Pushpak Goswami

Inspirational

4.8  

Pushpak Goswami

Inspirational

ડોકટર - ત્યાગની મૂર્તિ

ડોકટર - ત્યાગની મૂર્તિ

3 mins
322


ડોકટર બિંદિયા સવારથી જ ઓપરેશન થીયેટરમાં વ્યસ્ત હતાં. આજે બે ડોકટર અચાનક રજા પર જવાનાં કારણે તેમનાં પર કામનો બોજ થોડો વધી ગયો હતો. બિંદિયા મેમ સિનિયર મોસ્ટ ડોકટર હતાં એટલે આજે તેમણે જ એકલા હાથે દવાખાનું ચલાવવાનું હતું. સવારમાં ૩ ઓપરેશન પૂર્ણ કરી અને ૧૦ વાગતાં સુધીમાં તો ઓપીડી સંભાળવા માટે પોતાની કેબિનમાં આવી ગયાં. હવે ચાલું થયો ઓપીડીનો વારો. કોરોનાની મહામારીમાં તો લોકો એટલાં બધા ડરી ગયાં હતાં, કે કોઈને સામાન્ય છીંક પણ આવે તો તરત જ ડોકટર જોડે જતાં રહેવાનું. હવે આવી પરિસ્થિતિમાં આપણે વિચારી શકીએ કે ઓપીડીમાં પણ કેટલી ભીડ હશે. એક પછી એક દર્દીને તપાસતાં ક્યારે ૧૨ વાગી ગયાં તેની ખબર જ ન પડી. અચાનક બિંદિયા મેમનાં મોબાઈલ પર તેમનાં પતિદેવ, રાવ સાહેબનો વોઇસ મેસેજ આવ્યો કે, " જમવાનો સમય થઈ ગયો છે, જમીને દવા લેવાનું ભૂલાય નહીં."  

બિંદિયા મેમને અચાનક યાદ આવ્યું કે કાલે રાત્રે તેમને પણ તાવ આવ્યો હતો. બે ત્રણ દિવસથી રેગ્યુલર દવા લેતાં હતાં, પરંતુ કંઈ ખાસ ફરક નહોતો દેખાતો. તેમને મનમાં એવું હતું કે હમણાં થોડાં દિવસથી દવાખાનાંની ભાગદોડ વધારે રહે છે, એટલે બીમારી જેવું લાગતું હશે. થોડા દિવસમાં પુરતો સ્ટાફ થઈ જશે, પછી થોડી રજા લઈને આરામ કરી લઈશ. ઓપીડી પૂરી કરીને બિંદિયા મેમ સાંજે ઘરે જવા રવાના થયાં. કારમાં બેઠા ત્યારે પણ તેમને થોડી વિકનેસ જેવું લાગ્યું એટલે એક ગોળી લઈ લીધી, જેથી ઘર સુધી કાર ચલાવવામાં તકલીફ ન થાય. જેવા બિંદિયા મેમ ઘરે પહોંચ્યા કે તરત જ સોફા પર સુઈ ગયાં. રાવ સાહેબે તેમને પાણી આપ્યું અને કપાળ પર હાથ ફેરવ્યો, તો મેમનું શરીર તાવથી ધગધગતું હતું. બિંદિયા મેમની દીકરી સુપ્રિયા પણ ઇન્ટર્ન ડોકટર હતી અને મેમ સાથે જ પ્રેક્ટિસ કરતી હતી. તેને મમ્મીની તબિયતમાં કંઇક અજુગતું લાગતાં તેને ફરીથી તપાસી. બધું જ નોર્મલ હતું, છતાં તાવ ઉતરવાનું નામ નહોતો લેતો. બીજા દિવસે સવારે ફૂલ બોડી ચેકઅપ કરવાનું નક્કી કરી સુપ્રિયા અત્યારે મમ્મી માટે જમવાનું લઈ આવી. જમતાં જમતાં જ ખબર નહીં સુપ્રિયાને શું સૂઝ્યું કે તેણે રાવ સાહેબને કહ્યું કે, "પપ્પા ! મમ્મીને ઊંચકી ને ગાડી સુધી લઈ આવો. હું ગાડી લિફ્ટ સુધી લઈ આવું છું." બિંદિયા મેમ ચાલીને જવા તૈયાર હતાં, પરંતુ સુપ્રિયાએ તેમને ચાલવાની સ્પષ્ટ ના પાડી દીધી.

સુપ્રિયા એ ૩૦ મિનિટનો રસ્તો ફક્ત ૧૩ મિનિટમાં પૂરો કરી દીધો. સ્ટાફને પહેલેથી જાણ કરી દીધી હતી એટલે બધાં રેડી જ હતાં. ફટાફટ બિંદિયા મેમને ચેકઅપ રૂમમાં લઇ જઇ તેમનાં રિપોર્ટ કર્યા. બધું જ નોર્મલ. સુપ્રિયાએ છેલ્લે ફેફસાંનો રિપોર્ટ કરવાનું નક્કી કર્યું. થોડી જ વારમાં રિપોર્ટ આવી ગયો. ફેફસાં ૮૫% થી વધારે ખરાબ થઈ ગયાં હતાં. સુપ્રિયા હિંમત હારી ગઈ, પરંતુ રાવ સાહેબે તેને હિંમત આપી અને કહ્યું કે, " બેટા ! તું જ હારી જઈશ તો મમ્મી શું કરશે ?" અને સુપ્રિયા પોતાના આંસુ લૂછીને ઊભી થઈ ગઈ. તેણે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ પોતે એક ડોકટર હોવાં છતાં બીજા ડોક્ટરનો અને ખાસ તો પોતાની મમ્મીનો જીવ પણ ન બચાવી શકી.

તે દિવસે રાવ સાહેબે અને સુપ્રિયાએ પ્રણ લીધું કે હવે પછી એક પણ દર્દી કોરોનાથી નહીં મરે. રાવ સાહેબ પોતાનો સમગ્ર બિઝનેસ સમેટી લઈને સુપ્રિયા સાથે કોરોના સામેની લડાઈમાં લાગી ગયાં. એક વર્ષ સુધી સતત લડતાં રહ્યા, પરંતુ એક પણ જિંદગી તેમની હોસ્પિટલમાં આવીને અસ્ત થઈ હોય તેવું બન્યું નહીં. રોજ સવારે બાપ-બેટી બંને બિંદિયા મેમનાં ફોટા આગળ પ્રાર્થના કરીને નીકળે છે કે, "આજે કોઈ જિંદગી અસ્ત ન થાય તે જોજે, ને અમારામાં કંઈ કમી રહી જાય તો તું સાચવી લેજે." આજે પણ તે દવાખાનામાં બિંદિયા મેમની હાજરીનો અહેસાસ સુપ્રિયાને થાય છે. ધન્ય છે એ ડોકટર પરિવારને કે જેણે લોકો માટે પોતાની જાત હોમી કાઢી પણ પોતાનાં દવાખાનામાં આવનાર દરેક દીવડાંને પ્રજ્વલિત રાખ્યો. શત શત નમન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational