Nayanaben Shah

Inspirational

3.8  

Nayanaben Shah

Inspirational

છૂપો પ્રવેશ

છૂપો પ્રવેશ

6 mins
285


રીતાંશના ફોનની એ રાહ જોઈ રહી હતી. એને વિશ્વાસ હતો કે દીકરો તો કેટલો લાગણીશીલ છે ! વિશેષા તો એની પોતાની પસંદ હતી. એ તો વાત સાંભળીને દોડીને આવી જશે.

પરંતુ એની ધારણા સદંતર ખોટી પડી. એને તો હતું કે એ માત્ર ફોન નહીં કરે પણ વિડીયો કોલ કરી એને જોઈ લેશે અને કહેશે કે મમ્મી તારૂ મોં જોઈને ખૂબ સારૂ લાગ્યું. મોબાઈલને કારણે દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે. એ તો અમેરિકન સીટીઝન છે. એની પાસે તો દસવર્ષના વિઝા પણ હતા. એ ધારે ત્યારે આવી શકે એમ હતું. હવે તો એને ઓનલાઈન કામ કરવાનું હતું તો એ ઈન્ડિયા આવીને પણ કામ કરી શકત. જો કે એનો વોટ્સએપ આવેલો તબિયત સાચવજે. પૈસાની જરૂર હોય તો જણાવજે.

સૌમ્યાની આંખોમાં આંસુ આવી ગયા. શું પૈસા આપવાથી બધી ફરજ પૂરી થઈ જાય છે !! લાગણીની કોઈ કિંમત જ નથી ? રીતાંશને એકવાર પણ ના થયું કે મમ્મીની ખબર પૂછી જોઉં. વિશેષા તો પારકી હતી પણ રીતાંશ !

ઘણીવાર શારિરીક તકલીફ કરતાં માનસિક તકલીફને કારણે માણસ ભાંગી પડે છે. સૌમ્યાને પૈસાની જરૂર જ ક્યાં હતી ? પતિની અઢળક મિલકત હતી. રીતાંશ અને વિશેષા જયારે અમેરિકા ગયા ત્યારે બધો ખર્ચ સૌમ્યાના પતિ આરાધ્યએ જ ભોગવ્યો હતો. એને તો કહેલું કે,"રીતાંશ,તું ફેકટરી સંભાળી લે. આપણે પૈસાની જરૂર નથી. તું ફરવા માટે જા. અરે,તું દરવર્ષે જુદા જુદા દેશોમાં ફરવા જા. પણ તું અમને છોડીને ક્યાંય ના જઈશ. "

રીતાંશને સૌમ્યાએ આખરે કહી દીધું,"જો તારે જવું જ હોય તો લગ્ન કરીને જા તો અમને તારી ચિંતા ના રહે. "

આખરે રીતાંશને વિશેષા પસંદ પડી ગઈ.

સૌમ્યાને પણ માનસિક શાંતિ થઈ ગઈ હતી કે વિશેષા મારા રીતાંશને સાચવશે. વિશેષાએ રીતાંશને તો સાચવ્યો પણ એને માત્ર રીતાંશને જ સાચવ્યો. એના ઘરના જોડે તો સંબંધ જ ના રાખ્યો.

સૌમ્યા પડી જવાથી ઊભી જ થઈ શકતી ન હતી. કમરનો એક મણકો તૂટી ગયો હતો તથા ઉંમરને કારણે ઘસારો તો હતો જ. શરૂઆતમાં તો એમને ટિફિન બંધાવી દીધું પરંતુ સૌમ્યા જેવી રસોઈની મહારાણી બનેલીની રસોઈ અને ટિફિનવાળાની રસોઈમાં ખૂબ અંતર રહેતું. એમાં દરેક શાકમાં બટાકા તો હોય જ. ક્યારેક રસોઈ ખૂબ વધી પડતી તો ક્યારેક એકદમ ઓછી આવતી. વિશેષા કંઈક મદદ કરશે એ આશા જ ઠગારી નીકળી. એની તકલીફ જાણી બધા વારાફરતી ખબર કાઢવા આવતાં એટલું જ નહીં, બધા નાસ્તો તો ક્યારેક રસોઈ પણ લઈને આવતાં પરંતુ એમાં સૌમ્યાને પરવરશતા લાગતી. ક્યારેક થતું બધાનું ઋણ લઈને ક્યારે ચૂકવાશે ? તેથી તો ખબર જોવા આવનાર કામકાજ પૂછે તો એ તરત કહે," કોઈ સારી રસોઈવાળી ધ્યાનમાં હોય તો કહેજો. "

આખરે એક યુવતી આવી. ખૂબ સારા ઘરની લાગતી હતી. વાતચીતમાં જ એનો વિવેક તથા ખાનદાની છલકાતી હતી. સૌમ્યાને એ યુવતી નંદિકા ગમી ગઈ. એ ઉપરાંત એ બાજુની સોસાયટીમાં જ રહેતી હતી.

શરૂઆતમાં તો સૌમ્યા સૂતાં સૂતાં નંદિકાને મસાલા એમના મુજબ કરવાનું શીખવાડતી. ધીરેધીરે એના કુટુંબ વિષે પણ જાણકારી મેળવવા માંડી. સામાન્ય રીતે સ્ત્રીઓ એકબીજા સાથે જલદીથી આત્મીયતા કેળવી લેતી હોય છે. જ્યારે સૌમ્યાને ખબર પડી કે એને ઢીંગલી જેટલી સાતેક વર્ષની દીકરી અને દસેક વર્ષનો દીકરો છે. ત્યારે એણે કહ્યું,"ક્યારેક ક્યારેક તું તારા બાળકોને લઈને આવતી રહેજે જેથી અમારૂ ઘર ભર્યું ભર્યું લાગે. જ્યારે એની દીકરી બંદિની આવી ત્યારે સૌમ્યાને જોતાં જ બોલી,"બા,જય શ્રીકૃષ્ણ. "

સૌમ્યાને`બા´શબ્દ એટલો તો ગમી ગયો. હા, એ પોતે પણ આ શબ્દ સાંભળવા કેટલી આતુર હતી ! રીતાંનો દીકરો પણ પાંચ વર્ષનો હતો. એને તો કેટલીયે વાર કહેલું,"બેટા, મારે મારા પૌત્રને જોવો છે એના મોંએ `બા´ શબ્દ સાંભળવો છે પણ રીતાંશે ક્યારેય દીકરો બતાવ્યો નહીં કે વાત કરાવી નહીં.

વિશેષાએ તો કહેલું,"તારે તારા ઘરના જોડે સંબંધ રાખવાની જરૂર નથી. નહીં તો અહીં આવી આપણા માથે પડશે. "

બંદિનીએ આવીને એની ઈચ્છા પરિપૂર્ણ કરી. બંદિની માટે એના હૃદયમાં પ્રેમની સરવાણી વહેવા માંડી. આમ પણ એને દીકરીની ઈચ્છા હતી. નંદિકાની વાતોમાં એકલો પ્રેમ જ વરસતો હતો. રસોઈ હવે એમના સ્વાદ મુજબ જ બનાવતી.

દિવસો વિતતા જતાં હતાં. નંદિકા ઘરની દીકરી જ જાણે હોય એવું વર્તન કરવા લાગી.

તો સૌમ્યાના મનમાં પણ એમના માટે એટલો જ પ્રેમ ઉભરાતો હતો. હવે રીતાંશનો ફોન વહેલો મોડો આવે તો એને રડવું આવતું ન હતું. પહેલાં કરતાં એની વાતોમાંથી ચિંતાનું પ્રમાણ જાણે ઓછુ થતું ગયું. પરિણામ સ્વરૂપ રીતાંશે પણ વાત કરવાનું ઓછું કરી દીધું હતું.

સૌમ્યા પણ સમજી ગઈ હતી કે કંઈ પરાણે પ્રીત ના થાય. દીકરો વાત કરવા તૈયાર ના હોય તો શા માટે પ્રેમ મેળવવા આજીજી કરવી ! હવે સૌમ્યાનો સમય નંદિકાની સાથે વાતો કરવામાં જતો. ભલે એ એક કલાકમાં રસોઈ બનાવીને જતી રહેતી. એ દરમ્યાન એ એની સાથે વાતો કરતી, ધીરે ધીરે એનો પતિ આરાધ્યા પણ નંદિકા જોડે હળીમળી ગયો.

ઘર જાણે જીવંત બની ગયું હતું. નંદિકા સવારે જાય પછી પતિપત્ની એની રાહ જોતાં. બપોરે પણ બંને વચ્ચે એની જ વાતો થતી. એવામાં સૌમ્યા એકવાર બિમાર પડી. એને તાવ આવતો હતો ત્યારે નંદિકાએ રાત્રે મોડેસુધી જાગીને માથે મીઠાના પાણી પોતા મૂક્યા હતા. રાત્રે બે વખત દવા આપવા માટે પણ જાગતી રહી. જો કે આરાધ્યએ તો કહ્યું કે ,"તું બેટા ઘેર જા. " પરંતુ જ્યારે સૌમ્યાને તાવ ઉતર્યો ત્યારે જ એ ઘેર ગઈ. એ તો માથુ દબાવવા પણ બેસતી અને પગ પણ દબાવી દેતી.

ઘણીવાર તો સૌમ્યા કહેતી,"નંદિતા,હવે બે ઘરની ભેગી જ રસોઈ કરી દે. "ક્યારેક નંદિતા કહેતી,"મારે ત્યાં મહેમાન છે તો હું આજે બે ઘરની ભેગી રસોઈ બનાવીશ."

નંદિતાના સાસુ સસરા ગામડે રહીને ખેતી કરાવતાં હતાં. ખેતીમાં થતાં શાકભાજી તથા કેળાં, કેરી, સીતાફળ જેવા ફળો પણ પહેલાં સૌમ્યાને ત્યાં આપતી. પૈસાની તો વાત જ નહીં. કહેતી,"આન્ટી,મેં ગામડે બહુ જ કામ કર્યું છે. મારી ઈચ્છા તો શહેરમાં આવવાની જ ન હતી. પરંતુ છોકરાંઓ મોટા થતાં ગયા અને ગામમાં સારી સ્કૂલો પણ ન હતી. એટલે શહેરમાં આવ્યા. અહીં એમને ડ્રાયવર તરીકે નોકરી મળી ગઈ. હું આખો દિવસ એકલી શું કરૂ ? મેં એટલે જ રસોઈનું કામ કરવાનું નક્કી કર્યું. એવામાં જ તમારા પડોશીએ વાત કરીને તમારા વિષે બધાએ અભિપ્રાય પણ સારો આપેલો. "

સૌમ્યાના મોં પર સંતોષ હતો. પણ તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. સૌમ્યાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી ત્યારે એને સામેથી જ કહ્યું,"રીતાંશને ખબર આપવાની જરૂર નથી. હવે આરાધ્ય એકલો ન હતો. બંદિની સૌમ્યા પાસે દવાખાને રહેતી.

નંદિતાનો દીકરો પણ દવાખાને દોડાદોડી કરતો. હવે નંદિતા એને ઘેરથી જ રસોઈ બનાવીને મોકલતી. આરાધ્યને જમવાનું ભાવતું ન હતું. નંદિતાને એવું લાગ્યું એટલે ટિફિન લઈ બંને છોકરાંઓ ઘેર આવીને કહેતાં,"દાદા,અમે તમારી જોડે જ જમીશું. "

બંને છોકરાંઓ દાદા જોડે અલકમલકની વાતો કરતાં. તો સામે પક્ષે આરાધ્ય પણ કહેતો,"તમે ચોપડીઓ લઈને આવો. હું તમને ભણાવીશ. "

નંદિતાના બાળકો હવે દાદા જોડે જ વધુ સમય વિતાવવા. સૌમ્યાને પણ થતું કે હવે બાળકો સાથે આરાધ્ય ખુશ રહે છે. અને સૌમ્યાની તબિયત બગડતી જતી હતી ત્યારે સૌમ્યાએ કહ્યું,"મને હવે તમારી બિલકુલ ચિંતા નથી. નંદિકા તમારી સંભાળ લેનાર છે. એના બાળકોને કારણે આપણું ઘર હર્યુંભર્યું થઈ ગયું છે.

જ્યારે સૌમ્યાનું અવસાન થયું ત્યારે એને પતિને કહી રાખેલું કે મારૂ પચાસ તોલા જેટલું સોનું નંદિકાને આપજો. ત્યારબાદ આરાધ્યએ એનું વસિયતનામું એના મિત્રને આપી રાખેલું.

જેમાં એને સ્પષ્ટપણે લખેલું, "મારી સ્થાવર તથા જંગમ બધી મિલકત પર માત્ર અને માત્ર નંદિકાનો જ અધિકાર રહેશે."

ખરેખર કેટલીક વ્યક્તિઓ આપણી જિંદગીમાં આત્મીય બની જઈ ક્યારે આપણા જીવનમાં પ્રવેશી જઈ આપણને પોતાના બનાવી દે છે એ જ ખબર નથી પડતી. પોતાના પારકા બનતાં જાય છે જ્યારે પારકા જાણે જન્મોજન્મના ઋણાનુબંધને કારણે આપણા જીવનમાં છૂપો પ્રવેશ કરી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational