'Sagar' Ramolia

Abstract Inspirational

4.9  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 40

દાદાજીની વાર્તા - 40

3 mins
225


મયંક કહે, મને એટલું તો સમજમાં આવ્યું કે, વિજ્ઞાન આ બધા જ વાદોનો ભુક્કો બોલાવી દેશે. આ સિદ્ઘિઓ હાંસલ કરવા વિજ્ઞાન ધલવલી રહ્યું છે. સ્વાર્થી રાજકારણ, સ્વાર્થી ઉદ્યોગ-ધંધા, સીમિત શિક્ષણ અને જડ ધર્મના સ્થાપિત હિતોનાં સિંહાસનો ડોલી રહ્યાં છે. વિજ્ઞાનના વડલે અવનવી શોધો અને પ્રક્રિયાઓનાં પાકેલાં ફળો ઝળૂંબે છે. પણ દુનિયાનાં અનેક રાષ્ટ્રોને એનો ફાલ ઉતારતાં આવડતું નથી.

દાદાજી કહે, થોડી કડવી વાત પણ છે. ચંદ્ર, શુક્ર તથા મંગળના ગ્રહોને પોતાની ભૂજાઓમાં સમાવવા ધલવલતું વિજ્ઞાન પૃથ્વી ઉપરથી ગરીબી, ગંદકી, બેકારી અને અજ્ઞાનતા ચપટી વગાડતા જ દૂર કરી શકે તેમ છે. પણ વિજ્ઞાનની રિદ્ઘિ-સિદ્ઘિ પામવાની અણઆવડતને કારણે દુનિયાની ગરીબી, ગંદકી અને બેકારીના થર જામ્યા છે. વિજ્ઞાનનાં મીઠાં ફળો ઘેર ઘેર પહોંચતાં અટકાવનાર સ્થાપિત હિતોને વિજ્ઞાન જ ભાંગી નાખશે. વિજ્ઞાન જ બધાનું અર્થપૂર્ણ સંકલન કરશે. વિજ્ઞાન અને ધર્મના સંયુકત સોય-દોરાના ઉપયોગથી પૃથ્વીમાતાનું નવું કલેવર સીવાશે. ભૌતિક વિજ્ઞાનની પ્રગતિને અને સર્વતોમુખી શક્તિને પૂર્વગ્રહથી પીડાતો આધુનિક રાષ્ટ્રવાદ પચાવી નહીં શકે. ભૌતિક વિજ્ઞાન ઉત્પાદન કક્ષાાએ એટલું આગળ વધ્યું હશે કે રોજબરોજની વપરાશની ચીજ-વસ્તુઓ કિંમતની રીતે મફતની કક્ષાાએ પહોંચી જાય ત્યાં સુધીની સોંઘવારી પેદા થશે. નવી નવી સંચાલન-શક્તિઓ જન્મ પામશે. વરાળ અને કોલસાની સંચાલન-શક્તિ હવે જૂની લનગે છે. ભારત સરકારે વરાળથી ચાલતા રેલ્વે એંજિન(લોકોમોટીવ)ને અલવિદા કરી દીધું છે. હવે ખનિજતેલથી ઊભી થતી સંચાલન-શક્તિને પણ વિદાય આપવાના દહાડા ભરાઈ ચૂકયા છે. માનવીએ પોતાની બુદ્ઘિના બળે ઊભી કરેલી બ્રહ્માસ્ત્રરૂપી અણુશક્તિ એટલી વ્યાપક બનશે કે એનાથી નાનાં નાનાં યંત્રો પણ ચાલતાં હશે. એનાથી એટલી બધી ઝડપે એટલાં બધાં પ્રમાણમાં ચીજ-વસ્તુઓ પેદા થશે અને વિજ્ઞાન આર્થિકક્ષેત્રે સોંઘવારીની જેહાદ જગાડીને આર્થિક સંઘર્ષના પરિણામે જન્મતા મોંઘવારીના શત્રુદળને મહાત કરી શકાશે. અત્યારનાં અણુશસ્ત્રોની વિઘાતક શક્તિ એવી કેટકેટલીયે દુનિયાઓનો નાશ એક જ સપાટે કરી શકે તેમ છે. પણ જો માનવ-મન એનો સર્જનાત્મક ઉપયોગ કરશે તો આ જગત સ્વર્ગ બની જશે. રેડિયો આઈસોટોપ્સ અનાજ ઉત્પાદનક્ષેત્રે કામે લગાડયું છે. દેશ દેશમાં હરિયાળી ક્રાંતિનો શંખ ફૂંકનાર ડાૅ.નોરમન બોલોઁગના પુરુષાર્થે દુનિયાનું અનાજનું ઉત્પાદન બમણું થઈ ગયું. હજુય ખાતર, પાણી, હાઈબ્રીડ બિયારણ અને માવજત ભરેલી ઘનિષ્ટ ખેતીનો સંગમ થતાં મબલખ ખેતનિપજ થશે.

મયંકે ટાપસી પૂરી, માનવીય જીવન પર વિજ્ઞાનના કેટલા વર્તમાન ઉપકારોને વર્ણવવા ?

દાદાજીએ થોડા દુ:ખી થઈને બોલ્યા, પરંતુ માનવ જો ધર્મવિહોણો બનીને વિજ્ઞાનનો દુરુપયોગ કરશે, તો આ જ વિજ્ઞાન માનવજાતને ભરખી જશે. માનવ મડદાંઓની દુર્ગંધ અને ધુમાડા ઓકતા બોમ્બ સિવાય આ જગત પર કશું જ નહીં રહે. વિનાશકારી અણુશસ્ત્રોની શોધ પછી જગતનું ભાવિ અનિશ્ચિત બન્યું છે. કયારે શું બનશે એની આગાહી કરવી મુશ્કેલ છે. કેટલીયે અમંગળ કલ્પનાઓ મનને ભરડો લઈ જાય છે. જગતની અશાંતિ દૂર કરવા ઘણાં શસ્ત્રત્યાગનો માર્ગ સૂચવે છે. પણ યુદ્ઘ એ આ જમાનાનો વ્યાપક રોગ છે. એને નિવારવાનો વૈજ્ઞાનિક ઉપાય શોધવો જોઈએ. જેમ થર્મોમીટર ફેંકી દેવાથી તાવ ઊતરી જતો નથી, તેમ યુદ્ઘસામગ્રીને હોળીમાં હોમવાથી શાંતિ સ્થપાય તેમ નથી. મનના આવેગોને સંયમિત કરવા માટે આ પળે નહીં વિચારીએ તો ખત્તા ખાશું અને કાળ કાળનું કામ કરી જશે. માનવીએ દુનિયા પરથી ભૂંસાઈ ન જવું હોય તો સહ અસ્તિત્વ સિવાય બીજો કોઈ પર્યાય નથી.

મયંક કહે, વાહ, દાદાજી ! 'માનવમાંથી વિશ્વમાનવ બનવાનો સમય આવી ગયો છે.' પરસ્પર સંપ, દયા, સહકાર, ભાઈચારો, પ્રેમ, ક્ષામા અને અહિંસા દ્વારા જ આપણે વિજ્ઞાનનાં ભાવિ મીઠાં ફળો આનંદથી આરોગી શકશું. જ્યારે જગત ''આત્મવત સર્વભૂતેષૂ''નો ગીતાનો સંદેશ પચાવશે તે દિવસે આ જગત શાંતિનું પર્વ ઊજવશે, અને પૃથ્વીના ટોડલે સુખનાં તોરણ બંધાશે.

દાદાજીની વાતો સાંભળી ફરી મયંક ગૃહકાર્ય કરવામાં લાગી ગયો.

***


Rate this content
Log in

Similar gujarati story from Abstract