. ભારતના ચાર વેદો ઋગ્વેદ, યર્જુવેદ, સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદના અનુવાદ ઉપરાંત તેમણે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, માધવ નિદાન એ મહત્ત્વના ગ્રંથોનો પણ અનુવાદ કર્યો. અત્યાર સુધી તેમણે કુલ 51 પુસ્તકોનું લેખન કર્યું છે. તેમને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમીએ 2020ના વર્ષમાં સાહિત્ય ગૌરવ સન્માન પુરસ્કારથી વિભૂષિત કર્યા હતા. 

***

મોરબી જિલ્લાનું નાનકડું ગામ એટલે ટંકારા. આ ટંકારા ગામ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ તરીકે જાણીતું છે. ટંકારાની સાંકળી ગલીઓમાંથી તમે પસાર થાવ તો એક નાનકડા મકાનમાં તેઓ રહે છે. જીવનના પૂર્વાર્ધમાં દયાલજીભાઈ દરજી કામ કરતા હતા. તેમનું આખું નામ દયાલજીભાઈ માવજીભાઈ પરમાર. તેમને સંસ્કૃત ભાષામાં, ભારતીય સંસ્કૃતિમાં, આર્ય સમાજમાં ખૂબ રસ પડ્યો, એ પછી તેમણે સ્વાધ્યાય કરવાનું નક્કી કર્યું. વિધિસરનું શિક્ષણ લેવાનું કામ તો ખૂબ અઘરું હતું. સંજોગો જ નહોતા. કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ લઈને ભણવા સુધી તો પહોંચવાનું જ લગભગ અશક્ય હતું. એવી સ્થિતિમાં દયાલજીભાઈએ એવું કામ કર્યું કે આજે તેમણે લખેલાં પુસ્તકો વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવી રહ્યાં છે.

તેમના નામે અનેક મોટાં મોટાં કાર્યો બોલે છે. આપણે જોયું તેમ એમાં સૌથી મોટું કાર્ય તે ભારતના ચાર વેદોનો ગુજરાતીમાં અનુવાદ. આમ તો એવું કહેવાય છે કે વેદ એ ઈશ્વરની વાણી છે. એ લિખિત સ્વરૂપમાં હતી જ નહીં. ભગવાને ચાર ઋષિને વેદો કહ્યા હતા. માતૃભાષા ગુજરાતીમાં આ તમામ વેદોને લઈ આવવાનું ભીષ્મ કે ભગીરથ કર્મ શ્રી દયાલ મુનિ આર્યએ કર્યું. 

દયાલજીભાઈ માવજીભાઈ પરમાર આર્ય સમાજમાં દીક્ષિત થયા એટલે તેમને શ્રી દયાલ મુનિ આર્ય એવું નામ મળ્યું. લગભગ છ વર્ષના સમયગાળામાં એમણે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદના સંસ્કૃતમાંથી 20,397 મંત્રોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. 

***

શ્રી દયાલ મુનિ આર્યનો જન્મ 18 મી ડિસેમ્બર, 1934 ના રોજ થયો હતો. તેમનાં માતાનું નામ મોંઘીબહેન અને પિતાનું નામ માવજીભાઈ. મૂળ વતન ટંકારા. ટંકારામાં રહેતા હોય એટલે કુટુંબ આર્યસમાજી હોય એવું કહેવાનું ના હોય. આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. દયાલજીભાઈ માંડ માંડ પાંચ વર્ષ ધોરણ સુધી ભણી શક્યા રમવા. ભણવાની ઉંમરે એટલે કે લગભગ 10 11 વર્ષની વયે તેઓ દરજી કામમાં લાગી ગયા. ટંકારામાં જ રહીને લગભગ ૨૦ વર્ષ સુધી તેમને દરજી કામ કર્યું. શૂટ પેન્ટ અને કોટ સિવવામાં તેમની નિષ્ણાતી હતી. એના તેઓ પારંગત બની ગયા હતા. પુત્ર કમાતો થયો એટલે પિતા માવજીભાઈએ માત્ર 20 વર્ષની ઉંમરે એટલે કે 1955માં તેમનામ લગ્ન પડઘરીમાં રહેતા વાસંતીબહેન સાથે કરાવી આપ્યાં હતાં. અહીં નોંધવું જોઈએ કે સંયુક્ત કુટુંબની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે દયાલજીભાઈ દરજીકામ કરવા માટે થોડો સમય મુંબઈ પણ રહ્યા હતા.

તેમનો અભ્યાસ માત્ર પાંચ ધોરણ સુધીનો, પણ વાંચવાનો ખૂબ શોખ હતો. ટંકારામાં આર્ય સમાજનું સમૃદ્ધ પુસ્તકાલય. પિતા આર્ય સમાજ સાથે જોડાયેલા. દયાલજીભાઈ પુસ્તકો વાંચી-વાંચીને લેખક બની ગયા. તેઓ કહે છે કે આજે હું જે કંઈ છું એ માત્રને માત્ર પુસ્તકોને કારણે જ છું. તેમના ઘરમાં સાહિત્ય છલકાતું. વિવિધ ધર્મો અને મહત્ત્વનાં શાસ્ત્રો ગીતા, કુરાન, બાઇબલ, તથા જૈન સાહિત્ય વગેરેના ધર્મગ્રંથો હોય. તેઓ એ બધું વાંચ્યા જ કરે. ઘર આખું પુસ્તકોથી ભરેલું હોય. પુસ્તકો મારા ઘરમાં નહીં, પણ હું પુસ્તકોના ઘરમાં રહું છું એવું શ્રી દયાલ મુનિ આર્ય કહે છે.

કેવી નવી અને સરસ વાત તેઓ કરે છે ?

એ સમયે ટંકારામાં દયાનંદ સ્મારક ટ્રસ્ટ બનતાં ત્યાં સંસ્કૃત ભણાવવા માટે વિદ્વાનો આવ્યા. જાણે કે દયાળજીભાઈનું નસીબ ચમકી ગયું. આ બધા વિદ્વાનોમાં એક કાશીના પંડિત યુધિષ્ઠિર પણ હતા. તેમની પાસે દયાલજીભાઈ સંસ્કૃત શીખવા મળ્યા. દિવસે દરજી કામ કરે અને રાત્રે સંસ્કૃત શીખે. એક બાજુ કપડાં સીવાતાં જાય અને બીજી બાજુ સંસ્કૃત શીખતા જાય. સંસ્કૃત ભાષા શીખવા માટે તેલના દીવાના અજવાળે તેઓ મધરાત સુધી જાગતા. આ એક તપ હતું. છેવટે તેઓ આર્ય ભાષા સંસ્કૃતમાં પારંગત બની ગયા.

એ પછી તો તેમણે એ સમયે મેટ્રિક સમકક્ષ ગણાતી સંસ્કૃત ભાષામાં પારંગતની પરીક્ષા પાસ કરી. તેના આધારે ટંકારાની આયુર્વેદિક કોલેજમાં જોડાયા. હવે તેઓ ભણાવવા લાગ્યા. આર્થિક જરૂરિયાત તો હતી જ. ટંકારાની મહર્ષિ દયાનંદ વિદ્યાલયમાં શિક્ષક તરીકેનું કામ પણ સ્વીકાર્યું.

 તેઓ દરરોજ બે તાસ ધોરણ 10 અને 11 માં લેતા હતા. દરજી કામ ચાલુ અને ભણવાનું પણ ચાલુ.

સને 1968ના જાન્યુઆરીમાં તેમણે ઇન્ટરશીપ પૂરી કરી. આયુર્વેદ ચરક સંહિતામાં તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવ્યા હતા. પહેલી જાન્યુઆરી, 1969ના રોજ વગર ઇન્ટરવ્યૂ એ તેઓ અધ્યાપક તરીકે નોકરીમાં જોડાઈ ગયા. છેક 1992 સુધી તેમણે અહીં ફરજ બજાવી. નિવૃત્ત થયા ત્યારે મેડિસિન કાર્ય ચિકિત્સા વિભાગના વડા હતા.

આ રીતે જોઈએ તો શ્રી દયાલ મુનિ આર્યનું જીવન અત્યંત રસપ્રદ અને પ્રેરક છે નોકરી દરમિયાન આયુર્વેદ સાહિત્ય ઉપરાંત વ્યાખ્યાન ચરક સંહિતા સુશ્રુત સંહિતા માધવ નિદાન વિશે 18 પુસ્તકો તૈયાર કર્યાં. આ પુસ્તકો અત્યારે બીએએમએસના વિદ્યાર્થીઓનાં પાઠ્યપુસ્તકો છે. તેમણે આયુર્વેદ ઉપર અનેક સંશોધન પત્રો અને લેખો પણ લખ્યા છે.

નિવૃત્તિ પછી તો તેઓ વતન ટંકારામાં સ્થાયી થયા. આર્ય સમાજની નિશ્રામાં 25 વર્ષ સુધી તેમણે આયુર્વેદ ચિકિત્સાલયમાં નિઃશુલ્ક સેવા આપી છે. હજારો દર્દીઓને નવજીવન આપ્યું છે. 

તેમણે વેદોનો અનુવાદ શા માટે કર્યો ?

આપણે તેમની પાસેથી જ સાંભળીએ.

તેઓ કહે છેઃ આની પાછળ એક નાની ઘટના જવાબદાર છે. જૂનાગઢમાં આર્ય સમાજનો કાર્યક્રમ હતો. જ્યાં મારા લખેલા પુસ્તક સત્યાર્થ પ્રકાશનું વિમોચન હતું. રોજડસ્થિત વાનપ્રસ્થ આશ્રમના આચાર્ય જ્ઞાનેશ્વરજી પણ મારી સાથે હતા. ત્યાં કોઈ વ્યક્તિએ આવીને જ્ઞાનેશ્વરજીને પૂછ્યું કે ગુજરાતીમાં અનુવાદ કરેલા વેદો ક્યાં મળે ? તેમની પાસે જવાબ નહોતો. તેમને મનની અંદર ખટક લાગી. આ માટે કોઈને કાર્ય કરવા મને શોધવાનું કહ્યું. યોગ્ય વ્યક્તિનો ભેટો ન થયો અને અંતે જ્ઞાનેશ્વરજીએ મને વેદોનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું કામ સોંપ્યું. 

વેદોનું ગુજરાતીમાં અર્થઘટન કરતાં દયાલ મુનિને આમ તો છ વર્ષ થયાં છે. એ વખતે દયાલ મુનિ દરરોજ 10 કલાક કામ કરતા. ચાર વેદોના સંસ્કૃતમાંથી 21,000 મંત્રો અને 7,68,000 થી વધુ સંસ્કૃત શબ્દોનો તેમણે સામાન્ય વાચક સમજી શકે તેવી સરળ ભાષામાં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ઋગ્વેદ ખંડના 10,552, યજુર્વેદ ખંડના 1975, સામવેદના 1875 અને અથર્વેદના બે ખંડના 5877 મંત્રનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમણે જ ખૂબ સુંદર કામ કર્યું છે. આખા શ્લોકનો અનુવાદ દરેક પદ એટલે કે શબ્દનો અર્થ અને પછી તેનો ભાવાર્થ એ રીતે તેમણે અનુવાદ કર્યો છે.

વેદનું જૂનું સંસ્કૃત, પ્રાકૃત ભાષાના મંત્રો સુક્ત કે રુચા એમ એક એક શબ્દનો અર્થ અને પછી તેનો તેમણે ભાવાર્થ એવો અનુવાદ તેમણે કર્યો છે. આ બધા જ ગ્રંથો ફોર કલર પ્રિન્ટિંગમાં ઉપલબ્ધ કરાવાયા છે. આ વેદ ગ્રંથોને સાબરકાંઠાના રોજડ ગામે આવેલા સ્વામી સત્યપતિજીએ સ્થાપેલા વાનપ્રસ્થ સાધક આશ્રમના સ્વામી જ્ઞાનેશ્વરજીએ પ્રકાશિત કર્યા છે. એક કરોડ રૂપિયાના ખર્ચે તેનું પ્રકાશન કરાયું છે. આ એક મોટું કામ થયું છે. માતૃભાષા ગુજરાતીમાં તમામ વેદો ઉપલબ્ધ હોય એ મોટી વાત છે, ઉત્તમ વાત છે.

શ્રી દયાલ મુનિ આર્યએ બીજાં પણ ઘણાં પુસ્તકો લખ્યાં છે. ટંકારાથી સિદ્ધપુર મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્યાં ગયા ત્યાં જઈને તેમનું જીવનચરિત્ર પણ તેમણે આલેખ્યું છે. અત્યાર સુધી તેમણે 51 પુસ્તકો લખ્યાં છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર દ્વારા તેમને ડિ લીટની ડિગ્રી પણ અપાઈ છે. તેઓ જામનગરમાં રહેતા ત્યારે દૈનિક ત્યાંથી પ્રકાશિત થતા દૈનિકમાં આયુર્વેદિક કોલમ પણ લખતા હતા. તેમના ઘણા લેખો અખબારો અને સાપ્તાહિકો વગેરેમાં પ્રકાશિત થયા છે. 

રેડિયો ઉપર પણ તેમણે વાર્તાલાપો આપ્યા છે. માત્ર 20 વર્ષની ઉંમરે મહાભારતથી લઈને મહર્ષિ દયાનંદ સરસ્વતી સુધીના સમયમાં થયેલા ધાર્મિક આંદોલનો વિષયનું એક નોંધપાત્ર પુસ્તક તેમણે સ્વખર્ચે પ્રકાશિત કર્યું હતું. 

નિવૃત્ત થયા પછી તેઓ રોજડ ગામ પાસે આવેલા વાનપ્રસ્થ આશ્રમમાં સાધના માટે એક બે મહિના જતા. આ રીતે 15 વર્ષ તેમણે ખૂબ સાધના કરી. વાચન અને અધ્યયન કર્યું. એ પછી હવે તેઓ નિવૃત્ત થયા પછી પોતાના ગામ ટંકારામાં ઉત્તરાર્ધ ગાળી રહ્યા છે.

 તેઓ કહે છે કે મારી આ સાહિત્ય યાત્રામાં મારાં જીવનસાથી ધર્મપત્ની વસંતબહેનનો મોટો સહયોગ મળ્યો છે. હું જ્યારે વેદોનું ભાષાંતર કરવાનું કાર્ય કરતો કે કંઈ પણ લખવાનું કાર્ય કરતો ત્યારે પત્ની દૂધ ગરમ કરીને ટેબલ પર મૂકી જતાં. હું ભૂલી જાઉં તો ફરી દૂધ ગરમ કરીને લાવે અને મૂકી જાય અને કહે કે પી લો નહીંતર ફરી ઠરી જશે.

શ્રી દયાલ મુનિ આર્ય કહે છે કે જૂનાગઢના ગાયત્રી પરિવારના એક કાર્યક્રમમાં એક વ્યક્તિના એક વાક્યથી વેદોનો અનુવાદ કરવાની પોતાને પ્રેરણા મળી એ પોતાના જીવનનો યાદગાર પ્રસંગ છે.

તેઓ ખરેખર ઉત્તમ જીવન જીવી રહ્યા છે. સવારે ઊઠીને એક કલાક દરરોજ ઈશ્વરના સાનિધ્યમાં યોગ અને સાધના કરે છે. દરરોજ યજ્ઞ કરે છે. વેદપાઠ અને સાહિત્યનું વાંચન કરે છે. એ પછી સવારે દૂધ અને હળવો નાસ્તો કરે છે દયાળજીભાઈએ પોતાના જીવનમાં ક્યારેય ચા પીધી નથી. તેમણે દર્શન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. ફિલોસોફી યોગ બધું જ તેઓ શીખ્યા છે.

દયાલજીભાઈ એ એક સંકલ્પ કર્યો છે. તેમણે અત્યાર સુધી દર્દીઓ પાસેથી ક્યારેય પૈસા નથી લીધા. તેમણે ટંકારામાં 25 વર્ષ સુધી વિના મૂલ્યે ચિકિત્સાલયમાં સેવા આપી છે. અત્યાર સુધી તેમને અનેક સન્માન મળ્યાં છે. દરેક સન્માનમાં રકમ ઉમેરીને તેમણે આર્ય સમાજ કે અન્ય કોઈ યોગ્ય સંસ્થાને દાનમાં આપી દીધી છે. 

તેમને સાત લાખ રૂપિયાની થેલી સન્માનમાં મળી હતી તો તેમાં એક લાખ ઉમેરીને વાનપ્રસ્થ સાધક આશ્રમમાં તેમણે દાન કરી દીધું હતું. મુંબઈ ઘાટકોપર આર્ય સમાજએ પણ તેમને રકમ આપી હતી તો તેમાં પણ તેમણે આવું કર્યું હતું. ગુજરાત સંસ્કૃત અકાદમીએ ₹ 1,00,000 તેમને આપ્યા તો શ્રી દયાલ મુનિ આર્યએ પોતાના તરફથી બે લાખ રૂપિયા ઉમેરીને પાંચ લાખ રૂપિયા ટંકારાની સંસ્થાને દાનમાં આપી દીધા હતા.

વેદો અને ગુજરાતીમાં સરળ અનુવાદ કરનાર દયાલ મુનિ આધ્યાત્મિક જીવ છે. તેઓ કહે છે તેમ પૂર્વ જન્મના સંસ્કારો હશે તેથી આ જન્મમાં તેમને સાધનાની તક મળી છે. દયાલ મુનિ સાથે નોકરીમાં અનેક વાર રજા મૂકીને નડિયાદ પાસે આવેલા પૂજ્ય મોટાના હરિઓમ આશ્રમમાં પણ સાધના કરી છે

તો આવા છે જીવન સાધક, અનુવાદક, ચિકિત્સક, સુધારક, શિક્ષક અને સર્જક એવા શ્રી દયાલ મુનિ આર્ય.

આજે તેમનો 88મો જન્મદિવસ છે.

તેમના દીકરા ભરતભાઈ પરમાર પોતાના પરિવાર 40 વર્ષથી વડોદરામાં સ્થાયી થયા છે. તેમને ટેલરિંગની દુકાન છે. દીકરી ભારતીબહેન પરણીને સાસરે સ્થાયી થયાં છે. તેમનાં ધર્મપત્નીનું 17મી જુલાઈ, 2022ના રોજ નિધન થયું છે. 

નાદુરસ્ત તબિયતને કારણે અત્યારે ભરતભાઈ પોતાના પિતાની સારવાર અને સેવા કરવા ટંકારા આવ્યા છે. 

શ્રી દયાલ મુનિને પાઈલ્સની જૂની તકલીફ છે. હરણિયાની બિમારી છે. પ્રોસ્ટેટનો પણ પ્રશ્ન છે. ઉંમરને કારણે હવે ઓછું સાંભળે છે. ગઈ કાલે મને ફોન પર કહેતા હતા કે આ શિયાળો નીકળે તો નીકળે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational