બુઢાપાની લાકડી
બુઢાપાની લાકડી
સોહનલાલને ત્યાં ખૂબ રાહ જોયા પછી આજે પૌત્રનો જન્મ થયો હતો. સોહિલના જન્મ પછી ૩૨ વર્ષ પછી ઘરમાં નવાંગતુકનું આગમન થયું હતું. સોહનલાલને સમીર એક જ દીકરો. એના જન્મ પછી લીલાબેનનું પાછું પેટ મંડાયું જ નહીં. એટલે બંને પતિ પત્નીએ સમીર તરફ જ પોતાનું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું. સોહનલાલની શહેરના મુખ્ય બજારમાં મોટી કાપડની દુકાન હતી. દુકાન ધમધોકાર ચાલતી હતી. પૈસાની કોઈ ખોટ નહોતી એટલે સોહિલનો ઉછેર ખૂબ લાડકોડથી થયો હતો. પણ સોહિલ ખૂબ સમજુ અને ઠરેલ છોકરો હતો. બીજા પૈસાદાર છોકરાઓની જેમ છકી નહોતો ગયો.
ભણવામાં, વાતચીતમાં, સ્વભાવે બધી રીતે સોહિલ ઉત્તમ પૂરવાર થયો. ભણવાનું પત્યું એટલે એ સોહનલાલ સાથે દુકાને જવા માંડ્યો. પોતાના ભણતરનો ધંધાના વિકાસમાં ઉપયોગ કરવા લાગ્યો. એના કારણે બે વર્ષમાં જ શહેરના વિકસતા વિસ્તારમાં બીજી દુકાન ખોલી. મમ્મી પપ્પા સાથેનું એનું વર્તન ખૂબ જ સુમેળભર્યું હતું. સમય જતાં સુશીલ ખાનદાનની સૌમ્યા સાથે એના લગ્ન થયા. સૌમ્યા પણ સ્વભાવની ખૂબ જ સારી હતી. પરિવારમાં એ દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ.
સોહિલ અને સૌમ્યાના લગ્નને પાંચ વર્ષ પસાર થઈ ગયા. પણ એમને ત્યાં પારણું બંધાયું નહીં. તેથી સોહનલાલ અને લીલાબેન જાણે અકાળે વૃદ્ધત્વ તરફ ધકેલાવા લાગ્યાં હોય એવું લાગતું હતું. સોહનલાલ એમની ઉંમર કરતા પણ દસ વર્ષ મોટા દેખાવા લાગ્યા હતા. પણ જેવી ખબર પડી કે સૌમ્યા મા બનવાની છે ત્યારથી ફરી એમના જીવનમાં જાણે વસંત ખીલવા લાગી હોય તેવું લાગતું હતું.
આજે સવારમાં જ હૉસ્પિટલમાં પૌત્રને જોઈ સોહનલાલના ચહેરા પર ખુશી ઝળકવા લાગી. એમને થયું,"આખરે મારી બુઢાપાની લાકડી ઈશ્વરે મોકલી ખરી. જુવાનીમાં કામકાજમાં હું સોહિલનું બાળપણ માણી નથી શક્યો. તો હવે ફરી મને મારા સોહિલનું બાળપણ માણવા મળશે. અમે બંને દાદા અને પૌત્ર મળી ખૂબ આનંદ કરીશું. બાળપણ અને ઘડપણ સાથે વિકસશે."
