nayana Shah

Tragedy

4.5  

nayana Shah

Tragedy

બુંદ સે ગઈ હોજ સે નહીં આતી

બુંદ સે ગઈ હોજ સે નહીં આતી

9 mins
723


બુંદ સે ગઈ હોજ સે નહીં આતી.

"મા" શબ્દ એવો છે કે જયારે પણ સુખ કે દુઃખ પડે ત્યારે જે શબ્દ યાદ આવે એ "મા". પરંતુ બાળક કોઈ પણ ઉંમરે મા ગુમાવે એ એના જીવનનો સૌથી દુઃખદ પ્રસંગ હોય છે. પછી એની ઉંમર પાંચ વર્ષની હોય કે પંચાવનની હોય.

આમ તો શ્રેયની ઉંમર પંચાવન વર્ષની ન હતી. માત્ર ચાલીસ વર્ષની હતી. નાની ઉંમરમાં મહેનતના જોરે એ કરોડપતિ બની ગયો હતો. પરંતુ ચાલીસ વર્ષની ઉંમરે મા ગુમાવવાનું દર્દ એ સહન કરી શક્તો ન હતો. એ તો માના શબ પર માથું મૂકી ધ્રુસકે ચડ્યો હતો. બોલી શકતો ન હતો. કારણ જ્યારે માણસને એક સાથે ઘણું બોલવું હોય ત્યારે એની વાણી માૈન બની જાય છે.

શ્રેય ત્યાર બાદ દિવસો સુધી ઉદાસ રહેવા લાગ્યો હતો. એનું ધ્યાન એના ધંધામાં લાગતું ન હતું. પરંતુ કાયમના માણસોએ ધંધો સંભાળી લીધો હતો. કારણ એ એના કારખાનાના માણસોને પરિવારના સભ્યની જેમ સાચવતો હતો. સામે કારખાનાના માણસોએ પણ એને સાચવી લીધો હતો.

શ્રેયની પત્ની શ્રુતિ પણ પતિને ઘણું આશ્વાસન આપતી કે આ તો જીવનનો ક્રમ છે જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. તમારું દુઃખ હું સમજી શકું છું. પરંતુ હવે તમે ધંધામાં ધ્યાન આપો તો તમે તમારું દુઃખ ભૂલી જશો. 'દુઃખનું ઓસડ દહાડા' એ કહેવત યોગ્ય જ છે.

શ્રેય કહેતો, " શ્રુતિ, મારું દુઃખ ક્યારેય ઓછું થવાનું નથી. મારી મા એટલે સમર્પણની મૂર્તિ. અને લગ્ન બાદ વૈતરાં કરવા સિવાય કંઈ જ કામ કર્યું નથી. આખી જિંદગી નોકરી કરી એ પણ સવારની શાળામાં.સવારે વહેલા ઊઠવું, બધું કામ પરવારી અમારા નાસ્તાના ડબ્બા તૈયાર કરી સ્કૂલે મોકલવા. બપોરે મારી બહેન નિશાળેથી આવી જાય. કારણ કે એ સવારની સ્કૂલમાં હતી. પપ્પાનાે આગ્રહ હતો કે એને તારી સ્કૂલમાં જ ભણવા મૂકજે જેથી એની ફી ભરવી ના પડે અને પૈસાની બચત થાય. મમ્મી તો એકદમ ધનાઢ્ય કુટુંબમાંથી આવી હતી છતાં પણ પપ્પાના કંજુસાઈ ભરેલા સ્વભાવને અનુકૂળ થઈને જીવી. પિયરમાં પાણી માંગતા એને દૂધ મળતું અને અહીં તો પપ્પા કહેતા, " સવારે ચા પીવાથી સ્ફૂર્તિ આવે. મનુષ્યને દૂધની જરૂર હોતી જ નથી. ગાય દૂધ એના વાછરડા માટે આપે છે."

સલાહ સૂચનો આપવા એ બધું એમને ગમતું. મમ્મી એના પગારના પૈસા પણ વાપરી શકતી નહીં. બધાે પગાર પપ્પાના હાથમા મૂકવાે પડતો. મમ્મીએ હંમેશા પિયરમાં સિલ્કની સાડીઓ પહેરેલી હતી. જ્યારે સાસરીમાં પપ્પા કહેતા, " આર ઇસ્ત્રી કરીને પહેરેલી સુતરાઉ સાડીનો ઉઠાવ સિલ્કની સાડી કરતા પણ વધારે આવે. માણસ આખરે તો એના સંસ્કારથી ઓળખાય છે નહીં કે એના કપડાથી." પપ્પાની વાત સાચી હતી પણ એ માત્ર પૈસા બચાવવા પૂરતી જ, કારણ કે ઘરની જવાબદારી સાથે મમ્મીએ કપડાંને આર ઇસ્ત્રી જાતે કરવી પડતી. એમાં ઘણો સમય જતો. એટલું જ નહીં, પપ્પા કહેતા, " બે પૈસા બચાવો તો ભવિષ્યમાં કામ લાગશે. કપડાંને ઇસ્ત્રી જાતે જ કરવાની. ધાેબી એકાદ કપડું ખાઈ કાઢે તો ખબર ના પડે. " મમ્મીને બધાના કપડાં ઇસ્ત્રી જાતે કરવી પડતી. અમને બધાને ભણાવવાની જવાબદારી પણ મમ્મીની. અમારા ટકા ઓછા આવે તો મમ્મીને વઢ પડે. 

નાનપણથી હું જોતો આવતો હતો કે મારી સાથે ભણતાં છોકરાઓ પાસે હંમેશાં થોડા ઘણા પૈસા રહેતા. જ્યારે અમને પૈસા આપવામાં આવે ત્યારે પૈસે પૈસાનો હિસાબ આપવો પડતો. પિકનિક કે પ્રવાસમાં જવા માટે ગમે તેટલી જક કરો, તો પણ પપ્પા હા કહેજ નહીં. એમનું કહેવું હોય, " આ બધા પૈસાદારોના ચાળા, આપણને ના પાેસાય. " આમ તો પપ્પાનો સરકારી ખાતામાં ઘણો ઊંચો હોદ્દો હતો. એમને તો બહારગામ જવા માટે ફર્સ્ટ ક્લાસની ટિકિટનું ભાડું અમારા ચારેય જણાનું મળતું. એક વાત જરૂર હતી કે પપ્પા દર વર્ષે દૂરના સ્થળની ટિકિટો લેતા તે પણ ફર્સ્ટ ક્લાસની અને ત્યારબાદ ટિકિટની ઝેરોક્ષ કઢાવી ઓફિસમાં આપી અને ટિકિટ કેન્સલ કરાવી એ પૈસા એમના બચત ખાતામાં મૂકી દેતા. જો કે આ વાતની મને ઘણી મોડી ખબર પડી હતી. જ્યારે મને ખબર પડી ત્યારે મને ઘણું દુઃખ થયું હતું. પરંતુ મમ્મી સમજાવતા કે, " બેટા, તારા પપ્પા જે કરતા હશે એ સમજી વિચારીને જ કરતા હશે ને ? "

મને મનમાં થતું કે, " હે, કળયુગની આદર્શ પત્ની શું પતિને સંપૂર્ણપણે સમર્પિત થઈ જવું. પોતાની બુદ્ધિથી કાંઈ પણ વિચારવું નહીં. એ જ તારો પત્ની ધર્મ છે ?" શ્રુતિ, મેં મમ્મીને સતત કામ કરતી જોઈ છે. લાેકાેની નોકરી કરતી મમ્મી નોકર રસોઈયા સાથે રહેતી અને મારી કરોડપતિ પિતાની પુત્રી એવી મારી મમ્મી નોકરની જેમ ઘરમાં રહેતી. વેકેશનમાં અમે મોસાળ જઈ શકતા નહીં. કારણ કે વેકેશનમાં જાે મમ્મી પિયર જાય તો પપ્પાનો ખર્ચ વધી જાય. એમને બહાર જમવા જવું પડે, જાતે કપડાંને ઇસ્ત્રી કરવી પડે, ઘરમાં કામવાળી નહીં હોવાથી જાતે કચરા પોતા કરવા પડે. આ બધી વાતો પપ્પાને માન્ય ન હતી. અમે થોડા મોટા થયા ત્યારે એકાદ વાર મામા સાથે માેસાળ ગયેલા ત્યારે ખૂબ મજા કરેલી. કદાચ એ અમારી જિંદગીનો પ્રથમ પ્રવાસ હતો. મામા અમને ભાઈ-બહેનને મૂકવા આવ્યા ત્યારે અમારી બેગ નવા કપડાંઓથી ઠસોઠસ ભરી ગઈ હતી. અમે બંને ભાઈ-બહેન બહુ જ ખુશ હતા. અમે તો એક સાથે આટલાં બધાં નવા કપડાં જોયા નહોતા. આવીને દિવસો સુધી મામાના ઘરે કેટલા લહેરથી રહ્યા એની વાતો કરતા. તેથી જ પપ્પા એ કહી દીધું કે હવેથી મામાને ત્યાં જવાનું નથી. મામાને ત્યાં જઈ તમે તમારી આદતો બગાડો છો. માેજશાેખમા પડી જશો તો જિંદગીમાં આગળ નહીં આવો. 

મમ્મીને અમે ઘણું કહેતા, મમ્મી,તું તો કમાય છે, તું તો અમને પૈસા આપ. ત્યારે મમ્મી કહેતી," હું કમાઉ છું જરૂર પણ એ બધા પૈસા તારા પપ્પાને આપી દઉં છું, મારી પાસે નથી રાખતી. મારે પણ પૈસા જોઈએ તો તારા પપ્પા પાસે જ માગું છું. એમને યોગ્ય લાગે તો આપે નહીં તો મને પણ ના પાડી દે. "

મમ્મી જ્યારે આવા શબ્દો બોલતી ત્યારે તેના માેં પર ન તો દુઃખનો ભાવ હોય કે ન તો સુખનો ભાવ હોય. કોલેજમાં મારી જરૂરિયાતો થોડી ઘણી વધુ રહેતી એના માટે હું મારા ભાઈબંધના કારખાનામાં શનિ-રવિ કામ કરતો. મને ફી તથા કપડાના પૈસા મળી રહેતાં. પપ્પા ખુશ રહેતા કે દીકરાને પૈસા આપવામાંથી મુક્તિ મળી ગઈ. 

ભાઈબંધના કારખાનામાં જઈ ઘણું બધું કામ શીખી લીધું હતું. ભાઈબંધના પપ્પા એ પણ મને એમનો દીકરો ગણીને જ ધંધાની આંટીઘૂંટી શીખવાડી દીધેલી. જો કે હું કારખાનેથી ઘેરે આવું અને પપ્પા હાજર ના હોય તો મમ્મી મારા માથે હાથ ફેરવી અને કહેતી, " દીકરા તું ખૂબ થાકી જતો હોઈશ. લાવ આજે તારા માથે તેલ નાખી દઉં અને તમારા પગને માલિશ કરી દઉં." મમ્મીનો પ્રેમ જોઈ મારી આંખમાં આંસુ આવી જતાં. મમ્મી પૈસા નહીં આપવાના દુઃખને પ્રેમથી સરભર કરવા માગતી હોય એવું વર્તન રહેતું. 

પૈસા માટે તો પપ્પા પૈ પૈ માટે તલસાવતા. થોડા પૈસા પણ વાપરવા આપતા નહીં. કહેતા, " પાસે પૈસાે હોય તો તમને બહારનું ખાવાના ચટકા થાય. તમારે બહારનું ખાવાનું ખાઈને માંદા પડવું છે ? આવવા જવા માટે બસના પાસના પૈસા મેં આપ્યા જ છે પછી પૈસાની શું જરૂર છે ? "

મારા બધા ભાઈબંધો કોલેજમાં સ્કુટર કે બાઈક લઈને આવતા. પણ મારા નસીબમાં તો બસની ધક્કામૂક્કીમાં ચડવાનું રહેતું. મમ્મીની આંખમાંથી મારા માટે સતત સ્નેહ વરસતો રહેતો હતો. 

એમાંય એક દિવસ હું મમ્મી અને મારી બેનની વાત સાંભળી ગયો હતો. મમ્મી કહેતી હતી, " બેટા તું મોટી થઈ ગઈ છું. તેથી તારી જરૂરિયાતો એક મા તરીકે હું સમજી શકું છું. પરંતુ તારા પપ્પા પૈસા નહીં આપે એ પણ હું જાણું છું. શ્રેય તો છોકરો છે. એ કારખાને જાય છે એ મને ખબર છે. પરંતુ પૈસાની જરૂરિયાતને કારણે તું નોકરી કરે એ મને મંજૂર નથી. તું રૂપાળી છું, નાદાન છું, તું કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરે અને કોઈની વાસનાનો ભોગ બને એવું હું નથી ઈચ્છતી. તારું જરૂરિયાત પૂરી કરવા માટે જ હું સ્કૂલ છૂટ્યા પછી બે ટ્યુશન કરવા માંડયા છે જે વાતની તારા પપ્પાને ખબર નથી. એ પૈસા હું તને જ આપીશ. પરંતુ તું શ્રેયની જેમ નોકરીનો નિર્ણય ના લઈશ. મને શ્રેય ઘણો વહાલો છે છતાંય હું એના માટે કંઈક કરી શકતી નથી. મારા પિયરના ભાઈઓ કંઈ પણ આપે તો તારા પપ્પા કહેશે કે મને નીચેા દેખાડવા ભાઈઓ પાસે ભીખ માગી. તે દિવસે મેં મમ્મીને રડતી જોઈ. એના આંસુમાં અમારા ભાઈ બહેન માટે વાત્સલ્ય ટપકતું હતું.

શ્રુતિ તું એમ કહે છે કે તું ઉદાસ ના રહીશ. મારી મમ્મીએ જિંદગીમાં શું સુખ ભાેગવ્યું ? હંમેશા પપ્પાથી ડરતી રહી.

પોતાના પૈસા પણ પોતે પોતાની રીતે વાપરી શકી નહીં. લગ્ન બાદ મને યાદ નથી કે મમ્મી ક્યારેય હોટલમાં જમવા ગઈ હોય કે નાટક કે સિનેમા જોવા ગઈ હોય. એની સવાર પપ્પાથી શરૂ થાય અને રાત પણ પપ્પાથી જ પૂરી થાય. મમ્મી એટલે પપ્પાની બધી જ જરૂરિયાત પૂરી કરવાનું સાધન. શ્રુતિ હવે તું જ કહે હવે હું કઈ રીતે મમ્મીને ભૂલી શકું ? 

જો કે મમ્મી તો શ્રેયના હૃદયમાં જીવંત જ હતી. તેના બંને બાળકો પણ શ્રેય ખુશ રહે તેવા પ્રયત્ન કરતા રહેતા હતા. પરંતુ મમ્મીના મૃત્યુ બાદ લોકલાજે પણ શ્રેયને પપ્પાને પોતાના ઘરમાં સ્થાન આપવું પડ્યું. શ્રેય પત્નીને કહેતો, " શ્રુતિ,ભલે પપ્પાનું સ્થાન મારા હ્રદયમાં નથી પરંતુ એમને આપણા ઘરમાં સ્થાન તો આપવાનું જ છે અને તે પણ ભૂતકાળની કોઈ પણ કડવાશ વગર. 

જ્યારે પપ્પા શ્રેયના ઘરે રહેવા આવ્યા ત્યારે એમનું વર્તન થોડું બદલાયેલું હતું. શ્રેયના બન્ને બાળકો સાથે ખૂબ પ્રેમથી વર્તાવ કરતા હતા. જો કે શ્રેય ખૂબ જ ઓછું બોલતો હતો અને શ્રેયના કહેવાથી તેની પત્ની શ્રુતિ સસરાની બધી જરૂરિયાતો સાચવતી હતી. એમને કોઈ બાબતનું ઓછું ના આવે એનો ખ્યાલ રાખતી હતી. પત્નીના મૃત્યુ બાદ એમને ખૂબ એકલતા સાલતી હતી. હવે ભૂતકાળ એમનો પીછો છોડતો ન હતો. એમનો તથા પત્નીનું મહિને ૮૦ હજાર પેન્શન આવતું હતું. તે ઉપરાંત અત્યાર સુધીની બચતનું વ્યાજ. તે ઉપરાંત તેમને સારી સારી કંપનીમાં ખરીદેલા શેર કે જે હજારના આંકડામાં ખરીદેલા એ અત્યારે લાખમાં બોલાતા હતા. શ્રેયને એના પપ્પાએ બોલાવીને કહેલું, " બેટા, મને ખબર છે કે તેં લાેન લઈને જ કારખાનું કર્યું હશે. મારી પાસે હવે ઘણા પૈસા છે. હું માંડ થોડા વર્ષો જીવીશ. આ બધા પૈસાનું મારે શું કરવાનું ? તારી મમ્મીને પણ મેં પૈસા વાપરવા નથી દીધા. હવે તું તથા તારી અમેરિકા રહેતી બહેન આ પૈસા લઈ લો તો મારા આત્માને શાંતિ મળે. " શ્રેય પપ્પા સામે જોઈને બોલ્યો, " પપ્પા, હું એટલું બધું કમાઉ છું કે મારે તમારા પૈસાની જરૂર જ નથી અને બહેનને અમેરિકા પણ જરૂર નથી. મારી કારખાનાની લોન તો ક્યારનીએ ભરાઈ ગઈ છે. તમે અહીં શાંતિથી રહો,તમારું જ ઘર છે એમ સમજીને રહો. તમે અહીં રહો છો એ બદલ તમારે દર મહિને અમને પૈસા આપવાની જરૂર નથી. નાનપણમાં તમે અમને પાેશ્યા છે હવે અમારી ફરજ છે. અમારે પૈસા નથી જોઈતા. "

શ્રેયના પપ્પા સમજી ગયા હતા કે ભૂતકાળના મારા વર્તન બદલ મારા બંને બાળકોએ મને માફ નથી કર્યો. તેથી શ્રેયના બાળકો પ્રત્યે વહાલ વરસાવતાં. અનેક વસ્તુ હાજર કરી દેતા. શ્રેયને ગમતું તો નહીં, પણ કંઈ બોલતો નહીં. વારંવાર શ્રેયના પપ્પા એને કહેતા, " હું આટલા બધા પૈસાને શું કરીશ ?" ત્યારે શ્રેય કહેતો," પપ્પા દાન કરવાની ઘણી જગ્યાઓ છે. ઘણાં ટ્ર્રસ્ટાે છે. તમે તમારા તથા મમ્મીના પૈસાનું દાન કરી દો."

શ્રેયના પપ્પા પણ મનમાં વિચારતા કે પત્નીને જે ત્રાસ આપ્યો છે કે એના પૈસા પણ એને વાપરવા નથી દીધા. બાળકોને પણ પૈસા નથી આપ્યા. હવે બાળકોને મારે સુખ આપવું છે. પરંતુ બાળકો પાસે તો જરૂરિયાત કરતા પણ ઘણું વધારે હતું. એ લોકોને પણ કંઈ ખ્યાલ આવી ગયો હતો કે મમ્મી પપ્પા પૈસા ના લેતા હોય તો આપણાથી ના લેવાય.

 એક દિવસ શ્રેયને બોલાવીને એના પપ્પાએ કહ્યું," બેટા હું જાણું છું કે મારી પાસે પૈસા હોવા છતાંય મેં તમને નથી આપ્યા. તેથી હું જ પ્રાયશ્ચિત રૂપે મારો પૈસો વિવિધ ટ્રસ્ટ અને જરૂરિયાતવાળી સંસ્થાઓને આપીશ. બેટા તું શું માને છે કે હું આ યોગ્ય કદમ ભરી રહ્યો છું ?" 

" પપ્પા, તમે હવે પ્રાયશ્ચિતરૂપે દાન કરો કે ના કરો પણ એક વખત નાની રકમ નહીં આપી તમે આજે મોટી રકમનું દાન કરવા નીકળ્યા છે ? કહેવાય છે કે, " જો બુંદ સે ગઈ હોજ સે નહીં આતી." બોલી શ્રેય બીજા રૂમમાં જતો રહ્યો. એના પપ્પાને વિચાર કરતાં મૂકીને !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy