Shalini Thakkar

Inspirational

4.5  

Shalini Thakkar

Inspirational

ચાલને, ફરી બાળક બની જઈએ

ચાલને, ફરી બાળક બની જઈએ

3 mins
241


તનિષા એક હાથમાં ગાડીની ચાવી અને બીજા હાથમાં એના પાંચ વર્ષના દીકરા આરવનો હાથ પકડીને ગાડીના પાર્કિંગ પાસે પહોંચી. ગાડીનો દરવાજો ખોલતાં એણે અનુજાને ફોન લગાવ્યો અને પૂછ્યું,"કેટલી વાર ?"સામેથી અનુજાનો ઉતાવળો અવાજ આવ્યો,"બસ પહોંચી". બીજી જ મિનિટે અનુજા પોતાના પાંચ વર્ષના દીકરા ઈશાન સાથે નીચે આવી પહોંચી. બધા ફટાફટ ગાડીમાં ગોઠવાઈ ગયા અને ગાડી સડસડાટ શહેરના એક મલ્ટિપ્લેક્સ પાસે આવીને ઊભી રહી. તનિષા અને અનુજા આજે એમના બાળકોને' એન્ગ્રીબર્ડ 'મૂવી બતાવવા લઈ આવી હતી. મુવી જોયા પછી લંચ અને ત્યારબાદ ત્યાં જ આવેલા ગેમ ઝોન માં જઈને બાળકો ગેમ રમવાના હતા. ગઈકાલે બંને મળીને આ યોજના ઘડી કાઢી હતી.

તનિષા અને અનુજા એક જ બિલ્ડિંગમાં સામેસામેના ફ્લૅટમાં રહેતા હતા. એમના બન્નેના બાળકો પણ લગભગ સરખી જ ઉંમરના હોવાથી બંને બાળકોને લક્ષમાં રાખીને જાતજાતની યોજનાઓ કરતા. ક્યારેક ગાર્ડનમાં જતા તો ક્યારેક પિકનિક પર જતા અને બધા સાથે સમય પસાર કરી ને ખૂબ આનંદ કરતા. બંનેને એકબીજા સાથે ખૂબ જ સારો મનમેળ હતો. તકલીફના સમયમાં બંને એકબીજાને સાચવી લેતા. એક દિવસ અનુજાને ક્યાંક બહાર જવાનું થયું માટે ઈશાનને એ થોડીવાર માટે અનુજા ના ઘરે મૂકીને ગઈ. આરવ અને ઈશાન બંને સાથે મળીને રમવા માંડ્યા અને તનિષા અંદર રસોડામાં કામ કરી રહી હતી. એવામાં અચાનક બંનેે બાળકો વચ્ચે કંઈક ઝઘડો થઈ ગયો અને ઈશાને આરવને ધક્કો માર્યો. આરવને પણ ગુસ્સો આવી ગયો. આખરે તો બંને બાળકો જ ને. આરવે પણ ઈશાનને ગુસ્સામાં મારી દીધું અને ઈશાન રડવા માંડ્યો. એવામાં અનુજા ત્યાં આવી ગઈ. એણે આખું દ્રશ્ય જોયું અને ઈશાન ને આમ રડતા જોઈ એ ખૂબ જ ઉશ્કેરાઈ ગઈ. એ ગુસ્સામાંં આરવને ધમકાવવા માંડી એટલે ગભરાઈને આરવે પણ રડવાનું શરુ કરી દીધું. અવાજ સાંભળીને તનિષા પણ ફટાફટ ત્યાં આવી ગઈ. અનુજા રોદ્ર સ્વરૂપ અને આરવને રડતા જોઈને એ એકદમ અકડાઈ ગઈ. આમ નજીવી વાત પર બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને વાતાવરણ થોડું તંગ થઈ ગયું. અનુજા ઈશાનને લઈને ગુસ્સામાં ત્યાંથી જતી રહી. બન્ને જણાએ પોતાના ફ્લેટના દરવાજા બંધ કરી દીધા. એ દરવાજા બીજા દિવસે પણ આખો દિવસ બંધ જ રહ્યા. ત્રીજા દિવસે બંને પક્ષે ગુસ્સો થોડો શાંત થઈ ગયો પરંતુ અહમ વચ્ચે આવી ગયો,"વાંક એનો છે તો હું શું કામ પહેલા બોલું ?"બંનેના મગજમાં એક જ વાત. બંધ દરવાજામાં આરવ અને ઈશાન એકબીજા સાથે રમવા માટે જિદ કરી રહ્યા હતા જાણે એમના વચ્ચે કશું બન્યું જ ના હોય.. એમને કાબૂમાંં રાખવું બંને માટે મુશ્કેલ થઈ ગયું હતું. આ જિદ, આ સ્વાભિમાનની આડમાં અહમને પોષવાની પ્રતિક્રિયાથી એમનું બાળમાનસ એકદમ અજાણ હતું. એમને તો બસ રોજની જેમ એક બીજામાં પરોવાયને નિર્દોષ રમતો રમવી હતી. બંને જણા પોતાના ઘરેથી નજર ચોરાઈને બહાર નીકળી ગયા અને ફ્લેટની નીચેે જઈને રોજની જેમ રમવા માંડયા. એકદમ કોરી પાટી જેવું મન જેમાં આગળના દિવસના દોરેલા બધા ચિતરડા પોતાના સ્વચ્છ આત્મારૂપી ડસ્ટરથી સાફ કરી ને પાછા જેવા હતા એવા ને એવા. તનિષા અને અનુજા પણ એમને શોધતા શોધતા નીચે આવી ગઈ. એક ક્ષણ માટે નજર મળી. બંનેે પોતાના બાળકોને પ્રેમથી રમતા જોઈ ને ભોઠી પડી ગઈ. બંને વિચારમાં પડી ગઈ. આપણે જેમ જેમ મોટા થતા જઈએ છે તેમ તેમ રાગ-દ્વેષ, ઈર્ષા, વેરઝેર અનેે ગુસ્સા જેવી નકારાત્મક લાગણીઓના ચિતરડા દોરીને કોરી પાટી જેવા મનને ચીતરી દઈએ છીએ. કેમ નાના બાળકોની જેમ એને રોજ સ્વચ્છ આત્મારૂપી ડસ્ટરથી સાફ નથી કરી દેતા. ભૂલ કોઈની પણ હોય, માફ કરી દેવું અથવા તો માફી લઈ લેવી. જો આ સૂત્ર અપનાવીએ તો જીવનનું ગણિત પણ એટલુંજ સરળ છે.. આજે બંનેને એમના બાળકો આ પાઠ શીખવી ગયા. બંને એકબીજા સામે જોઈને મલકાઈ જાણે કહી રહી હોય ચાલને, આપણે પણ ફરી બાળક બની જઈએ...!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational