Prashant Subhashchandra Salunke

Romance Tragedy Thriller

4.5  

Prashant Subhashchandra Salunke

Romance Tragedy Thriller

છત્રી

છત્રી

19 mins
404


પોલીસ સ્ટેશનની અંદર પાયલ ગંભીર વદને ઊભી હતી. તેની ફરિયાદ સાંભળી લીધા બાદ ઈ. વિનોદે રોષભેર પૂછ્યું, “શું નામ છે એ હરામખોરનું ?”

પાયલ ધીમા સ્વરે બોલી, “રામપ્યારે”

“હમણાં એ નરાધમ ક્યાં મળશે ?”

“ઈન્સ્પેકટર, સાંજના સમયે રામપ્યારે બજારના નાકે આવેલ ચાની લારી પાસે ઊભો રહીને આવતી જતી યુવતીઓને.....”

“બસ બસ... આગળની વાત હું સમજી ગયો.” ઈ. વિનોદ હોઠ ભીસતા આગળ બોલ્યા, “એ હરામખોર એકવાર મારા હાથમાં આવવો જોઈએ. પછી હું તેની એવી વલે કરીશ કે એ જોઈને શહેરના તમામ રોમિયો સ્વપ્નમાંયે યુવતીઓની છેડતી કરવાની હિંમત નહીં કરે.” ઈ. વિનોદે લાલધૂમ આંખે કહ્યું, “મેડમ, તમે મારી સાથે ચાલો.”

આમ કહી તેઓ ક્ષણનો વિલંબ ન કરતા પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયા. પાયલે પણ તેમની પાછળ જવા પગ ઊપાડ્યા. ઈન્સ્પેકટર વિનોદે બહાર આવીને હવલદાર ગણપતને જીપ લઈ આવવાની સૂચના આપી. એ સાથે હ. ગણપત જીપ લેવા દોડી ગયો.

“આ મવાલીઓ પોતાના મનમાં સમજે છે શું ? કાનુનનો જાણે ડર ન હોય તેમ સરેઆમ છોકરીઓની છેડતી કરતા તેઓની હિંમત કેવી રીતે થાય છે ?” ઈ.વિનોદ બબડી રહ્યા હતા એટલામાં હવાલદાર ગણપતે પોલીસજીપ લાવી તેમની સામે ઊભી કરી.

ઈ.વિનોદે પાયલને જીપમાં બેસવાનો ઈશારો કરતા કહ્યું, “મેડમ, તમે મને દૂરથી એ ચાની લારી દેખાડો.”

પાયલ થોડા ખચકાટ સાથે ઈ. વિનોદ સામું જોઈ રહી.

“મેડમ, તમે મારા પર વિશ્વાસ રાખો. હું તમારો વાળે વાંકો થવા નહીં દઉં.”

આ સાંભળી પાયલની હિંમત ખુલી. તે જીપની પાછળની સીટ પર જઈને બેસી ગઈ. ઈ. વિનોદે ડ્રાઈવીંગ સીટની બાજુમાં ગોઠવાતા આદેશ આપ્યો, “ગણપત, જીપને મેડમ કહે તે જગ્યાએ લઈ ચાલ.”

હવલદાર ગણપતે જીપ સ્ટાર્ટ કરી અને પાયલે કહેલ સરનામાની દિશામાં હંકારી મૂકી. થોડીવારમાં જ તેઓની જીપ બજારમાં આવેલ ચાની લારી પાસે ઊભી હતી.

ઈ. વિનોદ જીપમાંથી ઊતરીને ચાવાળાની નજીક જઈને ઊભા રહ્યા. તેમની પાછળ પાછળ હ. ગણપત પણ આવીને ઊભો રહ્યો. પરંતુ ચાવાળો તેના ગ્રાહકો સાથે લેવડદેવડમાં એટલો તો તલ્લીન હતો કે બંને પોલીસવાળા તરફ તેનું ધ્યાન જ ગયું નહીં. એ તો બસ ચા આપવામાં અને તેનો હિસાબ કરવામાં જ મસ્ત હતો.

ઈ. વિનોદે ચાવાળાની નજીક જઈને પૂછ્યું, “આ રામપ્યારે ચા પીવા ક્યારે આવશે ?”

ચાવાળાએ સ્ટવ પર ઉકળતી ચામાં ઈલાયચી નાખતા જવાબ આપ્યો, “સાંજે આવશે. કેમ કંઈ કામ હતું ?”

ચાવાળાએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપવા માટે નજર ઊઠાવીને જોવાની સુદ્ધાં તસ્દી લીધી નહોતી.

“રામપ્યારે પર પોલીસ ફરિયાદ થઈ છે કે એ તારા ચાની લારી પર ઊભો રહીને અહીંથી પસાર થતી કોલેજીયન યુવતીઓની છેડતી કરે છે. અમે તે અંગે જ પૂછપરછ કરવા અહીં આવ્યા છીએ.”

ઈ. વિનોદના અવાજમાં રહેલો રુવાબ જોઈ ચાવાળો આખી પરિસ્થિતિ સમજી ગયો. તેણે સ્ટવની આંચ ધીમી કરતા કહ્યું, “માફ કરો સાહેબ. આજે ઘરાકી થોડી વધારે છે એટલે મારું ધ્યાન ગયું નહીં.” બીજી જ ક્ષણે તે મોટા અવાજે બોલ્યો, “અરે ! છોટુ... આ બંને સાહેબોને બેસવા માટે ખુરશી લઈ આવ. સાહેબ તમે બેસો હું તમારા માટે બે કડક ચા બનાવું છું.”

“આ બધાની કોઈ જરૂરત નથી. તું બસ અમે પૂછીએ તે સવાલોના વ્યવસ્થિતપણે અમને જવાબ આપ.”

ચાવાળાએ પોતાના સ્વરમાં શક્ય તેટલી નરમાશ રાખતા કહ્યું, “પૂછોને સાહેબ.”

“રામપ્યારે વિષે તું શું જાણે છે ?”

“સાહેબ રામપ્યારે તો મને એકદમ ભલોભોળો લાગે છે. હમણાં એક મહિના પહેલા જ એ આ શહેરમાં આવ્યો છે. તેનું આ જગતમાં કોઈ નથી. બસ પોતાની જ દુનિયામાં ખોવાયેલો રહે છે. હા તેનું વર્તન થોડુંક અજુગતું છે પણ માણસ સ્વભાવે એકદમ સીધોસાદો છે.”

“તારું નામ ?”

“જી મારું નામ મંગુ. હું કડક ચાયવાળા મંગુ તરીકે પ્રખ્યાત છું.”

“મંગુ, ગુનેગારોની દુનિયામાં હું કડક પોલીસવાળા તરીકે કુખ્યાત છું. હું મા બહેન પર બુરી નજર નાંખનારની આંખો ફોડી દઉં છું. જો મને જરા પણ શંકા ગઈ કે તું રામપ્યારેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો સમજી લે કે તું એ ઘડીએ જ રામને પ્યારો થઈ જઈશ.”

“સાહેબ, હું શા માટે રામપ્યારેને બચાવવાનો પ્રયત્ન કરું ? તેની તરફેણ કરવા એ કાંઈ મારો સગાવાલો થોડો છે ! હું તો અહીં મારી ચા વેચવામાં અને તેના વખાણ સાંભળવામાં જ મસ્ત રહું છું.”

“બેટમજી, પેલા જીપમાં બેઠલા મેડમ સાથે રામપ્યારેએ કાલે શું કર્યું હતું તે વૃતાંતને સીધી રીતે કહી સંભળાવ. નહીંતર આવતીકાલથી તું જેલમાં બે હજાર કેદીઓને તારા હાથથી બનાવેલ ચાના વખાણ કરતા સાંભળીશ.”

મંગુએ બે હાથ જોડીને કહ્યું, “સાહેબ, હું જેટલું જાણું છું એટલું તમને કહું છું.”

“હું એ સાંભળવા ઉત્સુક છું.”

“કાલે સાંજે પેલા મેડમ જયારે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રામપ્યારે તેમના હાથમાંની છત્રી જોઈને ચોંકી ગયો હતો. તેણે પોતાના હાથમાંનો ચાનો કપ બાજુમાં મૂકતાં મને પૂછ્યું હતું કે, અરે ! આ છોકરી આમ હાથમાં છત્રી લઈને સાંજના સમયે ક્યાં જતી હશે ?”

“તો તેં રામપ્યારેને શું જવાબ આપ્યો ?”

“સાહેબ, હું તેને શું જવાબ આપતો ? તમે જુઓ તો છો કે મારી લારી પર કેટલી ઘરાકી રહે છે. જો હું આવી નકામી ઉચાપતમાં પડીશ તો ધંધો કેવી રીતે કરીશ.”

“તેં રામપ્યારેને શું જવાબ આપ્યો હતો ?”

“મેં તેને સલાહ આપતા કહ્યું હતું કે જેને જ્યાં જવું હોય ત્યાં જાય તેનાથી આપણને શો નિસ્બત. નકામી પંચાતમાં પડીને આપણને શો ફાયદો. બરાબરને સાહેબ ?”

“તો રામપ્યારેએ તારી સલાહ માની ?”

“ના સાહેબ, તેણે મારી વાત માની નહીં. એ તો ચાનો અર્ધો ભરેલો કપ અહીંયા જ છોડીને આ મેડમની પાછળ પાછળ ગયો.”

“પછી શું થયું ?”

“પછી રામપ્યારેએ આ મેડમને અટકાવીને તેઓને છત્રી સાથે રાખવાનું કારણ પૂછ્યું. આ મેડમ જવાબમાં અકળાયા અને તુચ્છકારથી રામપ્યારે તરફ જોઈને આગળ નીકળી ગયા હતા.”

“અટક્યા વગર આગળ બોલતો રહે.”

“સાહેબ, પછી રામપ્યારેએ મેડમને ફરી રોકીને એજ પ્રશ્ન પૂછ્યો હતો કે “તેઓ આમ છત્રી લઈને ક્યાં જઈ રહ્યા છે ?” પરંતુ મેડમે ત્યારે પણ કશો જવાબ આપ્યા વગર આગળ જતા રહ્યા હતા.”

“તું પણ વાતને આગળ વધારતો રહે.”

“બસ સાહેબ પછી શું ? રામપ્યારે પણ આ મેડમની પાછળ પાછળ ચાલવા માંડ્યો હતો. પછી આગળ શું થયું તેની મને કોઈ જાણ નથી. સાહેબ, હું તો મારા લારીને સાચવામાં મશગુલ થઈ ગયો હતો.”

“બેશરમ, તારો આ ગલ્લો તને કોઈની બહેન-દીકરીની આબરૂ કરતા વધારે કિંમતી લાગે છે ? રામપ્યારેને આ મેડમ પાછળ જતા જોઈને તારા મનમાં થયું નહીં કે એ દુષ્ટની પાછળ જઈ તેને સમજાવીને પાછો વાળું. જો તારા રામપ્યારેએ આ મેડમ સાથે કંઈક બેહુદુ વર્તન કર્યું હોત તો તેનો જવાબદાર કોણ હોત ? તારા જેવા બેજવાબદાર વ્યક્તિની તો લારી જ બંધ કરી દેવી જોઈએ.”

“ના સાહેબ ના. ભગવાન માટે આવું ન કરશો. જો બીજો કોઈ વ્યક્તિ હોત તો મેં ચોક્કસપણે આ મેડમને એકલી છોડી ન હોત. પરંતુ રામપ્યારે મને એક સારો વ્યક્તિ લાગતો હતો તેથી મારા મનમાં બીજો કોઈ ખરાબ વિચાર આવ્યોજ નહીં. કેમ તેણે શું કર્યું સાહેબ ?”

“શું કર્યું ? તારા એ ભલાભોળા રામપ્યારેએ આ મેડમનો છેક તેના ઘર સુધી પીછો કર્યો હતો. મને તો એ જ સમજાતું નથી કે, આવો સડકછાપ રોમિયો તને કેવી રીતે સીધોસાદો લાગે છે ?”

“સાહેબ એ તો.”

“ચૂપ મર દોઢડાહ્યા. તારી સગી દીકરી હોત તો તેં એને આમ એકલી જવા દીધી હોત ? તારે એ રામપ્યારેને રોકવો જોઈતો હતો. રામનું નામ રાખવાથી કોઈ શ્રી રામની જેમ ચારિત્ર્યવાન બની જતો નથી ! એ નીચને રસ્તામાં ક્યાંક લાગ મળી ગયો હોત તો ?”

ઈ. વિનોદના છેલ્લા વાક્યથી બાજુમાં ઊભેલી પાયલના અંગેઅંગમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. તે દિવસે કોઈ અણબનાવ બન્યો નહીં તે વિચારી પાયલ ભગવાનનો આભાર માની રહી.

ચાવાળાની પૂછપરછ કરી લીધા બાદ ઈ. વિનોદે ત્યાં બેઠેલા લોકોની પૂછતાછ શરૂ કરી.

“તમારામાંથી કોઈ રામપ્યારે વિષે જાણે છે ?”

એક વ્યક્તિએ ચાનો કપ બાજુમાં મૂકતા કહ્યું, “સાહેબ, તે રોજે અહીં આવીને બેસે છે. પરંતુ કોઈની સાથે ઝાઝી ચર્ચા કરતો નથી.”

ચાનો લુફ્ત ઊઠાવી રહેલા એક વ્યક્તિએ ટાપસી પૂરતા કહ્યું, “સાહેબ, તે અમારા કરતા અહીંના કૂતરાઓ સાથે વધુ સમય ગાળે છે. તેને જોતા જ કૂતરા પૂંછડી પટપટાવા લાગે છે.”

“કેમ ?”

“તે રોજ તેમને દૂધ અને બિસ્કીટ જે ખાવા આપે છે ?”

“રોજે કૂતરાઓને દૂધ બિસ્કીટ ખાવા આપે છે ! ગણપત, આ રખડેલ પાસે આટલો પૈસો આવ્યો ક્યાંથી ? જરૂર તે ચોરીચકારીના ધંધા પણ કરતો હશે.”

“મને પણ સાહેબ કંઈક આવું જ લાગે છે.”

“ના સાહેબ, રામપ્યારે ચોર જરાયે લાગતો નથી. હમણાં થોડા દિવસ પહેલા જ એક ભાઈનું રસ્તામાં પર્સ પડી ગયું હતું. રામપ્યારેને જયારે એ મળ્યું ત્યારે તેણે તરત પર્સ તપાસી જોયું. તેમાં પુરા પાંચ હજાર રૂપિયા હતા. અમને એમ કે રામપ્યારે બધા પૈસા પોતાની પાસે રાખશે. પરંતુ તેણે એમ ન કરતા પર્સમાં મળી આવેલ આધારકાર્ડના આધારે મૂળ માલિકને જઈને એ પર્સ પરત કરી આવ્યો હતો.”

“રામપ્યારે તમને મૂરખ બનાવી ગયો. હકીકતમાં તેણે બધા પૈસા પોતાની પાસે જ રાખી લીધા હતા પણ તમને એ મૂળ માલિકને પાછુ સોપ્યાની ખોટી માહિતી આપી હતી.”

“ના સાહેબ રામપ્યારે ખરેખર પર્સ તેના મૂળ માલિકને પાછુ આપી આવ્યો હતો.”

“તું આ વાત આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકે છે ?”

“કારણ આ મનીયો ત્યારે રામપ્યારેની સાથે ગયો હતો. અરે! મનીયા, તું શું આમ ચુપચાપ બેઠો છે. સાહેબને કશું કહેતો કેમ નથી ?”

“હા સાહેબ, રામપ્યારે જયારે પર્સ આપવા મૂળ માલિકને ત્યાં ગયો હતો ત્યારે હું તેની જોડે જ હતો.”

“તો પછી રામપ્યારે પાસે કૂતરાને બિસ્કીટ ખવડાવવાના રૂપિયા ક્યાંથી આવ્યા હશે ?”

“સાહેબ, એકદિવસ વાતોવાતોમાં તેણે જણાવ્યું હતું કે તે જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી છૂટા પડતી વખતે તેને થોડાઘણા રૂપિયા મળ્યા હતા.”

“આ રામપ્યારે ક્યાં રહે છે તેની કોઈને જાણકારી છે ?”

“ના સાહેબ, એ ક્યાંથી આવે છે અને ક્યાં પાછો જાય છે તેની કોઈને કશી જાણ નથી.”

“એ તો રમતોરામ છે સાહેબ. જ્યાં મરજી આવે ત્યાં લંબાવીને સૂઈ જાય છે. એકવાર મને એ મંદિર પાસેના ફૂટપાથ પાસે સૂતેલો દેખાઈ આવ્યો હતો.”

ઈ. વિનોદ કાર્યવાહી પતાવીને જીપ પાસે આવીને ઊભા રહ્યા. તેમની પાછળ હ. ગણપતે આવીને કહ્યું, “સાહેબ, મને આ રામપ્યારે તો ઘણો રહસ્યમયી વ્યક્તિ લાગે છે. હવે જુઓને એકબાજુ આ મેડમે તેના પર છેડખાનીનો આરોપ લગાવ્યો છે. તો બીજી બાજુ અહીં બેઠેલા લોકો તેના સદગુણના ગુણગાન ગાઈ રહ્યા છે.”

“ગણપત, અઠંગ ગુનેગારનું કામ આવું જ હોય છે. તેઓ પોતાના અવગુણ છૂપાવવા લોકો સામે સદગુણી હોવાનો દેખાવો કરે છે.”

“મતલબ ઘેંટાના ચોલામાં ભેડ જેવું તેમનું કામ હોય છે.”

“હા હવે તું વાતને બરાબર સમજ્યો.” કંઈક વિચારીને ઈ. વિનોદે કહ્યું, “ગણપત, ફકત આ મેડમની ફરિયાદને આધારે રામપ્યારેની ધરપકડ કરવામાં જોખમ છે.”

“કેમ સાહેબ ?”

“કારણ આમ કરવા જતા તેના સદગુણી હોવાની છાપ આપણને નડી શકે છે.”

“તો હવે આપણે શું કરીશું ?”

“એક કામ કર તું તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફોન કરીને સાદાવેશે બે પોલીસવાળાઓને ચાની લારી પર નજર રાખવાનું કહી દે. આપણે એ હરામખોરને રંગે હાથ પકડવો પડશે.”

“જી સાહેબ.”

હ. ગણપતે જીપથી થોડેક દૂર જઈને પોલીસ સ્ટેશનમાં કોલ જોડ્યો. તે ફોન પર સૂચના આપી રહ્યો હતો ત્યાં એક વૃદ્ધ ઈ. વિનોદ પાસે આવીને બોલ્યો. “સાહેબ, હું રામપ્યારે વિષે વધુ જાણતો નથી પરંતુ એટલું ખાતરીપૂર્વક કહી શકું છું કે તે કોઈ છોકરીની છેડછાડ તો નહીં જ કરે.”

“તો શું જીપની અંદર બેઠેલા મેડમ ખોટું બોલી રહ્યા છે.”

“બની શકે કે તેઓને કોઈ ગેરસમજણ થઈ હોય. બાકી રામપ્યારે સ્વભાવે ખૂબ સીધો માણસ છે.”

“ઠીક છે હું તમારી વાત ધ્યાનમાં રાખીશ.”

હ. ગણપતના આવતા ઈ. વિનોદ જીપમાં આવીને બેઠા.

“સાહેબ, હવે ક્યાં જવું છે ?”

“પોલીસ સ્ટેશનમાં. પણ એ પહેલા આ મેડમને તેમના ઘરે મૂકી આવીએ.”

“જી સાહેબ.”

ઈ. વિનોદે પાછળની સીટ પર બેઠેલી પાયલ તરફ જોઈને કહ્યું, “મેડમ, તમે જરાયે ચિંતા કરશો નહીં. મેં ચાની લારી પર સાદા વેશમાં બે પોલીસવાળાઓને નજર રાખવાનું કહ્યું છે. તેઓ આ લારી પર ચાંપતી નજર રાખશે અને જેવો રામપ્યારે કોઈ યુવતીની છેડતી કરતો દેખાશે કે તરત તેને રંગેહાથ ઝડપી લેશે. અને એક વખત તે મારા હાથમાં આવ્યો તો તેની ખેર નહીં”

“થેક્યું ઈન્સ્પેકટર.”

ઈ. વિનોદે હવાલદાર ગણપતને જીપ હંકારવાનો ઈશારો કર્યો. એ સાથે ધૂળની ડમરી ઊડાડતી જીપ ત્યાંથી ઊપડી ગઈ.

*****

ઈ. વિનોદના ગયા બાદ થોડીવારમાં જ ધોડુંરામ અને વીજુ નામના બે પોલીસવાળા સાદાવેશે ચાની લારી પાસે આવીને ઊભા રહ્યા. ધોડુંરામ એક બાંકડા પર બેસીને અખબાર વાંચવાનું નાટક કરી રહ્યો. જયારે વીજુ ત્યાંથી થોડેક દુર આવેલા થાંભલાને અડીને સિગરેટ ફૂંકવા લાગ્યો. મોડી સાંજ થવા સુધી કોઈ આવ્યું નહીં ત્યારે બંને જણા કંટાળી ગયા.

વીજુનું સિગરેટનું પેકેટ ખાલી થઈ ગયું હતું. તેણે સિગારેટ લેવા બાજુના ગલ્લા તરફ પગ ઊપાડ્યા જ હતા ત્યાં ચાવાળાએ રામપ્યારેના આવવાનો ઈશારો આપ્યો. આ જોઈ વિજુએ ચાની લારીની દિશામાં પોતાના પગ વળાવ્યા. વીજુ જાણે હમણાં જ આવ્યો હોય તેમ મંગુને બોલ્યો, “એક કડક ચાય.”

“જી સાહેબ.” કહી મંગુએ પ્યાલીમાં ચા ભરવાનું શરૂ કર્યું. વીજુ અજાણ બનીને ધોડુંરામની બાજુમાં જઈને ઊભો રહ્યો. છોટુએ આવીને વિજુને ગરમાગરમ ચાની પ્યાલી આપી.

આ બધાથી બેખબર રામપ્યારે ચાની લારી પાસે આવ્યો. અને દરરોજની જેમ એક કંટીગનો ઓર્ડર આપી તેની નિયત જગ્યાએ આવીને બેઠો. થોડીવારમાં છોટુ રોજની જેમ ચાનો કપ રામપ્યારે સામે મૂકી ચૂપચાપ તેના કામે લાગી ગયો. રામપ્યારે હવે નિરાંતે ચાની ચૂસકી લઈ રહ્યો હતો. જોકે તે જાણતો નહોતો કે ચાર આંખો તેની પ્રત્યેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી હતી. 

થોડીવારમાં ગર્લ્સ કોલેજ છૂટી. એ સાથે સડક પર કોલેજીયન યુવતીઓની ચહલપહલ શરૂ થઈ ગઈ. ચાની લારી પાસેથી કેટલીક યુવતીઓ પસાર થઈ પણ રામપ્યારેએ તેમની તરફ નજર સુદ્ધાં ઊઠાવીને જોયું નહીં. આ જોઈ ધોડુંરામે બાજુમાં ઊભેલા વીજુને કહ્યું, “મને લાગે છે કે આ ચાવાળા મંગુએ આપણી હાજરી વિશે રામપ્યારેને કહી દીધું છે.”

તેઓ આમ વાતો કરી જ રહ્યા હતા ત્યાં એક લાલ ડ્રેસ પહેરેલી યુવતીને જોઈ રામપ્યારે ચા પીતો અટકી ગયો. આ જોઈ ધોડુંરામ અને વીજુ સાવધ થઈ ગયા. રામપ્યારે પણ ચાનો કપ બાજુમાં મૂકી પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. ધોડુંરામ અને વીજુ કંઈ સમજે તે પહેલા રામપ્યારેએ જોરથી બૂમ પાડી. “એય છોકરી, ઊભી રહે. આમ છત્રી લઈને ક્યાં જાય છે ?”

ધોડુંરામ અને વીજુનું ધ્યાન પહેલીવાર એ યુવતીના હાથમાંની રંગબેરંગી છત્રી પર ગયું.

રામપ્યારેને આમ અચાનક પોતાની તરફ આવતા જોઈ યુવતી ડરી ગઈ. તેણે ઉતાવળીયે ઘર તરફ જવા પોતાના પગ ઊપાડ્યા. રામપ્યારે પણ તે યુવતીની પાછળ ચાલવા લાગ્યો. પરંતુ હજુ તેણે પહેલું ડગલું ભર્યું જ હતું ત્યાં ધોડુંરામ અને વીજુએ આવીને તેને પકડી લીધો.

ધોડુંરામે રામપ્યારેને ધમકાવતા કહ્યું, “એ મવાલી શું કરે છે ?”

રામપ્યારેએ ધોન્ડું તરફ ધ્યાન આપ્યા વગર જ યુવતીને બૂમ પાડી પૂછ્યું, “એય છોકરી ક્યાં ચાલી ? ઊભી રહે. હું કહું છું રોકાઈ જા.”

વિજુને આ જોઈ ઘણો ગુસ્સો આવ્યો તેણે રામપ્યારેને બે લાફા ચોડી દેતા કહ્યું, “હરામખોરની હિંમત તો જુઓ ? પોલીસવાળાની પણ બીક નથી !”

રામપ્યારે એકીટશે એ યુવતીને જતી જોઈ રહ્યો આ જોઈ ધોડુંરામે કહ્યું, “ચાલો, આ રોમીયોને પોલીસસ્ટેશને લઈ જઈએ. તેને આપણા ઈન્સ્પેકટર વિનોદ સીધો દોર કરી દેશે.”

રામપ્યારેએ હાથ જોડીને કહ્યું, “સાહેબ, તમારે મને જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાઓ પણ એકવાર એ છોકરીને મળવા દો. મારે તેને મળીને પૂછવું છે કે.”

ધોડુંરામે રામપ્યારેને કચકચાવીને એક લાફો ચોડી દેતા કહ્યું, “અબે એઽઽઽ, અમે પોલીસવાળા છીએ; તારું એ છોકરી સાથે મિલન કરાવી આપનાર દલાલ નહીં સમજ્યો ?”

ધોડુંરામે રામપ્યારેને હથકડી પહેરાવી દીધી. વીજુએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી રામપ્યારેને રંગે હાથ પકડી પાડ્યાની સૂચના આપી દીધી.

“બસ થોડીવારમાં જ પોલીસજીપ આવતા તું જેલના સળિયા પાછળ હોઈશ.”

“સાહેબ, તમારે જે કરવું હોય તે કરો પરંતુ મને બસ એકવાર એ છોકરીને મળીને પૂછવા દો.” રામપ્યારે વિનંતી કરતા બોલ્યો, “તમે મારી વાતને સમજતા કેમ નથી ?”

“રામપ્યારે, તારો ખેલ ખલાસ થઈ ગયો છે. હવે તારે જે કાંઈ સમજાવવાનું હોય તે અમારા ઈન્સ્પેકટર સાહેબને સમજાવજે.”

ચાવાળા મંગુને રામપ્યારેની દયા આવતા તેણે નજીક આવીને કહ્યું, “સાહેબ, આ બિચારાએ કશું કર્યું નથી. કૃપા કરીને તેને છોડી દો.”

ધોડુંરામે અકળાઈને કહ્યું, “તને આની બહુ ચિંતા થઈ રહી છે. વીજુ, એક કામ કર આ મંગુને પણ હથકડી પહેરાવીને આપણી સાથે લઈ ચાલ.”

આ સાંભળી મંગુ સમસમી ગયો. “અરે! ના સાહેબ. હું તો બસ તમને કહેતો હતો કે આને કશું કર્યું નથી.”

“અમે અમારી સગી આંખે આને પેલી યુવતીની પાછળ જતો જોયો છે.”

“મતલબ અમે જે જોયું તે ખોટું છે ? તું પોલીસવાળાઓને જુઠો સાબિત કરવા માંગે છે ?”

મંગુને ચાની લારી પર જઈને પ્યાલીમાં ચા ભરવામાં જ સમજદારી લાગી.

થોડીવારમાં પોલીસ જીપ આવતા બંને પોલીસવાળાઓએ મળીને રામપ્યારેને તેની અંદર ધકેલ્યો.

“સાહેબ, તમારે મને જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાઓ પણ એકવાર.... બસ એકવાર એ યુવતીને મળવા દો.”

જીપમાં ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ગણપતે પૂછ્યું, “શું થયું વીજુ ? આ શું બબડી રહ્યો છે ?”

“જો ને ગણપત આ ચસકેલ આપણી હાજરીમાં એ યુવતીની પાછળ જવાની જિદ કરી રહ્યો છે.”

“આનું મગજ તો આપણા ઈન્સ્પેકટર સાહેબ જ ઠેકાણે લાવશે. ચાલો તમે જલદીથી જીપમાં બેસી જાઓ.”

બંને જણા બેસતા જ ગણપતે જીપને પોલીસ સ્ટેશન તરફ હંકારી મૂકી. રામપ્યારે આખા માર્ગમાં હાથ જોડીને એ યુવતીને એકવાર મળવા દેવાની આજીજી કરી રહ્યો. પરંતુ કોઈએ તેની વિનવણીઓને ગણકારી નહીં.

પોલીસ સ્ટેશન આવતા જ વિજુએ રામપ્યારેને હથકડી પકડીને નીચે ઊતાર્યો.

રામપ્યારે બબડી રહ્યો, “સાહેબ, જો એ છોકરીને કશું થઈ ગયું તો તેનું પાપ તમારા શિરે હશે.”

“બેવકૂફ, અમે તારી સમયસર ધરપકડ કરીને એ છોકરીને કશું થવા દીધું નથી. શું તેનું પુણ્ય ઓછું છે ?”

રામપ્યારેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો. અહીં પણ બસ તે એક જ વાતનું રટણ કરતો રહ્યો, “મને તે છોકરીને બસ એકવાર મળવા દો.”

ધોડુંરામ અને વિજુએ ઈ. વિનોદની કેબીનમાં જઈને રામપ્યારેની ધરપકડ કર્યાના સમાચાર આપ્યા.

ઈ. વિનોદે હાથમાંના રૂમાલને રમાડતા કહ્યું, “એ હરામખોર ત્યાંથી આવતીજતી દરેક યુવતીને પરેશાન કરતો હતો ને ?”

“ના સાહેબ, બધી યુવતીઓને એ પરેશાન કરતો નહોતો; બસ એક લાલ ડ્રેસવાળી યુવતીને જોઈને તે દીવાનો થઈ ગયો.”

“હમમમ એ ઘણી દેખાવડી હશે.”

“ના સાહેબ, તેનાથી ઘણી સુંદર યુવતીઓ ત્યાંથી પસાર થઈ હતી પરંતુ આ ચક્રમે તેમની તરફ નજર સુદ્ધાં કરી નહોતી.”

અચાનક કોઈ વાતની ગેડ મળી હોય તેમ ઈ.વિનોદે પૂછ્યું, “શું એ લાલ ડ્રેસવાળી યુવતીના હાથમાં છત્રી હતી ?”

ધોડુંરામે મગજ કસતા કહ્યું, “હા સાહેબ.”

“હવે મને યાદ કરીને એ કહો કે, ત્યાંથી પસાર થતી બીજી યુવતીઓના હાથમાં છત્રી હતી ?”

આ વખતે વીજુ બોલ્યો, “ના સાહેબ, બસ એ લાલ ડ્રેસવાળી યુવતીના હાથમાં જ છત્રી હતી ! કેમ શું થયું સાહેબ ?”

“ધોડું, મને તો આ મેન્ટલ કેસ લાગે છે. તમને યાદ આવે છે કે, આના ખિલાફ રિપોટ દર્જ કરનાર પાયલબેનના હાથમાં પણ છત્રી જોઈને જ આ પાગલ ભડક્યો હતો. બરાબર ને ?” ઈ. વિનોદે ખુરશી પરથી ઊભા થતા કહ્યું, “તમે મારી સાથે ચાલો. મારે એ રામપ્યારેની વ્યવસ્થિતપણે પૂછપરછ કરવી પડશે.”

ધોડુંરામે ઉતાવળે કોટડીમાં આવીને રામપ્યારે સામે ખુરશી ગોઠવી દીધી. હવે રૂમાલ વડે તે ખુરશીને સાફ કરી જ રહ્યો હતો ત્યાં ઈ. વિનોદે કોટડીમાં પ્રવેશ કર્યો. આ જોઈ ધોડુંરામે તેમને સેલ્યુટ આપી બાજુમાં અદબવાળીને ઊભો રહ્યો. ઈ. વિનોદે ખુરશી પર બેસતા કહ્યું, “રામપ્યારે, તું ચાની લારી પાસેથી આવતી જતી યુવતીઓની છેડતી કેમ કરે છે ?”

રામપ્યારે ચુપ રહ્યો આ જોઈ ધોડુંરામ તાડૂક્યો, “સાહેબ, જે પૂછે છે તેનો જવાબ આપ.”

“સાહેબ, હું તેમની છેડતી નહીં પણ પૂછતાછ કરતો હતો.”

“કેવી પૂછતાછ ?”

“તેઓ પોતાની સાથે છત્રી કેમ રાખે છે તે વાતની પૂછતાછ.”

“છત્રીની પુછતાછ !”

“હા”

”કેમ ?”

“કોઈપણ યુવતીના હાથમાં છત્રી જોઈને; મને એ જાણવાની ઈચ્છા થાય છે કે તેણે એ છત્રી પોતાની સાથે શું કામ રાખી હશે.”

“અરે! બેવકૂફ, વરસાદથી બચવા કે તાપથી રક્ષણ મેળવવા કોઈપણ વ્યક્તિ પોતાની સાથે છત્રી રાખે છે. એમાં તારા પેટમાં શું કામ તેલ રેડાયું ?”

“પણ સાહેબ, જો વરસાદ કે તાપ પડતો ન હોય તો ?”

“તો પછી વરસાદ પડે ત્યારે કામમાં આવે એ હેતુથી કોઈ પોતાની સાથે છત્રી રાખે અથવા બપોરે તડકો પડતો હોય ત્યારે છત્રી લઈને જાય. આ સિવાય છત્રીનો શો ઉપયોગ હોઈ શકે ?”

“સાહેબ, આ સિવાય પણ છત્રીનો ઉપયોગ હોય છે.” રામપ્યારે સ્વગત બબડી રહ્યો, “તાપ-તડકા અને વરસાદથી બચવા સિવાય પણ છત્રીના બીજા ઘણા ઉપયોગો લોકો કરતા હોય છે!”

“કોણ છે એવું મૂર્ખ ?”

ભૂતકાળની ઘટમાળ રામપ્યારેની આંખો સામે ફિલ્મની પટ્ટી સમી પસાર થઈ રહી. રામપ્યારે તેના અતીતમાં ખોવાઈ જતા બોલી રહ્યો.

“લગભગ એક વર્ષ પહેલા રાતપાળી કરી હું ૧૪ ફેબ્રુઆરીના રોજ એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે મારા ઘરે જવા રવાના થયો. ટ્રેનમાં મારી કંપનીથી મારા ગામ જવા માટે મને માંડ એક કલાક જેટલો સમય લાગે. તેથી વેલેન્ટાઈન ડેની એ ફૂલગુલાબી સવારના પહોરમાં હું મારા ગામના સ્ટેશન પર ઊતર્યો. ટ્રેનના પાટાની પેલે પાર મારૂ ગામ હતું. ઘરે વહેલા પહોંચી આરામ કરવાના આશયથી હું ઉતાવળે ઘર ભણી પગલા ઊપાડવા માંડ્યો. રેલવેના પાટા ઓળંગી હું અમારા ગામ તરફ જતા રસ્તા પર આવ્યો જ હતો ત્યાં મને સામેથી મંજરી આવતી દેખાઈ.” રામપ્યારેએ થોડું અટકી આગળ કહ્યું, “સાહેબ, મંજરી અમારા ગામના ગરીબ ગણોતિયા એવા માધવલાલની સુપુત્રી હતી. માધવલાલ રોજે રોજનું કમાઈને ખાતા પરંતુ કોઈ આગળ તેઓએ કદીયે હાથ લંબાવ્યો નહીં. તેઓ ભલે ગરીબ હતા પરંતુ સ્વભાવે એટલા જ સ્વમાની હતા. તેમની સુપુત્રી મંજરી દેખાવે એટલી સુંદર હતી કે તેના સૌંદર્યની સ્વર્ગની અપ્સરાને પણ ઈર્ષા થાય. મંજરીનો વાન દૂધ જેવો ગોરો અને કાયા જાણે સંગેમરમરમાંથી કંડારેલી પ્રતિમા જેવો સુડોળ હતો. ફૂલ ગુલાબી ઠંડીમાં તેના ચહેરા પર છવાયેલી લાલિમા જોઈ એવું લાગે જાણે બાગમાં તાજું ગુલાબ ખીલી ઊઠ્યું ન હોય. મંજરીના હાથમાંની રંગબેરંગી છત્રી તેના રૂપને હજુ નિખારી રહી હતી. તેને જોઈને એમ પ્રતિત થતું હતું જાણે તે કોઈ વિદેશી ગોરી મેડમ જ ન હોય ! સાહેબ, મંજરી મને ખૂબ ગમતી હતી પણ ગામના લોકો શું કહેશે ? એ બીકે મેં મંજરી જોડે કયારે વાતચીત સુદ્ધાં કરી નહોતી. પરંતુ એ દિવસે તેને જોઈને મને વારંવાર એ વાતનું આશ્ચર્ય થતું હતું કે મંજરી હાથમાં છત્રી લઈને સવારના પહોરમાં ક્યાં જઈ રહી હતી ? મને કુતુહલ થવું સ્વાભાવિક હતું કારણકે અમારા ગામમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક પરથી ટ્રેનો ભલે ઘણી પસાર થતી હોય પરંતુ સ્ટેશન પર તેમાંથી ખૂબ જ ઓછી ટ્રેનો રોકાતી હતી. સવારે હું જે ટ્રેનમાંથી આવ્યો હતો તે ટ્રેન પછી બીજી ટ્રેન છેક બપોરે ૧.૦૦ વાગે જ આવવાની હતી. ત્યારે સહેજે મનમાં પ્રશ્ન થાય કે, મંજરી સ્ટેશન બાજુ કેમ જઈ રહી છે ? વળી સ્ટેશનની પેલી પાર બીજું કોઈ ગામ કે વસ્તી પણ નહોતી. તો પછી મંજરી ક્યાં અને કોને મળવા ત્યાં જઈ રહી હતી ? મનમાં શંકાનો કીડો સળવળી ઊઠ્યો કે, મંજરીનું કોઈની જોડે લફરું તો નહીં હોય ને ?

મેં વિચાર્યું કે મંજરીને હિંમત કરીને પૂછી જોવું કે, ‘એય મંજરી ક્યાં જાય છે ?’ પણ પછી મનમાં વિચાર આવ્યો કે ‘મંજરી મારા વિષે શું સમજશે ? હું કયા અધિકારથી તેને આવું પૂછી કે ટોકી શકું છું ? બની શકે કે એના પિતાજીએ સામે આવેલા ખેતરોમાંથી તેને કોઈ શાકભાજી લેવા મોકલી હોય ! એવામાં જો મારા પૂછપરછની તે ગામલોકો આગળ ફરિયાદ કરશે ત્યારે હું તેમને શું જવાબ આપીશ ?’ પરંતુ મારા મનમાં તરત બીજો પ્રશ્ન આવ્યો કે, ‘શાકભાજી લેવા જાય છે તો તેના હાથમાં થેલીને બદલે છત્રી કેમ ?’

મંજરી હવે મારી ઘણી નજદીક આવી ગઈ હતી. તેના સુંવાળા વાળમાંથી આવતી મીઠી માદક સુગંધ મારા નાકમાં પ્રવેશી મારા મસ્તિષ્ક પર કબજો જમાવવા લાગી. મંજરી મારી એટલી નજદીક આવી ગઈ હતી કે મને મનમાં થયું કે કોઈ સાંભળે નહીં એ રીતે હું ધીમેથી તેને પૂછી લઉં કે, ‘મંજરી, આમ સવારના પહોરમાં હાથમાં છત્રી લઈને કયા ચાલી ?’ પણ મારી હિંમત ન ચાલી. મારા મનમાં થયું કે, ‘મંજરી મારા વિષે શું વિચારશે ?’ એ એટલી નજદીક હતી કે તેના ગાલ પરનો કાળો તલ મને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મંજરીએ મારી તરફ જોયું. અમારા બંનેની નજર એક થઈ. હું મંજરીની માંજરી આંખોમાં અપલક નજરે જોઈ રહ્યો. એકપળ માટે અમે બંને સઘળું વિસરીને એકબીજામાં ખોવાઈ ગયા. મારું હૈયું જોર જોરથી ધબકવા લાગ્યું. હું તેની ઝીલ જેવી આંખોમાં જાણે ગોથા ખાવા લાગ્યો. મારા મનમાં થયું કે તેનો હાથ પકડીને પૂછી લઉં કે, ‘મંજરી, વિલ યુ બી માય વેલેન્ટાઈન’

હું આમ વિચારતો જ હતો ત્યાં મને મંજરીના હાથમાં રહેલી છત્રીનો સહજ સ્પર્શ થતા હું ભાનમાં આવ્યો. મેં મંજરી તરફથી મારી નજર હટાવી આસપાસ ફેરવી ખાતરી કરી લીધી કે કોઈ અમને જોતું તો નથી ને ? જો કોઈએ મને આમ મંજરીને ટગર ટગર નિહાળતા જોઈ લીધું હોત તો ગામ આખામાં ખોટેખોટી અફવાના પડીકાઓ વહેચાયા હોત. હું મંજરી કે મારા નામની બદનામી થાય તેવું જરાયે ઈચ્છતો નહોતો.

મેં મારા પગ ઊપાડતા પહેલા મારી જીભને ઊપાડી પૂછવાનો પ્રયત્ન કર્યો કે ‘મંજરી, આ છત્રી લઈને ક્યાં ચાલી ?’ પણ પગ સામે જીભ હારી ગઈ. હું ત્યાંથી આગળ વધી ગયો. મારા મનમાં શંકા કુશંકા ઘેરી વળી હતી. મને કોણ જાણે કેમ ચેન પડી રહ્યું નહોતું. ‘કદાચ છત્રીની આડમાં મંજરી કોઈને મળવા તો જતી નહીં હોય ને ?’ મારો પ્રેમ આમ પરાયો થઈ રહ્યો છે અને હું કશું કરી શકતો નથી. એ લાચારી મને અત્યંત પીડા આપી રહી.

મંજરી હવે રેલ્વેના પાટા ઓળંગી ગઈ હતી. હું એને જોતો ત્યાં જ ઊભો રહ્યો. અચાનક તેણે પાછુ વળીને મારી તરફ જોયું. હું શરમાઈ ગયો અને મારી પીઠ ફેરવી હું ઝડપભેર ચાલવા લાગ્યો. થોડીવાર ચાલ્યા બાદ મેં પાછા વળીને જોયું તો મંજરી મને જતી દેખાઈ ! મતલબ કે એ મને કંઈક કહેવા માટે ત્યાં ઘણીવાર સુધી મારી રાહ જોતી ઊભી હતી પરંતુ મેં જ હિંમત દાખવી નહોતી. હું હતાશાથી ગામ તરફ ચાલવા લાગ્યો. ત્યાંજ ટ્રેનની તીણી સીટીએ મારૂ ધ્યાન ખેચ્યું. મેં પાછા વળીને જોયું તો મારી અચરજ વચ્ચે મંજરી દોડતી દોડતી પાછી આવી અને પૂરપાટ ઝડપે દોડી રહેલ ટ્રેનના માર્ગમાં બરાબર વચ્ચે જ પાટા ઊપર બેસી ગઈ.

આ જોઈને મારા રૂંવાડા ઊભા થઈ ગયા.

“એ મંજરી શું કરે છે ?” એવી બૂમો પાડતો હું પાટા તરફ દોડવા લાગ્યો પરંતુ હું એટલે દૂર સુધી નીકળી ગયો હતો કે રેલવેના પાટા સુધી મારૂ તો શું મારા અવાજનું પહોંચવું પણ મુશ્કેલ હતું.

મંજરી કેમ પાટા પરથી જલ્દી દૂર ખસી નહોતી એ મારા હવે ધ્યાનમાં આવ્યું હતું. એ ત્યાં ઊભી રહીને મારો નહીં પરંતુ ટ્રેનનો ઈન્તેજાર કરી રહી હતી.” રામપ્યારેએ રૂંધાયેલા સ્વરે કહ્યું, “સાહેબ, છત્રીનો બીજો પણ ઉપયોગ હોઈ શકે છે એ મેં તે દિવસે જાણ્યું હતું. ઝડપભેર આવતી ટ્રેનને જોઈ ડર ન લાગે એ માટે મંજરીએ પોતાની સામે છત્રી ખોલીને આડી ધરી અને એ છત્રીની આડશમાં તે લપાઈ ગઈ હતી. હું પાગલની જેમ બૂમો પાડતો પાટા તરફ દોડવા લાગ્યો પણ સ્વાભાવિકપણે ટ્રેનની ઝડપ મારાથી વધારે હતી ! હું પાટા પર પહોચું એ પહેલા ટ્રેન એ ગુલાબી કાયાને છિન્નભિન્ન કરતી ત્યાંથી પસાર થઈ ગઈ. હું જયારે પાટા પાસે પહોચ્યો ત્યારે ત્યાં ફક્ત બે વસ્તુઓ હતી એક મારી સુદંર મંજરીની કાયાના વિકૃત થયેલા ટુકડા ! અને બીજી મારા જીવનને બેરંગ કરી મારા દિલોદિમાગ પર કાયમ માટે છવાઈ જનાર એ હવામાં ફંગોળાઈલી રંગબેરંગી છત્રી.”

રામપ્યારે ધ્રુસકાભેર બોલી રહ્યો, “સાહેબ, વેલેન્ટાઈન ડેની એ ભૂલ હજુપણ મારા હૃદયને કોરી ખાય છે. કાશ ! એ દિવસે મેં હિંમત કરીને એકવાર પૂછી લીધું હોત કે, ‘એય મંજરી, આ છત્રી લઈને તું ક્યાં જઈ રહી છે ?’ આ હાથે જ મેં મારી મંજરીની લાશના ટુકડાઓ ઊઠાવ્યા છે. તમે નહીં માનો પણ નાના દેખાતા એ ટુકડાઓ એ દિવસે મને પહાડ જેવા ભારે લાગ્યા હતા. એ પીડા, એ પસ્તાવાનો બોજ હું હજુપણ ઊઠાવી રહ્યો છું અને તેથી જ કોઈપણ યુવતીના હાથમાં છત્રી જોઉં ત્યારે અચૂકપણે તેને પૂછી લઉં છું કે તે છત્રી લઈને ક્યાં જાય છે ?”

રામપ્યારેના આંખમાં આંસુ હતા.

ઈ. વિનોદ પણ શાંત હતા.

આખરે ખામોશી તોડતા ઈ. વિનોદે પૂછ્યું, “પણ મંજરીને આવું પગલું શું કામ ભરવું પડ્યું ?”

રામપ્યારેએ હતાશાથી કહ્યું, “સાહેબ, એક મહિના પહેલા જ મને ગામલોકો દ્વારા ખબર પડી કે મંજરી સાથે મારા લગ્નની વાતચીત ચાલતી હતી પરંતુ મંજરીના પિતા મારા લોભી બાપને તેમની માંગણી પ્રમાણેનું દહેજ આપી શકતા નહોતા. પરિણામે કૃત્રિમ લક્ષ્મીના લોભમાં સાક્ષાત લક્ષ્મી જેવી મંજરીને મારા પિતાએ ઠુકરાવી હતી. મંજરીના પિતાની લાખ વિનવણીઓ બાદ પણ મંજરી સાથે મારા લગ્ન કરવા મારા પિતા તૈયાર થયા નહોતા. મંજરી જે મને મનોમન ખૂબ પ્રેમ કરતી હતી તે આ આઘાત જીરવી શકી નહીં. સાહેબ, એ બે પળ માટે અમે એકબીજાની એટલા નજીક ઊભા હતા કે અમારા બંનેની આંખો જ એકબીજાને ઘણું બધું કહી રહી હતી. પણ સાહેબ, એ દિવસે નહીં મંજરીએ મને કોઈ સવાલ કર્યો, કે નહીં મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યો. કારણ, એકબીજા સાથે શબ્દોની આપ લે કરવામાં નડતરરૂપ બની હતી, સમાજના નિયમો, રિવાજો, ડર અને બંધનરૂપિ એક અદ્રશ્ય શરમની છત્રી !”


Rate this content
Log in

Similar gujarati story from Romance