STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Classics

5  

Kalpesh Patel

Abstract Drama Classics

ચીક્કી

ચીક્કી

3 mins
0

ચીક્કી 

૧૫મી જૂન.

સવારનો વરસાદ હમણાં જ અટક્યો હતો.ગામની ગલીઓમાં ભીની માટીની સુગંધ તરતી હતી.

નાનકડો જીત પોતાના નવા યુનિફોર્મમાં અરીસા સામે ઊભો હતો.સફેદ શર્ટનો કડક કોલર તેને ગળે ચુભતો હતો, પણ આજે ફરિયાદ કરવાનો દિવસ નહોતો.

આજે તેનો સ્કૂલનો પહેલો દિવસ હતો.

માએ વાળમાં તેલ નાખીને સરસ પાંથી પાડી .પાછળથી નવી બેગ ટાંગી અને ગાલે કાજળનો ટિપકો મૂક્યો.

“ડરતો નહીં હા…માસ્ટરજી બહુ સારા છે.”

જીતે માથું હલાવ્યું.પણ અંદર તો નાનું હૃદય ધબકતું જ હતું.

શાળાના દરવાજા સુધી પહોંચતાં જ તેને લાગ્યું કે દુનિયા કેટલી મોટી છે!એટલા બધા બાળકો…કોઈ રડતું, કોઈ હસતું, કોઈ દોડતું.

ક્લાસરૂમમાં ચૉકની સુગંધ હતી.લીલા બોર્ડ ઉપર સફેદ અક્ષરમાં લખેલું હતું પણ સમજાતું  નહતું.—

છોકરાઓ “સ્વાગત છે.” તમારું.. માસ્ટર જી નો પ્રેમાળ આવકાર મળ્યો.

જીત છેલ્લી બેન્ચ ઉપર બેઠો હતો.હાથમાં પેન્સિલ મજબૂતીથી પકડીને.

ત્યારે બાજુમાં બેઠેલી એક છોકરીએ ધીમેથી પૂછ્યું —

“તારું નામ શું?”

“જીત…”

“હું જયશ્રી.”

એટલું સાંભળતાં જ બંને હસી પડ્યા.કારણ વગર.કદાચ મિત્રતા માટે કારણોની જરૂર પડતી નથી.

રિસેસ પડી.

ટિફિન ખૂલ્યા.ક્યાંક થેપલા, ક્યાંક જામ-બ્રેડ, ક્યાંક ઈડલી.

જયશ્રીએ પોતાના ટિફિનમાંથી ચીકકીનો ટુકડો આગળ ધપાવ્યો.“લેશે?”

જીતે પહેલીવાર સ્કૂલમાં ડર ભૂલીને સ્મિત કર્યું.

એ દિવસ…અને પછી વર્ષો પસાર થઈ ગયા.

સમયે બધું બદલી નાખ્યું.

નાનકડો જીત હવે શહેરનો જાણીતો ડોક્ટર હતો.અને એ જ સ્કૂલ બોર્ડનો ચેરમેન પણ —જે સ્કૂલમાં ક્યારેક તે ડરીને પહેલીવાર આવ્યો હતો.

આજે છત્રીસ વર્ષ પછી,સ્કૂલના બારમા ધોરણના વિદાય સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જીત મંચ ઉપર બેઠો હતો.

આચાર્ય નો અવાજ આવ્યો...

છોકરાઓ “સ્વાગત છે.” તમારું..


હોલ તાળીઓથી ગુંજી રહ્યો હતો.

એક પછી એક ઇનામો જાહેર થતા હતા —“બેસ્ટ સ્ટુડન્ટ… રેખા પટેલ.”“સાયન્સ ટોપર… રેખા પટેલ.”“બેસ્ટ સ્પીકર… રેખા પટેલ.”

દરેક વખતે એ જ છોકરી મંચ ઉપર આવતી.આંખોમાં આત્મવિશ્વાસ.ચહેરા ઉપર સાદગી.

જીત તેની તરફ જોતો રહ્યો.

અને અચાનક…ક્યાંક અંદર ભીની માટીની સુગંધ ફરી જીવતી થઈ ગઈ.
સમારોહ પૂરો થયો.

બધા લોકો રેખાને અભિનંદન આપી રહ્યા હતા. ત્યારે સ્કૂલના આચાર્ય જીત પાસે આવ્યા અને સ્મિત કરીને બોલ્યા,

“સર, રેખાની મમ્મી તમને મળવા માંગે છે.”

જીતે નજર ઊંચી કરી.

સામે એક સ્ત્રી ઊભી હતી.
સાદી કોટન સાડીમાં.
આંખોમાં એ જ ઊંડાણ.

સમયે ચહેરો બદલ્યો હતો...
પણ સ્મિત નહોતું બદલાયું.

“જયશ્રી...”

જયશ્રી હળવેથી હસી.

“હા જીત, હું આજે પણ તને ઓળખી શકું છું.”

થોડી ક્ષણ બંને મૌન રહ્યા.
જાણે છત્રીસ વર્ષનું અંતર એ મૌનમાં સમાઈ ગયું હોય 

ત્યાં જ રેખા પણ, તેઓની પાસે આવી.

જયશ્રીએ પ્રેમથી તેનો ખભો પકડીને કહ્યું,

“અને આ મારી દીકરી રેખા.”

રેખાએ નમ્રતાથી હાથ જોડ્યા.

“નમસ્તે સર.”

જીતે સ્મિત સાથે આશીર્વાદ આપ્યા.

એક ક્ષણ માટે સમય થંભી ગયો.

દૂર સ્કૂલના મેદાનમાં વરસાદ પછીની પવન ફરી વહી રહી હતી.

જીતે રેખાને જોયી...
પછી જયશ્રીને.

અને તેની આંખો સામે જાણે છત્રીસ વર્ષ જૂનો દિવસ ફરી જીવંત થઈ ગયો.

લીલો બોર્ડ...
ચૉકની સુગંધ...
રિસેસનો ઘંટ...
અને એક મીઠો અવાજ —

“હું જયશ્રી.”

જીતના હોઠ પર અનાયાસ સ્મિત આવી ગયું.

તેને સમજાયું કે સમય વર્ષો લઈ જાય છે,
ચહેરા બદલી નાખે છે,
સંબંધોને નવા નામ આપી દે છે...

પણ કેટલીક ક્ષણોને ક્યારેય વૃદ્ધ થવા દેતો નથી.

જીવનમાં ઘણી સિદ્ધિઓ મળી હતી.
ડોક્ટર બન્યો હતો.
સન્માન મળ્યાં હતાં.
આજે પોતાની જ શાળાના બોર્ડનો ચેરમેન હતો.

પણ એ બધાથી ઉપર,
એક નાનકડી બાળકી દ્વારા વહેંચાયેલો ચીકકીનો ટુકડો,
અને મિત્રતાથી શરૂ થયેલી એક નિર્દોષ સ્મૃતિ,
હજુ પણ તેના હૃદયમાં જીવતી હતી.

જીતે આકાશ તરફ જોયું.

વાદળોની પાછળથી સૂર્ય ધીમે ધીમે બહાર આવી રહ્યો હતો.

અને તેને સમજાયું —

જીવન ક્યારેક પૂરું વર્તુળ કાપીને ફરી એ જ જગ્યાએ લાવી ઊભું કરે છે,
જ્યાંથી સફર શરૂ થઈ હતી.

દરેક માણસના જીવનમાં કેટલાક લોકો હોય છે...
અને કેટલીક યાદો હોય છે...

જે સ્કૂલના પહેલા દિવસ જેવી જ,
હંમેશા તાજી રહે છે.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati story from Abstract