Prashant Subhashchandra Salunke

Drama Romance Fantasy

4  

Prashant Subhashchandra Salunke

Drama Romance Fantasy

દીવાલ ખામોશીની

દીવાલ ખામોશીની

8 mins
414


કુદરત ખૂબ ચાલાક છે ! તે માણસને પોતાની ભૂલો સુધારવા કે કબુલવા માટેની એવી રીતે તક આપતો હોય છે કે, માણસ ઈચ્છીને પણ તેનો લાભ લઈ શકતો નથી. કારણ ક્યારેક પરિસ્થિતિ તેના અનુકુળ હોતી નથી તો ક્યારેક તેની હિંમત ચાલતી નથી. ચાલો આવી જ એક ઘટનાથી હું તમને આજે વાકેફ કરાવું.

ઈ.સ. ૨૦૦૭ સાલમાં વિઠ્ઠલદાસ હાઈસ્કૂલમાં ભણતા દસમા ધોરણના વિધાર્થીઓએ તેમની બેચના સ્કૂલ રિયુનિયનનું આયોજન કર્યું હતું. કલ્પેશ નામનો યુવક આ બધામાં અગ્રેસર હતો. તેણે સ્કૂલના પ્રિન્સીપાલની પરવાનગી લઈ સ્કૂલના જ ચોગાનમાં રિયુનિયનનું આયોજન કર્યું હતું. એ દિવસે રવિવાર આવતો હોવાથી પ્રિન્સીપાલે પણ હસતેમુખે મંજુરી આપી દીધી હતી. ત્યારબાદ સોશ્યલ મીડિયા થકી સહુ મિત્રોને સંદેશ મોકલવામાં આવ્યા અને રિયુનિયનનું આયોજન થઈ ગયું.

ટૂંકાગાળામાં જ ગોઠવેલા આ આયોજનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. સહુ મિત્રો હવે બેચેનીથી રિયુનિયનનો ઈંતજાર કરી રહ્યા હતા. અને આજે જયારે રિયુનિયનમાં તેઓ એકબીજાને રૂબરૂ મળ્યા ત્યારે તેઓ ખુશખુશાલ થઈ ગયા હતા. વર્ષો બાદ એકબીજાને મળીને બધાને આશ્ચર્ય સાથે આનંદની લાગણી થઈ રહી હતી. તેમના બાળપણના મિત્રો મોટા થઈ કેટલા બદલાઈ ગયા હતા ! અમુકના તો ચહેરા પણ ઓળખવામાં મુશ્કેલી થઈ રહી હતી. એ તો સોશ્યલ મિડિયાનો આભાર કે તેઓ દૂર રહીને પણ એકબીજાના સંપર્કમાં હતા નહીંતર કોઈએ કોઈને ઓળખ્યા જ ન હોત. બધા બાળપણના મિત્રો એકબીજા સાથે હસીમજાક કરવામાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ આ બધામાં રશ્મિ અને વિનાયક ગુમસુમ હતા. બંને એકબીજાને તક મળ્યે જોઈ લેતા હતા. ચોરીછૂપીથી આ નજરોનો ખેલ બંને વચ્ચે ચાલી રહ્યો. એક બે વાર તેઓ એકબીજાના સામસામે પણ આવી ગયા હતા. પરંતુ સમાજના ડરથી બોલવાની પહેલ બંનેમાંથી કોઈ કરી શક્યું નહીં. બસ ખામોશ નજરે એકબીજાને તેઓ જોઈ રહ્યા. બંનેની આંખોમાં ફરિયાદ હતી, કંઈ કેટલાય વર્ષોની છુપાયેલી આસ હતી. બધા વાતો કરવામાં વ્યસ્ત હતા. વિનાયકનો ફોન રણકી ઊઠતા તે ઊઠીને ત્યાંથી દૂર આવેલા એક ઝાડ પાસે ગયો. રશ્મિ આ બધું જોઈ રહી હતી. વિનાયક ત્યાં આવેલ બાંકડા પર બેસીને મોબાઈલ પર વાત કરવા લાગ્યો. આ જોઈ રશ્મિ વિચલિત થઈ ઊઠી. વિનાયકને મળવા જવું કે ન જવું આ દુવિધામાં તે અટવાયેલી હતી. પરંતુ દિમાગ અને દિલની જંગમાં દિમાગ હાર્યું. રશ્મિ ધીમેથી પોતાની જગ્યાએથી ઊઠી અને વિનાયક તરફ જાણે ખેંચાઈ રહી. તે વિનાયકને મળવા આતુર થઈ રહી હતી. અને કેમ ન થાય ? આખરે એક જમાનામાં બંને એકબીજાને દિલોજાનથી ચાહતા હતા. બંને ચોરીછૂપીથી સ્કૂલના આ જ ચોગાનમાં આવીને મળતા અને કલાકો સુધી અલકમલકની વાતો કરતા. બંને સાથે હોય ત્યારે તેઓને સમયનું ભાન જ રહેતું નહોતું. તેઓએ સાથે જીવવા મરવાના કોલ લીધા હતા પરંતુ ઈશ્વરની મરજી આગળ કોઈનું કશું ચાલ્યું છે ? રશ્મિના માતાપિતાએ તેના લગ્ન શ્રીમંત એવા સમીર સાથે ગોઠવી દીધા. અને એ સાથે તેઓના પ્રેમ પ્રકરણ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. આજે વર્ષો પછી વિનાયકને સામે જોઈ રશ્મિના મનમાં મુરઝાઈ ગયેલ પ્રેમની લાગણી ફરી અંકુરિત થઈ હતી. તે ધીમે પગલે વિનાયક પાસે ગઈ. રશ્મિને પોતાની તરફ આવતી જોઈ વિનાયકે ફોન કટ કર્યો. જાજરમાન લાલ રંગની સાડીમાં રશ્મિ ખૂબ સરસ લાગી રહી હતી.

વિનાયકની નજદીક આવીને રશ્મિએ મુસ્કરાઈને પૂછ્યું, “અહીં છુપાઈને કોની સાથે વાતો થઈ રહી હતી ?”

વિનાયકે હસીને કહ્યું, “કંઈ નહીં બસ એમ જ...”

“મને ઓળખી કે નહીં ?” રશ્મિએ ખિલખિલાટ હસતા પૂછ્યું.

“રશ્મિ.” વિનાયક મનમાં આગળનું વાક્ય બોલી ગયો, “તને હું કેવી રીતે ભૂલી શકું ?”

એક ઊંડો શ્વાસ છોડતા રશ્મિએ કહ્યું, “અરે વાહ ! મને તો એમ કે તું મને ભૂલી ગયો હોઈશ.”

બંને જણા હસી પડ્યા.

રશ્મિ તેના બાજુમાં જઈને બેઠી.

શાંતિનું મોજું થોડીવાર સુધી વાતાવરણમાં પ્રસરી રહ્યું.

રશ્મિએ વાત શરૂ કરવા કહ્યું, “તો કેવી ચાલી રહી છે લાઈફ ?”

“બસ મજામાં”

“તું ઘણો બદલાઈ ગયો છે.”

“અને તું પણ...”

રશ્મિ નીચું જોઈ ગઈ. વિનાયક અપલક નજરે તેને જોઈ રહ્યો. તેને ઘણું બધું કહેવું હતું પરંતુ દિલની વાત જીભ પર આવી શકી નહીં. “રશ્મિ, તું ખુશ છે ?”

રશ્મિએ ચોંકીને વિનાયક તરફ જોયું.

વિનાયકે ગભરાઈને કહ્યું, “મતલબ કેવી ચાલી રહી છે તારી લાઈફ ?”

રશ્મિએ કહ્યું, “અરે ! જેનો પતિ અબજોપતિ હોય તેને શેની ચિંતા હોય ! બસ જલસા જ જલસા કરવાના.”

વિનાયકે મોઢું ફેરવી લીધું.

બંને જણા ફરી ખામોશ થઈ ગયા.

“હવે કંઈક બોલીશ કે આમ જ બેઠો રહીશ.” રશ્મિએ કૃત્રિમ હાસ્ય રેલાવતા કહ્યું.

“તારી સાથે તારા પતિ આવ્યા છે ?”

“અરે ના ! તેમને બીઝનેસમાંથી સમય મળે ત્યારે ને. સાત સાત કંપની સંભળાવી કંઈ નાનીસુની વાત નથી.”

“પણ સમય કાઢી તારા પતિએ અહીં આવવું જોઈતું હતું.”

“વિનાયક, તારી પત્ની આવી છે ? મને તેની સાથે ઓળખાણ કરાવી આપને.”

વિનાયક ઝંખવાઈ ગયો. રશ્મિને શિખામણ આપ્યા બાદ હવે પોતાની પત્ની જ આવવાની નથી. એ વાત તે કેવી રીતે કહી શકે ? તેણે વાતને ઊડાવતા કહ્યું, “અરે ! હું તેની સાથે જ ફોન પર વાત કરી રહ્યો હતો. એ રસ્તામાં જ છે. થોડીવારમાં જ અહીં આવી પહોંચશે.”

“તારી પત્ની દેખાવમાં સુંદર છે ?”

“એ અહીં આવશે ત્યારે તું જાતે જ જોઈ લેજે.”

“વિનાયક, આજના જમાનામાં પણ તું મને ક્યાં ઈંતેજારી કરાવી રહ્યો છું.”

“મતલબ.”

“તારા મોબાઈલમાં તેની કોઈ તસવીર હશે જ ને ? એ મને દેખાડ.”

“અરે હા !” વિનાયકે મોબાઈલમાં કેટલીક તસવીરો સ્ક્રોલ કરી. “મળી ગઈ. આ જો આ છે મારી પત્ની વિભાવરી.”

રશ્મિએ ઉત્સુકતાથી વિનાયકનો મોબાઈલ હાથમાં લીધો. પરંતુ બીજી જ ક્ષણે તેના ચહેરાની પ્રસનતા ઓસરી ગઈ, “ભાભી તો દેખાવે ખૂબ સુંદર છે ને.” વિનાયકને મોબાઈલ પાછો આપતા રશ્મિ બોલી, “તસવીરમાં તેઓ ખૂબ ખુશ દેખાય છે.”

“દેખાય જ ને. કરોડપતિ નથી તો શું થયું ? એક પતિ તરીકેની તમામ જવાબદારી હું બખૂબી નિભાવું છું. ચાલ જવા દે એ વાત. હવે તું તારા પતિની કોઈ તસવીર હોય તો મને દેખાડ.”

રશ્મિ હસીને બોલી, “અરે ! કાલે જ મારો મોબાઈલ ફોર્મેટ માર્યો તેમાં સઘળી તસવીરો ડીલીટ થઈ ગઈ. જોકે મારા પતિ સમીર દેખાવમાં ખૂબ હેન્ડસમ છે. તને કુમાર ગૌરવ ખબર છે ? બસ મારા પતિ અદ્દલ તેવા જ દેખાય છે.”

“તારા પતિ આટલા ઘરડા દેખાય છે ?”

“ધત ! કંઈ પણ ન બોલીશ. હું કુમાર ગૌરવના જવાનીના ચહેરાની વાત કરું છું.”

બંને હસી પડ્યા.

ખામોશી ફરી તેમને ઘેરી વળી.

“વિનાયક, આ ઝાડ યાદ છે ?”

“હા.”

“આપણે અહીં બેસીને કેવી મજાની વાતો કરતા નહીં. જોકે ત્યારે અહીં આ બાંકડો નહોતો.”

વિનાયકે પાસે પડેલી સૂકી ડાળખીને ઊઠાવી તેને હાથમાં રમાડતા કહ્યું, “રશ્મિ, જૂની યાદો આ સૂકી ડાળખી જેવી હોય છે. તેને તરછોડી દેવામાં જ ભલાઈ છે. અને તને સાચી વાત કહું ? જયારે પણ જૂની વાતો વાગોળું છું ત્યારે મને એમ લાગે છે કે આપણે એ સમયે કેટલા બાલીશ હતા.”

“સાચી વાત છે. આપણા નિર્ણયો પણ એવા જ બાલીશ હતા. તને ખબર છે ? મારા માતાપિતાએ જયારે સમીર સાથે મારા લગ્ન ગોઠવ્યા હતા ત્યારે હું તેમના પર ખૂબ રોષે ભરાઈ હતી. પણ આજે તેમના એ નિર્ણયને લીધે જ હું સુખી છું.”

“એટલે તારું શું કહેવું છે ?”

“મારું કહેવું બસ એટલું જ છે કે સમીર સાથે લગ્ન કરીને હું સુખી છું.”

“મતલબ મારી સાથે લગ્ન કરીને તું સુખી થઈ ન હોત ?”

“એ તો તેં હિંમત કરી હોત તો હું જાણી શકી હોત ને ! મારા માતાપિતા જયારે સમીર સાથે મારા લગ્ન ગોઠવી રહ્યા હતા ત્યારે મેં તને સંદેશ પાઠવ્યો હતો. પરંતુ તું... તું ચૂપચાપ ઘરે બેસી રહ્યો હતો.”

રશ્મિએ ગુસ્સાથી એક તરફ મોઢું ફેરવી લીધું. 

વિનાયક હાથમાંની લાકડી વડે ધૂળમાં ગોળ કુંડાળા પાડી રહ્યો.

થોડીવાર બંને આમ જ ખામોશ બેસી રહ્યા. આખરે અશ્રુઓને લૂછતાં લૂછતાં રશ્મિએ કહ્યું, “ખેર ! ખુશીની વાત એ છે કે આપણે બંને પોતપોતાની જિંદગીમાં ખુશ છીએ. સમીર મને કોઈ વાતની કમી પડવા દેતા નથી. જે માંગું તે હાજર કરે છે. મારી નાનામાં નાની વાતનો ખ્યાલ રાખે છે. ખરેખર હું ખૂબ નસીબવાળી છું કે મને સમીર જેવો પતિ મળ્યો છે.”

“મારી પત્ની વિભાવરી પણ ખૂબ સમજદાર છે. મને ડગલેને પગલે સાચવતી રહે છે. મને કોઈ વાતની કમી પડવા દેતી નથી. મારી પસંદ નાપસંદનો સંપૂર્ણ ખ્યાલ રાખે છે. ખરેખર હું ખૂબ ભાગ્યશાળી છું કે મને વિભાવરી જેવી પત્ની મળી છે.”

રશ્મિ પોતાને જોઈ રહી છે આ વાતનો ખ્યાલ આવતા વિનાયકે હાથમાંની લાકડી ફેંકવાને બહાને બીજી તરફ મોઢું ફરાવી લેતા કહ્યું, “ભગવાન જાણે આ લોકો જમવાનું કાઉન્ટર ક્યારે ચાલુ કરશે.”

“તને ભૂખ લાગી છે ?” રશ્મિએ પર્સમાંથી એક ચોકલેટ કાઢી વિનાયકના હાથમાં મુકતા કહ્યું, “લે જ્યાં સુધી કાઉન્ટર ચાલુ થતું નથી ત્યાં સુધી આને મમળાવ.”

“તને હજુ સુધી મારી આદત ખબર છે ?”

“હા, ભૂખ લાગ્યા પછી તું કેવો રોષે ભરાય છે તેનો મને સારો અનુભવ છે.”

રશ્મિ ખિલખિલાટ હસી પડી.

બંનેની નજરો એકબીજા સાથે ટકરાઈ.

વર્ષો જુનો પ્રેમ બંનેની આંખોમાં જાગૃત થયો.

“અરે ! રશ્મિ આ શું ?”

રશ્મિએ ઘબરાઈને પીઠ પરનો પાલવ સરખો કરતા કહ્યું, “શું ?”

“તું આજે માથામાં ફૂલ પહેર્યા વગર આવી છે ! તું તો ફૂલોની ખૂબ શોખીન હતી ને ?”

“હા. અહીં આવવાની ઊતાવળમાં હું ભૂલી ગઈ. છોડ જવા દે હવે, અત્યારે ફૂલ શોધવા ક્યાં જઉં ?”

વિનાયકે આસપાસ નજર ફેરવતા તેને બગીચાની દીવાલ પર મૂકેલું ગુલાબનું કુંડુ દેખાયું. તેના પર ખીલેલું ગુલાબ જોઈ વિનાયક ઝડપથી પોતાની જગ્યાએથી ઊભો થયો.

“ક્યાં જાય છે ?”

“એક મિનિટ. હમણાં આવ્યો.” વિનાયકે કુંડાની દિશામાં પગ ઊપાડ્યા.

“અરે ! વિનાયક શું કરે છે ? મને ગુલાબ નથી જોઈતું. શું કરે છે ? એ દીવાલ પર ચડીશ નહીં, તને ક્યાંક વાગશે.”

વિનાયકનો હાથ સહેજ છટક્યો. રશ્મિના મુખમાંથી ચીસ નીકળી ગઈ. તે વિનાયકને રોકવાનો પ્રયત્ન કરતી રહી પરંતુ તે ક્યાં માનવાનો હતો ? આખરે તે ગુલાબ લઈને જ પાછો આવ્યો.

રશ્મિએ તેના હાથ તરફ જોઈ કહ્યું, “અરેરેરે, કેટલું વાગ્યું છે ?”

“કશું નહીં હવે. જરાક અમથું છોલાયું છે.“

"આ જરાક અમથું છે ? જો તો કેટલું લોહી વહી રહ્યું છે." રશ્મિએ પર્સમાંથી રૂમાલ કાઢી તેના હાથ પર બાંધ્યો. જાણે દિલનો ઘા રૂઝાયો હોય તેવો અનુભવ વિનાયક કરી રહ્યો. “રશ્મિ, આ ગુલાબને માથામાં પહેરી લે.”

રશ્મિએ વિનાયકના હાથમાંથી ગુલાબ લઈને માથામાં પહેર્યું. તેના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. આ જોઈ વિનાયક પણ ખૂબ ખુશ થયો. બંને જણા અપલક નજરે એકબીજાને નિહાળી રહ્યા.

“વિનાયક, એક વાત પૂછું ?”

“શું ?”

“તને ક્યારે મારી યાદ આવે છે ?”

વિનાયકે રશ્મિ તરફ જોયું.

બંનેના દિલની ધડકનો તેજ થઈ.

કંઈક કહેવા વિનાયકના હોઠ ધ્રુજ્યા પરંતુ ત્યાંજ તેનો ફોન રણકી ઊઠતા તે ઘબરાઈ ગયો. મોબાઈલની સ્ક્રીન પર ઝળહળી રહેલું “ચુડેલ” નામ રશ્મિને દેખાઈ જશે એ બીકે વિનાયકે ઝડપથી કોલ ઊઠાવી કાને અડાડતા કહ્યું, “હા બોલ વિભાવરી. કેટલે સુધી પહોંચી ?”

સાંજના એ સમયે પવન સુસવાટાભેર વહેવા લાગ્યો. રશ્મિની સાડીનો પાલવ તેની લહેરખીમાં લહેરાવા લાગ્યો. આ જોઈ રશ્મિ ગભરાઈ ગઈ. તેની પીઠ પર પડેલા સોળના નિશાન વિનાયક જોઈ લેશે એ બીકે રશ્મિએ પાલવને હાથમાં ઘટ્ટ પકડી રાખ્યો.

વિનાયક ફોન પર બોલી રહ્યો હતો.

રશ્મિ પાલવ સંભાળીને બેઠી હતી.

પ્રેમ નહીં પામવાનું દર્દ અશ્રુ બની તેમની આંખમાંથી વરસી રહ્યું હતું.

વિનાયકે ફોન પર હસીહસીને વાતો કરવાનો ડોળ કરતા કહ્યું, “બાય ડાર્લિગ.”

ફોન કટ કરી તેણે તીરછી નજરે રશ્મિ તરફ જોઈ મનોમન વિચાર્યું, “કાશ ! એ દિવસે મેં હિંમત દેખાડી હોત.”

વિનાયક હતાશાથી ફોન ખિસ્સામાં મૂકી રશ્મિ પાસે આવીને બોલ્યો, “ચાલ મારી સાથે આવવું છે ?”

કેદમાંથી આઝાદ થવા પંખી જેમ થનગની ઊઠતું હોય તેવા જોશથી રશ્મિ બોલી, “હા.” તેના સ્વરમાં દુનિયા સામે લડી લેવાનું ઝનૂન હતું.

એક ક્ષણ માટે વિનાયક આભો બની રશ્મિને જોઈ રહ્યો. જાણે વર્ષો જુનું સ્વપ્ન પૂર્ણ કરવાની સોનેરી તક હાથમાં આવી હોય તેવા આનંદથી તેનો ચહેરો ખીલી ઊઠ્યો. પરંતુ બીજી જ ક્ષણે વાસ્તવિકતાનું ભાન થતા વિનાયકે ધીમા અવાજે આગળનું વાક્ય પૂર્ણ કર્યું, “હું જમવા જઈ રહ્યો છું.”

રશ્મિ હતાશ થઈ વિનાયકને જોઈ રહી.

રશ્મિની આંખોમાં ફરિયાદ હતી. વર્ષો પહેલા તેના વિદાય ટાણે વિનાયક માટે આંખોમાં જે હતી તે જ ફરિયાદ.

વિનાયક તેની આંખમાં આંખ મેળવી શક્યો નહીં. ઝડપથી રશ્મિ પરથી નજર હટાવી તેણે જમવાના કાઉન્ટરની દિશામાં પગ ઊપાડ્યા. રશ્મિ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી. કાઉન્ટર નજીક આવતા જ બંને જણા એકબીજાથી વિખુટા પડી મહેફિલમાં જોડાઈ ગયા. એ સાથે બંને વચ્ચે ફરી એકવાર ઊભી થઈ ગઈ દીવાલ ખામોશીની.


Rate this content
Log in

Similar gujarati story from Drama