Kalpesh Patel

Drama Tragedy

5.0  

Kalpesh Patel

Drama Tragedy

બરબાદી

બરબાદી

5 mins
1.5K


મેડમ કેટલા સમયથી તમને આ ડાબી છાતીએ દુખાવો છે ?' મેમોગ્રાફી સેન્ટરના રેડિઓલોજિસ્ટ ડોકટર જયમિને ગંભીર ચહેરે પૂછ્યું, ને એ ચહેરાની ગંભીરતા નિહાળી ઝંખનાના ચહેરા પર ચિંતાની લકીરો ઊતરી આવી.

બસ છેલ્લા મહિનાથી ડોક્ટર સાહેબ ! છાતીએ ભાર અને પીડા ખૂબ થતી હતી, અને ઘરગથ્થું ઈલાજ કારગત ન નિવડ્યો એટલે મારે તમારી પાસે મેમોગ્રાફી કરાવાની છે. આપની પાસે જરા મોડી આવી છું જેથી, તપાસ કરાવી સીધી ઘેર જઈ શકું. કેમ કંઈ ચિંતાજનક તો નથી ને ડોક્ટર સાહેબ ?' જીન્સના પેન્ટના પાછલા ખિસ્સામાંથી સ્કાર્ફ કાઢી, તેણે જૂવાન ખૂબસુરત ચહેરા ઉપરના મેકપના થરને અનટચ રાખવા પ્રેસ કરી પ્રસ્વેદ-બિંદુઓ લૂછતાં પૂછ્યું.

ઝંખના બહેન, એબનોરમલ કન્ડિશન છે, અલબત્ત કદાચ મારી ધારણા ખોટીય હોય. પરંતું સેકંડ ઓપીનિયન માટે, આપણે એક કામ કરીએ. હું તમને ડો.ધીરુ રાજદે ઉપર ચિઠ્ઠી લખી આપું છું, તેઓ તમને તરત એટેંડ કરશે. તેઓ તમારી લેફ્ટ બ્રેસ્ટમાથી બે~પાંચ એમ એલ ફ્યુડનું સેમ્પલ બયોપ્સી ટેસ્ટ માટે લેશે, હું તેને ફોન કરું છું, હમણાં જ એમની પાસે જઈ તમે ચેક-અપ કરાવી લો.'

જયમીન સાહેબ એ ડોક્ટર રાજ્દે કોણ છે ?'

કેન્સર સ્પેશિયાલિસ્ટ !' નીચું જોઈ ગંભીર ચહેરે ચિઠ્ઠી લખી રહેલા ડોક્ટરે કહ્યું ને એ સાંભળી ઝંખનાના માસલ ગોરા બદનમાંથી એક ધ્રૂજારી પસાર થઈ ગઈ.

મેમોગ્રાફી સ્પેશિયાલિસ્ટનો દાદરો ઊતરતાં સુધીમાં તો જાણે ઝંખનાનું આખુય રૂપ ઝંખવાઈ ગયું. પાંત્રીસે પહોંચ્યા છતાં એક રોમેન્ટીક કોલેજીયન યુવતીને છાજે એવી એની લટકાળી ચાલ, મારકાણાં સ્મિત પાછળ અલ્લડ બેફિકર ચહેરા પર ગંભીરતા, ગમગીન લકીરો ઊતરી આવી. ઝંકારને ફોન કરવા માટે પેન્ટના ખિસ્સા સુધી ગયેલો હાથ અધવચ્ચે અટકી ગયો.

'આ કમબખ્ત ડો. જયમીને બીજો કલાક “બરબાદ” કરાવવા, મને પાછી બીજા ડોકટરને ત્યાં મોકલી, સાડા નવ વાગી ગ્યાં છે. કેમ કરી ધંધે પહોચીશ ?'

બબડતા ઝંખનાએ, ડોક્ટર રાજદેના ક્લિનિકમાં પ્રવેશ કર્યો, ને મનોમન નક્કી કર્યું, 'જ્યાં સુધી ડૉ. જયમિન કે ડોક્ટર રાજદેનું નિદાન ન આવે ત્યાં સુધી ઝંકારને જાણ કરી ચિંતામાં નથી મૂકવો.' તે પછીની પંદરમી મિનિટે તે ડોકટર રાજદેના ક્લિનિકની બાહર હતી. ક્લિનિકની બહાર ઊભેલી ચાર બંગડીવાળી ગાડી અને તેના ડ્રાઈવરને ખબર હતી કે તેના પેસેંજરને ક્યાં જવાનું છે ! 

આ ડોકટરો વાયડા લાગે છે. રિપોર્ટ ઠેઠ સોમવારે આપશે આજે તો હજી શુક્રવારની રાત. કેમ જશે આ બે દિવસો ?' બબડતા ઝંખનાએ હોટેલ મેરિયટની લિફ્ટમાં પ્રવેશ કર્યો.

ઝંખના દીવાન, ફિલ્મની સી ગ્રેડ અભિનેત્રી, દેખાવડી અને ટેલેંટેડ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ સરખો ગોડફાધર મેળવી ન શકી. પરંતુ ફેંકાયેલ એક્ટર ઝંકાર પરીખના નામે અને આકર્ષક બદનને સહારે તેની અઠવાડિક હાટડી ધમધોકાર ચાલતી હતી. શરુ શરૂમાં ત્રાસ લાગતો તેનો આ રૂપનો વ્યાપાર, સમય જતાં ગોઠી ગયેલો. છેલ્લા મહિનામાં તેના ઉરોજો વધારે પૃષ્ઠ થતાં તે બ્યુટીશીયને આપેલા હોર્મોનનો કમાલ સમજી મલકાતી હતી. સતત એકધારો અને વધી રહેલા દુખાવાએ, તેનો આ મલકાટ હણી લીધો હતો.

ડોક્ટર જયમિનના “એબનોરમલ કન્ડિશન” ના શબ્દો કાને પડ્યા પછીના ચહેરા પર પડેલા ચિંતાના ચાસ છુપાય તેમ નહોતા. એના સદાય ચહેચહાતા કહકહાતા, બિન્દાસ્ત ચહેરાને ચૂપચાપ હોટેલમાં પ્રવેશ થતો જોઈ, એ એકવીસમાં માળે આવેલા રોયલ શ્યુટ રૂમમાં પહોંચે ત્યાં સુધીમાં તો રસ્તામાં હોટેલના દસ માણસોએ પૂછી નાખ્યું :

'કેમ મિસ ઝંખના, તબિયત ઠીક નથી કે શું ?' રૂમ વેઈટ્રેસ મિસ ડિસોજાએ, ઝંખનાને તેની પ્રિય મલબરો વ્હાઈટ પેટવી આપતા પૂછ્યું. ઝંખનાએ સીગરેટ લઈ, એક કસ લઈ હવામાં ધુમાડો છોડતા, ચૂપચાપ ફિક્કું સ્મિત આપી રૂમ માં જતી રહી !'

'અરે મિસ દીવાન ! ક્યાં ખોવાઈ ગઈ છે ?, “ફ્રાયડે નાઈટ ફેવર” છે,ખબર છે ને ? આ તારા આશિક ઝંકાર પરિખનો ફોન લાગે છે. ભારે અધિરિયો, છેલ્લા અડધા કલાકમાં આ પાંચમી વાર ઘંટડી વાગી છે. કોઈ ખાસ સેલિબ્રેશનનો પ્રોગ્રામ બનાવ્યો છે કે શું...?'

ઝંખનાએ કશો ઉત્તર આપ્યા વિના ચૂપચાપ રિસીવર હાથમાં લીધું, સામા છેડે ઝંકાર જ બોલી રહ્યો હતો :

'અરે સાંજથી ક્યાં ખોવાઈ ગઈ હતી, હની’, સમય “બરબાદ” ન કર. તારો સેલ ફોન સ્વિચ ઓફ આવે છે ! મે તને શોધવા તારી હોસ્ટેલે ફોન કરેલો ! ફોનનાં બટન દબાવતા દબાવતા મારી તો આંગળીઓ દુ:ખી ગઈ. જો સાંભળ, પેલો જડિયો બનારસી ફાયનાન્સર આજે માથે પડેલો છે. આજે તારે બે એક કલાક એને એટેંડ કરવાનો છે, ફિસ તારી...કામ મારૂ .. કામ શું છે ? તે તને કહેવાની જરૂર નથી સમજતો. કામ પતે પછી જમીશું સાથે જ. મારા ફલેટ પર.

હંમેશાં જે સ્વર સાંભળતાં જ આખા ય બદનમાં એક મસ્તીભરી ઝણઝણાટી વ્યાપી જતી હતી એ ઝંકારના આજના સત્તાવાહી સ્વરે ઝંખનાને આજે યાદ દેવડાવ્યું કે ઝંકાર સાથેના આભાસી સંબંધોને પોષી પોતાની જાતને છેતરી પોતાની જવાની “બરબાદ” કરી રહી છે અને ફોનમાં સૂકા અવાજે, 'સોરી ઝંકાર, લીવ મી એલોન,' કહી ઝંખનાએ ફોન કટ કટી દીધો. મિસ ડીસોઝા આજે ઝંખનાના અવાજમાં છુપાયેલી વ્યથાને વિચિત્ર નજરે નિહાળી રહી હતી.

કમાણીનો મોકો છોડતી જોઈ, મિસ ડિસોઝાથી ચિંતા વ્યક્ત કર્યા વિના રહેવાયું નહીં, 'તબિયત તો બરાબર છે ને ?'

'ફરગેટ, મારી મસ્ત તબિયતને વળી શું થવાનું ?'નો બનાવટી લહેજાભર્યો ઉત્તર આપી, બીજી સિગારેટ પેટાવા ઈશારો કરી જોહની વોકર બ્લેકનો જામ ગટગટવતા સ્વભાવિક રીતે જ એનાથી અનાયાસ બોલાઈ ગયું :

' મિસ ડીસોઝા આ રોયલ સ્યૂટમાં મારા જેવી કેટલી “બરબાદ” થવા આવી ગઈ હશે, છે તેનો અંદાજ. હું હવે થાકી ગઈ છું. બસ જો આ ઝંકાર પરીખની મા સાવિત્રી માની જાય, તો તેને પકડી ઠરી ઠામ થવા માગું છું.’

ડિસોઝા અજાયબીભર્યા ચહેરે 'બગલાના મોઢે રામ' સાંભળી રહી.

ડિસોઝાએ હમદર્દીભર્યા દોસ્તાના સ્વરે એને કહ્યું : 'કારણ કંઈ પણ હોય,પણ ઝંખના મેડમ તું આજે પહેલી વાર આઉટ ઓફ મૂડ છે, ચાલ લે આ જામ, પેલો સાજનમલ મારવાડી ઈમ્પોર્ટેડ વ્હિસ્કીની બોટલ ભૂલી ગયો છે. મજા આવશે.'

'સોરી, મારાથી નહીં લઈ શકાય' અને એ નકાર સામે અજાયબીથી તાકી રહેતાં ડીસોઝા બોલી, 'તું પીવાની ના પાડે છે, ઝંખના ? કંઈ નહીં, તારી મરજી. જ્યારે મન થાય ત્યારે આ રૂમ તારા નામે સોમવાર સવાર સુધી બુક છે, ઈચ્છા થાય તો બેલ મારજે, હું હાજર કરીશ. બસ ટેક રેસ્ટ એન્ડ ફરગેટ ઓલ ઓડ,ટેક રેસ્ટ.'

સોમવારે સવારે ડોકટર જયમિનની ધારણા ઉપર સિક્કો મારતા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો.ધીરુ રાજદેએ ફ્યુડની બાયોપ્સી તપાસનું નિદાન પણ પોજિટિવ આપી દીધું : અને સી ટી સ્કેન કરાવવાની સલાહ આપી જેથી કેન્સરનો વ્યાપ કેટલો છે તે જોઈ, ‘લાઈન ઓફ ટ્રીટમેંટ’, નક્કી કરી શકાય.

ઝંખનાએ રિપોર્ટ્સ ફરી એકવાર વાંચ્યા. ઉતરતા નશે,તેણે મોબાઈલ પર આવેલા બંને રિપોર્ટ કાઠા હૃદયે ડિલીટ માર્યા.

મેરિયેટ હોટેલની બહાર ઊભેલી ચાર બંગડીવાળી ગાડી અને તેના ડ્રાઈવરને આજે ખબર નહતી કે તેના પેસેંજરને ક્યાં જવાનું છે ? 

…..અને હવે આદેશ હતો ગાડી હંકારવા સીધી ઝંકાર પરીખનાં ફ્લેટની દિશામાં....

...“મૃત્યુની બીકમાં “બરબાદી”ને દફનાવા”


Rate this content
Log in

Similar gujarati story from Drama