mariyam dhupli

Romance Inspirational Thriller

3  

mariyam dhupli

Romance Inspirational Thriller

દિલ ચીર કે દેખ - ૩

દિલ ચીર કે દેખ - ૩

7 mins
381


મારી બાઈક સડસડાટ હાઈવે પકડી શહેરથી દૂર તરફ ઉપડી રહી હતી. આખા વિશ્વથી જાણે મને અદ્રશ્ય થઈ જવું હતું. બાળપણમાં નિહાળેલ મિસ્ટર ઈન્ડિયા ફિલ્મનાં હીરોની જેમ કાશ હું પણ આ સમાજ માટે, મારા કુટુંબ માટે, મારા અધ્યાપકો માટે અદ્રશ્ય થઈ જાઉં. હું કોઈની નજરે ન ચઢું. મારા મનમાં એવી અદમ્ય ઈચ્છા અંતિમ ઘણા દિવસોથી આકાર લઈ રહી હતી. સડસડાટ ભાગી રહેલી બાઈક ઉપર મારું માથું હેલ્મેટની અંદર ચારે તરફથી ગોંધાયેલું હતું. ફક્ત બે આંખો પારદર્શક સપાટીમાંથી દ્રશ્યમાન હતી. મારી પાછળ લપાયેલું શરીર મને એના હળવા સ્પર્શ થકી આહલાદક હૂંફ પુરી પાડી રહ્યું હતું. એક હાથ મારા ખભા ઉપર અને બીજો હાથ મારી કમરને નાજુક પકડ વડે વીંટળાઈ વળ્યો હતો. એ શરીરની ઓળખાણ છતી ન થાય એ હેતુસર મેં એક અન્ય ઉછીની હેલ્મેટની જોગવાઈ કરી હતી. એ નાજુક નમણું માથું એ ભારેખમ હેલ્મેટ નીચે હેમખેમ સંતુલન સાધી રહ્યું હતું. કંઈક પ્રાપ્ત કરવા કંઈક ગુમાવવું પણ પડે. આરામદાયકતાનો ત્યાગ બન્ને પક્ષે રાજીખુશીએ થઈ રહ્યો હતો. કોઈ બળજબરી ન હતી. 

જીવન ઘણું અટપટું છે. દુઃખ, પીડા, યાતનાની ઘડીઓ કેટલી લાંબી હોય છે ! પસાર થવાનું નામજ નથી લેતી. જયારે મનને સંતોષ અને આનંદ આપતી ક્ષણો કેટલી ટૂંકી હોય છે ! હાથમાંથી સરી પડતી રેતી સમાન. 

મારી પાસે બહુ સમય હતો નહીં. જે નામની ક્ષણો હાથ લાગી હતી એનો શક્ય એટલો ઉપયોગ કરી લેવો હતો. ખબર નહીં આવી તક ફરી ક્યારે મળે ? એ વિચાર જોડેજ બાઈકને બમણું એક્સિલેટર આપ્યું અને પાછળનું શરીર એ અણધારી ઝડપથી સરકતું મારી વધુ નજીક ખેંચાઈ આવ્યું. આ વખતે એ શરીરના દરેક અંગોને હું મારા શરીર ઉપર રીતસર અનુભવી શક્યો. 

મારા શરીરનું તાપમાન એકાએક ઉષ્ણ થઈ ઉઠ્યું. હૃદયના ધબકાર બહાર સાંભળી શકાય એ રીતે ધાંધલ મચાવા લાગ્યા. હેલ્મેટમાં મને મારા શ્વાસ વધુ ગરમ અનુભવાયા. શરીરનું રોમેરોમ રોમાંચિત થઈ ઉઠ્યું. શું પાછળ બેઠા એ શરીરમાં પણ એવીજ અગ્નિ સળગી રહી હતી જેવી મારા અંતરમાં સળગી ઉઠી હતી ? કાશ હું સીધા શબ્દોમાં પૂછી શકતો હોત.

યુવતીઓનાં મામલામાં હું પહેલેથીજ ઘણો શરમાળ હતો. એકમાત્ર જીયા સિવાય મારી અન્ય કોઈ કન્યા મિત્ર ન હતી. બારમાં ધોરણ સુધી બોય્ઝ સ્કૂલમાં અને હવે બોય્ઝ કોલેજમાં ભણી રહ્યો હતો. કોઈ યુવતી જોડે આગળથી વાત કરવું મારા માટે અશક્ય હતું. 

દિશા મને ગમતી હતી. એને પહેલીવાર નિહાળતાંજ મારા મનનાં તાર છંછેડાયા હતાં. આવું કદી મેં જીવનમાં પહેલા અનુભવ્યું ન હતું. એના સામે આવતાજ ખબર નહીં શું થઈ જતું ? હું જાણે ' હિપ્નોટાઈઝ ' થઈ જતો. એનું રૂપ મને પોતાની તરફ ચુંબક સમું આકર્ષતું. એની ભૂરી આંખો, પાતળા હોઠ, નકશીદાર નાક, સ્વસ્થ કાયા, વાંકડિયા વાળ અને એનું એ વીંધી નાખતું અપ્સરા જેવું હાસ્ય. 

દિશા પણ મારી જેમ અંતર્મુખી હતી. મહોલ્લામાં હજી એ મિત્રો બનાવી શકી ન હતી. એમ પણ ઘરેથી બહાર જૂજ નીકળતી. એની મમ્મી જોડે મંદિરે કે બજાર વસ્તુઓ ખરીદવા નીકળતી ત્યારે એના દર્શન થતા. અને મારો દિવસ સુધરી જતો. 

પણ મારા મનનાં ભાવો એનાં સુધી પહોંચી શકશે કે નહીં ? એ એક મોટો પડકાર હતો. જીયાની આંખો જે રીતે દિશાને મૌન રહેંસી નાખતી એ નિહાળતાં મારા મનનાં ભાવો હું મનમાંજ દબાવી બેઠો હતો. 

દબાણ...દબાણ..દબાણ....

કેટલું દબાણ ? એક નાનકડા હૃદય ઉપર. હું અંદરોઅંદર ગૂંગળાય રહેતો. દિશાને જોયા વિના દિવસ પસાર કરવું અશક્ય બની ગયું હતું. હું કોલેજથી આવી સીધો મારા ઓરડામાં ભરાઈ જતો. પુસ્તકોનાં બહાને સામેનાં મકાનની બારી ઉપર મારી દ્રષ્ટિ જડાયેલી રહેતી. કેટલા કલાકો હું આમજ વિતાવતો. જે ક્ષણે દિશા બારી નજીક આવતી મારા ચહેરા અને મન પ્રફુલ્લિત થઈ ઉઠતા. મારા તરફ વેરાયેલું એ મધ જેવું સ્મિત મને સ્વર્ગની અનુભૂતિ કરાવતું. 

આખી આખી રાત મને દિશાનાં વિચારો આવતા. સવાર પડતાં આંખ લાગી જતી. ઘણી વાર વાંચન માટે સેટ કરેલ અલાર્મ મને જગાડવામાં નિષ્ફ્ળ જતા. જીયા જોડે બુધવારે લાઈબ્રેરી જવાનાં કાર્યક્રમ ઉપર હું પૂર્ણવિરામ લગાવી ચૂક્યો હતો. હવે એની લાંબી લાંબી વાતો કંટાળો પેદા કરતી હતી. દિશા જોડેની મૌન વાતચીત વધુ અર્થસભર લાગતી હતી. જીયાના સમાજસેવાનાં કાર્યો પાછળ મને મારો કિંમતી સમય વેડફવો ન હતો. હું હવે એના માટે પહેલાની માફક ' ઓલ્વેઝ અવેલેબલ ' ન હતો. એને એ વાતનો રંજ હતો અને એ સ્પષ્ટ એની વાતના કટાક્ષમય લ્હેકામાં છલકાઈ આવતો. એના એ માલિકીભાવથી હું પણ સુરક્ષિત અંતરે પહોંચી ગયો હતો. હવે અમારી વચ્ચે ઔપચારિક વાતો સિવાય કશું થતું નહીં. 

પરીક્ષાનું ટાઈમટેબલ આવી ચૂક્યું હતું. પણ દર વખતની જેમ આ વખતે મને કોઈ ચિંતા, તાણ કે ફિકર હતીજ નહીં. મારે જીયા જોડે કશી વહેંચણી કરવાની ન હતી. દિશા મારી ઔષધિ હતી. એ મને જીવનની દરેક મુશ્કેલીઓથી દૂર લઈ જતી. એની આંખોમાં ડૂબકી લગાવી હું જીવનની યાંત્રિકતાથી દૂર જતો રહેતો. એક એવા પ્રદેશમાં જ્યાં ચારે તરફ પ્રેમ હતો, હૂંફ હતી, રોમાંસ હતો. જ્યાં શરીરનાં દરેક અણુ એક એવી શાંતિનો અહેસાસ કરતા જેને શબ્દોમાં ન વર્ણવી શકાય. 

મારે એ પ્રદેશમાં હંમેશ માટે રોકાઈ જવું હતું. એ શાંતિ મારાં શરીરનાં અણુઓને આજીવન જોઈતી હતી. મને દિશાનાં થઈ જવું હતું અને દિશાને મારી બનાવી લેવી હતી. હંમેશ માટે. આ ભાવજગત મારા માટે નવું હતું. જ્યાં બધીજ જૂની ભાવનાઓ, જૂના સંબંધો, જૂનું જીવન ધૃણાસ્પદ લાગી રહ્યું હતું. એ હાજર હોય કે ગેરહાજર એનાંથી મનને કશો ફરક પડતો ન હતો. 

મહત્વનું કશું હતું તો એ દિશા અને દિશા જોડેનું મારું ભવિષ્ય. પણ એ ભવિષ્યની શરૂઆત ક્યાંથી કરવી ? વર્તમાનમાં મારું મગજ ગોથાં ખાઈ રહ્યું હતું.

કહેવાય છે કે જેને પામવા તમે હૃદયથી ચાહો છો એને તમારી જોડે મેળવી અપાવવા આખી સૃષ્ટિ કામે લાગી જાય છે. 

સૃષ્ટિ કામે લાગી ચૂકી હતી. એ વાતનો પૂરાવો આપતી દિશાની ફ્રેન્ડ રિકવેસ્ટ એક દિવસ મારાં ફેસબુક અકાઉન્ટમાં આવી પહોંચી. એ ઈશ્વરનો ઈશારો હતો. મારી તો દીવાળીજ થઈ ગઈ. 

જોતજોતામાં અમારી ચેટિંગ શરૂ થઈ ગઈ. 

ચેટિંગ દ્વારા મને દિશા વિશે ઘણી માહિતી મળી. એના પરિવારને નજીકથી જાણવાની તક મળી. એક પાંજરામાં પૂરાયેલું પંખી હતું એ. રૂઢિચુસ્ત માતાપિતાએ ૧૨ ધોરણ પછી એનો અભ્યાસ રૂંધી નાખ્યો. એને હજી આગળ ભણવું હતું. નોકરી કરવી હતી. પગભર થવું હતું. સ્વપ્નોની પાંખ કપાતી હશે ત્યારે લોહી ભલે ન નીકળતું હોય પણ જીવ તો નીકળતોજ હશે ને ? જ્યાં પણ જવું હોય માતા-પિતામાંથી કોઈ એક હંમેશા એની જોડેજ હોય. ચાર ભીંતો વચ્ચે સવાર સાંજ ભીંસાતું એ જીવન અને એની પીડા મારી કલ્પના શક્તિની બહારની વાત હતી. 

બંધ પાંજરામાં ગોંધાયેલા પંખીને થોડી મુક્ત શ્વાસો ભેટ ધરવી પુણ્યનું કામ હોય. એ માટે જો થોડા જુઠાણાનો સહારો લેવો પડે તો એમાં કશું ખોટું ખરું ? એ સાંજે એની મમ્મીની તબિયત ઠીક ન હતી. પપ્પા ઓફિસે હતા. એકલા મંદિર જવાની તક મળતાંજ એનો મેસેજ મને મળ્યો અને બસ એ પંખીને હવામાં ઉડાવી હું બાઈક ઉપર લઈ આવ્યો. 

બાઈકને બ્રેક લાગી. અત્યંત લાંબી ડ્રાયવીંગ બાદ મારા સ્નાયુઓ ઢીલા કરવા હેલ્મેટ ઉતારી મેં મારા હાથને ઉપર નીચે કસરત કરાવી. ચારે તરફ ઘનઘોર ઝાડીઓ હતી. દૂર દૂર સુધી એક પણ મનુષ્યની અવરજવર ન હતી. અમારા બે હૈયાઓ સિવાય ત્યાં કોઈ પણ ધબકારને અવકાશ ન હતો. 

દિશા જોડે વાતનો સેતુ રચવા હું એની તરફ ફરું એ પહેલાંજ બે મૃદુ સુંવાળા હાથ પાછળ તરફથી મારી છાતી સુધી પહોંચી ગયા. મારા શરીરમાં જાણે જ્વાળામુખી ફાટી નીકળ્યો. આ પહેલા મને કદી કોઈ સ્ત્રી સ્પર્શનો એવો અનુભવ ન હતો. મારા શરીરનાં રોમેરોમમાં ગરમાટો વ્યાપી ગયો. હું ધીમે રહી દિશાની તરફ વળ્યો. એનો ચહેરો મારા હાથમાં લીધો. બે તેજ ધરાર ભૂરી આંખો, એનાં મધ્યમાં સુંદર અણીદાર નાક અને એની નીચે તરફ પાતળા, કોમળ ધ્રુજતા હોઠ. મારા હોઠ અનાયાસે એ ધ્રુજતા હોઠને સ્પર્શી ગયા.

મારા જીવનનું એ સૌથી પહેલું ચુંબન હતું. મારું અંતરજગત હાલી ઉઠ્યું હતું. એકજ ક્ષણમાં જાણે આખું જીવન જીવી લીધું હતું. 

તપસ્યાને ભંગ કરતો કર્કશ ફોન એજ ક્ષણે ગાજી ઉઠ્યો. જીયાનો ફોન હતો. મને એનાં ઉપર રીસ છૂટી. શું ટાઈમિંગ હતો એનો !

ટાઈમિંગ !

સમય ? મારી નજર મારી રિસ્ટવોચ ઉપર અફળાઈ. સમય થઈ ગયો હતો. 

" નીકળવું પડશે. "

મારે કમને કહેવું પડ્યું. 

" મેં કુછ દીનો કે લિયે મુંબઈ જા રહી હું. ડેડકે દોસ્તકી બેટી કી શાદી હે. "

મને માહિતી આપતા મારાં ખભાને સહારે એ બાઈક ઉપર ગોઠવાઈ. બન્નેએ ફરીથી સુરક્ષા કવચ સમી હેલ્મેટ ચઢાવી અને બાઈક પૂર ઝડપે શહેર તરફ ભાગવા લાગી. 

કોઈને શંકા ન થાય એ માટે પહેલા દિશાએ મહોલ્લામાં પ્રવેશ કર્યો. થોડા સમય પછી મારી બાઈક મહોલ્લામાં પ્રવેશી. ઝડપભેર બાઈકને સ્ટેન્ડ ઉપર ગોઠવીજ કે જગ્ગા જાસૂસ સમી જીયા મારી સામે આવી ઉભી રહી ગઈ. 

" કોલ કેમ નથી ઉપાડતો ? ક્યાં હતો તું ? "

પ્રશ્ન પૂછતાં એણે એક નજર દિશાનાં મકાન તરફ નાખી. હું અકળાઈ ઉઠ્યો. 

" કેમ તને જવાબ આપવા મારી ફરજ છે ? " મારી આંખોમાંનો તિરસ્કાર મેં કોઈ પણ આડ વિના સીધો એની તરફ ફેંક્યો. 

" અંકલનો ફોન આવ્યો હતો. તને મોડું થયું એટલે ચિંતા કરતાં હતાં. તને કોલ કરી રહ્યા હતાં. પણ તને ઉપાડવાની ફૂરસદ ક્યાં છે ? ટ્યુશનમાં એટલો વ્યસ્ત છે. ને હોય જ ને. પરીક્ષા માથે આવી ઉભી છે તે. ટ્યુશન બેગ પણ સાથે લઈ જવાનું ભૂલી ગયો હતો. સો મચ પ્રેશર ! "

મને શક્ય તેટલા કટાક્ષ સંભળાવી એ ત્યાંથી નીકળી ગઈ. મેં તરતજ મોબાઈલ તપાસ્યો. જીયાનો કોલ આવ્યો હતો ત્યારેજ મેં ફોનને સાઈલેન્ટ મોડ ઉપર મૂકી દીધો હતો. પિતાજીનાં ઘણાં મિસકૉલ હતાં. હંમેશા ટ્યુશન બાદ નિયમિત સમયે શિસ્તબદ્ધ ઘરે પહોંચી જવાની મારી સુટેવ ઉપર મને ક્રોધ છૂટ્યો. આજે પહેલીવાર ટ્યુશન બંક કર્યુ અને......

વિચારોનાં વમણમાં અટવાતાં હું ઝડપથી ઘરની દાદર ચઢી ગયો. પિતાજી દરવાજા નજીક ઉભા હતાં. મારાં મનમાં શંકાના બીજ રોપાયા. શું એમણે મારી અને જીયાની વાતો સાંભળી હશે ? ચૂપચાપ માથું નીચે ઢાળી હું ઘરમાં પ્રવેશી ગયો. 


Rate this content
Log in

Similar gujarati story from Romance